વર્ષનાં ચાર વણજોયાં મુહૂર્તોમાંથી અક્ષયતૃતીયા (આ વર્ષે ૨૧ એપ્રિલ) એક છે. અખાત્રીજ તરીકે પણ ઓળખાતી અક્ષયતૃતીયા એટલે મુહૂર્ત ગ્રંથ અને હિન્દુ કાળગણના મુજબ સ્વયંસિદ્ધ ઈશ્વરીય તિથિ અને સ્વયંસિદ્ધ અભિજિત મુહૂર્ત. અક્ષયતૃતીયાનાં તમામ મુહૂર્ત શુભ ગણાય છે. આથી જ આ દિવસે તમામ માંગલિક કાર્યો મુહૂર્ત જોયા વગર થઈ શકે છે.
અક્ષયતૃતીયાના પર્વના નામકરણમાં બે શબ્દો છે - અક્ષય અને તૃતીયા. અક્ષયનો અર્થ થાય છે જેનો ક્ષય થતો નથી તેવું અને તૃતીયા એ તિથિ ક્રમ છે. આ એક એવી તિથિ છે જેનો કદી ક્ષય થતો નથી. વિષ્ણુ ધર્મોત્તારમાં એવું જણાવાયું છે કે આજના દિવસે વૈકુંઠવાસી ભગવાન વિષ્ણુની અક્ષત વડે પૂજા થતી હોવાથી આ તિથિ અક્ષયતૃતીયા કહેવાય છે. જ્યારે અન્ય કોઈ પણ સમયે ભગવાન વિષ્ણુની પૂજા અક્ષત દ્વારા નહીં, પણ તલ દ્વારા થાય છે.
આ દિવસે લગ્ન, ગૃહપ્રવેશ સહિતનાં કોઈ પણ મંગળકાર્ય માટે યોગ, ગ્રહ-નક્ષત્ર વગેરે જોવાની જરૂર રહેતી નથી. કોઈ પણ કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય છે. લગ્નના ઢોલ પણ ઢબૂકે છે અને ગૃહપ્રવેશના પ્રસંગો પણ રંગેચંગે ઉજવાય છે. ઘણી વાર યુવક-યુવતીની ચોક્કસ ગ્રહદશાને રાખતાં લગ્ન માટેનું મુહૂર્ત પછીના વર્ષે ઠેલાતું હોય છે, પરંતુ અખાત્રીજને દિવસે ગ્રહોની કે બીજી કોઈ પળોજણમાં પડવાની જરૂર રહેતી નથી. આમ, લગ્ન માટેનું આ સર્વસામાન્ય સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે.
અક્ષયતૃતીયાએ કરાયેલા કોઈ પણ કાર્યના ફળનો ક્ષય થતો નથી, તેથી જ ભગવાન વિષ્ણુ, લક્ષ્મીજીનું પૂજન, દાન, સ્નાન અને સોના-ચાંદીની ખરીદી કરાય છે.
પૌરાણિક કથા
હિન્દુ પુરાણોમાં જોવા મળતા ઉલ્લેખ અનુસાર અક્ષયતૃતીયાના દિવસે જ મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું. દ્વાપર યુગનું સમાપન પણ આ જ દિવસે થયું હતું. આ દિવસ વિશે યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ‘આજના દિવસે જે પણ રચનાત્મક અથવા સાંસારિક કાર્ય કરશે, તેનું પુણ્યફળ અવશ્ય મળશે.’ આમ, કોઈ પણ નવું કાર્ય, નવા ઘરમાં પ્રવેશ અને વેપાર-ધંધો શરૂ કરશો તો તેમાં બરકત અને ખ્યાતિ મળશે. એવું મનાય છે કે અક્ષયતૃતીયાના દિવસે સ્નાન, ધ્યાન, જપ-તપ, હવન કરવાથી અને પિતૃતર્પણ કરવાથી તથા દાન-પુણ્ય કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.
એક અન્ય પ્રચલિત કથા અનુસાર, પ્રાચીન કાળમાં એક ગરીબ, સદાચારી અને દેવતાઓમાં અખૂટ શ્રદ્ધા ધરાવતો વૈશ્ય રહેતો હતો. તે શ્રીમંત ખાનદાનનો હોવા છતાં પણ બહુ ગરીબ હતો. તે દિવસ-રાત ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરતો હતો. એક દિવસ કોઈ બ્રાહ્મણે તેને અક્ષયતૃતીયાનું વ્રત કરવાની સલાહ આપી.
