ચાતુર્માસઃ તપ અને ભક્તિ થકી મોક્ષપ્રાપ્ત કરવાનું મહાપર્વ

ચાતુર્માસ (૧ જુલાઇ - ૨૬ નવેમ્બર)

સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ Thursday 02nd July 2020 06:02 EDT
 
 

અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો - આ ચાર માસના સમૂહને હિન્દુ કેલેન્ડરમાં ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. આ ચાતુર્માસમાં ઉપવાસ આદિ કરીને તપ કરવાનું શાસ્ત્રોમાં વિશેષ મહત્ત્વ દર્શાવાયું છે. વળી, ચાતુર્માસ દરમિયાન અનેક ઉત્સવો પણ આવે છે તેથી માનવીને ભગવાનની ભક્તિ કરવાની અનેક તકો સાંપડે છે. આમ તપ અને ભક્તિ કરીને ચાતુર્માસમાં મોક્ષપદ પ્રાપ્ત કરી શકાય છે.

અષાઢ સુદ એકાદશીએ (આ વર્ષે પહેલી જુલાઇ) ભગવાન વિષ્ણુ પોઢી જાય છે તેથી આ એકાદશીને દેવપોઢી એકાદશી કહે છે. ભાદરવા સુદ એકાદશીએ (આ વર્ષે ૨૯ ઓગસ્ટ) ભગવાન પડખું ફેરવે છે તેથી તેને પાર્શ્વવર્તીની (પરિવર્તિની) એકાદશી કહેવાય છે. અને કારતક સુદ એકાદશીએ (આ વર્ષે ૨૬ નવેમ્બર) ભગવાન જાગૃત થાય છે તેથી તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે.

વર્ષમાં કુલ ૨૪ એકાદશી આવે છે. આ સર્વે એકાદશીએ નકોરડો ઉપવાસ કરવો જોઈએ તેવું શાસ્ત્રોમાં નિરુપણ છે. પરંતુ જે આ ચોવીસ એકાદશીઓના દિવસે નકોરડો ઉપવાસ ના કરી શક્તા હોય તેમણે ચાતુર્માસમાં આવતી નવ એકાદશીના ઉપવાસ તો અવશ્ય કરવા જોઈએ તે બાબતે ભાર મૂકવામાં આવ્યો છે. કદાચ કોઈથી આ નવ એકાદશી ના થાય તો તેમણે ત્રણ મુખ્ય એકાદશીએ તો અવશ્ય ઉપવાસ કરવા જોઈએ તેવું શાસ્ત્રોમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે.

‘મારા પોઢવાના દિવસે (દેવશયની એકાદશી), મારા ઊઠવાના દિવસે (પ્રબોધિની એકાદશી) અને મારા પડખું ફરવાના દિવસે (પરિવર્તિની-જળઝીલણી એકાદશી) જે વ્યકિત દૂધ, જળ કે ફળ-પત્ર આરોગે છે તે મારા હૃદયમાં શૂળ ભોંકે છે.' અર્થાત્ આ ત્રણે એકાદશીઓ સંપૂર્ણ નિર્જળા કરવી જોઈએ.

આરોગ્યની દ્રષ્ટિએ ચાતુર્માસમાં ઉપવાસ કરવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે, વર્ષાઋતુમાં રોગો વધુ થતાં હોય છે. તેથી આપણા ઋષિમુનિઓએ ચાતુર્માસનાં નકોરડા ઉપવાસ, ધારણાં - પારણાં - એકટાંણા આદિ વ્રતો કરવાનું પ્રતિપાદન કરેલ છે.

ચાતુર્માસમાં અનેક ઉત્સવ પર્વો આવે છે. ગુરુપૂર્ણિમા, હિંડોળા, જયાપાર્વતી વ્રત, એવરત-જેવરત વ્રત, નાગપાંચમ, શિતળા સાતમ, જન્માષ્ટમી, પવિત્રા એકાદશી, રક્ષાબંધન, ગણેશચતુર્થી, જળઝીલણી એકાદશી, દશેરા, શ્રાદ્ધ પર્વ, નવરાત્રી, ભાદરવી અમાસ, શ્રી મુક્તજીવન સ્વામીબાપાની જયંતી, શરદપૂર્ણિમા, દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ.

આ ચાતુર્માસમાં વળી પુરુષોત્તમ માસ પણ આવે છે. આમ, ચાતુર્માસ એ ભક્તિનું પર્વ છે. આપણે ભક્તિ કરીને આ ચાતુર્માસમાં ભગવાનને પ્રસન્ન કરીને મોક્ષપદ પ્રાપ્ત કરી શકીએ છીએ.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ ચાતુર્માસના મહાત્મ્યનું પ્રતિપાદન કરતાં શિક્ષાપત્રીમાં કહ્યું છે કેઃ ‘ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષ નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ.’

તેઓ નિયમો જણાવતાં કહે છે કે, ‘ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવત્મંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમો પૈકી કોઈ એક નિયમ ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવો. તેથી આજેય સૌ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી સંતો - ભક્તો આ નિયમો ચાતુર્માસમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતાર્થે અંગીકાર કરે છે.’

ચાતુર્માસમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે જે કોઈ વિશેષ નિયમો ધારણ કરે છે તે પરલોકમાં તો સુખી થાય જ છે, પરંતુ આ લોકમાં પણ સુખી થાય છે. તેથી પહેલી જુલાઇથી ૨૬ નવેમ્બર સુધી મોક્ષપ્રાપ્તિ અપાવનાર ચાતુર્માસનું મહાપર્વ આવી રહ્યું છે, તેથી આપણે સૌ કોઈ ભગવાનને પ્રસન્ન કરવા માટે તપ અને નવધા ભક્તિ કરીને મોક્ષપદ પ્રાપ્ત કરી લઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter