કબીરજીઃ આચારશદ્ધિ, પાખંડ-ખંડન અને સાંપ્રદાયિક એકતાના ઉપદેશક

પર્વવિશેષઃ કબીર જયંતી

Friday 14th June 2024 08:20 EDT
 
 

ચૌદમી સદીની વિરલ ઘટના. કાશીના લહરતલા બાળક નીરુ અને નીમા નામક વણકર મુસલમાન દંપતીને મળી આવે છે. આ દંપતી એને વાત્સલ્યભાવે ઉછેરે છે. આ બાળક આગળ જતાં ‘સંત કબીર’ તરીકે જગપ્રસિદ્ધ થાય છે. આવી જાણીતી કથાનું અર્થઘટન એવું પણ કરાય છે કે ક્રાંતિકારી સંત કબીરે જીવનભર રામ-રહીમની એકતાના મંત્ર દ્વારા હિંદુ-મુસ્લિમ એકતા માટે ભારે પુરુષાર્થ કર્યો અને તેથી તેમની જન્મદાત્રી માતા હિંદુ અને પાલક પિતા મુસલમાન બતાવાય છે. કાશીના તળાવમાં કમળફૂલ પર બાળક પ્રગટ્યું અને તે કબીર એવું પણ કબીરપંથીઓ માને છે!

નર્મદાતટે ‘કબીર વડ’
ગુજરાતના નર્મદાતટે શુક્લતીર્થમાં શિવજીની વિસ્તરેલી જટાઝૂંડ સમા કે કવિ નર્મદની વાણીમાં ‘ધ્યાનસ્થ યોગી’ જેવા વિરાટ ‘કબીર વડ’ના દર્શનમાત્રથી કાશીના સંત કબીરનું પ્રભાવક વ્યક્તિત્વ પ્રત્યક્ષ થાય! એવી કિંવદંતી છે કે નર્મદાકિનારે દર્શનાર્થે આવેલ કબીરજીનાં ચરણજળના સ્પર્શથી વડની સૂકી ડાળી લીલી થઇ ગઇ! આવા અસંખ્ય મોટી મોટી વડવાઇઓમાં વિસ્તરેલા વટવૃક્ષ ‘કબીર વડ’નું સર્જન થયું. ગુજરાતમાં આજે પણ અનેક કબીર- આશ્રમો છે, અનેક કબીર-પંથીઓ છે.
જીવન-કવન અને કબીર વાણી
કબીરજીના જીવન વિશે પ્રામાણિક આધારભૂત માહિતી મળતી નથી. કબીરપંથીઓના મત પ્રમાણે એમનો જન્મ ઇ.સ. 1398માં થયેલો અને 120 વર્ષની વયે ઇ.સ. 1518માં એમનો દેહવિલય થયો. જેઠ પૂનમ (આ વર્ષે 22 જૂન) એમની જયંતી તરીકે ઊજવાય છે. એમનું જન્મસ્થળ કાશી કે મગહર મનાય છે. કબીરજીનાં પત્નીનું નામ લોઇ અને પુત્ર-પુત્રીનાં નામ હતાંઃ કમાલ અને કમાલી. અલગારી ફકીર જેવા કબીર તો વણકરનું વસ્ર વણવાનું કામ કરી જીવન-નિર્વાહ કરતા. ભગવાન પાસે એમણે એટલું જ માગ્યું:
‘સાંઇ ઇતના દીજિયે, જા મે કુટુમ સમાય,
મૈં ભી ભૂખા ના રહું, સાધુ ભી ભૂખા ન જાય.’
તાણાવાણા ગોઠવવાનું કામ કરતા કબીરજીએ અનુભવ્યું કે સાંપ્રદાયિક મંગળ, કર્મકાંડની જટિલતા અને બાહ્યાડંબરથી સમાજ અને ધર્મના તાણાવાણા ગૂંચવાઇ ગયા છે. એ સમયે પંડિતો અને મૌલવીઓ ભોળી જનતાને ગુમરાહ કરતા. આવી પરિસ્થિતિમાં કબીરજીના મુખમાંથી ભાવાત્મક સુધારાવાદી વાણી પ્રગટી. પરંતુ સ્વાનુભૂતિના પ્રતાપે એમના મુખમાંથી મુખ્યત્વે દોહા છંદમાં સાખી (ઉપદેશાત્મક પદો), સબદ (ભાવાત્મક ગેયપદ) અને રમૈની (દોહા-ચોપાઇ) તેમ જ ઉલટ વાણી પ્રકારનાં પદો નીકળતાં. આ પદોનો સંગ્રહ ‘બીજક’ નામે થયો છે. તેમણે સાખીઓ અને ઉલટ વાણી દ્વારા કુરિવાજો અને ખોટી પરંપરાઓ ઉપર કડવી ભાષામાં પણ વ્યંગ્યાત્મકપ્રહારો કર્યાં. એમની વાણીનું કડવું સત્ય કોઇને ન પણ ગમે! સત્ય હંમેશ કડવું હોય છે!
‘રામમંત્ર'ની દીક્ષા અને ઉપદેશ
કબીરજીએ કાશીના ગંગાઘાટે સ્વામી રામાનંદજીને ગુરુ બનાવ્યા, તેમની પાસેથી ‘રામમંત્ર’ની દીક્ષા લીધી. કબીર વસ્ત્ર વણતાં વણતાં રામનામનું રટણ કરતાં, પોતાનું કામ કરતાં કરતાં રામનામ લેવામાં એમની શ્રદ્ધા હતી. વળી, સંત કબીર નિર્ગુણ-નિરાકાર બ્રહ્મને માનનારા હતા. એમણે ‘રામ’નામનો પ્રયોગ પણ નિરાકાર બ્રહ્મના અર્થમાં કર્યો છેઃ ‘અલખ નિરંજન લખૈ ન કોઇ.’ મૂર્તિપૂજાને ન માનનાર કબીરે કહ્યુંઃ ‘પાહન પૂજૈ હરિ મિલૈ, તો મેં પૂજું પહાડ.’ સ્નાન દ્વારા દેહશુદ્ધિનું એમને મન ભારે મૂલ્ય હતુંઃ ‘ન્હાયે ધોયે ક્યા ભયા, જબ મન કા મૈલ ન જાય.’

