હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની દિશા બદલીને થોડો ઉત્તરની તરફ ઢળે છે. આથી આ કાળ કે સમયને ઉત્તરાયણ કહે છે. વેદો અને પુરાણોમાં પણ આ દિવસનો ઉલ્લેખ જોવા મળે છે તથા તેની સાથે અનેક પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે.
દિવાળી, હોળી, શિવરાત્રી અને અન્ય તહેવાર સાથે વિશેષ કથાઓ જોડાયેલી છે. આ બધા જ તહેવારો અંગ્રેજી મહિના અનુસાર ન આવતા હિંદુ માસ અને તિથિ મુજબ આવે છે. જ્યારે મકરસંક્રાંતિ એ એક ખગોળીય ઘટના છે જેનાથી જડ અને ચેતનની દિશા અને દશા નક્કી થાય છે. આ તહેવાર એવો છે કે જે અંગ્રેજી મહિના મુજબ 14 જાન્યુઆરીએ આવે છે.
શાસ્ત્રો અનુસાર દક્ષિણાયનને દેવતાઓની રાત્રિ એટલે કે નકારાત્મક્તાનું પ્રતીક અને ઉત્તરાયણને દેવતાઓના દિવસ એટલે કે સકારાત્મક્તાનું પ્રતીક માનવામાં આવે છે. આથી આ દિવસે જપ, તપ, દાન, શ્રાદ્ધ, તર્પણ, સ્નાન વગેરે જેવી ધાર્મિક ક્રિયાઓનું વિશેષ મહત્ત્વ છે. એવું મનાય છે કે આ દિવસે અપાયેલું દાન સો ગણું વધીને પાછું પ્રાપ્ત થાય છે. આ દિવસે શુદ્ધ ઘી તથા ધાબળાનું દાન મોક્ષ આપે છે. મકરસંક્રાંતિના દિવસથી લોકો મલ માસના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. વિવાહ, ગૃહ પ્રવેશ અને અન્ય શુભ કાર્યો માટે લોકો આ દિવસની ઘણી આતુરતાથી રાહ જોતા હોય છે.
મકરસંક્રાંતિનું ધાર્મિક મહત્ત્વ તો છે જ પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ સમજવો જરૂરી છે. આ દિવસે ધરતી એક નવા વર્ષમાં અને સૂર્ય એક નવી ગતિમાં પ્રવેશ કરે છે. 14 જાન્યુઆરી જ એક એવો દિવસ છે જ્યારે ધરતી પર સારા દિવસની શરૂઆત થાય છે. આવું એટલા માટે કે સૂર્ય દક્ષિણના બદલે હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે ત્યારે તેનાં કિરણોને ખરાબ મનાય છે, પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તરની તરફ ગમન કરવા લાગે છે ત્યારે તેનાં કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. બધું જ પ્રકૃતિના નિયમ પ્રમાણે થાય છે. છોડ પ્રકાશમાં સારો ખીલે છે જ્યારે અંધકારમાં મૂરઝાઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણનું મહત્ત્વ જણાવતાં ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના શુભ કાળના છ માસમાં જ્યારે સૂર્ય દેવતા ઉત્તરાયણ હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે. આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી તે જીવનો પુનઃ જન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તેનાથી તદ્દન વિરુદ્ધ સૂર્ય દક્ષિણાયન હોય ત્યારે પૃથ્વી અંધકારમય હોય છે અને લોકો આ અંધકારમાં શરીરનો ત્યાગ કરે તો તેને પુનઃ જન્મ લેવો પડે છે. (શ્લોક 24-25)
સંક્રાતિ કાળના મુખ્ય ત્રણ દેવતા છે. પહેલા છે ભગવાન સૂર્ય, બીજા છે શિવજી અને ત્રીજા છે ધન રાશિના સ્વામી દેવોના ગુરુ બૃહસ્પતિ. લક્ષ્મી પ્રાપ્તિ તથા રોગના નાશ માટે ભગવાન સૂર્ય, વિપત્તિઓ તથા શત્રુના નાશ માટે ભગવાન શિવ છે. મકરસંક્રાતિ પર્વે જ ગંગાજી રાજા ભગીરથની પાછળ - પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમમાં થઇને સાગરમાં જઇ મળ્યાં. આથી આ દિવસે ગંગાસ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે. મહાભારત કાળમાં અર્જુનનાં બાણોથી વીંધાઇને બાણશય્યા પર દેહ ત્યાગવા માટે ભીષ્મ પિતામહે મકરસંક્રાતિનો દિવસ જ પસંદ કર્યો હતો. આ પર્વ જીવનમાં સંકલ્પ લેવાનો માટેનો દિવસ પણ છે. આજના દિવસે મન અને ઇન્દ્રિયો પર અંકુશનો સંકલ્પ કરાય છે.
