અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પાવક સ્મરણ. દેશભરમાં ઉજવાતા મહાઉત્સવોમાં જગન્નાથપુરીની રથયાત્રા આગવું મહત્વ છે. આ પરંપરાગત રથયાત્રા માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં આગવી લોકપ્રિયતા ધરાવે છે. અષાઢ સુદ બીજ (આ વર્ષે ૧૪ જુલાઇ) પર્વે ભારતના નાના-મોટા નગરોમાં યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું મૂળ ઓડિશાના જગન્નાથજીના મંદિર સાથે જોડાયેલું છે. આ મંદિર હિંદુઓના ચાર ધામના તીર્થમાંનું એક છે, જે વિશાળ અને અતિ પ્રાચીન છે. આ મંદિર સાથે રથયાત્રા ઉત્સવ જોડાયો છે.
સામાન્યતઃ ભક્તો ભગવાનના દર્શનાર્થે મંદિરમાં જતા હોય છે, પણ અષાઢી બીજે ભગવાન જગન્નાથજી ખુદ તેમના ભાઇબહેન સાથે રથમાં બેસીને નગરજનોના ખબરઅંતર જાણવા રથમાં બેસીને નીકળે છે. જગન્નાથજી મંદિરમાં સમગ્ર રથયાત્રા મહોત્સવ દસ દિવસનો ઉજવાય છે. આ સમયગાળામાં લાખો શ્રદ્ધાળુઓ પુરી પહોંચે છે, અને રથયાત્રામાં રંગેચંગે સામેલ થાય છે. આ દિવસે ભગવાન કૃષ્ણ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાને અલગ અલગ રથોમાં બેસાડી ગુંડીયા મંદિરમાં લાવવામાં આવે છે. એવું મનાય છે કે જગન્નાથ રથયાત્રા દરમિયાન ભગવાન અહીં નવ દિવસ સુધી રહે છે. શ્રી જગન્નાથજીની રથયાત્રાનું પુણ્ય ૧૦૦ યજ્ઞ બરાબર માનવામાં આવે છે. રથયાત્રા દરમિયાન ભક્તોને સીધા પોતાના ભગવાન સુધી પહોંચવાનો અવસર સાંપડે છે. આ દસ દિવસીય મહોત્સવની તૈયારીના ગણેશ અક્ષયતૃતીયાથી થાય છે. અક્ષયતૃતીયાએ રથોના નિર્માણનો પ્રારંભ થાય છે. ઘણાં ભક્તો તો આખો મહિનો ધાર્મિક અનુષ્ઠાન કરે છે. જગન્નાથ પુરીની જગપ્રસિદ્ધ યાત્રા પછી બીજા ક્રમે અમદાવાદની રથયાત્રાનું સ્થાન આવે છે. આ વર્ષે અમદાવાદમાં ૧૪૧મી રથયાત્રા યોજાશે.
આ મંદિરની મૂર્તિ અધૂરી કેમ છે?
પુરીનું જગન્નાથજી મંદિર સૈકાઓ પુરાણું છે. તેનું પહેલું પ્રમાણ મહાભારતના વન પર્વમાંથી મળે છે. એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા સબર આદિવાસી વિશ્વવસુએ નીલમાધવના રૂપમાં એમની પૂજા કરી હતી. આ કથા ઉપરાંત રાજા ઇન્દ્રધ્રુમને આ મંદિર બનાવડાવ્યું હોવાની ઐતિહાસિક વાતો પણ જાણીતી છે. માળવાના રાજા ઇન્દ્રધ્રુમનને એક રાતે સ્વપ્ન આવ્યું. જેમાં શ્રીકૃષ્ણના પરલોકગમન બાદ એમના પાર્થિવ શરીરને દ્વારકા લાવવામાં ન આવ્યું તેનો આઘાત બલરામથી સહન ન થયો. આથી તેઓ કૃષ્ણના પાર્થિવ દેહને લઇને સમુદ્રમાં કૂદી પડયા. એમની પાછળ સુભદ્રા પણ કૂદી પડયા.
સ્વપ્નમાં રાજાને એ પણ દેખાયું છે, ભગવાનનું શરીર સમુદ્રમાં તરી રહ્યું છે. આથી તેમણે નક્કી કર્યું કે અહીં કૃષ્ણનું મંદિર બનવું જોઇએ. સ્વપ્નમાં દેવદૂત રાજાને આદેશ આપે છે કે કૃષ્ણ તથા બલરામ અને સુભદ્રાની મૂર્તિ પણ સાથે હોવી જોઇએ.
સવારે ઉઠયા પછી રાજા સ્વપ્ન વિશે વિચારે છે કે, ‘હવે આ તમામ પ્રતિમાઓનું નિર્માણ કોણ કરશે?’ ત્યારે ભગવાન વિશ્વકર્મા એક મૂર્તિકારના રૂપે પ્રગટ થયા અને મૂર્તિ ઘડતા પહેલા એક શરત રાખી. એ શરત મુજબ એમને મૂર્તિ ઘડતી વખતે કોઇએ જોવા નહિ અને કોઇએ તેમને કોઇ પણ પ્રકારની પૃચ્છા કરવી નહિ. નહિતર અધવચ્ચે કામ છોડી તેઓ જતા રહેશે.
શરત માન્ય રાખીને એમની સેવા લેવામાં આવી. તેમને એક લાકડું આપી, ત્રણેય મૂર્તિ ઘડવાનું કહ્યું. ઘણા દિવસો સુધી કામગીરી ચાલતી રહી, ત્યારે રાજાના મનમાં શંકા ગઇ કે, ‘આ વૃદ્ધ શિલ્પકાર ખાધા, પીધા વિના સતત કામ કેવી રીતે કરતા હશે?’ બસ, તમામ શરતો ભૂલાઇ ગઇને રાજાએ મૂર્તિકારને મળવા માટે દરવાજો ખોલી નાખ્યો. દરવાજો ખૂલતાંની સાથે જ મૂર્તિકાર અદૃશ્ય થઇ ગયા અને ત્રણે મૂર્તિનું કામ અધુરું રહી ગયું.
ભગવાન કૃષ્ણ અને તેમના ભાઇના નાના નાના હાથ બન્યા હતા; પણ પગ બન્યા નહોતા. જ્યારે સુભદ્રાના તો હાથ-પગ બન્યા જ નહોતા. રાજાએ આને જ ભગવાનની ઇચ્છા માની અને મૂર્તિને આ જ સ્વરૂપે સ્થાપ્ના કરી. ત્યારથી માંડીને આજ સુધી આ ત્રણે મૂર્તિઓ આ સ્વરૂપમાં જ જોવા મળે છે. જગન્નાથ મંદિરમાં દર ૧૨ વર્ષે આ પ્રતિમાઓ બદલવામાં આવે છે. નવી પ્રતિમાઓ પણ અધૂરી જ રાખવામાં આવે છે. માત્ર જગન્નાથજીના મંદિરમાં ત્રણેય ભાઇબહેનોની પ્રતિમાના એક સાથે દર્શન થાય છે!
‘મહાપ્રસાદમ્’નું રહસ્ય
અન્ય તીર્થોના પ્રસાદને સામાન્યતયા પ્રસાદમ્ તરીકે ઓળખવામાં આવે છે, પણ અહીં તેને ‘મહાપ્રસાદ’ ગણાવાય છે. એવું કહેવાય છે કે શ્રી જગન્નાથજીના પ્રસાદને મહાપ્રસાદ સ્વરૂપ મહાપ્રભુ વલ્લભાચાર્ય એકાદશીના વ્રત સમયે પુરી પહોંચ્યા હતા. ત્યાં તેમની નિષ્ઠાની પરીક્ષારૂપે તેમના હાથમાં કોઈએ પ્રસાદનો પડિયો પકડાવ્યો હતો. પણ મહાપ્રભુએ પ્રસાદ હાથમાં લઈ સ્તવન કરતાં કરતાં દિવસ સાથે રાત્રિ પણ વિતાવી દીધી અને બીજા દિવસે એટલે કે બારસે સ્તવન સમાપ્તિ બાદ આ પ્રસાદને તેમણે ગ્રહણ કર્યો હતો. એટલે ત્યારથી અહીંના પ્રસાદને ‘મહાપ્રસાદમ્’ કહેવાય છે. અહીં પ્રસાદમાં કોપરું, ફણગાવેલા મગ, માલપૂડા... વગેરે હોય છે.