કબીરના મતે રામને પામવા ભક્તિ જ યોગ્ય છે. જ્ઞાનની સીમા જ્યાં પૂર્ણ થાય છે, ત્યાં ભક્તિનો પ્રકાશ અંતર્દ્વાર ખોલે છે. તેમના મતે આત્મા અને પરમાત્મા, જીવ અને શિવ ભિન્ન નથી. પરમાત્માને પામવા બાહ્ય આધારોની જરૂર નથી. તે તો આપણા અંતરમાં જ વિરાજમાન છેઃ ‘મોહે કહાં ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં.’
માયાનો પડદો હટાવાય, તો દેહમાં જ પરમાત્માના દર્શન થાયઃ ‘તાકો પીવ મિલેંગ, ઘૂંઘટ કે પટ ખોલ રે, ઘટ ઘટ મેં વહી સાંઇ રમતા.' આવી પંક્તિઓમાં શંકરાચાર્યજીનો કૈવલાદ્વૈત સિદ્ધાંત પડઘાય છે. કબીરજી તો કાશી અને કાબાને, મોહનને અને મોહમ્મદને, રામ અને રહીમને એક માનવાનો નિર્ભીક વાણીમાં ઉપદેશ આપે છે. એમને મન પ્રેમ એ જ પરમેશ્વર છે. જેના હૃદયમાં પ્રેમ નથી એ હૃદય સ્મશાન સમાન છે. કબીરે તો પ્રેમનો પ્યાલો પીધો છેઃ ‘કબીરા પ્યાલા પ્રેમ કા, અંતર દિયા લગાય.’
પ્રેમપંથના યાત્રી કબીરજી રાધાનું ગૌરવ કરે છેઃ
‘કબીરા કબીરા ક્યા કરો, જાઓ જમના કે તીર,
 એક રાધા કે પ્રેમ મેં બહ ગયે લાખ કબીર.’
તે તો કહે છે ઘરઘરમાં પ્રિયતમ ભગવાનનો વાસ છે. ભગવાનને બહાર શોધવાની જરૂર નથી.
અદ્વૈતમત, સૂફી સંપ્રદાય અને નાથ-સંપ્રદાયનો કબીરજી પર પ્રભાવ ધર્મોનો સમન્વય કરવાની ઊંચી ભાવનામાંથી કબીરજીના રહસ્યવાદી વ્યક્તિત્વનું ઘડતર થયું છે.
હિંદુ અદ્વૈત મન, વૈષ્ણવી ભક્તિ, ઇસ્લામી સૂફી પ્રેમામૃત તેમજ નાથ સંપ્રદાયના હઠયોગનો સમન્વય કરીને એમણે સાચા માનવધર્મનો વ્યાપક પ્રચાર-પ્રસાર કર્યો. ઇસ્લામની સૂફી વિચારધારાનો કબીર પર ઘેરો પ્રભાવ વર્તાય છે. સૂફી સંતોના મતે પ્રેમની વ્યાકુળતા ઇશ્વર-ખુદા પ્રાપ્તિનું મુખ્ય પરિબળ છે. સૂફી સંપ્રદાય પ્રમાણે કબીરે પણ રામને પ્રિયતમ અને પોતાને રામની પ્રિયતમા બતાવે છેઃ
‘રામ મેરે પિયુ, મૈં રામ કી બહુરિયા,
સિખ રી ગાવહુ મંગલાચાર,
મેરે ઘર આયે રાજારામ ભરથાર.'
કબીરજીની અનેક સાખીઓમાં રામના વિરહની વેદના વ્યક્ત થઇ છે. કબીરજી રહસ્યવાદી કવિ પણ છે. એમનો રહસ્યવાદ અદ્વૈતમત (આત્મા-પરમાત્માની એકતા) અને સૂફીમત (બંદા અને ખુદાની એકતા)થી પ્રભાવિત છે.

