ઉત્તરાયણઃ સૂર્યદેવતાના પૂજનનો દિવસ

પર્વવિશેષ

Wednesday 10th January 2018 06:45 EST
 
 

હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચાયો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ કરાયા છે - પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની દિશા બદલીને થોડો ઉત્તરની તરફ ઢળે છે. આથી આ કાળ કે સમયને ઉત્તરાયણ કહે છે. આમ ઉત્તરાયણ શબ્દ બે સંસ્કૃત શબ્દો ઉત્તર - ઉત્તર દિશા - અને અયન ( તરફની ગતિ)ની સંધિ વડે બનેલ છે. વેદો અને પુરાણોમાં પણ આ દિવસનો ઉલ્લેખ જોવા મળે છે તથા તેની સાથે અનેક પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે

દિવાળી, હોળી, શિવરાત્રી અને અન્ય તહેવાર સાથે વિશેષ કથાઓ જોડાયેલી છે. આ બધા જ તહેવારો અંગ્રેજી મહિના અનુસાર ન આવતા હિંદુ માસ - તિથિ મુજબ આવે છે. જ્યારે મકર સંક્રાંતિ એ એક ખગોળીય ઘટના છે જેનાથી જડ અને ચેતનની દિશા અને દશા નક્કી થાય છે. આ તહેવાર એવો છે કે જે અંગ્રેજી મહિના મુજબ ૧૪ જાન્યુઆરીએ આવે છે.

શાસ્ત્રો અનુસાર દક્ષિણાયનને દેવતાઓની રાત્રિ એટલે કે નકારાત્મક્તાનું પ્રતીક અને ઉત્તરાયણને દેવતાઓના દિવસ એટલે કે સકારાત્મક્તાનું પ્રતીક માનવામાં આવે છે. આથી આ દિવસે જપ, તપ, દાન, શ્રાદ્ધ, તર્પણ, સ્નાન વગેરે જેવી ધાર્મિક ક્રિયાઓનું વિશેષ મહત્ત્વ છે. એવું મનાય છે કે આ દિવસે અપાયેલું દાન સો ગણું વધીને પાછું પ્રાપ્ત થાય છે. આ દિવસે શુદ્ધ ઘી તથા ધાબળાનું દાન મોક્ષ આપે છે. મકર સંક્રાંતિના દિવસથી લોકો મલ માસના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. વિવાહ, ગૃહ પ્રવેશ અને અન્ય શુભ કાર્યો માટે લોકો આ દિવસની ઘણી આતુરતાથી રાહ જોતા હોય છે.

મકર સંક્રાંતિનું ધાર્મિક મહત્ત્વ તો છે જ પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ સમજવો જરૂરી છે. આ દિવસે ધરતી એક નવા વર્ષમાં અને સૂર્ય એક નવી ગતિમાં પ્રવેશ કરે છે. ૧૪મી જાન્યુઆરી જ એક એવો દિવસ છે જ્યારે ધરતી પર સારા દિવસની શરૂઆત થાય છે. આવું એટલા માટે કે સૂર્ય દક્ષિણના બદલે હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે ત્યારે તેનાં કિરણોને ખરાબ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તરની તરફ ગમન કરવા લાગે છે ત્યારે તેનાં કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. બધું જ પ્રકૃતિના નિયમ પ્રમાણે થાય છે. છોડ પ્રકાશમાં સારો ખીલે છે જ્યારે અંધકારમાં મૂરઝાઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ ઉત્તરાયણનું મહત્ત્વ જણાવતાં ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના શુભ કાળના છ માસમાં જ્યારે સૂર્ય દેવતા ઉત્તરાયણ હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે. આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી તે જીવનો પુનઃજન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તેનાથી તદ્દન વિરુદ્ધ સૂર્ય દક્ષિણાયન હોય ત્યારે પૃથ્વી અંધકારમય હોય છે અને લોકો આ અંધકારમાં શરીરનો ત્યાગ કરે તો તેને પુનઃજન્મ લેવો પડે છે. (શ્લોક ૨૪-૨૫)

પર્વ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ

સૂર્ય ભગવાન પોતાના પુત્ર અને બીજી પત્ની છાયાને કારણે કોઢી થઇ ગયા હતા. જોકે પોતાના પુત્ર યમરાજના સાર્થક પ્રયત્નો દ્વારા એવું વરદાન પણ મેળવ્યું કે જે પણ વ્યક્તિ ભગવાન સૂર્યના ચક્ર સ્વરૂપ એટલે કે માત્ર ચહેરાની પૂજા કરશે તેના કુષ્ઠ રોગ દૂર થશે. એક સમયે ધન, સોના-ચાંદી, ઝવેરાતથી ભરેલું રહેનાર પત્ની છાયાનું ઘર ધનરહિત થઇ ગયું હતું. ઘણો સમય વીત્યા પછી પુત્રમોહ તથા યમરાજના ઘણા સમજાવવાથી ભગવાન સૂર્ય પોતાની પત્ની છાયાના ઘરે પહોંચ્યા ત્યારે તેમની પૂજા-અર્ચના કરાઇ. વાત્સલ્યપ્રેમથી ભગવાને જણાવ્યું કે મારા શાપ અને કિરણોને કારણે તમારું ઘર નિર્ધન થઇ ગયું હતું, પણ હવે તે હંમેશાં ધનથી સંપન્ન રહેશે.