આ દિવસે ગંગાસ્નાન કરીને વિધિ-વિધાનપૂર્વક દેવતાઓની પૂજા કરવાથી પણ અનેકગણું પુણ્ય મળે છે એમ તેમણે જણાવ્યું. આ વૈશ્યે બ્રાહ્મણના જણાવ્યા અનુસાર વ્રત કર્યું અને થોડાક જ દિવસોમાં તેનો વેપાર ધમધોકાર ચાલવા લાગ્યો. ત્યારબાદ તે આખી જિંદગી અક્ષયતૃતીયાના દિવસે દાન-પુણ્ય કરવા માટે ધનનો કોથળો ખુલ્લો મૂકી દેતો. બીજા જન્મમાં આ વૈશ્ય કુશાવતીનો રાજા બન્યો. તે એટલો ધનવાન અને પ્રતાપી રાજા હતો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ તેના દરબારમાં અક્ષયતૃતીયાના દિવસે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને તેના મહાયજ્ઞમાં સામેલ થતા હતા. રાજાને પોતાની શ્રદ્ધા અને ભક્તિનો લેશમાત્ર પણ ઘમંડ નહોતો અને અપાર વૈભવ છતાં તે ધર્મના માર્ગથી વિચલિત થતો ન હતો. એક કિવદંતી અનુસાર આ જ રાજા આગળ જઈને ચંદ્રગુપ્તના રૂપમાં પેદા થયો હતો.
વ્રતપૂજા
અક્ષયતૃતીયા પર્વે કરાયેલાં કોઈ પણ કાર્ય કે તેનાં શુભ ફળનો ક્ષય થતો નથી. તેથી આજના દિવસે કરેલું વ્રતપૂજન અને તેનું ફળ પણ અક્ષય બની જાય છે. અક્ષયતૃતીયાનો દિવસ ઉપવાસ માટે પણ શ્રેષ્ઠ છે. અક્ષયતૃતીયાને વ્રત, ઉત્સવ અને તહેવાર એમ ત્રણેય શ્રેણીમાં સ્થાન ધરાવે છે.
અક્ષયતૃતીયાના દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાનાદિ કર્મોથી નિવૃત્ત થઈને વ્રત અથવા ઉપવાસનો સંકલ્પ કરો. પૂજાસ્થાન કે ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ કે તસવીરનું લક્ષ્મીજી સહિત સ્થાપન કરીને પૂજનનો પ્રારંભ કરો.
ભગવાન વિષ્ણુને પંચામૃત તથા ગંગાજળથી સ્નાન કરાવો. પછી વસ્ત્ર, ચંદન, પુષ્પમાળા, જવ, અક્ષત (ચોખા), કાકડી, ચણાની દાળ વગેરે અર્પણ કરીને પૂજન કરો. ધૂપ-દીપ કરીને ભગવાનન આરતી અને પૂજન કરો. ત્યારબાદ વિષ્ણુ ભગવાનની કોઈ કથા સાંભળો અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. પાઠ પૂરા થયે ભગવાનને ભોગ ધરાવો. ધન-સમૃદ્ધિ માટે માતા લક્ષ્મજીનું પૂજન કરો. સુખ-શાંતિ તથા સૌભાગ્યમાં વૃદ્ધિ માટે ભગવાન શિવ તથા માતા-પાર્વતીનું પૂજન પણ કરાય છે.
લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો અવસર
ઐશ્વર્ય અને ધનની અધિષ્ઠાત્રી ભગવતી લક્ષ્મીની કૃપાપ્રાપ્તિ માટે અક્ષયતૃતીયા શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. જેઓ પોતાનું દુઃખ, દરિદ્રતા દૂર કરીને ધન એટલે કે લક્ષ્મી મેળવવા માગતા હોય તેમણે અક્ષયતૃતીયાના અભિજિત મુહૂર્તમાં લક્ષ્મીજીના સાક્ષાત્ સ્વરૂપ એકાક્ષી નાળિયેરનું ઘરના ઇશાન ખૂણામાં બાજઠ મૂકીને તેના પર લાલ રંગનું આસન બિછાવીને સ્નાનાદિ વિધિ પૂર્ણ કરીને અંગ પર રેશમી વસ્ત્ર ધારણ કરીને વિધિવત્ સ્થાપન કરવું. તેના પર ચંદન, કંકુ પધરાવીને નાળિયેરની ફરતે લાલ રેશમી વસ્ત્ર ઓઢાડવું અને લગભગ અડધો મીટર જેટલા શ્વેત અથવા પીળા રેશમી વસ્ત્ર પર લક્ષ્મીજીનો કોઈ મંત્ર લખીને ગંગાજળ, પુષ્પ, અક્ષત તથા નૈવેદ્ય અર્પણ કરવાં. મંત્રલેખન પહેલાં ધૂપ-દીપ અવશ્ય કરવા. મંત્રની માળાનો એક જાપ કરવો.
