ભારત એ ઉત્સવો અને પર્વોનો દેશ છે. અહીંની પ્રજા ઉત્સવપ્રિય છે. ઉત્સવનો અર્થ આ પ્રમાણે છે - ઉ એટલે ઉમંગ અને ત્સવ એટલે ઉછાળવું - જે ઉમંગો, ઉછાળો છે તે ઉત્સવો. વ્રજ એ આનંદનું ધામ અને ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ છે. દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં જે કોઈ ઉત્સવો ઊજવાતા હતા તે ઉત્સવોની પરંપરા આજે પણ ચાલે છે. વળી જે ભૂમિમાં આનંદ સ્વરૂપ શ્રીકૃષ્ણ રહેતા હોય તે ભૂમિ ઉત્સવપ્રિય કેમ ન હોય?
વ્રજના બધા જ ઉત્સવોમાં હોળી-ધુળેટી અને દિવાળી એ બે સૌથી મોટા ઉત્સવ છે. સામાન્ય રીતે બીજે બધે હોળી-ધુળેટી (આ વર્ષે ૯-૧૦ માર્ચ) બે દિવસ મનાવવામાં આવે છે, પરંતુ ચોર્યાશી કોસના વ્રજમાં હોળીની વધાઈ ૪૦ દિવસ પહેલાં આપી દેવાય છે અને હોળી પૂરેપૂરા ૧૭ દિવસ ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન આખુંય વ્રજ કૃષ્ણમય બનીને ભક્તિના રંગે રંગાઈ જાય છે ત્યારે પ્રત્યેક વ્રજ-નારી ગોપી અને પ્રત્યેક વ્રજ-નાર કૃષ્ણ બની જાય છે. ખાસ કરીને પુષ્ટિમાર્ગીય મંદિરોમાં વસંતપંચમીથી લઈને ફાગણ વદ એકમ સુધી હોળી ઉત્સવ મનાવવામાં આવે છે. જેમ જેમ દિવસો વહેતા જાય છે તેમ તેમ ક્રમશઃ હોળી રમવાનો રોમાંચ વધતો જાય છે.
ભગવાન શ્રીકૃષ્ણે વૃંદાવનમાં પલાશનાં ફૂલોના રંગથી હોળી રમવાની શરૂઆત કરી હતી, ત્યારથી આજ દિન સુધી મંદિરો અને હવેલીઓમાં હોળીનું પર્વ પલાશના રંગોથી ઉજવાય છે. હોળીના રંગોત્સવ દરમિયાન વ્રજમાં ક્યાંક લોકસંગીત અને રાસની રમઝટ જામે છે તો ક્યાંક કુસ્તીના દંગલ, નૃત્ય અને રસીલી ઢાઢીલીલા થાય છે. જેમાં વ્રજ સદંતર રીતે ખોવાઈ જાય છે. ધુળેટી પછી ચાર દિવસ સુધી વ્રજમાં તાનો નામનાં લોકગીતોનો કાર્યક્રમ યોજાય છે. આ દરમિયાન ઠેર ઠેર ચરકુલા નૃત્ય, હળ નૃત્ય, હુક્કા નૃત્ય, વાંસ નૃત્ય, તખ્ત નૃત્ય, ચાંચર નૃત્ય અને ઝૂલા નૃત્ય વગેરે યોજાય છે. આમ તો વ્રજમાં સર્વત્ર હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે, પરંતુ ચાર સ્થળની હોળી વધારે પ્રસિદ્ધ છે.
નંદગામ-બરસાનાની હોળી
નંદગામના છેલછબીલા યુવાનો રંગ ઉડાડતા, નાચતા-ગાતા હાથમાં ચામડાની ઢાળો લઈને બરસાના આવે છે ત્યારે બરસાનાની યુવતીઓ લાકડીઓથી તેમનું સ્વાગત કરે છે. બરસાનાની યુવતીઓ ચપળતાથી ફરી ફરીને યુવાનો પર લાકડીઓના ઘા કરતી જાય છે અને યુવાનો ચામડાની ઢાલથી પોતાના માથે પડતા ઘાને ઝીલી લે છે. બરસાનાની સાંકડી ગલીઓમાં દરેક વ્યક્તિ આ લઠ્ઠમાર હોળીનો આનંદ લેતી જાય છે અને રંગ ગુલાલનો વરસાદ કરતી જાય છે.
જાવબેઠનની હોળી
વ્રજમાં બીજી પ્રસિદ્ધ હોળી જાવબેઠનની છે. આ જ જગ્યાએ શ્રીકૃષ્ણે શ્રીરાધાજીનાં ચરણોમાં અળતો (એટલે ઉકાળેલી લાખમાંથી બનાવેલો રાતો રંગ. અત્યારે મેંદીનો છૂંદો લગાવાય છે તે રીતે જૂના સમયમાં સ્ત્રીઓ ઉપયોગમાં લેતી) લગાવ્યો હતો. અહીં ચૈત્ર સુદ બીજની બપોરથી હોળી રમવાની શરૂ થાય છે, જે સૂર્યાસ્ત સુધી ચાલે છે. ગામના તમામ નાના-મોટા લોકો ગામના ચોકમાં એકઠાં થાય છે. પછી હાથમાં ઝાંઝ, પખવાજ, ડફ, થાળી, મંજીરા, ઢોલક, ખંજરી વગાડતાં - વગાડતાં ગામની ગલીઓમાં ફરે છે. તે દરમિયાન ગામની નવવધૂઓ તેઓનું સ્વાગત અબીલ - ગુલાલની સાથે લાકડીઓથી કરે છે અને યુવાનો લાકડીઓના મારથી બચવા માટે વાંસની ટોપલીઓની ઢાલ બનાવી લે છે.