સાંપ્રત સમયમાં કબીરવાણી
કબીરજીની વાણીનો, ઉપદેશનો ઉદ્દેશ છેઃ આચારશુદ્ધિ, પાખંડ-ખંડન અને સાંપ્રદાયિક એકતા. વર્તમાન સમયમાં જ્યારે સામાજિક, ધાર્મિક અને રાજનૈતિક ભ્રષ્ટાચાર અને પાખંડમાં વૃદ્ધિ થઇ રહી છે ત્યારે કબીરસાહેબની સ્પષ્ટ અને નિર્ભય વાણી પ્રેરક બની રહે છે. આજે જ્યારે નાત-જાત વગેરેના વિવાદી સંઘર્ષો વકરી રહ્યા છે ત્યારે એનું સમાધાન શોધવામાં કબીરનાં પદોની વાણી અત્યંત ઉપાદેય અને પ્રસ્તુત બની રહે છે.
કબીરનું ઇ.સ. 1518માં અવસાન થતાં, એમના હજારો હિંદુ, મુસ્લિમ ભક્તો ભેગા થયા. હિંદુઓ એમના અગ્નિસંસ્કાર કરવા માગતા હતા, તો મુસ્લિમો તેમને દફનાવવા માગતા હતા, પરંતુ કહેવાય છે કે ચાદર ખસેડતાં જ ચમત્કાર થયો, મૃતદેહને બદલે ફૂલોનો ઢગલો નીકળ્યો! અડધા ફૂલોથી હિંદુઓએ ‘સમાધિ’ રચી, તો અડધા ફૂલોથી મુસ્લિમોએ ‘કબર’ ચણી. હિંદુ-મુસ્લિમ એકતાના જાણે પ્રતીક રચાયાં!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter