ગ્રેગોરિયન પંચાંગ પ્રમાણે 3 એપ્રિલ 33 અને યહૂદી પંચાંગ પ્રમાણે 3793મા વર્ષના નિસાન માસની 14મી તારીખે ઇઝરાયેલના યરૂશાલેમ શહેરની બહાર આવેલી કાલવરીની ટેકરી પર એક એવી ઘટના બની જેણે સમગ્ર વિશ્વના આધ્યાત્મિક પરિવર્તનનો પાયો નાખ્યો. તત્કાલિન ઇઝરાયેલના બેથલેહેમ ગામમાં જન્મેલા અને નાઝરેથના વતની એવા ઇસુ ખ્રિસ્તને ઇશનિંદાના આરોપસર આ દિવસે રોમન શાસક પોંતિયુસ પિલાત અને યહૂદી ધર્મગુરૂઓ દ્વાર વધસ્થંભ પર જડીને મૃત્યુદંડ આપવામાં આવ્યો. તત્કાલિન સમયમાં રોમન શાસન સામે બળવો પોકારનારાઓને વધસ્થંભ પર જડીને અત્યંત ક્રુર રીતે મૃત્યુદંડ આપવામાં આવતો હતો. તે સમયના યહૂદી ધર્મગુરૂઓની આંખમાં ઇસુ ખ્રિસ્ત આંખના કણાની જેમ ખૂંચતા હતા. દયા, કરૂણા, પ્રેમનો સંદેશ લઇને પૃથ્વી પર અવતરેલા ઇસુ ખ્રિસ્ત પોતે ઇશ્વરપુત્ર હોવાનો દાવો કરતા હતા અને તેમનો આ દાવો યહૂદી ધર્મગુરૂઓને હચમચાવી દેતો હતો. ઇસુ ખ્રિસ્ત યહૂદી ધર્મની પરંપરાઓને સીધો પડકાર આપતા હતા તેથી યહૂદી ધર્મગુરૂઓ તેમનું કાસળ કાઢવા નિતનવા પ્રપંચ રચતા હતા. ઇસુના જ એક શિષ્યની મદદથી યહૂદી ધર્મગુરૂઓએ તેમની ધરપકડ કરાવી અને રોમન અદાલતમાં તેમના પર ઇશનિંદાનો કેસ ચલાવવામાં આવ્યો. અહીં પણ તેમના પર કોઇ દોષ પૂરવાર થયો નહોતો પરંતુ ઇસુના લોહીના તરસ્યા યહૂદીઓના ટોળાંઓએ તત્કાલિન રોમન ગવર્નર પોંતિયુસ પિલાતને ઇસુને મૃત્યુદંડ આપવા મજબૂર કરી દીધા હતા. અને આ ગોઝારા દિવસે પ્રભુ ઇસુને કાલવરીની ટેકરી પર વધસ્થંભ પર હાથે પગે ખિલ્લા ઠોકીને મોતને હવાલે કરી દેવાયાં હતાં. વધસ્થંભે જડાયેલા ઇસુએ મોતને વહાલું કરતાં પોકાર કરીને કહ્યું હતું કે હે પરમેશ્વર પિતા તું આ લોકોને માફ કર કારણ કે તેઓ જે કરે છે તેનું તેમને ભાન નથી.
પ્રભુ ઇસુ ખ્રિસ્તના મૃત્યુના આ દિવસને સમગ્ર વિશ્વમાં ગૂડ ફ્રાઇડે અથવા તો શુભ શુક્રવાર તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ઇસુ ખ્રિસ્તનું મૃત્યુ થયું હોવા છતાં શા માટે તેને ગૂડ ફ્રાઇડે કહેવાય છે તેવો સવાલ ઘણાના મનમાં થતો હોય છે. પરંતુ બાઇબલ કહે છે કે સમગ્ર માનવજાતના પાપોના માટે ઇસુ ખ્રિસ્તે વધસ્થંભ પર પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તત્કાલિન યહૂદી પરંપરા અનુસાર વિવિધ પ્રકારના પાપો માટે યહૂદી મંદિરમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓના બલિ ચડાવવામાં આવતાં હતાં. ખ્રિસ્તી ધર્મની માન્યતા પ્રમાણે પ્રભુ ઇસુએ પોતાને જ બલિ ચડાવીને સમગ્ર માનવજાતના પાપ હરી લીધાં. તેથી આ દિવસને ગૂડ ફ્રાઇડે તરીકે મનાવવામાં આવે છે. આમ ઇસુ ખ્રિસ્તે પોતાને બલિના હલવાન તરીકે સોંપીને પાપોની માફી માટે અપાતા બલિની યહૂદી પરંપરાનો છેદ ઉડાડી દીધો હતો.
