ભારતીય સંસ્કૃતિમાં ચૈત્ર સુદ-એકમ (આ વર્ષે ૧૮ માર્ચ) ગૂડી પડવા તરીકે ઉજવાય છે. ફાગણ માસની વિદાય અને ચૈત્ર માસનું આગમન. ચૈત્ર માસના પ્રારંભે અવસર આવ્યો છે નવસર્જન અને નવઉત્સાહનો. આ ઉત્સવ છે ગૂડી પડવાનો. આ ઉત્સવ છે નવા સંવત્સરીનો. વર્ષભરના અતિ અગત્યનો અને શુકનવંતા મુહૂર્તોમાં ગૂડી પડવાની ગણતરી થાય છે.
ગૂડી પડવાને ઉગાદિ પણ કહેવાય છે. ઉગાદિ મૂળ શબ્દ સંસ્કૃત છે. ઉગાદિની સંધિ છૂટી પાડીએ તો યુગ અને આદિ શબ્દથી બનેલો છે. અર્થ એ થયો કે યુગની શરૂઆત. ગૂડી પડવો એટલે યુગની શરૂઆત.
બ્રહ્મપુરાણ અનુસાર ચૈત્ર સુદ-એકમના પવિત્ર દિવસે બ્રહ્માએ સૃષ્ટિ રચનાનો પ્રારંભ કર્યો હતો. આ બાબતનો ઉલ્લેખ આપણને ‘અર્થવવેદ’ અને ‘શતપથ બ્રાહ્મણ’ બન્ને ગ્રંથમાંથી મળી આવે છે. આ પવિત્ર દિવસે ચૈત્રી નવરાત્રિનો પણ પ્રારંભ થાય છે.
લોકમાન્યતા અનુસાર આ પવિત્ર દિવસે ભગવાન શ્રીરામનું રાજ્યારોહણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યુધિષ્ઠિરનું પણ રાજ્યારોહણ થયું હતું.
ઐતિહાસિક ઘટના બતાવે છે કે, શાલિવાહન નામનો કુંભારપુત્ર હતો. એ સમયે દુશ્મનો સાથે યુદ્ધ લડવા જવું પડ્યું. સૈનિકો મરણ પામ્યા હતા પરંતુ આ શાલિવાહન કુંભારપુત્રે માટીમાંથી આબેહૂબ સૈનિકો તૈયાર કર્યા અને તેના પર જળ છંટકાવ કરીને નવા સૈનિકો સજીવન કર્યા. આ સૈનિકોની મદદથી દુશ્મનોને પરાસ્ત કર્યા. આ પ્રસંગની ઐતિહાસિક ઘડીને યાદ કરવાના પ્રતીકરૂપે શાલિવાહન શકનો પ્રારંભ થયો. સાથે સાથે માલવાના નરેશ વિક્રમાદિત્યે શકોને પરાજિત કર્યા. એટલે વિક્રમ સંવતની પણ શરૂઆત થઈ.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગૂડી પડવાએ ચૈત્ર માસના પ્રારંભે નવસંવત્સરમાં ચૈત્ર શુકલ-૩ના દિવસે શ્રીહરિ વિષ્ણુ ભગવાને લોકોની રક્ષા હેતુ મત્સ્યાવતાર ધારણ કર્યો હતો. કહેવાય છે કે પ્રભુ શ્રીરામે વાનરરાજ વાલીના ત્રાસમાંથી ત્યાંની પ્રજાને મુક્ત કરી અને દક્ષિણની ભૂમિને પવિત્ર બનાવી. નિષ્પાપ બનાવી. એ પ્રસંગની યાદ રૂપે ત્યાંની પ્રજા આનંદવિભોર બની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઘરે ઘરે ધ્વજા (ગૂડી) ઊભી કરી. ગૂડી એટલે ધજા. જે વિજયસૂચક ચિહન છે. વાલી સામેના વિજયને ગૂડીઓ ઊભી કરીને મનાવ્યો એટલે ગૂડી પડવો એવું નામ પ્રચલિત થયું. દરેક પોતાના ઘરને શણગારે છે.
ખાસ કરીને આ પવિત્ર પર્વ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં વિશિષ્ટ રીતે ઊજવાય છે. ખાસ કરીને આ દિવસે પૂરણપોળી, ઉપરાંત ગોળ, મીઠું, આંબલી, કાચી કેરી, લીમડાનાં ફૂલ વગેરેનું સેવન કરવાની પ્રણાલી છે. આ દિવસે પ્રભુને લીમડાનો રસ અને સાકર ધરાવી સેવન કરાય છે. નૂતન વર્ષ સૌને હંમેશાં મંગલમય બને તેવી શુભકામનાઓ સહ...