ભગવાન શ્રીકૃષ્ણને વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. ભક્તજનો ગોકુળમય બનીને શ્રીકૃષ્ણના જન્મની વધામણી વિવિધ રીતે ઊજવે છે. જન્માષ્ટમી પર્વે શ્રીકૃષ્ણને શણગાર સજાવીને ભાવતાં ભોજન પીરસવામાં આવે છે. વ્રજમાં ઉજવાતો હાંડી-ઉત્સવ હવે તો ઠેર ઠેર ઉજવાય છે.
કૃષ્ણ અવતાર
ભગવાન શ્રીકૃષ્ણ એ વિષ્ણુ ભગવાનનો સોળે કળાઓથી સભર ભવ્ય અવતાર છે. શ્રી રામ તો રાજા દશરથને ત્યાં રાજકુમાર સ્વરૂપે અવતર્યા હતા. જ્યારે શ્રીકૃષ્ણનો જન્મ મામા કંસના કારાવાસમાં થયો હતો. શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવા વદ આઠમની મધ્યરાત્રીએ રોહિણી નક્ષત્રમાં દેવકી તથા વસુદેવના પુત્રસ્વરૂપે થયો હતો. પોતાના મૃત્યુની થયેલી આકાશવાણી કે બહેન દેવકી અને વસુદેવનો આઠમો પુત્ર તારો વધ કરશે, તેથી કંસ ભયભીત થઇ ગયો અને બહેન દેવકી તથા વસુદેવને કારાવાસમાં કેદ કરી લીધા.
શ્રીકૃષ્ણના જન્મસમયે ઘનઘોર વર્ષા થઇ રહી હતી. ચારેબાજુ અંધકાર છવાયેલો હતો. કૃષ્ણનું અવતરણ થતાં જ વસુદેવ અને દેવકીના પગની બેડીઓ ખૂલી ગઇ. કારાવાસનાં દ્વાર તેની જાતે જ ખૂલી ગયાં, ચોકીદારો ગાઢ નિદ્રામાં પોઢી ગયા. વસુદેવ પોતાના આ આઠમા પુત્રને એક છાબડામાં મૂકી એ છાબડું પોતાના માથા પર મૂકી તોફાને ચઢેલી યમુના નદીની પાર ગોકુળમાં આવેલા પોતાના મિત્ર નંદજીના ઘરે ગયા. ત્યાં નંદને ઘરે તેની પત્ની યશોદાએ પણ એક કન્યાને જન્મ આપ્યો હતો. વસુદેવે નંદજીને બધી વાત કરી અને શ્રીકૃષ્ણને યશોદાની પાસે સૂવડાવીને તે કન્યાને લઇ ગયા.
કંસે સાત પુત્રોને તો મારી જ નાખ્યા હતા અને આઠમી જન્મેલી કન્યાનો વધ કરવાનો પ્રયત્ન જ્યારે કર્યો ત્યારે તે અસફળ રહ્યો અને દૈવીરૂપે એ કન્યાએ કંસને કહ્યું કે તારો વધ કરનાર આ ધરતી પર જન્મી ચૂક્યો છે અને ગોકુળની ધરતીમાં ઉછરી રહ્યો છે, જે તારો ચોક્કસ વધ કરશે.
યશોદા અને નંદજીને ઘરે નંદલાલ અવતર્યા હોવાથી આખા ગોકુળમાં આનંદ છવાઇ ગયો અને શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો, તેનું નામ જ જન્માષ્ટમી. લોકો નંદલાલાને આશીર્વાદ આપવા લાગ્યા. આખા ગોકુળનું વાતાવરણ આનંદિત બની ગયું. લોકો જોરથી ગાવા લાગ્યા કે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.’
યશોદા અને નંદજીએ શ્રીકૃષ્ણનું ખૂબ જ પ્રેમથી લાલન-પાલન કર્યું. બાલ્યકાળમાં જ શ્રીકૃષ્ણએ પોતાના મામા કંસ દ્વારા મોકલવામાં આવેલા રાક્ષસોને મારી નાખ્યા અને તેના બધા જ કુપ્રયાસોને નિષ્ફળ કરી દીધા. તેમણે કેટલીક બાળલીલાઓ કરી. જેમ કે, માતાને મુખમાં વિશ્વનું દર્શન કરાવ્યું, કાળીનાગને નાથ્યો, ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઊંચક્યો વગેરે. છેલ્લે શ્રીકૃષ્ણે મામા કંસનો મથુરામાં જઇને વધ કર્યો.
નટખટનો શણગાર
ખૂબ જ નટખટ અને કામણગારા કાનૂડાનો શણગાર પણ અતિભવ્ય હોય છે. પૂજાસ્થાનમાં જ્યાં શ્રીકૃષ્ણ બિરાજમાન હોય છે. ત્યાં આકર્ષક રંગોની રંગોળી ચીતરવામાં આવે છે. આ રંગોળીને ધાનનાં ભૂસાંથી પણ બનાવવામાં આવે છે. ઘરના આંગણાથી લઇને પૂજાસ્થાન સુધી નાના-નાના પગના ચિત્ર પણ આ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. આ પ્રતિકાત્મક ચિહ્ન ભગવાનના આવવાનો સંકેત આપે છે. માટીના દીવા પ્રગટાવીને તેને ઘરની બહાર રાખવામાં આવે છે. બાળ કૃષ્ણને એક ઝૂલામાં રાખવામાં આવે છે અને પૂજાસ્થાન પુષ્પો વડે શણગારવામાં આવે છે.