બાઇબલ પ્રમાણે ઇસુ ખ્રિસ્તે દાવો કર્યો હતો કે હું સમગ્ર માાનવજાતના પાપ હરી લેવા માટે પૃથ્વી પર આવ્યો છું. તેમણે પોતાના શિષ્યોને જણાવ્યું હતું કે, મને વધસ્થંભ પર જડીને મારી નાખવામાં આવશે પરંતુ તમે હતાશ અને નિરાશ થશો નહીં. હું ત્રીજા દિવસે ફરી સજીવન થઇશ. ઇસુ ખ્રિસ્તના દાવાઓને ખોટા ઠેરવવા યહૂદી ધર્મગુરૂઓ ભારે ચોકસાઇ રાખી રહ્યાં હતાં. યરૂશાલેમ શહેરની બહાર આવેલી એક વણવપરાયેલી કબરમાં ઇસુ ખ્રિસ્તના મૃતદેહને મૂકવામાં આવ્યો હતો. શિષ્યો તેમના મૃતદેહને ચોરી ન જાય અથવા તો તેમના દ્વારા ખોટા દાવાઓ ન કરાય તે માટે યહૂદી ધર્મગુરૂઓ દ્વારા કબરની બહાર રોમન સૈનિકો તહેનાત કરાયાં હતાં. પરંતુ ત્રીજા દિવસે એટલે કે રવિવારે વહેલી સવારે ઇસુ ખ્રિસ્ત પુનરૂત્થાન પામ્યા અને સંખ્યાબંધવાર તેમણે પોતાના શિષ્યોને દર્શન આપ્યાં. ઇસુ ખ્રિસ્તના પુનરૂત્થાનના આ દિવસને ઇસ્ટર સન્ડે તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
ગૂડ ફ્રાઇડે અને ઇસ્ટરની આ બે ઘટનાઓએ સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક પરિવર્તન લાવી દીધું હતું. ઇસુ ખ્રિસ્તને અનુસરનારા લોકો ખ્રિસ્તી કહેવાયાં અને યરૂશાલેમની ધરતી પર એક નવા ધર્મનો પ્રારંભ થયો હતો. પ્રભુ ઇસુએ તેમના શિષ્યોને શિક્ષણ આપ્યું હતું કે, પૃથ્વીના છેડા સુધી જાવ અને દરેક દેશના લોકોને મારા શિષ્ય કરો. ફક્ત 12 શિષ્યો દ્વારા શરૂ થયેલો આ ધર્મ આજે વિશ્વમાં સૌથી વધુ અનુયાયીઓ ધરાવે છે. ઇસુના બલિદાન અને પુનરૂત્થાનની આ ઘટનાઓની ઉજવણી સમગ્ર વિશ્વમાં ધામધૂમથી કરવામાં આવે છે. ચર્ચોમાં પ્રાર્થનાસભાઓનું આયોજન કરાય છે. ઇસ્ટર સન્ડે પહેલાના 40 દિવસને લેન્ટ તરીકે મનાવવામાં આવે છે. જે દરમિયાન ખ્રિસ્તી આસ્થાળુઓ ઉપવાસ સહિત પ્રાર્થનામાં લાગુ રહે છે. ગૂડ ફ્રાઇડે પહેલાના રવિવારને પામ સન્ડે એટલે કે ખજૂરીના રવિવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રભુ ઇસુ યરૂશાલેમ પહોંચ્યા હતા અને યરૂશાલેમની જનતાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એક વછેરા પર સવાર થઇને પ્રભુ ઇસુએ યરૂશાલેમ શહેરમાં પરિક્રમા કરી હતી. આ એજ યહૂદી લોકો હતા જેમણે ઇસુનું ભવ્ય સ્વાગત કર્યું અને થોડા જ દિવસો બાદ આજ યહૂદી ટોળાં પોંતિયુસ પિલાતની અદાલતમાં બૂમો પાડતા હતા કે તેને વધસ્થંભે જડાવી દો.. તેને વધસ્થંભે જડાવી દો......
પરંતુ કરૂણા અને દયાના સાગર એવા પ્રભ ઇસુ ખ્રિસ્તે મરણશૈયા પર હોવા છતાં પોતાના હત્યારાઓને કોઇ શ્રાપ આપ્યો નહોતો. તેમણે કહ્યુ હતું કે હે પરમેશ્વર પિતા તેમને માફ કરો કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યાં છે. મરણશૈયા પરથી પણ પ્રભુ ઇસુ ખ્રિસ્તે માફીનો સંદેશ આપ્યો હતો. આમ ગૂડ ફ્રાઇડે અને ઇસ્ટર સન્ડે સમગ્ર માનવજાત માટે માફી અને તારણનો સંદેશ લઇને આવે છે.