ચૈત્રી નવરાત્રિ પર્વે જગતજનની મા ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે છે તેઓ કોઈને કોઈ રીતે દેવીની ઉપાસના કરે છે, ભલે પછી તેનું સ્વરૂપ અલગ-અલગ હોય. જેમ કે, વ્રત રાખે, મંત્ર-જાપ કરે, અનુષ્ઠાન કરે અથવા પોતાની શ્રદ્ધા-ભક્તિ અનુસાર કર્મ કરતા રહે. આસો અને ચૈત્રી એમ બન્ને નવરાત્રિની લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આસો માસની નવરાત્રિમાં ઘટસ્થાપન કરવામાં આવે છે અને ગરબા પણ રમવામાં આવે છે, જ્યારે ચૈત્રી નવરાત્રિમાં ઘટસ્થાપન કરીને નવ દિવસ સુધી દેવીની ઉપાસના કરવામાં આવે છે.
ચૈત્રી નવરાત્રિમાં મોટા ભાગનાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટસ્થાપન કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસથી નવ વર્ષની બેલા શરૂ થાય છે. આ નવરાત્રિ અનુષ્ઠાન, હવન, ઉપાસના વગેરે માટેનું ઉત્તમ પર્વ છે. દરેક જણ મા શક્તિ પોતાનાં દુઃખ અને કષ્ટ દૂર કરે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવી સાધના કરે છે. કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જાપ-હવન કરે છે, કોઈ મહાકાળીની ઉપાસના કરે છે, તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તે સ્વરૂપ હોય, પરંતુ ઉપાસના તો શક્તિની જ થાય છે.
ચૈત્રી નવરાત્રિનું ઉત્તર ભારતમાં વિશેષ મહત્ત્વ છે. ઉત્તર ભારતમાં શક્તિપીઠોમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી માતાની આરાધના શરૂ થાય છે. રામાયણ અને રામચરિત માનસનો પાઠ થાય છે. દસ દિવસ સુધી શાકાહાર, સદ્આચરણ અને બ્રહ્મચર્ય સહિતના નિયમોનું પાલન કરવામાં આવે છે. નોમના દિવસે રામજન્મોત્સવ મનાવવામાં આવે છે. ઉત્તર ભારતમાં નવરાત્રિ દરમિયાન મેળાઓ પણ ભરાય છે. દક્ષિણ ભારતમાં પ્રથમ દિવસે વિશેષ પૂજા થાય છે. આંબાનાં પાન અને નાળિયેરથી સજાવેલો કળશ દરવાજે રાખવામાં આવે છે. નવમીના દિવસે રામ મંદિરોમાં ભક્તોનું કીડિયારું ઊભરાય છે અને ત્યાં ભક્તોને વિશેષ પ્રસાદ વહેંચાય છે.
દક્ષિણ ભારતમાં ચૈત્રી નવરાત્રિને યુગાદી તરીકે ઓળખવામાં આવે છે. આ નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ દિવસે સંસારનો આરંભ થયો હશે. એવી માન્યતા પણ છે કે ચૈત્ર માસના સુદ પક્ષના પ્રથમ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનો આરંભ કર્યો હતો.
તહેવાર હોય એટલે તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાનગીઓ પણ હોય. તે જ રીતે ચૈત્રી નવરાત્રિની કેટલીક વિશેષ વાનગીઓ છે. ઉત્તર ભારતમાં નવ દિવસ સુધી સંપૂર્ણ શાકાહાર અને ઉપવાસ કરવામાં આવે છે. ત્યારબાદ નવમા અને દસમા દિવસે વિશેષ વાનગીઓ જેમ કે, ખીર-પૂરી, મીઠાઈઓ વગેરે બનાવવામાં આવે છે.
આંધ્ર પ્રદેશમાં કાચી કેરીમાંથી બનાવેલી વાનગી ‘પુલિહોરા’ અને ‘બોબ્બત્લૂ’ બનાવવામાં આવે છે. કર્ણાટકમાં પણ આ જ વાનગીઓ બનાવવામાં આવે છે, પરંતુ તેને અહીં ‘પુલીઓગેરે’ અને ‘હોલીગે’ કહેવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મરાઠી લોકો 'પૂરણપોળી' બનાવે છે, જે ત્યાંની મુખ્ય વાનગી છે.
નવ સ્વરૂપનું પૂજન અને ફળ
ચૈત્રી નવરાત્રિના નવ દિવસ સુધી આદ્યશક્તિનાં વિવિધ નવ સ્વરૂપોનું પૂજન-આરાધના કરવામાં આવે છે. દેવીના પૂજનથી ખૂબ જ શુભ ફળ મળે છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ પ્રકારનાં ફળની ઇચ્છા વગર જ દેવીની ઉપાસના કરવી જોઈએ.
નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્ત હંમેશાં ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે. બીજા દિવસે બ્રહ્મચારિણીની પૂજા કરવાથી સાધકને અનંતકોટિ ફળ મળે છે. ત્રીજા દિવસે ચંદ્રઘંટાની પૂજા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. સાધકના વીરતાના ગુણોમાં વૃદ્ધિ થાય છે. ચોથા દિવસે કુષ્માંડાની પૂજા કરવાથી સાધકના રોગ-શોક દૂર થાય છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. પાંચમા દિવસે સ્કંદમાતાનું પૂજન કરવાથી ભક્તની ઇચ્છાપૂર્તિ થાય છે તથા શત્રુઓનું શમન થાય છે. છઠ્ઠા દિવસે કાત્યાયનીની પૂજા કરવાથી ભક્તમાં શક્તિનો સંચાર થાય છે. સાતમા દિવસે કાલરાત્રિનું પૂજન કરવાથી ભક્તના દુશ્મનોનો નાશ થાય છે તથા તેજમાં વૃદ્ધિ થાય છે. આઠમા દિવસે મહાગૌરીનું પૂજન કરવાથી પાપોનો નાશ થાય છે અને નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે. નવમા દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી માની અસીમ કૃપા ભક્ત પર વરસે છે.
દેવીને ક્યા દિવસે ક્યો ભોગ ધરાવશો
દેવી ભાગવતના આઠમા સ્કંધમાં દેવી ઉપાસનાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. દેવીનું પૂજન, અર્ચન, ઉપાસના, સાધના કરવાથી તથા ભોગ ધરાવવા અને દાન કરવાથી આ લોક અને પરલોક બંને સુખ આપનારા બને છે.
• પ્રતિપદા (એકમ): આ દિવસે દેવીનું ષોડશોપચારે પૂજન કરીને નૈવેદ્ય તરીકે દેવીને ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ. માનાં ચરણોમાં ધરાવેલું ઘી પછીથી ભૂદેવોને વહેંચી દેવાથી વિવિધ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે.
• બીજઃ આ દિવસે દેવીને ખાંડનો ભોગ ધરાવવો જોઈએ અને ત્યારબાદ તેનું દાન કરી દેવું જોઈએ. ખાંડનો ભોગ ધરાવવાથી વ્યક્તિ દીર્ઘજીવી બને છે.
• ત્રીજઃ આ દિવસે દેવીને દૂધનો ભોગ ધરાવવો જોઈએ. પછી તેનું ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરી દેવું જોઈએ. દેવીને દૂધનો ભોગ ધરાવવાથી વ્યક્તિનાં સમસ્ત દુઃખો દૂર થાય છે.
• ચોથઃ આ દિવસે દેવીને માલપૂઆનો ભોગ ધરાવીને તેનું દાન કરવું જોઈએ. માલપૂઆનો ભોગ ધરાવવાથી વ્યક્તિની તમામ પ્રકારની વિપત્તિઓનો નાશ થાય છે.
• પાંચમઃ આ દિવસે દેવીને કેળાંનો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ તેનું ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરવું જોઈએ. દેવીને કેળાંનો ભોગ ધરાવવાથી વ્યક્તિની બુદ્ધિ, વિવેકનો વિકાસ થાય છે. વ્યક્તિના પારિવારિક સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
• છઠ્ઠઃ આ દિવસે દેવીને મધુ (મધ)નો ભોગ ધરાવીને તેનું ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરવું જોઈએ. મધુનો ભોગ ધરાવવાથી વ્યક્તિને સુંદર સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
• સાતમઃ આ દિવસે દેવીને ગોળનો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ તેનું યોગ્ય પાત્રને દાન કરવું જોઈએ. ગોળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સમસ્ત શોક દૂર થાય છે.
• આઠમઃ આ દિવસે દેવીને શ્રીફળ (નાળિયેર)નો ભોગ ધરાવીને તેનું દાન કરવું જોઈએ. શ્રીફળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સંતાપ દૂર થાય છે.
• નોમઃ આ દિવસે દેવીને વિવિધ પ્રકારનાં ધાન્યમાંથી બનાવેલી વાનગીઓનો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ તેનું બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને દાન કરવું જોઈએ. દેવીને વિવિધ ધાન્યોની વાનગીઓનો ભોગ ધરાવવાથી વ્યક્તિના આ લોક અને પરલોક સુધરે છે.