વિઘ્નહર્તા મંગલમૂર્તિ ગણપતિની આરાધનાનું અનોખું માહાત્મ્ય છે. મનુષ્યથી માંડીને દેવી-દેવતાઓ પણ ગણેશનું સ્મરણ કરીને જ કાર્યનો પ્રારંભ કરે છે. ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશજીનું પ્રાગટ્ય થયું હતું. આ દિવસથી શરૂ કરીને દસ દિવસનો ગણેશ ઉત્સવ રંગેચંગે ઉજવવામાં આવે છે. દેશવિદેશમાં વસતાં શ્રદ્ધાળુઓ ગણેશ ચતુર્થી (આ વર્ષે 31 ઓગસ્ટ)થી એક, ત્રણ દિવસ કે દસ દિવસ માટે ગણેશજીનું ઘરે અથવા જાહેર સ્થળે સ્થાપન કરીને ભારે ધામધૂમ સાથે તેનું પૂજન-અર્ચન કરે છે અને અનંત ચતુર્દશી (આ વર્ષે 9 સપ્ટેમ્બર)ના રોજ પ્રતિમાનું વિસર્જન કરે છે.
ગણેશજીના અવતરણની કથા
ગણેશ પુરાણ અનુસાર ગણેશજી ભાદરવા સુદ ચતુર્થીના દિવસે પ્રગટ થયા હતા. ગણેશજીનો જન્મ નહોતો થયો, પણ એક મૂર્તિમાંથી તેમનું સર્જન થયું હતું. ગણેશજીના અવતરણની કથા કંઈક આ પ્રમાણે છે. પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી એક નાનકડા બાળકની મૂર્તિ બનાવી તેમાં જીવ પૂર્યો અને તેનું નામ ગણેશ રાખ્યું. પાર્વતીજી સ્નાન કરવા માગતાં હતાં, તેથી તેમણે કહ્યું કે, ‘હું સ્નાન કરવા જાઉં છું, તું કોઈને અંદર પ્રવેશવા ન દેતો.’ ગણેશજી માતાની આજ્ઞાનું પાલન કરવા માટે દ્વાર પર પહેરો ભરવા લાગ્યા, પણ થોડી જ વારમાં ત્યાં મહાદેવનું આગમન થયું. માતાજીની આજ્ઞા પ્રમાણે ગણેશજીએ મહાદેવને અંદર પ્રવેશવા ન દીધા. મહાદેવ પોતાનું આવું અપમાન સહન ન કરી શક્યા અને તેમણે બાળકનું માથું કાપી નાખીને તેને દંડ આપ્યો. આ જોઈને પાર્વતીજી વિલાપ કરવા લાગ્યાં. પાર્વતીને ખુશ કરવા માટે તેમણે હાથીના બચ્ચાનું શીશ કાપીને ગણેશજીના ધડ પર લગાવી દીધું અને ત્યારબાદ અંજલિ છાંટીને ગણેશજીને સજીવન કર્યા. તે દિવસે ભાદરવી ચોથ હતી, તેથી ગણેશ પ્રાગટ્યના રૂપમાં આ દિવસને મનાવવામાં આવે છે.
ટિળકે બનાવ્યું લોકપર્વ
ગણેશ ચતુર્થીના દિવસે ઘર, શેરી મહોલ્લામાં તેમની સ્થાપના કરીને વિધિવત્ પૂજન કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીથી માંડીને અનંત ચૌદશ સુધી એમ દસ દિવસ ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે. લોકમાન્ય તિલકે નાતજાતના ભેદને મિટાવીને લોકોમાં એકતા લાવવા માટે અને રાષ્ટ્રીય ચેતના જગાડવા માટે વિઘ્નહર્તાનો સહારો લીધો હતો અને તેમણે ગણેશ ઉત્સવને સર્વ લોકો માટે સાર્વજનિક બનાવ્યો. રાષ્ટ્રીય ચેતના અને દેશમાં એકતાનો ભાવ જગાવવામાં ગણેશ ચતુર્થીનો મહત્ત્વનો ફાળો છે. આ કારણે જ ગણપતિને રાષ્ટ્રનાયક પણ કહે છે.
દેવી-દેવતાઓમાં પણ પૂજનીય
મનુષ્યથી માંડીને દેવી-દેવતા સુધી દરેક શુભ કાર્યની શરૂઆતમાં વિઘ્નહર્તાનું સ્મરણ કરવાનું વિધાન જોવા મળે છે. ભગવાન શંકર જ્યારે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે તેની પાછળનાં કારણ શોધવા માટે ચિંતન કર્યું તો સમજાયું કે ગણેશજીની અર્ચના કર્યા વગર આ કાર્યનો આરંભ કર્યો હતો એટલે જ નિષ્ફળતા મળી.
મહાદેવે બીજી વખત જ્યારે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કરવાનો સંકલ્પ કર્યો ત્યારે આ કાર્યનો પ્રારંભ કરતા પહેલાં તેમણે ગણેશજીની સ્થાપના કરી. તેમને લાડુનો નૈવેદ્ય ધરાવ્યો અને પછી ત્રિપુરાસુરનો વધ કરવામાં સફળ થયા. આ જ રીતે મહિષાસુરના વધ વખતે મહાદેવી દુર્ગા પણ ગણેશનું સ્મરણ કરવાનું ભૂલી ગયાં હતાં, તેથી પહેલી વખત તેમને સફળતા ન મળી. પછી ગણેશજીની સ્થાપના કરી પૂજા, અર્ચન કરીને જ્યારે મહિષાસુર સાથે યુદ્ધ કર્યું તો સફળ થયાં.
અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ગણેશની અવહેલના કરીને તેમનાં માતા-પિતા પણ કોઈ કાર્યને સફળતાથી પાર પાડી નથી શકતાં, તો પછી પામર મનુષ્ય તો ગણેશજીને યાદ કર્યા વગર કોઈ કાર્યને સિદ્ધ કેવી રીતે કરી શકે! દેવતાઓએ ગણેશજીને તેમના અધિપતિ બનાવીને પ્રથમ પૂજનીય બનાવવાનું સન્માન પ્રદાન કર્યું છે. આથી જ કહેવાયું છેઃ
વક્રતુંડઃ મહાકાય સૂર્યકોટિ સમપ્રભઃ ।
નિર્વિઘ્નં કુરુમે દેવં સર્વ કાર્યેષુ સર્વદા ।।