ઉત્સવ એક, નામ અનેક
મકરસંક્રાતિ પર્વ હંમેશાં 14 જાન્યુઆરીએ મનાવાય છે તે ઉત્તરાયણ તરીકે પણ ઓળખાય છે, આ તહેવાર સામાજિક સમરસતાનું પર્વ છે. આખા ભારતમાં તે મકરસંક્રાતિ તરીકે ઓળખાય છે. આસામમાં તે હિબૂ નામથી ઓળખાય છે. પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં લોહડી, બંગાળમાં સંક્રાંતિ, તમિલનાડુ, દક્ષિણ ભારતમાં અને બંગાળમાં પોંગલ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સંક્રાંત, પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખીચડી તરીકે ઓળખાય છે.
તલના દાનનું મહત્ત્વ
મકરસંક્રાંતિએ તલ-ગોળમાંથી બનેલી વસ્તુના દાનનું વિશેષ મહત્ત્વ છે. તલ-ગોળનું દાન કરવા પાછળ મુખ્ય બે ધારણા છે. એક ધારણા પ્રમાણે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય અને શનિમાં શત્રુતા છે. આથી શનિદેવ સંબંધી વસ્તુનું દાન આ દિવસે કરાય છે. બીજી ધારણા મુજબ તલ-ગોળ આયુર્વેદ ને સ્વાસ્થ્ય દૃષ્ટિએ ગુણકારી છે. શરદ ઋતુમાં તેના ઉપયોગથી શરીરને પોષણ મળે છે ને રોગ સામે રક્ષણ મળી રહે તે હેતુથી આપણા ઋષિમુનિઓએ તલ-ગોળમાંથી બનાવેલી વસ્તુનું સેવન કરી દાનની પરંપરાને આ તહેવાર સાથે જોડી. તલ, ગોળ, મગફળી, મગદાળની ખીચડી વગેરે વસ્તુથી શીતપ્રકોપ સામે શરીરને રક્ષણ પૂરું પડે છે.
સંક્રાંતિનું સ્નાન
આ દિવસે પવિત્ર નદીઓ કે સરોવરમાં સ્નાન કરવાનું ખૂબ મહત્ત્વ છે. જો ત્યાં જઇ ના શકાય તો પોતાના ઘરમાં જ શુદ્ધ જળમાં તલ તથા ગંગાજળ નાખીને સ્નાન કરો. તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને તેમાં લાલ ચંદન, તલ, અક્ષત, ફૂલો વગેરે નાખીને પૂર્વાભિમુખ થઇને ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપો. પછી તલ અને ગોળથી બનેલા લાડુ, ખીચડી, ઘઉં, વસ્ત્ર, પાત્ર, સોનું વગેરેનું દાન કરો.
મકર સંક્રાંતિ અને પતંગ ઉડાડવાની વિશેષ પરંપરા
મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની પરંપરા ભારતમાં અને ખાસ તો ગુજરાતમાં જોવા મળે છે. પતંગ ઉડાડીને મનોરંજન કરવામાં આવે છે. પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ શ્રી રામચરિત માનસમાં તુલસીદાસે પણ કર્યો છે તેમાં બાલ કાંડમાં ઉલ્લેખ છે કે, - રામ ઇક દિન ચંગ ઉડાઇ, ચંદ્રલોકમેં પહોંચ ગઇ... ત્રેતા યુગમાં એવા ઘણા પ્રસંગ છે કે જ્યારે ભગવાન શ્રી રામે પોતાના ભાઇઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી. એક વાર શ્રી રામની પતંગ ઇન્દ્રલોક પહોંચી ગઇ જેને જોઇને દેવરાજ ઇન્દ્રની પુત્રવધૂ અને જયંતની પત્નીએ એ પતંગને પકડી લીધી અને વિચારવા લાગી, -જાસુ ચંગ અસ સુન્દર તાઇ, સો પુરુષ જગ મેં અધિકાઇ... પતંગ ઉડાડનાર અવશ્ય તેને લેવા આવશે. ઘણી રાહ જોવા છતાં પણ પતંગ પાછી ન આવતા શ્રી રામે હનુમાનજીને તે પતંગ લેવા માટે મોકલ્યા. જયંતની પત્નીએ પતંગ ઉડાડનારનાં દર્શન કર્યા પછી જ પતંગ આપવા જણાવ્યું અને શ્રી રામના ચિત્રકુટમાં દર્શન આપવાના આશ્વાસન પછી જ પતંગ પાછી આપી. આ પ્રસંગથી પતંગ ઉડાડવાની પ્રથા કેટલી પ્રાચીન છે તેનો ખ્યાલ આવે છે. આ સાથે ચીન, જાપાન, મલેશિયા, વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાં પણ પતંગ ઉડાડીને ભગવાન ભાસ્કરનું સ્વાગત કરાય છે.