મનુષ્યમાં દેવત્વનો ઉદય અને પૃથ્વી પર સ્વર્ગનું અવતરણ કરવા માટે જે બ્રહ્મતેજ સ્વરૂપ દૈવી મહાશક્તિનું પ્રાગટ્ય થયું તેને દેવો, ઋષિમુનિઓએ નામ આપ્યું ‘ગાયત્રી’. જેઠ સુદ-૧૦ (આ વર્ષે ૨૯ મે)ની આ તિથિને ‘ગાયત્રી જયંતી’ તરીકે ઊજવવામાં આવે છે. શક્તિપ્રાપ્તિ માટે શક્તિપર્વ નવરાત્રિ, ધનપ્રાપ્તિ માટે ધનતેરસે લક્ષ્મીપૂજન, જ્ઞાનપ્રાપ્તિ માટે દિવાળીએ શારદાપૂજન કરાય છે. જો સદ્બુદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ગાયત્રી જયંતીએ દેવી ગાયત્રીના મંત્ર-જપ-તપ દ્વારા ગાયત્રીપૂજન કરવું જોઈએ. જો દેવો આપણને કંઈ આપતા ન હોય તો આપણે તેમને દેવ સ્વરૂપે સ્વીકારત નહીં, પરંતુ તેઓ આપવા તત્પર છે. જોકે તેમની પાસે રહેલું દેવત્વ - તેજસ - ઓજસ - બ્રહ્મવર્ચસ સ્વીકારવાની પાત્રતા આપણામાં થોડાઘણા અંશે હોવી ઘટે. આ પાત્રતા વિકસાવવા માટેનો મહામંત્ર છે ગાયત્રી મંત્રઃ ‘ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો યોનઃ પ્રચોદયાત્।’ (અર્થાત્ ‘તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ છીએ. તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે.’)
ગાયત્રીમંત્રની રચના સ્વરવિજ્ઞાન અને શબ્દશાસ્ત્રના વિશેષ સ્વરૂપે ૨૪ અક્ષરોમાં થયેલી છે. જેનું ઉચ્ચારણ કરવા માત્રથી શરીરનાં અંગ-અવયવો, ઇન્દ્રિયો જેવી કે જીભ, દાંત, હોઠ, સ્વર-કંઠ, તાળવું, મન-મસ્તિષ્ક અને ષષ્ટચક્રનાં ભિન્ન-ભિન્ન અંગોમાં સ્પંદનો-ધ્રુજારી પેદા કરે છે. જેથી કરીને ભાવ-સંવેદનાની ગંગોત્રીનું પવિત્ર ઝરણું મન-મસ્તિષ્ક-હૃદયમાં ઝરીને વહેવા માંડતા મનુષ્યના સર્વદુઃખોના મૂળ એવા આળસ-પાપ-અવિદ્યા સાથે અજ્ઞાત-અશક્તિ- અભાવની મલિનતાનું ધીરે ધીરે ધોવાણ થવા માંડે છે. ‘ૐ તમસો મા જ્યોતિર્ગમય, ૐ મૃત્યો મા અમૃતંગમય્’નો ભાવોઝંકૃત થતા માનવ દેવમાનવ બનવા પ્રેરાય છે. જે વ્યક્તિ નિર્માણ કરવાનું કાર્ય કરે છે, જે ૨૧મી સદીના ઉજ્જવળ ભવિષ્યને સાકાર કરવા તરફ લઈ જાય એ આદ્યશક્તિ.
વિશ્વમાતા ગાયત્રીના પ્રાગટ્ય દિને જ ગંગાજીએ ભગીરથજીની ઉગ્ર તપશ્ચર્યાના અંતે પ્રસન્ન થઈ સ્વર્ગમાંથી હિમાલયમાં શિવજીની જટા દ્વારા ધરતી પર અવતરણ કરી પિતૃઓ રૂપે રહેલા ૬૦ હજાર સગર રાજાના પુત્રોનો ઉદ્ધાર કર્યો હતો. ત્યારથી આજદિન પર્યંત ભક્તિભાવથી શ્રદ્ધાળુઓ ગાયત્રી જયંતી તેમ જ ગંગા દશેરાની ઉજવણી કરતા આવ્યા છે.
ગાયત્રીના મહાન સાધક, અર્વાચીન ઋષિ તપોષનિષ્ઠ, દેવમૂર્તિ પં. શ્રીરામ શર્મા આચાર્યજીએ ૨ જૂન, ૧૯૯૦ ગાયત્રી જયંતીના દિવસે જ મહાપ્રયાણ કર્યું હતું. ગાયત્રીમંત્રને જન જન સુધી ગુંજતો કરવા માટે તેમનું યોગદાન છે. વિસરાતી જતી આપણી સંસ્કૃતિનું પુનરુત્થાન થાય, રાષ્ટ્ર સશક્ત બને, ભારત જગદ્ગુરુ અને સોને કી ચીડિયા બને તે માટે પોતાનો સુધાર સંસારની સૌથી મોટી સેવા છે. ‘હમ બદલેંગે યુગ બદલેગા, હમ સુધરેંગે યુગ સુધરેગા’ની ભૂમિકા નિભાવવા સફળતા હાંસલ કરવા માટે ગાયત્રી માતાની ઉપાસના, સાધના, આરાધના શ્રેષ્ઠત્તમ છે.
સ્વામી વિવેકાનંદે ગાયત્રીમંત્રને મંત્રોનો મુકુટમણિ કહ્યો છે. મહાત્મા ગાંધીજીએ ‘સબકો સન્મતિ દે ભગવાન’ કહ્યું છે. ગાયત્રી, ગંગા, ગીતા અને ગાય એ ભારતીય સંસ્કૃતિની ચાર આધારશિલા છે. તે બધામાં ગાયત્રીનું સ્થાન સૌપ્રથમ છે. પહેલા બ્રહ્મ એક હતું એની સ્ફુરણાથી આદિશક્તિ વિશ્વમાતા ગાયત્રીનું અવતરણ થયું. બ્રહ્માજીના ચારે મુખોથી જે બોલાયું છે તે વેદવાણી કહેવાઈ અને તેમાંથી ચાર વેદો બન્યા, જેની માતા ગાયત્રી કહેવાયાં. બ્રહ્મનાં ત્રણ સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તેમ શક્તિનાં ત્રણ સ્વરૂપ સરસ્વતી, લક્ષ્મી, કાલી ગણાયાં. આથી જ ગાયત્રી માતાને ‘ત્રિપદા’ કહેવાય છે. જેને ભજવાથી સંસારની સૌ આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર થાય છે.
ગાયત્રીનો સીધો પ્રભાવ સૂર્ય, ગ્રહો, નક્ષત્રો, પંચતત્ત્વો જેવી વિવિધ દેવશક્તિઓ ઉપર પડે છે. તે દેવશક્તિઓ ગાયત્રીમંત્ર - તેજથી પ્રભાવિત થતા તેમનો પ્રભાવ - દેવતત્ત્વ આપણને પ્રદાન કરે છે. ગંગા સમાન કોઈ તીર્થ નથી, કેશવથી શ્રેષ્ઠ દેવ નથી તેમ ગાયત્રીથી શ્રેષ્ઠ મંત્ર સ્વર્ગ કે પૃથ્વી ઉપર થયો નથી. સફળ વ્યક્તિઓની સફળતાનું રહસ્ય ગાયત્રીમંત્ર છે. દેવો પણ ગાયત્રીમંત્ર કરે છે અને સંતો, મહંતો, ઋષિમુનિઓએ ગાયત્રી મંત્રોચ્ચાર દ્વારા વિવિધ યજ્ઞો કરી જગતના પરિતાપ દૂર કર્યા છે.
ગાયત્રી એ કામધેનુ અને કલ્પવૃક્ષ છે. ગાયત્રી સાધના દ્વારા આયુ-પ્રાણ, પ્રજા પશુ, કીર્તિ, પ્રવીણ બ્રહ્મવર્ચસ્વ મળીને સાત ફળ પ્રાપ્ત કરી શકાય છે.