ગંગા નદીનો તટપ્રદેશ એટલે સંતોનો સંગ અને ભક્તિની રસધારાનો મહાસંગમ. પૃથ્વી પર અવતરેલા આધિદૈવિક ગંગાજી આધિભૌતિક રીતે હિમાલયની ગંગોત્રીમાંથી પ્રગટ થયાં. પછી તેમણે હિમાલયની ઘાટીઓમાંથી કલ કલ નિનાદ કરી નીચે ઊતરીને મેદાન પ્રદેશોમાંથી ભારતની ભૂમિ પર વહી ભારતવર્ષની ભૂમિને પાવન કરી છે. આધિદૈવિક તીર્થ દેવી ગંગા, મોક્ષદાયિની માતા ગંગાનું પૃથ્વી પર જેઠ સુદ દસમ (આ વર્ષે ૨૮ મેના રોજ)ના રોજ અવતરણ થયું હોવાથી આ દિવસ ગંગાદશહરા તરીકે ઓળખાય છે.
પૌરાણિક કથા
મહાપર્વ તરીકે ઉજવાતા ગંગાદશહરા અંગે શ્રીમદ્ ભાગવદમાં કથા છેઃ એક સમયે મહારાજ સગરે યજ્ઞા કર્યો ત્યારે આ યજ્ઞાનો ભાર તેમના પૌત્ર અંશુમાને ઉપાડયો. દેવરાજ ઇન્દ્રને લાગ્યું કે મહારાજ સગર આ યજ્ઞા પછી પોતાના ઇન્દ્રાસન ઉપર બેસી જશે. આથી ઇન્દ્રએ મહારાજ સગરનો યજ્ઞા પૂર્ણ ન થાય તે હેતુથી યજ્ઞાના અશ્વનું અપહરણ કરી લીધું અને પાતાળલોકમાં જઈને કપિલ મહર્ષિ જ્યાં તપ કરી રહ્યા હતા ત્યાં જઈને બાંધી દીધો. અશ્વનું અપહરણ થતાં મહારાજ સગરના સો પુત્ર આ અશ્વ શોધવા માટે નીકળ્યા.
તેઓ આખા ભૂમંડલમાં ફર્યા પણ અશ્વ ન મળ્યો. આખરે તેઓ શોધતાં શોધતાં પાતાળલોકમાં કપિલમુનિના આશ્રમે પહોંચ્યા. ત્યાં આ અશ્વને બંધાયેલો અને કપિલ મુનિને ધ્યાનસ્થ બનેલા જોયા. સગરપુત્રોને લાગ્યું કે કપિલમુનિએ જ યજ્ઞાના અશ્વને બાંધી દીધો છે, આથી તેઓ કપિલમુનિને ચોર સમજીને તેમની સાથે અભદ્ર વર્તન કરવા લાગ્યા.
તપમાં પડતા વિઘ્નને કારણે કપિલમુનિની તપશ્ચર્યા તૂટી ગઈ. તેમણે ક્રોધિત નેત્રોથી સગરપુત્રોની સામે જોયું. કપિલમુનિનાં અગ્નિ ઝરતાં નેત્રોમાંથી નીકળતી જ્વાળાને કારણે સગરપુત્રો ત્યાં જ બળીને ભસ્મ થઈ ગયા. જ્યારે સગરરાજાને ખબર પડી ત્યારે તેમણે પોતાના પૌત્ર અંશુમાનને ગાદી સોંપી પોતે પુત્રોની મુક્તિ માટે માતા ગંગાજીને વિનંતી કરવા તપશ્ચર્યા કરવા ગયા. મહારાજ સગર પછી અંશુમાન ત્યાર પછી તેમના પુત્ર દિલીપ અને ત્યાર પછી મહારાજ ભગીરથે પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે અથાગ પ્રયત્ન કર્યો.
આખરે મહારાજ ભગીરથ માતા ગંગાનું સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ કરવામાં સફળ થયા. તેમણે બ્રહ્માજીના કહેવા પર ગંગાજીના વેગને ધારણ કરવા માટે ભગવાન શિવને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી ગંગાજીને ધારાઓ રૂપે વહાવ્યાં ત્યારે ભગવાન શિવે ગંગાજીને પોતાની જટામાં સમાવી લઈ પોતે ગંગાધરણ બન્યા. ગંગાજીને ભગવાન શિવની જટામાં સમાયેલાં જોઈ રાજા ભગીરથે ફરી ભગવાન શિવની તપશ્ચર્યા કરી અને દેવી ગંગાને મુક્ત કરવા વિનંતી કરી. મહારાજ ભગીરથની વિનંતીથી પ્રસન્ન થયેલા ભગવાન શિવે કહ્યું, ‘ગંગાજીને મેં મુક્ત કર્યાં.’શાસ્ત્રો કહે છે કે ભગવાન શિવજીની જટામાંથી પડતાં ગંગાજી એ જ્ઞાનપ્રવાહનું સ્વરૂપ છે.
ગંગાજી વિષે બીજી માન્યતા એ રહેલી છે કે જ્યારે ભગવાન શિવે કહ્યું કે, ‘ગંગાજીનો પ્રવાહ હજુ પ્રબળ છે માટે આપ ભગવાન વિષ્ણુને અનુગ્રહ કરવા વિનંતી કરો.’ રાજા ભગીરથે ભગવાન વિષ્ણુની તપશ્ચર્યા કરી. ભગવાન વિષ્ણુએ ભગીરથ રાજાની વિનંતી સ્વીકારી ગંગાજીના પ્રબળ પ્રવાહને શાંત કરવા વચન આપ્યું. જ્યારે ભગવાન શિવે ગંગાજીને જટામાંથી મુક્ત કર્યા ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને પોતાની જંઘામાં સમાવી લીધા. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ ધીમે ધીમે ગંગાજીને મુક્ત કર્યાં હોઈ ગંગાજીનું નામ જ્હાન્વી પડયું.
અમુક વિદ્વાનોનું માનવું છે કે ગંગાજી જ્યારે સ્વર્ગમાંથી પૃથ્વી પર ઊતર્યાં ત્યારે જાહુ નામના ઋષિનો આશ્રમ નષ્ટ થઈ ગયો જેને કારણે ઋષિ ખૂબ ક્રોધે ભરાયા અને ગંગાજીના જળને પોતાના ઉદરમાં સમાવી લીધું. ગંગાજીને આ રીતે જાહુ મુનિના ઉદરમાં સમાયેલાં જોઈ રાજા ભગીરથે જાહુ મુનિને સંસારના કલ્યાણ માટે પ્રાર્થના કરી.
રાજા ભગીરથની પ્રાર્થનાથી મહર્ષિ જાહુએ કાનમાંથી ગંગાનો પ્રવાહ વહેતો કર્યો. આમ, ગંગાજી જાહુની જ્હાન્વી નામે પણ ઓળખાય છે. ગંગાજીએ પૃથ્વી પર અવતરિત થયા પછી મહારાજ ભગીરથની પાછળ પાછળ કપિલમુનિના આશ્રમે આવીને ભગીરથ રાજાના પિતૃઓનો ઉદ્ધાર કર્યો.
ગંગાજીનો પ્રવાહ છેલ્લે સાગરમાં મળી જાય છે. ગંગાજીનું આ રીતે સાગરમાં મળી જવું તે એ સમર્પણનું પ્રતીક મનાયુ છે. શિવપુરાણમાં કહ્યું છે, ‘જે જીવ ગંગાજીના નીરમાં ભાવનાપૂર્વક સ્નાન-પાન કરે છે તે જીવનાં સમસ્ત પાપોનો નાશ થાય છે અને તે જીવ ફરી માતૃગર્ભમાં જન્મ લેતો નથી.’ જે જીવો ફરી માતૃગર્ભમાં જન્મ ધારણ નથી કરતાં તે અવસ્થાને મોક્ષ કહેવામાં આવે છે, આથી જ જ્યાંથી ગંગાજી વહેતાં હોય તેવાં તીર્થોને પાવન ગણવામાં આવે છે અને ગંગાજીને કિનારે જ્યાં શિવનું મંદિર હોય તેવાં તીર્થોને મોક્ષસ્થાન માનવામાં આવ્યાં છે. આવાં મોક્ષસ્થળોમાં સૌથી વધુ કાશીનો ઉલ્લેખ શાસ્ત્રોમાં વધુ થયેલો જોવા મળે છે. આથી પુરાતનકાળમાં કાશીનું મરણ અતિ પ્રખ્યાત હતું. હિન્દુ પરંપરામાં મૃત થયેલા દેહમાં કે મૃત્યુની સમીપ પહોંચલા જીવોના મુખમાં ગંગાજળ મૂકવામાં આવે છે, જેથી તે જીવનો મોક્ષ થાય છે અને તે જીવ જન્મ-મરણના ફેરાઓમાંથી મુક્ત થઈ જાય.
દશ પાપોનો નાશ
સ્કંદપુરાણમાં કહ્યું છે કે, ‘ગંગાદશહરાનો દિવસ સંવત્સરમુખી કહેવાય છે. પુરાણો અનુસાર ગંગાદશહરાને દિવસે ગંગાસ્નાન અને દાન-પુણ્યનો મોટો મહિમા છે. આ દિવસે શિવમંદિરોમાં અભિષેક અને ગંગાજીનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે તલ અને જળનો અર્ધ્ય આપવાથી ત્રણ શારીરિક પાપો, ત્રણ મનનાં પાપો અને ચાર વાણીનાં એમ દશ પાપો દૂર થતાં હોવાથી પણ આ દિવસ ગંગાદશહરા તરીકે ઓળખાય છે.’
