સુરતઃ શુક્રવાર, આઠમી એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થઇ રહ્યો છે. હિન્દુ નવું વર્ષ ચૈત્ર મહિનાના પ્રથમ દિવસથી પ્રારંભ થાય છે તેને ગુડી પડવો કહેવાય છે. આ દિવસથી ચૈત્રી નવરાત્રી શરૂ થાય છે અને રામનવમીના રોજ પૂર્ણ થાય છે.
હિન્દુ પંચાંગ અનુસાર, વર્ષમાં ચાર નવરાત્રી આવે છેઃ પોષી નવરાત્રી, ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી અને શારદીય નવરાત્રી. શકિતઉપાસના અને મંત્ર-તંત્ર ઉપાસના માટે નવરાત્રી ખુબ મહત્વની મનાય છે. આસો નવરાત્રીમાં માતાજીની ભક્તિ અને ગરબા દ્વારા શક્તિ આરાધના થાય છે. જ્યારે ચૈત્રી નવરાત્રીમાં પૂજાપાઠ ઉપરાંત અનુષ્ઠાન-હોમહવન વગેરેનું પણ ખાસ્સું મહત્ત્વ છે. ચૈત્રી નવરાત્રીના પૂજનનો પ્રારંભ ગુડી પડવાએ શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન સાથે થાય છે.
આ અંગે જ્યોતિષાચાર્યો જણાવે છે કે, ગુડી પડવાના દિવસથી નવું વર્ષ શરૂ થવાની સાથે ઋતુપરિવર્તન પણ થાય છે. નવરાત્રી દરમિયાન થતાં વ્રત-અનુષ્ઠાન-પૂજન-અર્ચન વગેરે પર્યાવરણ શુદ્ધિ પણ કરે છે.
વ્રત દરમિયાન લેવાતું સાત્વિક ભોજન શરીરને શુદ્ધ કરે `છે. સુખશાન્તિ માટે ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરાધના કરવી ખુબ ફળદાયી છે. આથી ચોક્કસપણે આરાધના કરવી જ જોઇએ. ભક્તનો નવગ્રહની ઉપાસના પણ કરી શકે છે. ચૈત્રી નવરાત્રીમાં મંત્રજાપ કરવાથી મનોકામના પૂરી થાય છે.
દરેક વ્યક્તિ ચૈત્રી નવરાત્રીના આ દિવસોમાં માતાજીની પૂજા-આરાધના કરીને પોતાની આંતરિક શક્તિને જાગૃત કરી શકે છે.
આ વર્ષે નવરાત્રી દરમિયાન ગુડી પડવો અને સિંધી પરિવારના તહેવાર ચેટીચાંદનો પણ અનોખો સંગમ થયો છે. તા. ૧૫ એપ્રિલે શુક્રવારના રોજ નવરાત્રી સમાપ્ત થાય છે, જે દિવસે રામનવમી અને સ્વામીનારાયણ જયંતિની પણ ઉજવાશે. જે ભક્તો ઉપવાસ રહ્યા હોય તેમણે ૧૬ એપ્રિલે, શનિવારના રોજ ધર્મરાજ દશમના દિવસે પારણાં કરવા. આ વર્ષે ત્રીજનો ક્ષય હોવાને કારણે એક નોરતુ ઓછું છે.