પૃથ્વી ઉપર મુક્તિનો નવો પ્રકાશ લાવનાર સૌના તારણહાર સહજાનંદ સ્વામી ઉત્તર ભારતમાં છપૈયાપુરમાં મનુષ્યદેહ ધરીને માનવજીવનના કલ્યાણાર્થે સંવત 1837 ના ચૈત્ર સુદ નોમ (આ વર્ષે 6 એપ્રિલ)ના રોજ પ્રગટ થયા. 11 વર્ષની નાની વયે સંસારનો ત્યાગ કરી વન-પર્વતો સહિતના પ્રદેશોને આવરી લેતી 13,000 કિમીની પગપાળા મુસાફરી કરી 7 વર્ષ સુધી વિચરણ કર્યું. ગુરુ રામાનંદસ્વામી પાસેથી દીક્ષા ગ્રહણ કરીને સહજાનંદ સ્વામી નામધરીને સમગ્ર જનસમાજમાં નવું ચૈતન્ય રેડી એકધારી સતત જનસેવાની લોકગંગા વહેવડાવી.
સહજાનંદ સ્વામીએ સમાજમાં જાગૃતિ લાવવા માટે પોતે અને તેમના સંતો દ્વારા ગામડે - ગામડે જઈને જાહેર સભાઓ યોજવા માંડી, જેથી લોકો સાચા જ્ઞાનથી વાકેફ થયા. પવિત્ર વાતાવરણનું દિવ્ય મોજું ફરી વળ્યું. દારૂ, માંસ, જુગાર આદિક દુરાચરણોથી લોકો મુક્ત થવા લાગ્યા. વ્યસનના પગલે આવતાં તોફાનો અને ગૃહક્લેશ શમી ગયા. વેડફાતા નાણાં અને સમયની બચતથી લોકો સુખી થવા લાગ્યા. સત્સંગથી સદાચાર વૃદ્ધિ પામ્યો.
શ્રીજી મહારાજે તેમના સંતો દ્વારા 22 જેટલા સંસ્કૃત અને 90 જેટલા પ્રાકૃત ગ્રંથો અને લગભગ 30,000 થી વધુ કીર્તનો રચાવ્યાં છે. આમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાહિત્યનો સાગર ઘૂઘવી રહ્યો છે. અધ્યાત્મવિદ્યાનો રંગ ચઢાવીને શ્રીજી મહારાજે પોષેલા એ સંતો, કવિઓ, પ્રણાલિકાઓ, સાહિત્ય, કલા, સંગીત, ઉત્સવો, સમૈયા મંદિરોએ સકળ ધર્મસામગ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભારતીય સંસ્કૃતિને સાગમટે સાંપડી હતી.
શ્રી સ્વામિનારાયણ ભગવાને માત્ર 28 વર્ષના ટૂંકા ગાળામાં અસંખ્ય ગામડાં - શહેરોમાં વિચરણ કરીને અગણિત મનુષ્યોને સદાચાર પરાયણ બનાવ્યા. તેમનું સમસ્ત જીવન જ જીવતુંજાગતું ધર્મશાસ્ત્ર હતું. નાનામાં નાનો સામાન્ય માણસ સમજી શકે એવું એ સરળ ભાષામાં વિવેચન કરતા. તેને કારણે અનેક જીવનમાં પરિવર્તન આવ્યા. તેમણે પોતાની હયાતીમાં આદર્શ જીવન જીવતાં કેવા કેવા હરિભકતો તૈયાર કર્યા છે?
ગઢપુરના દાદાખાચર, અગતરાઈના પર્વતભાઈ, પંચાળાના ઝીણાભાઈ... એક - એકના જીવન જોઈએ અને વિચારીએ તો તેમના જીવનમાંથી અનેક શાસ્ત્રોમાંથી જેમ આપણને પ્રેરણા મળે તેમ તેમનાં જીવનમાંથી પ્રેરણાના પ્રકાશ પથરાય.
માંગરોળમાં સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ઉપાસક ગોવર્ધનભાઈ રહે. સંસારમાં રહેવા છતાં તેઓ જળકમલવત્ રહેતા. ઉપશમદશાને તેમણે સિદ્ધ કરેલી. એમની સ્થિતિ અંગે શું લખવું? શ્રીજી મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ તેમને ભાસતું જ નહીં. આ ગોવર્ધનભાઈને સાકર અને મીઠું એક થઈ ગયેલું... સાકર આપો કે મીઠું બંને એક રીતે ખાઈ જાય અને પચી પણ જાય. પરંતુ આ વાત આપણને જલદી પચશે નહીં. તે વખતે પણ આવું જ થયું હતું. આથી શ્રી સ્વામિનારાયણ ભગવાને એક દિવસ સભામાં તેમને બેસાડયા. તેમની પાસે એક પાત્રમાં સાકર મૂકાઇ અને એક પાત્રમાં વડાગરું મીઠું મૂકાયું. પછી તેમને શ્રીજીએ કીધું કે, ગોવર્ધનભાઈ! જમવાનું શરૂ કરો. શ્રી હરિની આજ્ઞા મસ્તકે ચડાવીને ગોવર્ધનભાઈ એક મૂઠી મીઠાંની થાળીમાંથી લે અને એક મૂઠી સાકરની થાળીમાંથી લે એમ કરતાં બંને થાળી ખાલી કરી નાખી. પછી મહારાજ બોલ્યા કે, ‘જુઓ, આ ગોવર્ધનને સાકર ને મીઠું બેય તુલ્ય થઈ ગયાં છે ને?’ આ રીતે ગોવર્ધનભાઈની અલૌકિક સ્થિતિ જોઈને સૌ આશ્ચર્ય પામ્યા.
આ પ્રસંગ ઉપરથી આપણે ખાસ વિચારવા જેવું છે અને જીવનમાં કાંઈક શીખવા જેવું પણ છે. આજે માણસ જમવા બેસે અને શાકમાં એક ચમચી મીઠું ઓછુંવતું હોય છે એમાં તો કેટલાયના મગજની કમાનો છટકી જાય છે. કેટલાયના ઘરસંસાર સળગી જાય છે. આવું આપણા જીવનમાં ન બનવું જોઈએ. આવા સમયે ક્રોધ આવે તો આ ગોવર્ધનભાઈને યાદ કરવા જોઈએ.
જીવનમાં થોડુંક આપણે સહન કરતાં શીખવું જોઈએ. થોડીક ધીરજ રાખવી જોઈએ. ઘરની અંદર પત્ની રસોઈ નિત્ય બનાવે છે, કોઈક દિવસ ભૂલથી મીઠું કે મરચું વધુ પડી જાય એમાં ઝઘડો ના કરાય. એ પણ માણસ છે, ભૂલ થાય એમ વિચારીને ચલાવી લેવું જોઈએ. આ જ રીતે પુરુષ પાસે કાંઈક વસ્તુ મંગાવી હોય અને તે ભૂલી જાય, તો સ્ત્રીએ પણ ગુસ્સો ના કરવો જોઈએ. આખો દિવસ ઓફિસના કામમાં ભૂલી પણ જાય. જીવનમાં સુખી થવાનો એક જ રાજમાર્ગ છે કે, એકબીજાની ભૂલને ભૂલી જવું અને એકબીજાને મદદ કરવી. એકબીજામાં દોષ જોવાથી દુ:ખી થવાય છે. પરસ્પર એકબીજાના ગુણો જોવાથી જ સુખી થવાય છે. આ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંદેશને આપણે જીવનમાં ઉતારીશું તો સુખી થઈશું.
એકસાથે અનેકના માણસોના જીવનમાં પરિવર્તન લાવી, તેમના જીવનમાં ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ જેવા ગુણોનું સિંચન કરનાર ચારિત્ર્યના ઘડવૈયા શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવનસંદેશને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને તેમની 244 મી પ્રાગટ્ય જયંતી ચૈત્ર સુદ નોમ - રવિવારના રોજ છે ત્યારે તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરીને આપણા જીવનને ધન્ય બનાવીએ.