હરિદ્વારના વિદ્વાનો કહે છે કે, ‘માતા ગંગાના નિર્મળ જળમાં સ્નાન કરવાથી મનુષ્યોનાં મન, બુદ્ધિ અને તન એમ ત્રણેયની શુદ્ધિ થાય છે, કારણ કે ગંગાતટે જ્યારે મનુષ્ય આવે છે ત્યારે ગંગાજીના જળમાં સ્નાન કરવાથી તન શુદ્ધ થાય છે. અહીં તેમને અનેક સંતોનો સંગ મળે છે જેને કારણે તેમને નિરંતર સ્વાધ્યાય મળે છે. આ સ્વાધ્યાય તે બુદ્ધિની શુદ્ધિ માટે અનિવાર્ય છે. સંતોના સંગે રહેવાથી અને રોજ નિરંતર સ્વાધ્યાય કરવાથી મનુષ્યોનું મન જેમ શુદ્ધ થતું જાય છે તેમ ભક્તિ આવતી જાય છે, કારણ કે ભક્તિ એ મનની શુદ્ધતાનું પ્રતીક છે.’
ગંગા મહિમા
ગંગાજીનો મહિમા સ્કંદપુરાણ સિવાય શિવપુરાણ, લિંગપુરાણ, બ્રહ્મપુરાણ, ભવિષ્યપુરાણ, ઉપનિષદ, સંહિતા, વેદોમાં અને નાથ સંપ્રદાયમાં પણ છે. નાથ સંપ્રદાયમાં ભર્તૃહરિ કહે છે કે, ‘વિવેકી જીવો જો ગંગાના કિનારે નિવાસ કરી ગંગાજળનું પાન કરે તેમ જ ગંગાજળથી પોતાની વ્યાવૃત્તિ કરે છે તે જીવોના અંતરમનમાંથી અહં, મમતા છૂટી જાય છે.’
સંસ્કૃત વાગ્મયમાં ગંગાજીની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, ‘પવિત્ર અને પાવન એવી ગંગાનું સ્મરણ એ જીવોને ભગવદ્ પદની પ્રાપ્તિ કરાવે છે.’
આધિદૈવિક તીર્થરૂપા ગંગાજીએ ભલે શિવજીની જટાને પોતાનું મુખ્ય સ્થાન બનાવ્યું હોય, પણ તેમના આધિભૌતિક સ્વરૂપે તેઓએ હસ્તિનાપુર નરેશ મહારાજ શાંતનું સાથે વિવાહ કર્યા અને તેજમૂર્તિ તત્ત્વજ્ઞા એવા દેવવ્રત નામના પુત્રની ભેટ સંસારને આપી. તે પુત્ર મહારાજ ભીષ્મને નામે ઇતિહાસમાં પ્રસિદ્ધ થયો. ગંગાજીનું ઉદ્ગમસ્થાન હિમાલયના ગંગોત્રી નામના ગ્લેશિયરમાં આવેલ છે.
ગંગા મંદિર
દેવપ્રયાગ નજીક ભાગીરથી અલકનંદા અને મંદાકિની મળે છે. આ બંને નદીઓના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે. ગૌમુખ પહેલાંનો પ્રવાહ તે ગુપ્ત ગંગાને નામે ગંગોત્રી ઉપર પડેલો છે, પણ આ જ પ્રવાહ તે ગૌમુખ નામના સ્થાનથી પ્રગટ રૂપથી દેખાય છે, તેથી ગૌમુખ ઉપર ગંગાજીનું ભવ્ય મંદિર છે, જેની સ્થાપના ૧૯મી સદીની શરૂઆતમાં ગોરખા જનરલ અમર સિંહ થાપાએ કરેલી હતી, પરંતુ સમય જતાં આ મંદિરને જ્યારે જિર્ણોદ્ધારની જરૂર પડી ત્યારે આ મંદિર જયપુરના રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું તેવી માન્યતા છે.
ગૌમુખ પર રહેલા આ મંદિરમાં માતા ગંગા અને આદ્યગુરુ શંકરાચાર્યની મૂર્તિ સ્થાપિત છે. આ મંદિરની પાસે એક વિશાળ શિલા રહેલી છે. લોકમાન્યતા છે કે આ શિલા ઉપર બેસીને મહારાજ ભગીરથે પોતાની તપશ્ચર્યા કરી હતી. જ્યારે બીજી માન્યતા અનુસાર આ સ્થળ ઉપર પાંડવોએ પોતાનો છેલ્લો દેવયજ્ઞા કર્યો હતો.
ગૌમુખ ખાતે રહેલું આ મંદિર અક્ષયતૃતીયાને દિવસે ખૂલે છે અને દિવાળીને દિવસે બંધ થઈ જાય છે. મંદિર બંધ થયા બાદ માતા ગંગાની પ્રતિમાને ગામમાં પરત લાવવામાં આવે છે. અહીં આ પ્રતિમા આખો શિયાળો (લગભગ છ માસ) રહે છે. શિયાળો પૂરો થયે પ્રતિમાની ફરી મંદિરમાં સ્થાપના કરાઇ છે.