વિશ્વભરમાં જ્યાં જ્યાં જૈનો વસે છે ત્યાં ત્યાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી ઉમંગભેર તપ-જપ-દાન-ધાર્મિક ગ્રંથ કલ્પસૂત્રના વાંચન-શ્રવણથી થઇ. પર્યુષણ પર્વના પાંચમા દિવસે વાંચનમાં ૨૪મા તીર્થંકર ભગવાનશ્રી મહાવીર સ્વામિના જન્મની વાત આવે છે ત્યારે ભગવાનશ્રી માતા ત્રિશલાના ગર્ભમાં હતા એ વેળા આવેલ ૧૪ સ્વપ્નોનું અવતરણ, એનું મહાત્મ્ય જાણીને પારણું ઝુલાવી જન્મોત્સવનો ઉલ્લાસ અનુભવ્યો.
પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ એટલે સંવત્સરી. ગયા શુક્રવારે પ્રતિક્રમણ કરતા વિશ્વના તમામ જીવો પ્રત્યે જાણતાં અજાણતાં થયેલ અનાદર-અપરાધ કે દૂભવ્યા હોય તેની માફી માગી ‘મિચ્છામિ દુક્કડમ્’ કહેવાની પ્રણાલિ વેર-વિરોધ ભાવ ત્યજવા સાથે મૈત્રીભાવના પવિત્ર ઝરણાને વહાવવાની વાત પણ કરે છે. ક્ષમાપનાને પર્વ બનાવી ઉજવવાની વાત માત્ર જૈન ધર્મમાં જ આવે છે. આમ તો જીવનમાં ડગલે ને પગલે આપણે આપણાથી થતી ભૂલોની માફી માગવાની ઔપચારિકતા ‘સોરી...’ કહીને નિભાવતા હોઇએ છીએ, પરંતુ સાચા દિલથી માફી તો વીર જ માગી કે આપી શકે! એટલે જ ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ કહેવાય છે, એનો આનંદ અનેરો હોય છે. આંતરખોજના ઉત્સવના આઠ દિવસો તો આંખના પલકારામાં આવ્યા અને વહી ગયા. શ્વેતામ્બર જૈનોના પર્યુષણ બાદ દિગમ્બર જૈનોના પર્વ દશ લક્ષણી પર્વ શરૂ થયા.
વર્ષભર કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવાનો આ અવસર છે.
અત્રે લંડન, અમેરિકા અને કેનેડાના પર્યુષણ પર્વની ઉજવણીની તસવીરો રજૂ કરી છેઃ
• મહાવીર ફાઉન્ડેશનના કેન્ટનના દેરાસરમાં રખાયેલ માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નો અને ભગવાનના પારણાની તસવીર. સંસ્થા તરફથી બેંગ્લોરથી જૈન વિદ્વાન શ્રી અશ્વિનભાઇ ગુરુજી પધાર્યા હતા અને ગયા રવિવારે શ્રી માણીભદ્રવીરનું પૂજન તથા સ્વામિ વાત્સલ્ય કિંગ્સબરીમાં થયું હતું, જેનો લાભ સેંકડો ભાવિકોએ લીધો હતો. એ જ રીતે લંડનની વિવિધ સંસ્થાઓ શ્રી વિશા ઓશવાળની નોર્થ, ઇસ્ટ, વેસ્ટ, લૂટન આદી દરેક એરિયાની શાખાઓ, નવનાત ભવન, હેઝ, નવયુગ જૈન પ્રગતિ મંડળ, ઇસ્ટ લંડન જૈન સંઘ, જૈન નેટવર્ક, કોલીન્ડલ વગેરે સ્થળોએ પર્યુષણ પર્વ ભક્તિભેર ઉજવાયાં હતાં.
• લંડન ઉપરાંત લેસ્ટર, બર્મિંગહામ, માંચેસ્ટર વગેરે શહેરોમાં પણ પર્યુષણ પર્વની ઉજવણી થઇ હતી. જૈનોએ હજારોની સંખ્યામાં સંવત્સરી પ્રતિક્રમણ કરી એકબીજાને ખમાવ્યાં હતાં.
• અમેરિકામાં પર્યુષણ પર્વ પ્રસંગે વડોદરાથી ગાયક શ્રી અમીત કે. શાહે જઇને ભક્તિભેર ઉજવણી કરાવી હતી એની એક તસવીર.
• ટોરોન્ટોમાં જૈન સોસાયટી-ટોરોન્ટોએ પણ અહિંસા, અનેકાન્તવાદ અને અપરિગ્રહના નિયમોના પાલન સહિત ભાવભેર ઉજવણી કરી હતી અને તપસ્વીઓનો વરઘોડો કાઢયો હતો
એની તસવીર વડોદરા સ્થિત પૂર્વ જજ શ્રી બાબુભાઇ શાહે મોકલી છે એ
પ્રસ્તુત છે.