છાયાના પુત્ર શનિએ ભગવાન સૂર્યની પૂજા માત્ર તલ દ્વારા કરી હતી, કારણ કે નિર્ધનતાને કારણે તેમની પાસે કોઇ પણ પ્રકારનું અનાજ કે બીજી કોઇ વસ્તુ ન હતી. આથી ભગવાન સૂર્યે વરદાન આપ્યું કે જે પણ વ્યક્તિ આ દિવસે તલથી મારી પૂજા કરશે તેને દૈહિક, વૈદિક તથા ભૌતિક કષ્ટ કે આપત્તિ ક્યારેય નહીં આવે.

* સંક્રાતિ કાળના મુખ્ય ત્રણ દેવતા છે. પહેલા છે ભગવાન સૂર્ય, બીજા છે શિવજી અને ત્રીજા છે ધન રાશિના સ્વામી દેવોના ગુરુ બૃહસ્પતિ. લક્ષ્મી પ્રાપ્તિ તથા રોગના નાશ માટે ભગવાન સૂર્ય, વિપત્તિઓ તથા શત્રુના નાશ માટે ભગવાન શિવ છે.

* મકર સંક્રાતિના દિવસે જ ગંગાજી રાજા ભગીરથની પાછળ - પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમમાં થઇને સાગરમાં જઇ મળ્યાં. આથી આ દિવસે ગંગાસ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે.

* મહાભારત કાળમાં અર્જુનનાં બાણોથી વીંધાઇને બાણશય્યા પર દેહ ત્યાગવા માટે ભીષ્મ પિતામહે મકર સંક્રાતિના દિવસની જ પસંદગી કરી હતી. આ પર્વ જીવનમાં સંકલ્પ લેવા માટેનો દિવસ પણ છે. આજના દિવસે મન અને ઇન્દ્રિયો પર અંકુશ રાખવાનો સંકલ્પ કરવામાં આવે છે.

ઉત્સવ એક, નામ અનેક

મકર સંક્રાતિના પર્વને હંમેશાં ૧૪મી જાન્યુઆરીએ મનાવવામાં આવે છે તેને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ તહેવાર સામાજિક સમરસતાનું પર્વ છે. આખા ભારતમાં તેને મકર સંક્રાતિ તરીકે ઓળખવામાં આવે છે. આસામમાં તેને હિબૂ નામથી ઓળખવામાં આવે છે, જ્યારે પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં લોહડી નામે તે ઓળખાય છે. બંગાળમાં સંક્રાંતિ, તામિલનાડુ, દક્ષિણ ભારતમાં અને બંગાળમાં પોંગલ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સંક્રાંત, પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખીચડી તરીકે ઓળખવામાં આવે છે.

તિલ ગુડ ધ્યા આણિ ગોડ ગોડ બોલા...

મહારાષ્ટ્રમાં મકર સંક્રાતિના દિવસે તિલ ગુડ ધ્યા આણિ ગોડ ગોડ બોલા શબ્દનો સૌથી વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે, જેનો અર્થ થાય છે તલ-ગોળ ખાઓ અને મીઠું મધુરું બોલો. આ દિવસે આ વાક્ય એકબીજાને બોલ્યા બાદ ભેટ કે ઉપહાર આપીને આનંદ વ્યક્ત કરવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ બીજી સ્ત્રીઓને ત્યાં જઇને પોતાના ઘરે આવવા નિમંત્રણ પાઠવે છે અને કંકુ હળદર લગાવીને તલ-ગોળની સાથે ઉપહારોની પણ પૂજા કરીને તેમને ભેટ આપે છે. તેને ખૂબ જ શુકનવંતા માનવામાં આવે છે

તલના દાનનું મહત્ત્વ

મકર સંક્રાંતિમાં તલ અને ગોળમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે. તલ અને ગોળનું દાન કરવા પાછળ મુખ્ય બે ધારણાઓ છે. એક ધારણા પ્રમાણે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય અને શનિમાં શત્રુતા છે. આથી શનિદેવ સંબંધી વસ્તુઓનું દાન આ દિવસે કરવામાં આવે છે.

