ગણેશજી સૌથી મોટા ગુરુ, જે આપણને શીખવાડે છે...

પર્વવિશેષ

Monday 05th September 2016 09:01 EDT
 
 

ગણેશ ચતુર્થી (આ વર્ષે પાંચ સપ્ટેમ્બરથી) એટલે કે ભાદરવા સુદ ચોથની તિથીના રોજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ક્યાંક ક્યાંક ત્રણ દિવસ, ક્યાંક પાંચ દિવસ તો ક્યાંક દસ દિવસ માટે ગણેશજીનું સ્થાપન થયું હશે. તમામ દેવી-દેવતાઓમાં સૌથી પહેલાં પૂજાતા ગણાતા ગણપતિ માત્ર દેવતા નથી, પરંતુ એક પદ છે. ગણેશજી સૌથી મોટા શિક્ષક છે. તેમનું જીવનચરિત્ર આપણને ઘણું બધું શીખવે છે. જેમ કે,

• માતા-પિતાને સંસાર સમાન ગણ્યા...

એટલા માટે દેવોમાં પ્રથમ પૂજ્ય...

સૌથી પહેલાં કોની પૂજા થાય તેને લઈને વિવાદ થયો. નક્કી થયું કે, જે સમગ્ર વિશ્વનું ભ્રમણ કરી પહેલો પરત ફરશે તે પરમપૂજ્ય ગણાશે. કાર્તિકેય ઝડપથી વિશ્વનું ચક્કર લગાવવા નીકળી ગયા. ગણેશે માતા પાર્વતી, પિતા મહાદેવની જ પરિક્રમા કરી લીધી.

• ભૂલો માફ કરશો તો તમારું કદ વધશે

એટલા માટે વિશાળ હૃદયના...

પોતાની સુંદરતાના ઘમંડમાં ચંદ્રમા જ્યારે ભગવાન ગણેશનો આકાર જોઈને હસી પડ્યા તો ગણેશજી નારાજ થઈ ગયા હતા. શ્રાપ આપ્યો કે ચાંદની કાલિમામાં બદલાઈ જશે. ચંદ્રમાને ભૂલ સમજાઈ તેમણે માફી માગી. ગણેશજીએ ક્ષમા આપી.

• આરંભ એ જ જે અંત સુધી પહોંચે...

એટલા માટે એકદંત થઈ ગયા...

ગણેશજીએ જ મહાભારત લખ્યું છે. એ શરત પર કે જ્યારે લખવા બેસશે તો રોકાશે નહીં. વેદવ્યાસે પણ શરત મૂકી કે, સમજ્યા વિના નહીં લખે. એકાએક લખતી વખતે કલમ તૂટી ગઈ. ગણેશજીએ તાત્કાલિકે તેમનો એક દાંત તોડ્યો અને તેનાથી જ લખવા લાગ્યા.

• સાંભળો સાંભળવાથી જ બધું થશે

એટલા માટે આકાર એવો...

ગણેશજીના કાન મોટાં છે. શૂર્પ-કર્ણની જેમ. જે પ્રકારે સૂપડાંની મદદ વડે અન્નમાંથી દૂષિત તત્ત્વોને દૂર કરી દેવામાં આવે છે તેમ મોટા કાન ખરાબ અને ખોટું સાંભળવાની કુટેવથી બચવા અને તે પ્રકારે દિમાગમાંથી કચરો દૂર કરવાની પ્રેરણા આપે છે. ગણેશજીની આંખો નાની છે, જે એકાગ્રતા જાળવવાનો સંકેત આપે છે.

• જેને કોઈ ન સ્વીકારે તેને અપનાવો...

એટલા માટે વાહન પણ નાનું...

ઋષિ પારાશારના આશ્રમમાંથી ઉપદ્રવી મૂષકને પકડી લીધો. ગણેશજીએ મૂષકને વાહન બનવા માટે કહ્યું. મૂષક તેમનો ભાર સહન ન કરી શક્યો અને તેણે ક્ષમા માંગી. ગણેશજીએ ક્ષમા આપી અને મૂષકને સ્વીકારી લીધો.

•••

ગણેશસર્જન, ગણેશપૂજન અને ગણેશવિસર્જનનું રહસ્ય

ગણેશચતુર્થીએ ગણેશમૂર્તિના સ્થાપન-પૂજન સાથે ‘ગણેશોત્સવ’નો આરંભ થાય છે. ત્રીજા, પાંચમા કે દશમા દિવસે ગણેશજીને વિદાય આપવા જળાશય તરફ શોભાયાત્રા કઢાય છે. રાષ્ટ્રનાયક ગણપતિની સિંહાસન પર સવારી નીકળે છે. ‘ગણપતિ બાપ્પા મોરયા, ઘીમાં લાડુ ચોળિયા...’ જેવા નારાઓ સાથે ગણપતિ મૂર્તિનું જળમાં વિસર્જન કરાય છે. ‘ગણેશ-સર્જન’, ‘ગણેશપૂજન’ અને ‘ગણેશવિસર્જન’નું રહસ્ય સમજવા જેવું છે. સર્જન અને વિસર્જન તો પરમાત્માની લીલા છે. પૃથ્વી, જળ, પ્રકાશ, વાયુ અને આકાશ એ પાંચ તત્ત્વોમાંથી સૃષ્ટિ અને તેના પદાર્થોની ઉત્પત્તિ થાય છે અને પુનઃ એમનું વિસર્જન થતાં પોતાનાં મૂળ તત્ત્વોમાં એ વિલીન થઈ જાય છે. ગણેશવિસર્જનનો વિદાય ઉત્સવ પ્રકૃતિનું આવું સત્ય શીખવે છે.

પાંચ દેવોના પૂજનમાં ગણેશનું સ્થાન સૌથી પહેલું છે. શિવ, ગણેશ, શક્તિ, સૂર્ય (અગ્નિ) અને વિષ્ણુ એ પાંચ દેવોની ઉપાસના અનુક્રમે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ સાથે સંકળાયેલી છે. આ પાંચ તત્ત્વોમાં સૌથી પહેલું જળ ઉત્પન્ન થયેલું. ગણપતિ જળના અધિપતિ દેવ છે, તેથી તેમનું પૂજન સૌથી પહેલું કરાયચ છે અને વિસર્જન પણ જળમાં કરાય છે. જળ પ્રદૂષિત ન થાય, તેની શુદ્ધિ જળવાય એ માટે આપણા પૂર્વજોએ ગણપતિની માટીની મૂર્તિ બનાવવાનો આદેશ આપ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter