સમગ્ર ઉત્તર ભારતમાં ગંગા દશહરાના પાવન પર્વને ખુબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ગંગા દશહરાના તહેવારને ગંગા અવતરણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વે (આ વર્ષે 16 જૂન) ઉત્તર ભારતના રાજ્યોમાં આવેલાં વારાણસીના વિખ્યાત અસી ઘાટ અને હરદ્વારમાં આવેલા હરકી પૌડી ઘાટ સહિતના વિવિધ ઘાટ ઉપર લાખોની સંખ્યામાં લોકો ગંગામાં ડૂબકી મારી પોતાના દસ પાપ ધોવાઇ ગયાનો સંતોષ માનશે.
હિંદુ પુરાણોમાં ગંગા દશહરાના તહેવારનું અનેકગણું ધાર્મિક માહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. તદઉપરાંત આ દિવસે ગરીબોને દાન કરીને અને ગંગા નદીમાં ડૂબકી મારવાનો પણ સંકેત કરવામાં આવ્યો છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર આજના દિવસે ગંગાજીએ સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર અવતરણ કર્યું હતું અને શિવજીએ તેમની વિરાટ જટામાં ગંગાજીને ઝીલી લીધા હતા. ગંગા નદી ઉત્તરાખંડમાં ગંગોત્રી પાસેથી નીકળી હરદ્વાર પાસે મેદાની પ્રદેશમાં પ્રવેશે છે અને ત્યાંથી સમગ્ર ઉત્તર પ્રદેશમાં વહીને પશ્ચિમ બંગાળમાં થઇ છેવટે બાંગ્લાદેશમાં બંગાળના ઉપસાગરમાં ભળી જાય છે.
હિંદુ પુરાણોમાં ગંગા અવતરણની દર્શાવેલી કથા અનુસાર ઇક્ષ્વાકુ વંશમાં સગર નામનો એક ખુબ પ્રતાપી રાજા હતો જેને બે રાણીઓ હોવા છતાં તેના વંશને આગળ વધારનાર પુત્ર નહોતો જેથી તેણે પોતાની બે રાણીઓ વૈદર્ભી અને શૈવ્યા સાથે ભેગા મળીને શિવજીની ઘોર તપસ્યા કરી. રાજા સગરની તપસ્યાથી પ્રસન્ન થયેલા ભગવાન આશુતોષે રાજા સગરને કહ્યું કે તારી એક રાણીને સાઠ હજાર પુત્રો અવતરશે અને બીજી રાણીને ફક્ત એક પુત્ર અવતરશે જે તારા વંશને આગળ વધારશે. સમય જતાં વૈદર્ભીએ એક તુંબડાને જન્મ આપ્યો જેમાંથી તેના 60 હજાર પુત્રો નીકળ્યા અને રાણી શૈવ્યાએ અસમંજ નામના એક સ્વરૂપવાન પુત્ર રત્નને જન્મ આપ્યો. કાળચક્ર ફરતું ગયું અને અસમંજની પત્નિએ અંશુમાન નામના એક પુત્રને જન્મ આપ્યો. અસમંજ ખુબ જ દુષ્ટ અને ક્રુર હતો તેથી રાજા સગરે તેને પોતાની ગાદી ના સોંપતા તેના પૌત્ર અંશુમાનને પોતાની ગાદી સોંપી અને પોતાના રાજ્યને ચક્રવર્તી સામ્રાજ્યમાં ફેરવી નાંખવા અશ્વમેધ યજ્ઞ કર્યો અને શ્યામકર્ણ નામનો ઘોડો છુટ્ટો મૂક્યો અને તેની સાથે તેનાં સાઠ હજાર પુત્રોને વિશાળ સેના સાથે મોકલ્યા.