આ પ્રમાણે પૂજનવિધિ કર્યા પછીના બીજા દિવસે પ્રાતઃકાળે સ્નાનાદિથી શુદ્ધ-પવિત્ર થઈને એકાક્ષી નાળિયેર પર ૧૨૦ લાલ ગુલાબનાં ફૂલ ચઢાવવાથી નાળિયેર સિદ્ધ થયું ગણાશે. આ નાળિયેરને નિત્ય પૂજા માટે પૂજાસ્થાન કે મંદિરમાં સ્થાપિત કરવું અને દરરોજ તેનું પૂજન કરવું. આમ કરવાથી ધન-સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થાય છે. લક્ષ્મીજીને ઘરમાં સ્થિર કરવા માટે તો અક્ષયતૃતીયાનું પર્વ જ શ્રેષ્ઠ સમય ગણાય છે.
ઐતિહાસિક ઘટનાઓ
અક્ષયતૃતીયાના દિવસે ભારતીય પૌરાણિક કાળમાં ઘણી ઘટનાઓ ઘટી હતી, જે આ તિથિને મહત્ત્વ અને દૃઢતા પ્રદાન કરે છે. ઘટનાઓ આ પ્રમાણે છે.
• અક્ષયતૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. આ સિવાય નરનારાયણ અવતાર અને હયગ્રીવ અવતાર પણ થયો હતો.
• અક્ષયતૃતીયાને ત્રેતા યુગનો આરંભ માનવામાં આવે છે.
• આ જ દિવસે ગંગા નદીનું ધરતી પર અવતરણ થયું હતું.
• મર્હિષ વેદવ્યાસે અક્ષયતૃતીયાના દિવસે જ મહાભારતની રચના શરૂ કરી હતી, જેને ભગવાન ગણેશે લિપિબદ્ધ કરી હતી.
• પાંડવોના વનવાસ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણે તેમને અક્ષયપાત્ર આપ્યું હતું. જેમાંથી અન્નનો ક્યારેય ક્ષય થતો નહોતો.
• દ્રૌપદીના ચીરહરણની ઘટના આ દિવસે જ ઘટી હતી. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દ્રૌપદીના ચીરને અક્ષય બનાવ્યું હતું.
• શ્રીકૃષ્ણે બાળસખા સુદામાની મદદ કરી હતી અને તેમને દરિદ્રતામાંથી મુક્તિ અપાવી હતી તે દિવસ પણ અક્ષયતૃતીયાનો હતો.
• કુબેરે ભગવાન શિવની પૂજા કરીને પોતાની સમૃદ્ધિ પાછી મેળવી હતી.
મુહૂર્તનું મહત્ત્વ
અક્ષયતૃતીયા વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. કોઈ પણ જાતનાં માંગલિક કાર્યો જેમ કે લગ્ન, જમીન-મકાન વગેરે જેવી મિલકતોની ખરીદી અને પૂજન તથા ઘરેણાં અને વાહનોની ખરીદી આ દિવસે કરાય છે.
• આ દિવસે ગંગાસ્નાનને વિશેષ પુણ્યકારી માનવામાં આવે છે તથા મૃત પિતૃઓનું તલ-જળથી તર્પણ અને પિંડદાન પણ કરવામાં આવે છે અને તેનું ફળ અક્ષય મનાય છે.
• ઋતુના પરિવર્તનની અને ખેતીવાડીમાં ઉન્નતિની મંગલ ભાવના માટે આ તહેવાર ઊજવાય છે. ખેડૂતો અન્નની પૂજા કરે છે.
• આ દિવસે બદ્રીકાશ્રમમાં ભગવાન બદ્રીનાથનાં દ્વાર ખૂલે છે. એટલા માટે આ તિથિએ શ્રી બદ્રીનાથજીની મૂર્તિ સ્થાપીને તેમની પૂજા કરવામાં આવે છે.
• અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીપૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે લક્ષ્મીપૂજન કરાય તો તેમની ચંચળતા સ્થિર થાય છે.