આજે લાખો લોકો જેમને ભાવપૂર્વક નિત્ય વંદે છે એ યોગીજી મહારાજે, એક શતાબ્દી પહેલાં, તા. ૩-૬-૧૮૯૨ના દિવસે જન્મ ધારણ કર્યો હતો, સૌરાષ્ટ્રના ધારી ગામમાં. કોઈ વિશેષ ઘટના બની હોય એવું કોઈને લાગ્યું નહોતું. ખુદ પિતા દેવચંદભાઈ અને માતા પૂરીબાઈ પણ પોતાના આ સંતાનની જન્મજાત મહાનતાથી અજાણ હતાં અને એટલે જ એ મહાન પુરુષનું નામ પડ્યુંઃ ‘ઝીણો’!
જરા પણ ઘોંઘાટ કર્યા વગર, પોતાની મહાનતાને ઢાંકવાના તેમના સતત પ્રયાસની એ એક શુભ શરૂઆત જ કહી શકાય, પરંતુ સૂર્યનાં તેજ ઢંકાતા નથી. એક એવો સમય આવ્યો કે ઝીણો વિરાટ થઈ ગયો. આધ્યાત્મિક જગતની પવિત્રતમ તાકાત તરીકે, સચ્ચિદાનંદના અનુભવી તરીકે ઝીણો ‘યોગીજી મહારાજ’ના નામે વિશ્વમાં ફેલાઈ ગયો...
એમની એક દર્શન-મુલાકાત પછી બાર વર્ષે ચિન્મય મિશનના સ્થાપક અને વિખ્યાત સંત સ્વામી ચિન્મયાનંદજી લખે છેઃ ‘યોગીજી મહારાજનો મને જે અનુભવ થયો છે તેને હું શબ્દોમાં રજૂ કરી શકું તેમ નથી. ઉપનિષદોમાં જે અનુભૂતિ છે તેનું તેઓ જીવંત-મૂર્તિમાન સ્વરૂપ હતા. એ વૃદ્ધ કાયામાંથી સહજ ફૂટી નીકળતો સર્વાત્મા બ્રહ્મનો સર્વોચ્ચ આનંદ, જાણે દિવ્ય નિર્મળ પ્રેમની સુગંધીમાન લહેરરૂપે ધસમસતો, એમની નજીક આવનારમાં પ્રવેશતો અને હૃદયને ભરી દેતો. પછી ભલે તે એ દિવ્યપ્રેમ ઝીલવા સુપાત્ર ન હોય. એટલે જ કોઈ પણ માણસ એમને, એમના દિવ્ય સાંનિધ્યને છોડી શકતો નહીં. એવા આધ્યાત્મિક સદ્ગુરુ માટે આપણે માત્ર પ્રણિપાત કરી શકીએ...’
ગણેશપુરીના સિદ્ધ સંત મુક્તાનંદ બાબા કહે છેઃ ‘પ્રેમ સે પકા હુઆ પુરુષ!’
‘યોગીજી મહારાજ સાથેનું મિલન એટલે ભગવાન સાથે એક તાર થવાની તક...’
‘હજારો વર્ષોમાં ક્યારેક જ યોગીજી મહારાજ જેવા સંત પૃથ્વી પર અવતરતા હોય છે...’
યોગીજી મહારાજના સંપર્કમાં આવનાર અનેક મહાનુભાવોના હૃદયોદ્ગારમાંથી, આ કેટલાક હૃદયોદ્ગાર છે. યોગીજી મહારાજના સાંનિધ્યનો અનુભવ, હરકોઈ માટે જીવનની ચિરસ્મૃતિ સમો હતો.
મહાપુરુષો અનુભવે જ ઓળખાય છે, કારણ કે તેઓ શબ્દોથી નહીં, પોતાના દિવ્ય વર્તનથી આત્મકથા લખતા હોય છે. યોગીજી મહારાજની જેમ, માતા પૂરીબાઈ શિશુવયના પુત્ર ઝીણા સાથે ખેતરમાં કામ કરવા જતાં ત્યારે ખેતરનો માલિક આ બાળક માટે કહેતોઃ ‘આ બાળક કાયમ હસતો હોય છે, ક્યારેય રડતો નથી!’
આ સીધી-સાદી વાત, યોગીજી મહારાજ માટે જીવનપર્યંતનું એક પરમ સત્ય બની ગઈ હતી. ભલભલાનાં કાળજાં કંપાવી દે એવા અનેક વિપરીત સંજોગો વચ્ચે પણ એમની આંખો ભીની થઈ નહોતી! ઉદાસીનતા કે દુઃખ જેવા શબ્દ એમના શબ્દકોશમાં જ નહોતા. સતત આનંદ એ એમની જન્મજાત સિદ્ધિ હતી.
સન ૧૯૭૦માં યોગીજી મહારાજે લંડનમાં પ્રથમ સ્વામિનારાયણ મંદિર સ્થાપિત કર્યું ત્યારે ઇંગ્લેન્ડના ‘સન્ડે ટાઇમ્સ’ના વિદ્વાન લેખક ડેવિડ બ્લોન્ડી અને ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ’ના રિપોર્ટર ડેવિડ મર્ટન્સ સાથેની તેમની આ પ્રશ્નોત્તરી વાંચોઃ
ડેવિડ બ્લોન્ડીઃ આપને ક્યારેય આધિ, વ્યાધિ કે ઉપાધિ આવ્યા છે?
યોગીજી મહારાજઃ જિંદગીમાંય આવી નથી!
ડેવિડ મર્ટન્સઃ આપ આ જગતમાં કેવી રીતે રહો છો?
યોગીજી મહારાજઃ જળકમળવત્ રહીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે આ જગત નાશવંત, તુચ્છ છે. તો એમ માનીને આ દુનિયામાં રહીએ છીએ...
...એ ભાવને પામ્યો હોય તે જાણે. જેમ અમે અંગ્રેજી નથી ભણ્યા તો કોઈ અંગ્રેજી બોલે તે નથી સમજતા. તેમ આ પણ એવું જ છે.
આવી જ ખુમારી સાથે તેમણે પોતાના શરીરની પરવા કર્યા સિવાય, દેશ-વિદેશમાં ઘરે-ઘરે, ગામડે-ગામડે, શહેરે-શહેરે અવિરત વિચરણ કરીને લાખો અબાલવૃદ્ધનાં જીવન સંભાળ્યાં. સમાજમાં સતત ઉત્સાહ, નવી ચેતના, નવી જાગૃતિનાં સ્પંદનો પ્રસરાવ્યાં. વ્યક્તિગત રીતે મળી મળીને તેમણે અસંખ્યને વ્યસનો-વહેમ-અંધશ્રદ્ધાની નાગચૂડમાંથી મુક્ત કર્યા, પવિત્ર અને શાંતિમય જીવનના માર્ગે વાળ્યા. એમના નિઃસ્વાર્થ વાત્સલ્યે યુવાનો અને બાળકોને સવિશેષ ધર્મ તરફ વાળ્યાં. કેટલાય સુશિક્ષિત યુવાનોએ તો ત્યાગાશ્રમ સ્વીકારીને, એમના વિરાટ કાર્ય માટે આજીવન ભેખ લીધો. યુવાનોની વહી જતી શક્તિઓને તેમણે બાળ-યુવા પ્રવૃત્તિઓના રચનાત્મક કાર્યમાં વાળી. સંસ્કારધામો અને મંદિરોના નિર્માણ ઉપરાંત, તેમણે શાળા, ગુરુકુળ, છાત્રાલય જેવાં શૈક્ષણિક સંકુલો પણ ઊભાં કર્યાં. વાર્ષિક મહોત્સવો અને અઠવાડિક સભાઓ દ્વારા લાખો અબાલવૃદ્ધને આધ્યાત્મિક ગોષ્ઠિઓમાં પ્રેર્યા. આ બધાં કાર્યોમાં તેઓ અસંખ્યને સહજતાથી જોડી શક્યા તેનું કારણ હતું - તેમનો નિર્વ્યાજ પ્રેમ અને દરેકની વ્યક્તિગત સંભાળ.
યોગીજી મહારાજ, પોતાના લાક્ષણિક પ્રેમાળ વ્યક્તિત્વથી લાખો લોકોના હૃદયસમ્રાટ બની રહ્યા હતા. લોકોનાં હૃદય જીતવાની એમની અતુલ સિદ્ધિ હતી. ક્યારેય દુરાગ્રહ કે હઠાગ્રહ કર્યા વગર, ફરજ પાડ્યા સિવાય, માત્ર પ્રેમના માધ્યમથી અસંખ્ય લોકો પાસે રચનાત્મક કાર્ય કરાવી શક્યા. લોકો તેમના પ્રેમપૂર્ણ આદેશો મેળવવા માટે ઝંખતા રહેતા હતા.
જીવનભર એમણે કોઈનીય લાગણીઓને દુભાવી નથી. ક્યારેય કોઈનુંય અપમાન કર્યું નથી, કોઈનો તિરસ્કાર કર્યો નથી, કોઈના માટે ધૃણા રાખી નથી, કોઈના માટે લેશ પણ બૂરો વિચાર કર્યો નથી. ભગવાન સૌનું ભલું કરો... આ એમનું જીવનસૂત્ર, એમની નસેનસમાં શ્વાસોશ્વાસમાં વહેતું રહ્યું. અને એટલે જ એમના સાંનિધ્યમાં મનના-તનના તાપો શમી જતા, તેમની હાજરીમાત્રથી અનેક કૂટપ્રશ્નો - સમસ્યાઓ - મૂંઝવણોના ઉકેલો આપોઆપ મળી જતા. સદા કિલકિલાટ હસતા રહેવાની એમની અજોડ વિલક્ષણતા હતી. એકાદ વખત પણ એમને મળેલી વ્યક્તિ, જીવનભર ભૂલી ન શકે, એવું એમનું ભુવનમોહન-નિર્દોષ હાસ્ય હતું.
ઘેરા અવાજમાં બ્રહ્માનંદ કરાવતાં કરાવતાં પ્રવચન કરવાની એમની શૈલી પણ અજોડ હતી. હાથનાં લટકાં અને મુખના હાવભાવ સાથે, ‘સ્વ’માં ખોવાઈ જઈને ખડખડાટ હસતા-હસાવતા, અધ્યાત્મ વાતો કરતા યોગીજી મહારાજની વાણીમાં સૌને દિવ્ય નાદબ્રહ્મનો સાક્ષાત્ અનુભવ થતો.
સન ૧૯૭૧ની ૨૩મી જાન્યુઆરીએ લાખોનાં હૃદયમાં પોતાની અમીટ છાપ મુકીને તેમણે પૃથ્વી પરથી સ્થૂળ વિદાય લીધી, પરંતુ પોતાની દિવ્ય ચેતનાને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા વહેતી રાખી. ‘પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે... પ્રમુખસ્વામી તે હું છું...’ કહીને એમણે પોતાના દિવ્ય અસ્તિત્વનો નિર્દેશ કર્યો. યોગીજી મહારાજના અસંખ્ય ચાહકોએ - અનુયાયીઓએ, પ્રમુખ સ્વામી મહારાજમાં, યોગીજી મહારાજનો અનુભવ કર્યો છે. પ્રમુખસ્વામીની શીતળ છાયામાં અસંખ્ય તપ્ત જીવો શાંતિનો અનુભવ કરી ધન્ય બને છે.