બીજી બાજુ રાજા સગરના અશ્વમેધ યજ્ઞથી ફફડી ગયેલા દેવોના રાજા ઇન્દ્રએ ચાલાકી કરીને શ્યામકર્ણ ઘોડાને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. પોતાના ઘોડાને શોધતાં શોધતાં રાજા સગરના સાઠ હજાર પુત્રો કપિલ મુનિના આશ્રમમાં આવી પહોંચ્યા. તે સમયે કપિલ મુનિ ધ્યાનમાં બેઠા હતા અને સમાધિ લાગી ગઇ હતી. કપિલ મુનિની શક્તિઓ અને તપોબળથી અજાણ રાજા સગરના પુત્રોએ કપિલ મુનિની સમાધી તોડવાની ભૂલ કરી. ક્રોધથી ભભૂકી ઉઠેલા કપિલ મુનિએ રાજા સગરના સાઠ હજાર પુત્રોને પોતાની ક્રોધાગ્નિમાં બાળીને ભસ્મ કરી નાંખ્યા.
આ ઘટનાની જાણ થતાં રાજા સગરે પોતાના પૌત્ર અંશુમનને કહ્યું કે કપિલ મુનિ પાસે જઇને નમ્રતાપૂર્વક માફી માંગી ઘોડો પાછો લઇ આવવા જણાવ્યું. પૌત્ર અંશુમન કપિલ મુનિ પાસે જઇ ખુબ જ વિનમ્ર ભાવે નતમસ્તક થઇ માફી માંગે છે. અશુંમનની વિનમ્રતાથી પ્રસન્ન થઇ કપિલ મુનિ તેને વરદાન માંગવા કહે છે. જેના જવાબમાં અશુંમન ઘોડો પાછો માંગે છે અને પોતાના પૂર્વજોના અસ્થિ વિસર્જન અને મોક્ષ માટે કોઇ ઉપાય સૂચવવા કહે છે. તે સમયે કપિલ મુનિએ અંશુમનને કહ્યું હતું કે સ્વર્ગમાં વહેતી ગંગા જો પૃથ્વી ઉપર અવતરે તો તારા પૂર્વજોને મોક્ષ મળી શકે અને તેઓના અસ્થિઓનું વિસર્જન થઇ શકે.
પોતાની ઉંમર વધી જતાં રાજા સગર પોતાનું સામ્રાજ્ય પૌત્ર અંશુમનને સોંપીને હિમાલય જતાં રહે છે. અંશુમન ગંગાજીને પૃથ્વી પર લાવવા ઘોર તપ કરે છે પરંતુ તેને સફળતા મળતી નથી, ત્યારબાદ તેના પુત્ર દિલીપે પણ ગંગા અવતરણ માટે તપસ્યા કરી પરંતુ તે પણ અસફળ રહ્યો. દિલીપના પુત્ર ભગીરથે ગંગાજીને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લાવવા ગંગાજીની ઘોર તપસ્યા કરી જેનાથી પ્રસન્ન થઇ ગંગાજીએ દર્શન આપ્યા અને કહ્યું કે ફક્ત શિવજી જ તેમના વેગ પ્રવાહને પૃથ્વી ઉપર રોકી શકે તેમ છે તેથી પહેલાં શિવજીને પ્રસન્ન કરો.
રાજા ભગીરથે શિવજીને પણ પોતાના તપ અને ભક્તિથી પ્રસન્ન કરી ગંગાજીના પ્રવાહને ઝીલવા સંમત કરી લીધા. ઉત્તરાખંડમાં હાલ જ્યાં ગંગોત્રી આવેલું છે તેનાથી 15 કિલોમિટર ઉપર ગૌમુખ નામની જગ્યા આવેલી છે. એવું કહેવાય છે કે આ ગૌમુખ નજીક શિવજીએ પોતાની વિશાળ જટામાં ગંગાજીને સમાવી લીધા હતા, તેથી આજે પણ ગંગોત્રી એ ગંગા નદીનું ઉદગમ સ્થાન કહેવામાં આવે છે. ગંગોત્રીના દર્શન કર્યા વિનાની ચારધામની યાત્રા અધૂરી ગણાય છે.