દાઉજીની હુરંગા હોળી
લઠ્ઠમારની હોળી જેવી જ હોય છે દાઉજીની હુરંગા હોળી. હોળીના ઉત્સવમાં સખ્યભાવ હોવાથી અરસપરસ ભેદભાવ હોતા નથી. બધા ભેગા થઈને ફગુઆ ખેલે છે અને આઠ દિવસ અગાઉથી ઘેરૈયા બનીને નાચે છે. અબીલ - ગુલાબ અને પલાશના ભીના રંગોથી પિચકારી ભરી એકબીજા ઉપર છાંટે છે.
ફારેન ગામની હોળી
ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકાદહન થાય છે. આ દિવસે વ્રજના ફારેન ગામમાં જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે તેના સળગતા અંગારા ઉપર યુવાનો ડર્યા વગર મસ્તીથી ચાલે છે. આ ઉપરાંત ફાગણ મહિનાના અંત સુધી ગુલાલકુંડ, ખેલનવન, કોકિલાવન, લાલબાગ, ઉમરી, રામપુર, નંદગામ એમ વ્રજનાં જુદાં-જુદાં ગામોમાં વનોમાં અને કુંડો પર હોળી રમાય છે.
ફૂલદોલોત્સવઃ બાલ કૃષ્ણને ઝૂલે ઝૂલાવવાનું પર્વ
ફૂલદોલનો ઉત્સવ એ શ્રી ચંદ્રાવલીજીનો ઉત્સવ છે. હોળી બાદ વ્રજમાં જુદા જુદા દિવસે વિવિધ સ્થળોએ ફૂલદોલનો આનંદ મેળવવામાં આવે છે. દોલમાં બે પ્રકારની ભાવના રહેલી છે. એક તો નંદાલયમાં માતા યશોદાજી વાત્સલ્યભરી મમતાથી શ્રી ઠાકોરજીને ઝુલાવે છે અને બીજી બાજુ શ્રી ઠાકોરજીને શ્રી રાધાજીની સાથે ગિરિરાજજીની તળેટીમાં આવેલી સઘન નિકુંજમાં સખીજનો ઝુલાવે છે.
બ્રહ્મવૈવર્તક પુરાણમાં એવી કથા છે કે માતા રોહિણી અને માતા યશોદાના અથાગ પ્રયત્ન બાદ પણ લાંબા સમય સુધી બાલકૃષ્ણ સૂવાનું નામ જ લેતા નહોતા. આથી આખરે માતા યશોદાએ સર્વ સખીઓને બોલાવીને નંદાલયની બહાર ઉદ્યાનમાં વૃક્ષોની ડાળીઓ પર દોલની (દોરડું) સુંદર રચના કરાવી. ત્યારથી તે આજ સુધી હજુ પણ વૃક્ષો ઉપર દોલથી બનાવેલા ઝૂલાઓ પર ફૂલ-પાનથી ગૂંથણી કરવામાં આવે છે.
શ્રી વલ્લભકુળ બાળકો અને વૈષ્ણવો શ્રી ઠાકોરજીને આ ઝૂલાઓ પર ઝુલાવે છે. દોલોત્સવની ઉજવણી ગમે તે ઋતુમાં થઈ શકે છે. હોળીના દિવસો દરમિયાન કરેલા દોલોત્સવમાં રંગ ઉડાડવામાં આવે છે અને વ્રજમાં મેળાઓ ભરાય છે. બાકીની ઋતુમાં કરેલા દોલોત્સવમાં વિવિધ ફૂલોની પાંદડીઓ ઉડાડવામાં આવે છે અને દરેક ઋતુ પ્રમાણે વિવિધ પ્રકારની સામગ્રી, સજાવટ અને સંગીતનો કાર્યક્રમ યોજાય છે.
ચૈત્ર સુદ છઠ્ઠનો દિવસ એ યમુના છઠ્ઠના નામે ઓળખાય છે. આ દિવસે પણ વિશ્રામઘાટ પર હોળીના રંગોની સાથે ફૂલદોલનો ઉત્સવ ઉજવવાય છે. ચંદન, ગુલાબ અને પલાશના રંગોના જુદા જુદા ભાવો સાથે વ્રજભક્તો પ્રભુ સાથે ખેલે છે. જેમાં કેસરી રંગ શ્રી રાધાજીનો ભાવ છે, શ્વેત રંગ ઋષિરૂપા સખીઓનો ભાવ છે, ગુલાલનો લાલ રંગ ચંદ્રાવલીજીનો ભાવ છે અને શ્યામ રંગનો ચૂવો એ શ્રી યમુનાજીનો ભાવ છે. વર્ષમાં એક વાર વ્રજભક્તો પ્રભુને પોતાના સમાન માને છે અને પોતાના સમાન માનવાથી હૃદયમાં સખ્યભાવ ઉત્પન્ન થાય છે.