અન્યાય અને અત્યાચારના અંતનું પ્રતીકઃ વિજયાદશમી પર્વ

પર્વવિશેષ

Tuesday 26th September 2017 11:28 EDT
 
 

આદ્યશક્તિની આરાધનાના નવ રાત્રિના પર્વના અંતે આવતો તહેવાર એટલે વિજયાદશમી પર્વ (આ વર્ષે ૩૦ સપ્ટેમ્બર). શ્રીરામચંદ્રજીનો રાવણ પરનો ભવ્ય વિજય ભારતવર્ષમાં વિજયાદશમી તરીકે દર વર્ષે ઊજવાય છે. વિજયાદશમી એટલે અસત્ય પર સત્યનો અને આસુરીશક્તિ પર દૈવીશક્તિનો ભવ્ય વિજય.

આપણે સહુ રામાયણગાથા જાણીએ છીએ... અષાઢની મેઘગર્જનાની જેમ અટ્ટહાસ્ય કરતો દસ માથાળો રાવણ યુદ્ધભૂમિ પર નિર્ભય બની ઊભો હતો. શ્રીરામચંદ્રજીનાં પ્રત્યેક બાણ અફળ જતાં હતાં તે વેળા વિભીષણે તેમને કહ્યું: ‘હે રઘુવીર! રાવણના નાભિકુંડમાં અમૃતકૂંપી છે. તેના પ્રતાપે જ તે શિરોચ્છેદ થવા છતાં સજીવન થઇ જાય છે. અમૃતકૂંપી છે ત્યાં સુધી રાવણ અમર રહેશે. તેને મારવા માટે પહેલાં અમૃતકૂંપી ફોડવી પડશે.’ વિભીષણની વિસ્મયભરી વાત સાંભળી શ્રીરામે રાવણના નાભિકુંડ પર દૃષ્ટિ કરી. મદમસ્ત રાવણ રામચંદ્રજીને લલકારી રહ્યો હતો ત્યારે ભગવાન શ્રીરામચંદ્રે ઇષ્ટદેવનું સ્મરણ કરીને મહર્ષિ અગસ્ત્યે આપેલા બ્રહ્માસ્ત્રને ધનુષ્ય પર ચઢાવ્યું, અને સ્વસ્થચિત્તે બ્રહ્માસ્ત્ર છોડ્યું. રાવણનું નાભિકુંડ છેદાતાં જ અમૃતકૂંપી ફૂટી ગઇ અને મહાન શિવભક્ત એવો દસ માથાળો રાવણ પૃથ્વી પર ઢળી પડ્યો. આ સાથે સાત દિવસ - સાત રાતથી ચાલતા રામ-રાવણ યુદ્ધનો અંત આવ્યો. ત્રેતાયુગમાં શ્રીરામચંદ્રજીએ રાવણ પર વિજય મેળવ્યો તે દિવસ હતો આસો સુદ દશમીનો.

જોકે આ પર્વ સાથે જોડાયેલો પ્રતીકાત્મક સંદેશ બહુ જ પ્રેરણાદાયી છે. રાવણના દસ માથા એ માનવીની અંદર દસ પ્રકારનાં આસુરી તત્ત્વોનું પ્રતીક છે. માનવજીવને વિનાશમાર્ગે દોરી જતાં આ દસ આસુરી તત્વો ક્યાં છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ, દંભ અને કુદૃષ્ટિ. આ દસ આસુરી તત્ત્વો જ રાવણને સર્વનાશના માર્ગે દોરી ગયા હતાને?! માત્ર રાવણમાં નહીં, પરંતુ પ્રત્યેક માનવમાં થોડા ઘણા અંશે હોય છે. વિજયાદશમીનું આ પર્વ માનવમાત્રને આ દસ આસુરી તત્ત્વો પર વિજય મેળવવાની એક સદ્પ્રેરણા આપે છે. આપણા મનની અંદર રહેલાં દસ આસુરી તત્ત્વોનો જો આપણે સત્યનો સહારો લઇને નાશ કરશું તો જીવનમાં ખરા અર્થમાં વિજયાદશમી પર્વ ઉજવ્યું ગણાશે.

વિજયદશમીનું પ્રેરણા પર્વ માનવમનમાં છવાયેલી નિરાશાઓની વચ્ચે એક નવી આશાઓનો સંચાર કરે છે. અન્યાય અને અત્યાચારનું સામ્રાજ્ય ભલે ગમેતેટલું પ્રબળ રીતે પ્રસ્થાપિત થયું હોય, ન્યાય અને સદાચારનાં સાત્વિક શસ્ત્રો દ્વારા એક દિવસ તો દુષ્ટ સામ્રાજ્યનો પરાજય થવાનો જ છે.