અહીં માટીના વાસણોમાં પ્રસાદ બનાવવામાં આવે છે. અહીંના રસોઈગૃહની બાજુમાં બે કૂવા છે. જે ગંગા-યમુના નામે ઓળખાય છે. માત્ર અહીંના પાણીથી જ રસોઈ રંધાય છે. આ રસોઈમાં છપ્પનભોગ પણ બનાવાય છે. ભોજનની માત્રા વર્ષ દરમિયાન એકસરખી રહે છે. જેમાં હજારોથી માંડીને ક્યારેક લાખો લોકો વચ્ચે પણ તેને વહેંચવામાં આવે છે. જગન્નાથ મંદિરના પ્રસાદ બનાવતી વખતે ૫૦૦ રસોઈયાઓ અને ૩૦૦ સાથીઓની મદદ લેવાય છે.
આ જગન્નાથ મંદિરમાં પ્રસાદ ક્યારેય વેડફાતો નથી કે ઓછો પણ પડતો નથી. મંદિરમાં દરરોજ સરેરાશ ૨૦૦૦થી ૨૦,૦૦૦ ભક્તો દર્શનાર્થે આવે છે. પણ પ્રસાદમ્ની કવોન્ટીટી એકસરખી જ રાંધવામાં આવે છે. છતાં ક્યારેય પ્રસાદ વધતોય નથી અને ઘટતોય નથી.
જગન્નાથજી મંદિર ભવ્ય છે કેમ કે...
ભગવાન જગન્નાથનું મંદિર માત્ર ભારત દેશમાં જ નહીં, પણ સમગ્ર દુનિયામાં જાણીતું છે. ઓડિશા રાજ્યના પુરીમાં આવેલું જગન્નાથ સ્વામીનું મંદિર કૃષ્ણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર તો છે, સાથે તે વાસ્તુકળાનું પણ એક કેન્દ્રીત બિંદુ છે. કલિંગ શૈલીમાં બનાવાયેલું આ મંદિરનું નકશીકામ અતિ સુંદર છે. સમુદ્રકિનારાથી લગભગ બે કિલોમીટર દૂર આ સ્થાનક છે. સાગરમાંથી થતો સૂર્યોદય અને સાગરકિનારે થતાં સૂર્યોસ્ત સમયે જગન્નાથજીની આરતીમાં હાજરી આપવી એ એક પવિત્ર અનુભવ છે.
જગન્નાથ મંદિરમાં આમ તો ઘણા દેવ-દેવીઓનું સ્થાપન થયેલું છે, છતાં તે જગન્નાથ મંદિર તરીકે જ ઓળખાય છે. મંદિરના ગર્ભગૃહમાં શ્રી માધવ, જગન્નાથ, શ્રીદેવી અને ભૂદેવી પ્રતિકૃતિ સ્થાપિત કરાઇ છે. આ તમામની પૂજા ગર્ભગૃહમાં કરાય છે. શ્રી જગન્નાથ સાથે તેમના મોટા ભાઈ બલભદ્ર અને એમના બહેન દેવી સુભદ્રાજીની પૂજા પણ કરાય છે. આ ત્રણે દેવો ઉપરાંત અહીં સુદર્શનની પૂજા પણ દરરોજ કરાય છે. એટલે એવું માનવામાં આવે છે કે અહીં ચારેય દૈવીય શક્તિ ભેગી થાય છે. અહીંના મુખ્ય મંદિરમાં લગભગ ૩૦ જેટલા નાના-મોટા અન્ય મંદિરો પણ છે.
