‘ગૌરીવ્રત’ અને ‘જયા-પાર્વતી વ્રત’ ગૌરી-શંકરની ઉપાસના-ભક્તિ દ્વારા રૂડો વર, સૌભાગ્ય અને સંતાનપ્રાપ્તિ માટે કુમારિકાઓ અને નારીઓ દ્વારા કરાતાં શૈવભક્તિનાં જાણીતાં વ્રતો છે. ગૌરીવ્રત એ અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમા (આ વર્ષે ૨૩થી ૨૭ જુલાઇ) સુધીનું પાંચ દિવસનું પર્વ છે. આમાં અષાઢી હરિયાળીને અનુરૂપ ‘જવારા’નું પૂજન કરાય છે. મુખ્ય જવની સાથે ઘઉં, તુવેર, મગ, ચોળા, તલ અને ડાંગર એ સાત ધાન્યને માટી અને છાણિયા ખાતર સાથે ભેળવીને રામપાત્રમાં કે છાબડીમાં જવારા ઉગાડાય છે. અષાઢમાં સાત-સાત ધાન્યના પાકથી લહેરાતી ‘ધરતીમાતા’ અને ‘જવારા’ ભગવતી પાર્વતીનાં પ્રતીકો છે.
વ્રતના પાંચેય દિવસ જવારાનું કુમકુમ-અક્ષત વગેરેથી પૂજન કરીને દીવો પ્રગટાવાય છે. વ્રતના પહેલા દિવસે કુમારિકાઓ ‘ગોરમાનો વર કેસરિયો ને નદીએ ના’વા જાય રે ગોરમા’ જેવા શિવ-પાર્વતીનાં ગીતો ગાતી ગાતી જળાશયે જાય છે, ત્યાં સ્નાન કરીને શિવાલયમાં મહાદેવની પૂજા કરે છે. જુવારના સાંઠાઓથી ધરતીને ખેડીને જાણે ગૌરીની આરાધના કરે છે. વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરાય છે, ગૌરી-શંકરનાં ગીતો, સ્તવનો ગવાય છે. બીજા દિવસે સવારે જવારાનું જળાશયમાં વિસર્જન સાથે વ્રતની પૂર્ણાહુતિ થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર આ વ્રત કરવાથી શિવ જેવા પતિની પ્રાપ્તિ થાય છે.
‘જયા-પાર્વતીવ્રત’ નારીઓ દ્વારા કરાય છે. ‘ભવિષ્યોત્તરપુરણ’માં વાંચવા મળતી કથા અનુસાર, ‘સત્યવ્રત’ અને ‘સત્યવતી’ નામક વિપ્ર દંપતીના ઘેર પારણું ન બંધાયું. છેવટે સંતાનપ્રાપ્તિ માટે નારદજીએ બતાવેલા ઉપાય પ્રમાણે, પતિ-પત્ની બન્નેએ ગાઢ જંગલમાં અવાવરું શિવાલયમાં પડેલા અપૂજ શિવલિંગની પ્રતિષ્ઠા કરીને પૂજા-ઉપાસના આરંભી. એક દિવસ, શિવપૂજાનાં ફૂલ વીણવા ગયેલ સત્યવ્રત સર્પદંશથી મૃત્યુ પામ્યો. પતિ પાછો ન ફરતાં સત્યવતી શોધવા નીકળી. તેણે એક વૃક્ષ નીચે મૃતાવસ્થામાં પડેલ પતિને નિહાળ્યો. તે હૈયાફાટ આક્રંદ કરવા લાગી. એટલામાં ત્યાં ભગવતી પાર્વતીનું આગમન થયું. સત્યવતીની પતિભક્તિ અને સત્યવ્રતની શિવભક્તિથી પ્રસન્ન થયેલા પાર્વતીજીએ જળનો છંટકાવ કરી સત્યવ્રતને જીવતો કરી દીધો. મહાદેવજી ‘મૃત્યુંજય’ છે, તો દેવી પાર્વતી ‘મૃત્યુંજયા’ છે. પતિ-પત્ની પાર્વતીને ચરણે પડ્યાં. પાર્વતીએ સંતાનપ્રાપ્તિનું વ્રત બતાવ્યું. ઘરે પરત ફર્યા બાદ પતિ-પત્નીએ તે વ્રત કર્યું અને તેના પ્રતાપે યુગલની સંતાનપ્રાપ્તિની મનોકામના પૂર્ણ થઈ.
‘જયા-પાર્વતીવ્રત’ અષાઢ સુદ તેરસથી અષાડ વદ બીજ (આ વર્ષે ૨૫ જુલાઇથી ૩૦ જુલાઇ) સુધીના પાંચ દિવસનું છે. આ વ્રતમાં વનસ્પતિની પૂજા કરીને જુવારના સાંઠાનું કે જૂઈનું દાતણ કરાય છે. ગોળ, સ્વાદ, મીઠા વિનાનું મોળું ભોજન એક વાર ગ્રહણ કરાય છે. આથી તેને ‘મોળાકતવ્રત’ પણ કહે છે. દરરોજ શિવ-પાર્વતીની પૂજા કરાય છે. છેલ્લા દિવસે શિવ-પાર્વતીની સ્તુતિઓ ગાતાં ગાતાં જાગરણ કરાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી એમને સૌભાગ્ય પ્રતીકોની ભેટ આપવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ વ્રત નિષ્ઠાપૂર્વક કરવાથી સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.