વિજય હંમેશાં સત્યનો થાય છે. જીવનમાં ગમેતેટલી મુશ્કેલી આવે તો પણ ધીરજ ન ગુમાવવી જોઇએ. પરિસ્થિતિ સામે અડીખમ ઊભા રહેવું જોઇએ. અડગ મનના માનવીઓ જ વિજયપતાકા ફરકાવી શકે છે. વિજયાદશમી પર્વ અન્યાયના અંતનું પણ પ્રતીક છે. પ્રત્યેક માનવે પર્વનું ચિંતન કરવું જોઇએ તો તેની પાછળ રહેલો હેતુ સમજાય.

નવરાત્રિના નવ દિવસ દરમિયાન આજે પણ ભારતમાં અનેક સ્થળે રામલીલા ભજવવામાં આવે છે. શ્રીરામચંદ્રજીનું ઉજ્જ્વળ ચરિત્ર સદાચાર, આદર્શતા અને સામાજિક મર્યાદાને જીવનમાં ઉતારવાનું શીખવે છે. શ્રીરામ અને રાવણ બંને જ્ઞાની હતા. ફરક માત્ર એટલો હતો કે શ્રીરામનું જ્ઞાન તેમના આચરણમાં હતું, જ્યારે રાવણનું જ્ઞાન તેના આચરણમાં હતું.

રાવણ ભલે મહાન શિવભક્ત હતો, મહાશક્તિશાળી હતો, છતાં પણ તેનામાં આસુરી તત્ત્વો ઓતપ્રોત થયેલાં હતાં. પુલત્સ્ય ઋષિના શ્રેષ્ઠ બ્રાહ્મણકુળમાં રાવણ જન્મ્યો હતો. જન્મે બ્રાહ્મણ હતો છતાં રાવણ આસુરી કર્મથી અસુર બની ગયો હતો. તેના પરથી સ્પષ્ટ થાય છે કે માણસનું મૂલ્યાંકન તેના કુળ પરથી નહીં, પણ તેનાં કર્મ પરથી થાય છે.

રામલીલાના અંતે વિજયાદશમી પર્વે રાવણનું પૂતળું બાળી રાવણ વિજયના પ્રસંગને ઉત્સાહભેર ઊજવવામાં આવે છે. આસુરીવૃત્તિ સામે લડવાની પ્રેરણા આપણને રામચંદ્રજીના જીવનમાંથી મળે છે. આથી જ રામલીલા આટલાં વર્ષો વીતી ગયાં પછીય ભજવાય છે અને રસપૂર્વક જોવાય પણ છે. જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી શ્રીરામચંદ્રજીની યશગાથા ગવાતી રહેશે.

આપણી ભારતીય સંસ્કૃતિ શૌર્યશક્તિની ઉપાસક છે. વિજયા દશમી વીરતાનો દિવસ છે. શૌર્યપુરુષોથી સમાજમાં વીરતા પ્રગટે છે. વીરતાથી સમાજ ભયમુક્ત થાય છે. વીર પુરુષ સર્વત્ર પૂજાય છે. આવી વીરતા આજે આપણા સમાજમાં પ્રગટે તેની આજના સમયમાં તાતી જરૂર છે. આથી પહેલાંના જમાનામાં રાજા રજવાડામાં રાજ્યના શસ્ત્રાગારમાં રખાયેલાં શસ્ત્રોની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા કરાતી હતી. આપણી સંસ્કૃતિમાં વાહનને પણ શક્તિના સ્વરૂપે જોવામાં આવે છે. તેથી આ પર્વે લોકો પોતાનાં વાહનોની પણ પૂજા કરે છે. તો શ્રમિક વર્ગ પોતાની આજીવિકાનું માધ્યમ એવા ઓજારોની પૂજા કરે છે. આ દિવસે યંત્રોનું પણ પૂજન થાય છે. સમગ્ર ભારતીય સમાજ આ પર્વે કોઇને કોઇ સ્વરૂપે શક્તિની ઉપાસના કરતો હોય છે. રાવણમાં રહેલાં આસુરી તત્ત્વો આજે સમાજમાં ઠેર ઠેર જોવા મળે છે. બસ, આસુરી તત્ત્વોનો નાશ થાય તો પર્વની ઉજવણી સાર્થક ગણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter