જેઠ સુદ પૂનમ (આ વર્ષે બીજી જૂન) એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ. ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા તો અષાઢી બીજના રોજ યોજાય છે, પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ છે. ભગવાન જગન્નાથજીની ૧૨ યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા - જળયાત્રાને ખૂબ ધામધૂમથી ઊજવાય છે. સતયુગમાં બદ્રીનાથજી, ત્રેતાયુગમાં રામેશ્વર, દ્વાપરયુગમાં દ્વારકાધીશ તેમ જ કળિયુગમાં જગન્નાથજીનો મહિમા અપરંપાર છે.
આપણાં ચાર ધામમાંના એક પવિત્ર યાત્રાધામ જગન્નાથ પુરીમાં જેઠ સુદ પૂનમના દિવસે પ્રાત: કાળે વૈદિક મંત્રોચ્ચારની સાથે મંદિરના મહંતશ્રીની નિશ્રામાં ત્રણેય કાષ્ઠની મૂર્તિઓને મંદિરની બહાર લાવીને સ્નાનવેદી ઉપર ગોઠવી સ્નાનવિધિ માટે વાજતે-ગાજતે, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ, મૃદંગ, શરણાઇના સૂર તેમજ ધજા-પતાકા, ભજનમંડળી અને બેન્ડવાજાં સાથે લઇ જવામાં આવે છે.
સાધુ-સંતો અને ભાવિક ભક્તજનોની હાજરીમાં જગન્નાથજીના ગગનભેદી જયકારો સાથે મૂર્તિઓને દૂધથી કેસર સ્નાન કરાવાય છે. આ પછી પવિત્ર નદીઓના ૧૦૮ ઘડાથી જળસ્નાન કરાવાય છે. જળસ્નાન બાદ યાત્રા નિજમંદિરમાં પરત ફરે છે. ત્યારબાદ વિવિધ રંગબેરંગી ફૂલોથી સુશોભિત માળાઓ બલભદ્રજી, સુભદ્રાજી અને જગન્નાથજીને પહેરાવાય છે.
પંડિતોના મંત્રોચ્ચાર સાથે પ્રભુજીની મહાસ્નાનની વિધિ સંપન્ન થયા બાદ જગન્નાથજીને ગજરાજનાં વસ્ત્રો (હાથીના વેશ) ચઢાવવામાં આવે છે. બલભદ્રજીને સફેદ ગજરાજનો વેશ ચઢે છે. તે સોનેરી જરીથી અલંકૃત હોય છે. જગન્નાથજીને કાળા વસ્ત્રમાં રૂપેરી જરીથી અલંકૃત હાથીનો વેશ ચઢે છે. વેશમાં બહેન સુભદ્રાજી મુગુટમાળા અને સુંદર વાઘાથી શોભાયમાન રહે છે. નિજમંદિર પરિસરમાં ભંડારાનું સુંદર આયોજન થાય છે ને સાધુ-સંતોને વસ્ત્રદાન, અન્નદાન અપાય છે.
શ્રદ્ધાની પરિસીમા તો જુઓ કે સર્વ દુ:ખો તેમ જ આધિ-વ્યાધિ-ઉપાધિને હરી લેનારા સ્વયં જગતના નાથને સ્નાનવિધિથી શરદી થઇ જાય છે અને શરદીનો ઇલાજ પણ સેવાચાકરીથી થાય છે. મંદિરના પૂજારી ડોક્ટરની ભૂમિકા ભજવીને ભગવાન જગન્નાથજીનો ઇલાજ કરે છે. ભગવાનને હળવા પૌષ્ટિક આહારની સાથે ઔષધો ધરાવાય છે. જે સહુ કોઇની લાજ રાખે તેનો ઇલાજ ભક્તજનો ગદ્ગદ્ ભાવ સાથે કરે છે. ભાવિક ભક્તજનો આંખોમાં શ્રદ્ધાના દીપ પ્રગટાવીને ભાવપૂર્વક દર્શનાર્થે આવે છે અને શરદીથી ત્રસ્ત જગન્નાથજીની લાગલગાટ એક પખવાડિયા સુધી સેવા-સુશ્રુષા કરાય છે. આ પછી જગતનિયંતા ફરી સ્વસ્થ થાય છે અને વિધિવત્ ફરી જેઠ વદ અમાસના દિવસે દર્શન ખૂલે છે. ત્યારબાદ અષાઢી બીજના દિવસે રંગચંગે રથયાત્રા મહોત્સવ ઊજવાય છે.
જો જેઠ માસની અમાસ પછી અષાઢી ચંદ્રને બદલે વચ્ચે અધિક માસ આવે તો ભગવાનની ત્રણેય મૂર્તિઓનું નવ-કલેવર થાય છે. નવી મૂર્તિની પ્રતિષ્ઠા થાય છે અને જૂની મૂર્તિઓને બાજુમાં આવેલા વૈકુંઠધામમાં લઇ જઇને સમાધિ અપાય છે.
રથયાત્રા તો ભારતના ઘણા શહેરો-નગરોમાં યોજાય છે, પણ જગન્નાથ પુરીની રથયાત્રા વિશ્વખ્યાત છે, અને પછીના સ્થાને આવે છે અમદાવાદની રથયાત્રા. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથજી મંદિરમાં તો જળયાત્રા પ્રસંગે એક અન્ય વિશિષ્ટ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનું ષોડષોપચાર પૂજન અર્ચન કરીને પ્રભુને શૃંગારમાં ગજવેશ ધારણ કરાવવામાં આવે છે અને નવરત્ન દીવડાથી પ્રભુની આરતી ઉતાર્યા બાદ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી તેમના મોસાળ મામાના ઘરે સરસપુરમાં પધારે છે અને તે સમયે ભગવાનના વિગ્રહનાં દર્શન થતાં નથી, પરંતુ તેમની તસવીરનાં દર્શન થાય છે.
મોસાળથી ભગવાન અમાસના દિવસે નિજ મંદિરમાં પરત ફરે છે. ત્યારે તેમની ઉમળકાભેર વધામણીની સાથે મંદિરમાં કાળી રોટી - ધોળી દાળ (એટલે કે માલપૂઆ - દૂધપાક)નો ભવ્યાતિભવ્ય ભંડારો થાય છે. હજારો શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો પ્રસાદનો લાભ લઇને ધન્યતા અનુભવે છે.
આ વખતે અધિક માસ હોવાથી આગામી દોઢ મહિના પછી અષાઢી બીજ - ૧૮ જુલાઇના દિવસે ભગવાન જગન્નાથજી ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બિરાજમાન થઇને નગરચર્યાએ નીકળશે અને લોકોના સુખદુઃખ જાણશે.