અહંશૂન્યતાની મૂર્તિઃ પ્રમુખસ્વામી મહારાજ

પર્વવિશેષ

સાધુ અક્ષરવત્સલદાસ Monday 27th November 2017 09:16 EST
 
 

અનહંકૃતિ એટલે અહંકારથી રહિતતા. પરમાત્માના સકળ સદ્ગુણોનો સરવાળો આ એક સદગુણમાં સમાય છે, કદાચ એટલે જ સકળ સદ્ગુણોમાં મહર્ષિ વેદવ્યાસજીએ એનો ક્રમ સર્વથી છેલ્લે મૂક્યો હતો. સ્વયં ધર્મોપરી સર્વકર્તા હોવા છતાં અહંકારનો સ્પર્શમાત્ર ન હોવો, એમાં જ સંતની સાધુતાની પ્રતીતિ છે, જેમનામાં સર્વ સામર્થ્ય તથા સર્વે સદ્ગુણોનો પૂર્ણ નિવાસ છે એવા સંત, આ જ સદ્ગુણથી સંતત્વની સાચી પ્રતીતિ કરાવે છે. વિનમ્રતા તો સજ્જનોનો પણ એક સર્વસામાન્ય સહજ ગુણ છે, પરંતુ અહીં એવી લોકપ્રસિદ્ધ વિનમ્રતાની વાત નથી. અહીં પૂર્ણ અર્થમાં અહંકાર-રહિતતાનો બોધ છે, જ્યાં ‘હું’ ભાવનો પ્રલય થઈ ગયો છે.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એ કક્ષાએ બિરાજતા હતા, જ્યાં ‘હું’ ભાવનું અસ્તિત્વ માત્ર નહોતું. જેમણે જીવનભર અકર્મણ્યતા જ સેવી હોય એવી કોઈ વ્યક્તિની આ વાત નથી. જેમણે પરહિત માટે જ જીવનભર સતત કર્મ કર્યું છે, પ્રચંડ પુરુષાર્થ કર્યો છે, જાતને સતત ઘસી છે એવા મહાપુરુષની વાત છે.

પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય પ્રત્યે એક નજર માત્ર આપણને નતમસ્તક બનાવે છે, પરંતુ પોતાની સિદ્ધિઓ, પોતાના કાર્યકલાપો કે સદગુણોથી તેઓ ક્યારેય ન તો ઉન્નત મસ્તક થયા હતા, ન તો રોમાંચિત થયા હતા.

એમણે કેવું કાર્ય કર્યું છે?!

એક અર્વાચીન સંત-મહર્ષિ તરીકે તેમણે ઉપનિષદ-કાલીન ભારતીય આધ્યાત્મિક ચિંતનને જગતના લાખો લોકોના જીવનમાં સાકાર કર્યું છે. સનાતન ભારતીય પરંપરામાં એક સાચા પરિવ્રાજક તરીકે લોકોને સાચો રાહ ચીંધવા એમણે ૧૭ હજારથી વધુ ગામડાંઓ અને નગરોમાં પરિભ્રમણ કર્યું હતું.

સંસ્કૃતિના એક પ્રખર જ્યોતિર્ધર તરીકે તેમણે સંસ્કૃતિની ભાગીરથી પ્રવાહિત કરી છે. એક સંસ્કૃતિપુરુષ તરીકે એમણે જગતભરમાં મહામંદિરો અને અક્ષરધામ રચીને સંસ્કૃતિનો પ્રચંડ શંખધ્વનિ કર્યો છે, જગતભરમાં સંસ્કૃતિનું અભૂતપૂર્વ ગૌરવ કર્યું છે. એક આર્ષદૃષ્ટા મહાપુરુષ તરીકે એમણે એવી પરંપરાઓનું સ્થાપન-માર્જન-સંમાર્જન કર્યું છે, જેનાથી વર્ષો સુધી અસંખ્યને જીવનનો સાચો માર્ગ મળતો રહે.

એક પ્રખર સમાજ-ઉદ્ધારક તરીકે એમણે સમાજનાં અનેક દૂષણો સામે ભારતીય સનાતન પરંપરાઓનું નવમાર્જન બક્ષીને સમાજને સાચી દિશા ચીંધી છે. તેમણે અનેક અધમ અને પતિત લોકોનાં ઝૂંપડાઓ સુધી પહોંચીને તેમને પાવન કર્યાં છે, એમનું જીવન પરિવર્તન કર્યું છે.

વિશ્વશાંતિના પરમ પુરસ્કર્તા તરીકે તેમણે જગતભરમાં શાંતિ પ્રસરાવવા અનન્ય પરિશ્રમ કર્યો છે. પોતાના જીવનના બુંદે બુંદનો ઉપયોગ કરીને જે યુગકાર્ય કર્યું છે, એની શબ્દોમાં સમીક્ષા અસંભવિત છે.

એમના નિષ્કલંક સંન્યસ્ત જીવનની યાત્રા પર નજર કરીએ છીએ, ત્યારે મનમાં સવાલ થાય છે કે તેઓના દિવ્ય વ્યક્તિત્વના અસંખ્ય પરિમાણોમાં સૌથી વધુ પ્રભાવક પરિમાણ કયું?

ઘણું બધું છે પણ સૌથી વધુ આકર્ષક રહ્યું છે - એમનું અહંશૂન્ય ભક્તહૃદયી વ્યક્તિત્વ. નમ્ર અને સરળ. સહજ અને પારદર્શક. માન-મોટપની કોઈ આશા-અપેક્ષા નહીં.

એવા અહંશૂન્યતાની મૂર્તિ સમાન પ્રમુખસ્વામી મહારાજને ૯૭મા જન્મદિવસે કોટિ કોટિ વંદન...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter