જમશેદજી નવરોજ એટલે પારસીઓના નવા વર્ષનો દિવસ અને તહેવાર. જેનો પ્રારંભ શાહ જમશેદજીએ કરાવ્યો હતો. દર વર્ષે 21 માર્ચે તેની ઉજવણી થાય છે, તે વસંત ઋતુની શરૂઆતમાં આવે છે. તે વખતે સરખા દિવસ રાતનો સમય હોય છે, એટલે કે પ્રકાશ અને અંધકાર બન્ને સરખા હોય છે. તે સમયે દિવસ અને રાત બન્ને સરખા હોય છે. તે ચોક્કસ સમયને જમશેદ નવરોજ કહે છે અને તે આધુનિક સમયમાં પણ ઉજવવામાં આવે છે. નવરોજમાં ‘નવ’નો મતલબ નવું અને ‘રોજ’નો મતલબ દિવસ થાય છે.
3000 વર્ષ પહેલા પેશાદીઅન રાજવંશના રાજા તેહમુરાજના પુત્ર શાહ જમશેદજીએ નવરોજની શરૂઆત કરાવી હતી. તેમણે વિદ્વાનો અને પંડિતોની મદદથી સોલર કેલેન્ડર વિકસાવ્યું હતું અને તેવું માનવામાં આવે છે કે તેમણે પ્રથમ દારૂ બનાવ્યો હતો. શાહ જમશેદ એક મહાન રાજા હતા, જેઓ પોતાના રાજ્યની સુખસમૃદ્ધિની વિશેષ કાળજી લેતા હતા.
જોકે, તે સમયે ઘડિયાળ જેવી સમય જાણવાની કોઈ વ્યવસ્થા નહોતી તેવા સમયે જમશેદજીએ તે સમયના મહાન ખગોળશાસ્ત્રીઓ અને ગણિતજ્ઞોને તેડાવ્યા હતા અને તે બધાની મદદથી એક નવું કેલેન્ડર ‘તકીમ-એ-નવરોજ-એ-શહેરિયારી’ વિકસાવીને તેનો અમલ શરૂ કર્યો હતો. આ કેલેન્ડરને આધાર બનાવીને તેમણે નિર્ણય લીધો કે વસંતઋતુમાં જ્યારે રાત અને દિવસ સમાન હશે ત્યારે જ આપણું નવું વર્ષ ગણાશે. આ રીતે દર વર્ષે 21 માર્ચના રોજ પારસીઓ દ્વારા નવું વર્ષ મનાવવાની પરંપરા શરૂ થઈ, જેને જમશેદી નવરોજ કહેવામાં આવે છે.
એવું પણ કહેવાય છે કે 3000 વર્ષ પહેલાં જે દિવસે ઈરાનમાં શાહ જમશેદ સિંહાસન પર બિરાજયા એ દિવસને નવો દિવસ અથવા નવરોજ કહેવામાં આવ્યો અને ત્યારથી આ દિવસને જરથુષ્ટ્ર વંશના લોકો નવા વર્ષનો પહેલો દિવસ મનાવવા લાગ્યા. નવરોજ તહેવાર વિશ્વના ઘણા દેશો જેમ કે, ઈરાન, ઈરાક, બહેરિન, લેબેનોન, પાકિસ્તાન, તઝાકિસ્તાન અને ભારતમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે.
નવરોજના તહેવાર માટે પારસીઓ પોતાના ઘરની સાફસફાઈ કરે છે અને સારી રીતે શણગારે છે. આ દિવસે પારસી પરિવારોમાં બાળકોથી માંડી તમામ લોકો વહેલાં ઉઠીને નવા વસ્ત્રોમાં તૈયાર થઇ નૂતન વર્ષના આગમનને વધાવવાની તૈયારીઓમાં લાગી જાય છે. આ દિવસે પારસી પરિવારો પોતાના ઘરના આંગણે રંગોળીની સજાવટ કરે છે. ચંદનથી ઘરને સુગંધિત કરવામાં આવે છે. આ બધું ફક્ત નવા વર્ષના સ્વાગત માટે નહીં, પરંતુ હવાને શુદ્ધ કરવાના હેતુથી પણ કરાય છે.
નવરોજના દિવસે પારસી પરિવાર પોતાના ઉપાસના સ્થળ અગિયારીમાં જાય છે. આ દિવસે પારસી મંદિર અગિયારીમાં વિશેષ પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રાર્થનાઓમાં વિતેલા વર્ષની તમામ ઉપલબ્ધિઓ માટે ભગવાન પ્રતિ આભાર વ્યક્ત કરવામાં આવે છે. ઉપાસના સ્થળના પૂજારી દ્વારા કરાવાતી આ પ્રાર્થનાને જા કહેવામાં આવે છે. ત્યારબાદ લોકો પવિત્ર અગ્નિને ચંદનનાં લાકડાં ચડાવે છે. પ્રાર્થનાની વિધિ સમાપ્ત થયા બાદ સમુદાયના તમામ લોકો એકબીજાને નવા વર્ષના અભિનંદન પાઠવે છે. એકબીજાને સાલમુબારક કહે છે.
નવરોજના દિવસે ઘરમાં મહેમાનોનો આવવા-જવાનો અને અભિનંદન પાઠવવાનો દોર ચાલુ રહે છે. નવરોજના દિવસે ઘર આવનાર મહેમાનો ઉપર ગુલાબજળ છાંટી તેમનું સ્વાગત કરવામાં આવે છે. બાદમાં તેમને નવા વર્ષની શુભ શરૂઆત માટે ફાલુદા ખવડાવવામાં આવે છે. ફાલુદા સેવઇઓથી તૈયાર કરેલી એક મીઠી વાનગી છે.
પારસી લોકો નવા વર્ષની ઉજવણી પ્રસંગે વિવિધ જાતની વાનગીઓ બનાવે છે. જેમ કે, મીઠો ભાત, પુલાવ, સેવૈયા વગેરે. આ દિવસે પારસી ઘરોમાં સવારે નાસ્તામાં રવો નામની મીઠાઇ બનાવવામાં આવે છે. જેને સુજી, દૂધ અને ખાંડ મેળવીને તૈયાર કરવામાં આવે છે.
નવરોજના પર્વે પારસી પરિવારોમાં વિભિન્ન શાકાહારી અને માંસાહારી ભોજનની સાથે મગની દાળ અને ભાત અચૂક બનાવવામાં આવે છે. જુદા-જુદા સ્વાદિષ્ટ પકવાનો સાથે મગની દાળ અને ભાત એ સાદગીનું પ્રતિક છે, જેને પારસી સમુદાયના લોકો જીવનપર્યંત અપનાવે છે.
પરંપરા અને સાતનો અંક
એક સમય હતો જ્યારે નવરોજને 15 દિવસ સુધી મનાવવાની પરંપરા હતી, પરંતુ હવે તેને માત્ર બે દિવસ સુધી જ મનાવવામાં આવે છે. સમયની સાથે-સાથે પારસીઓએ પોતાની જાતને ઢાળી છે. જમશેદી નવરોજના દિવસે પારસી લોકો પોતાના ઘરમાં એક સફેદ વસ્ત્ર મૂકીને તેમાં સાત એવી વસ્તુઓ મૂકે છે, જેના નામની શરૂઆત ફારસી ભાષાના સીન એટલે કે સ અક્ષરથી થતી હોય. તેને ‘હકત સિન’ અથવા ‘સાત સ’ કહેવામાં આવે છે.
પારસી લોકો માટે સાતના અંકનું વિશેષ મહત્ત્વ છે. સ અક્ષરને વધારે મહત્ત્વ કદાચ એટલા માટે આપવામાં આવ્યું હશે, કારણ કે ફારસી શબ્દ ‘સેપનદન’ની શરૂઆત પણ ‘સ’ અક્ષરથી જ થાય છે. સેપનદન શબ્દનો અર્થ થાય છે પવિત્ર. સાતના અંકને પવિત્ર માનવા પાછળનું મૂળ કારણ એ પણ છે કે આ ધર્મમાં દેવદૂતોની કુલ સંખ્યા સાત છે, તેથી પહેલાં સાત પ્રકારનાં ફૂલો, સાત પ્રકારનાં ફળો અને ફળ આપનારાં સાત પ્રકારનાં વૃક્ષોની ડાળીઓને એકઠી કરીને કુલ 21 વસ્તુઓને સફેદ વસ્ત્ર પર સજાવીને રાખવાની પરંપરા છે.
પારસીઓની પ્રાર્થના ‘યથા અહૂ વૈરો’માં કુલ 21 અક્ષર છે, તેથી તેમના માટે આ અંકને પણ પવિત્ર માનવામાં આવે છે. આ સિવાય સફેદ વસ્ત્ર પર જરથુષ્ટ્રની તસવીર, મીણબત્તી, દર્પણ, અગરબત્તી, ફળ, ફૂલ, ખાંડ, સિક્કા વગેરે પણ રાખવામાં આવે છે.
જોકે પારસી સમુદાયના લોકોની જીવનશૈલીમાં આધુનિકતા અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. પરંતુ પારસી સમાજમાં આજે પણ તહેવારો એટલા જ પારંપરિક રીતે મનાવવામાં આવે છે, જેટલા વર્ષો પહેલાં મનાવવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે નવરોજ એ પર્સિયન, કુર્દીસ્તાન, લ્યુરીસ્તાની, બાલોચી, આઈઝરી અને બલોચી લોકોનો પણ રાષ્ટ્રીય દિવસ છે.