છબીલાના છપ્પનભોગ
શ્રીકૃષ્ણ આજીવન સુખ અને વિલાસમાં રહ્યા છે. આથી તેમના જન્મનો દિવસ જન્માષ્ટમી પણ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દિવસે તેમને ધરાવવા માટે અનેક પ્રકારના મિષ્ટાન્ન બનાવવામાં આવે છે. દૂધમાંથી બનેલાં પકવાનો, તેમને અતિપ્રિય એવું માખણ, લાડુ, ખીર વગેરે તેમને અર્પિત કરવામાં આવે છે. જુદા-જુદાં પ્રકારનાં ફળ પણ અર્પિત કરવામાં આવે છે. વિભિન્ન પ્રકારનાં પકવાનોનું ભોજન તૈયાર કરવામાં આવે છે તથા શ્રીકૃષ્ણને સમર્પિત કરવામાં આવે છે.
જન્માષ્ટમીએ મધ્યરાત્રીનું પૂજન
જન્માષ્ટમીના દિવસે મંદિરોને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવે છે તથા મધ્યરાત્રે એટલે કે રાત્રે બાર વાગે શ્રીકૃષ્ણની આરતી કરીને ‘હાથી-ઘોડા-પાલખી... જય કનૈયા લાલ કી’ના નાદ સાથે જન્મોત્સવ ઉજવવામાં આવે છે. દહીં-માખણથી ભરેલી હાંડી પણ ફોડવામાં આવે છે. લાલાની મુર્તિને એક સુંદર રીતે સજાવેલા પારણામાં રાખવામાં આવે છે અને ધીરે ધીરે તેને ઝૂલાવવામાં આવે છે. લોકો આખી રાત ભજન પણ કરે છે. આરતી તથા બાળકૃષ્ણને ભોજન અર્પણ કરીને આખો દિવસ ઉપવાસ રાખવામાં આવે છે.
વ્રજભૂમિમાં જન્મોત્સવ
વ્રજભૂમિમાં ઉજવાતો મહોત્સવ અનોખો તથા ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. સૌથી પવિત્ર સ્થાન તો મથુરાને જ માનવામાં આવે છે. મથુરામાં એક સુંદર મંદિર છે અને ત્યાં એવું માનવામાં આવે છે કે અહીં જ શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. એવું પણ અનુમાન છે કે સાત લાખથી પણ વધુ શ્રદ્ધાળુ મથુરા તથા આજુબાજુના વિસ્તારોમાંથી આ સ્થળે પૂજન-અર્ચન કરવામાં આવે છે.
દહીં-હાંડી ઉત્સવ
હાંડી-ઉત્સવ મહારાષ્ટ્ર, ગુજરાત, ગોકુળ, મથુરા અને સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં માટીની એક મટકીમાં દહીં, માખણ, મધ, ફળ વગેરે ભરવામાં આવે છે અને જમીનથી ખૂબ જ ઊંચે તેને લટકાવવામાં આવે છે. છોકરા તથા છોકરીઓનો સમૂહ તેમાં ભાગ લે છે અને એકબીજાની ઉપર ચઢે છે. ત્યારબાદ તે મટકીને ફોડવામાં આવે છે.
જન્માષ્ટમી વ્રત
સ્કંદપુરાણમાં જણાવાયું છે કે જે વ્યક્તિ જાણીજોઇને પણ જન્માષ્ટમીના દિવસે વ્રત નથી કરતી તે મનુષ્ય જંગલમાં સર્પ અને વાઘરૂપે જન્મે છે. બ્રહ્મપુરાણમાં પણ કહેવાયું છે કે જે વ્યક્તિ શ્રાવણ માસના વદ પક્ષની કૃષ્ણ જન્માષ્ટમીએ વ્રત નથી કરતો તે ક્રૂર રાક્ષસ હોય છે. આ દિવસે દરેક મનુષ્યે વ્રત-ઉપવાસ કરવા જોઇએ. બ્રહ્મચર્ય તથા બીજા નિયમોનું પાલન કરવું જોઇએ.
જન્માષ્ટમી પર્વે શ્રીકૃષ્ણની ઘરમાં સ્થાપના કરવી જોઇએ. શ્રીકૃષ્ણની મુર્તિને શણગાર સજાવીને પારણામાં મૂકીને તેમને ચંદન, પુષ્પ વગેરે ચઢાવવાં જોઇએ. તેમની આરતી અને પૂજા-અર્ચન કરવા જોઇએ. તેમને મનભાવતો ભોગ ધરાવવો જોઇએ. તેમના નામનું રટણ કરવું જોઇએ અને શક્ય હોય તો ઉપવાસ પણ કરવો જોઇએ.
પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ
પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. તેમનું જીવન ઉદ્દેશસભર હતું. તેમણે મનુષ્યરૂપે અવતાર લઇને પૃથ્વી પર અવતરણ કર્યું હતું. માનવ અવતાર તરીકેનું તેમનું જીવન સુખ, દુઃખ અને મુસીબતોમાં આપણે કઇ રીતે જીવવું તેની પ્રેરણા આપે છે. તેઓ દરેક બાબતે સંપૂર્ણ હતા, આથી તેમને ‘પૂર્ણ પુરુષોત્તમ’ તરીકે ઓળખવામાં આવે છે.
જન્માષ્ટમીના મેળા
દેશભરમાં શ્રાવણ મહિનામાં મેળાઓ ભરાય છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળાઓનું વિશેષ મહત્ત્વ છે. મેળાઓ પાંચ દિવસ, અગિયાર દિવસ એમ ચાલુ રહેતા હોય છે. મેળાઓના આયોજન પાછળ ધાર્મિક અથવા સામાજિક કારણો રહેલાં હોય છે.