મંદિર સાથે જોડાયેલી રહસ્યમય વાતો
જગન્નાથ મંદિર વિશેની ઘણી લોકકથાઓ, મંદિર સાથે જોડાયેલી ઐતિહાસિક વાતો ય જોઈ... હવે આ મંદિર સાથે જોડાયેલી રહસ્યમય વાતો ય જાણીએ.
• પૌરાણિક પરંપરાઃ મંદિરના પૂજારી દરરોજ અહીંની ધજા બદલે છે. વિત્યા ૧૮૦૦ વર્ષથી અહીં પરંપરા રહી છે, કે રોજેરોજ ધજા બદલાવી જોઈએ. જો એકાદ દિવસ પણ ચૂકી જવાય તો મંદિર ૧૮ વર્ષ માટે બંધ થઈ જાય. એટલે લગભગ ૪૫ માળ જેટલા ઊંચા શિખરે જઈને, અહીંના પૂજારી રોજે-રોજ ધજા બદલે છે.
• સિંહદ્વારે તરંગોઃ જગન્નાથ મંદિરના ચાર દરવાજા છે. મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર સિંહદ્વારમ્ છે. જ્યારે તમે આ દ્વારે પ્રવેશો એટલે પ્રચંડ મોજાના તંરગો સાંભળી શકો છો પણ ફરી એ જ રસ્તે ઊંધા જાઓ કે મંદિરમાં પ્રવેશી જાઓ તો પછી ક્યાંય આવા મોજા, તરંગો સંભળાતા નથી.
• મંદિરની ધજાઃ મંદિરના શિખર પર રહેલી ધજા પવનની વિરુદ્ધ દિશામાં ફરફરે છે. પવનની વિરુદ્ધ દિશામાં ધજા ફરકવા પાછળનું વૈઞ્જાનિક તથ્ય આજ સુધી શોધાયું નથી. આનો સાદો અર્થ એમ કાઢી શકાય કે અહીં કોઈ એવી શક્તિ છે, ત્યાં વિજ્ઞાન પણ પહોંચી શક્યું નથી.
• સુદર્શન ચક્રઃ આ સુદર્શન ચક્ર ૨૦ ફૂટ ઊંચું છે અને તે એક ટન વજનનું છે. શિખર સાથે જોડાયેલા આ ચક્રની વિશેષતા એ છે કે, સમગ્ર પુરીના કોઈ પણ સ્થળે તમે હો (તેની ઉંચાઈને કારણે), તમે આ ચક્રનાં દર્શન કરી શકો છો! ઘણાંઓને આ ચક્ર રહસ્યમય એટલા માટે લાગે છે કે, દૂરથી પણ તે ચક્ર સતત તમારા પર નજર રાખતું હોય એવું અનુભવાય છે.
• શિખર પર ઉડાન નહીંઃ વાંચીને નવાઈ પામશો, પણ હકીકત એ છે કે આ મંદિર ઉપરથી વિમાન તો ઠીક, પક્ષી પણ ઉડતા નથી. જાણે કે ‘નો ફ્લાય ઝોન’ હોય! આ કોઈ સત્તાવાર જાહેરાત નથી પણ કોઇ દિવ્ય શક્તિને કારણે આમ થતું હોવાનું મનાય છે. આજ સુધી આ વિસ્તાર કેમ નો ફ્લાય ઝોન છે, તે વિશે ક્યાંય કોઈ સ્પષ્ટતા પણ થઈ નથી.
• પડછાયો નથીઃ આ મંદિરની બાંધણી એવી રહસ્યમય છે કે, દિવસના કોઈ પણ સમયે તેનો પડછાયો જોઈ શકાતો નથી. હવે આ ઘટના ઇજનેરી કૌશલ્યને આભારી છે કે કોઈ દિવ્ય શક્તિને! એ તો નિષ્ણાતોએ ચકાસવું રહ્યું.