બીજી ધારણા મુજબ તલ અને ગોળ આયુર્વેદ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ગુણકારી છે. શરદ ઋતુમાં તેનો ઉપયોગ કરવાથી શરીરને ખૂબ જ પોષણ મળે છે અને રોગ સામે રક્ષણ મળી રહે તે હેતુથી આપણા ઋષિમુનિઓએ તલ-ગોળમાંથી બનાવેલી વસ્તુઓનું સેવન કરીને દાનની પરંપરાને આ તહેવાર સાથે જોડી. તલ,ગોળ, મગફળી, મગ-દાળની ખીચડી વગેરે વસ્તુઓથી શીતપ્રકોપ સામે શરીરને રક્ષણ પૂરું પડે છે.

મકર સંક્રાંતિનું સ્નાન

આ દિવસે પવિત્ર નદીઓ અથવા સરોવરમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. જો ત્યાં જઇ ના શકાય તો પોતાના ઘરમાં જ શુદ્ધ જળમાં તલ તથા ગંગાજળ નાખીને સ્નાન કરો. તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને તેમાં લાલ ચંદન, તલ, અક્ષત, ફૂલો વગેરે નાખીને પૂર્વાભિમુખ થઇને ભગવાન સૂર્ય નારાયણને અર્ધ્ય આપો. પછી તલ અને ગોળથી બનેલા લાડુ, ખીચડી, ઘઉં, વસ્ત્ર, પાત્ર, સોનું વગેરેનું દાન કરો.

આ દિવસે મોટા ભાગના શ્રદ્ધાળુઓ દાન કરે છે, પણ દાન કોને કરશો? બાળકોને આ દિવસે તલના લાડુ, ચીક્કી કે મમરાના લાડુ આપી શકાય. ગાયોને આ દિવસે દરેક જગ્યાએથી ઘાસ ખવડાવવામાં આવે છે. તેમને આ દિવસે અન્ય ધાન્યના લાડુ ખવડાવવાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે.

મકર સંક્રાંતિના રીત-રિવાજ

* દક્ષિણ ભારતમાં બાળકોમાં વિદ્યાધ્યયન એટલે કે અભ્યાસ મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવે છે.

* ગ્રીકના લોકો વર-વધૂને સંતાન વૃદ્ધિ માટે આ દિવસે તલમાંથી બનેલાં પકવાનો કે વાનગી વહેંચતા હતા.

* પ્રાચીન રોમમાં આ દિવસે ખજૂર, અંજીર અને મધ વહેંચવાનો ઉલ્લેખ જોવા મળે છે.

* મકર સંક્રાંતિના દિવસે કેટલાક પ્રદેશોમાં કાળાં કપડાં પહેરવાનો પણ રિવાજ પ્રચલિત છે.

* હિન્દુ ધર્મના બધાં જ તહેવારો હિન્દુ માસ અને તિથિ પ્રમાણે આવે છે જ્યારે ઉત્તરાયણ અંગ્રેજી માસ અને તારીખ પ્રમાણે ઊજવવામાં આવે છે.

* મકર સંક્રાંતિ શિશિર ઋતુની સમાપ્તિ અને વસંતના આગમનનું પ્રતીક છે.

મકર સંક્રાંતિ અને પતંગ પર્વ

મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની વિશેષ પરંપરા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે. પતંગ ઉડાડીને મનોરંજન કરાય છે. પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ શ્રી રામચરિત માનસમાં તુલસીદાસે પણ કર્યો છે તેમાં બાલ કાંડમાં ઉલ્લેખ છે કે, ‘રામ ઇક દિન ચંગ ઉડાઇ, ચંદ્રલોક મેં પહોંચ ગઇ...’ ત્રેતા યુગમાં એવા ઘણા પ્રસંગ છે કે જ્યારે ભગવાન શ્રી રામે પોતાના ભાઇઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી. એક વાર શ્રી રામની પતંગ ઇન્દ્રલોક પહોંચી ગઇ જેને જોઇને દેવરાજ ઇન્દ્રની પુત્રવધૂ અને જયંતની પત્નીએ એ પતંગને પકડી લીધી અને વિચારવા લાગી, ‘જાસુ ચંગ અસ સુન્દર તાઇ, સો પુરુષ જગ મેં અધિકાઇ’, પતંગ ઉડાડનાર અવશ્ય તેને લેવા આવશે. ઘણી રાહ જોવા છતાં પણ પતંગ પાછી ન આવતા શ્રી રામે હનુમાનજીને તે પતંગ લેવા માટે મોકલ્યા. જયંતની પત્નીએ પતંગ ઉડાડનારનાં દર્શન કર્યા પછી જ પતંગ આપવા જણાવ્યું અને શ્રી રામના ચિત્રકુટમાં દર્શન આપવાના આશ્વાસન પછી જ પતંગ પાછી આપી. આ પ્રસંગથી પતંગ ઉડાડવાની પ્રથા કેટલી પ્રાચીન છે તેનો ખ્યાલ આવે છે.

આ સાથે ચીન, જાપાન, મલેશિયા, વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાં પણ પતંગ ઉડાડીને ભગવાન ભાસ્કરનું સ્વાગત કરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter