સૃષ્ટિના સર્જનકર્તા શ્રી બ્રહ્મા, રક્ષણકર્તા શ્રી વિષ્ણુ અને સંહારકર્તા શ્રી મહેશ આ ત્રણેય પ્રધાન દેવોનું એક સ્વરૂપ એટલે શ્રી દત્તાત્રેય અવતાર. અત્રિ ઋષિના પત્ની અનસૂયાના કૂખે ભગવાન વિષ્ણુએ અવતાર લીધો હોવાનો ઉલ્લેખ મહાભારતમાં છે. શાંડિલ્ય ઉપનિષદમાં જ્યોતિર્મય ભગવાન સ્વયં ખુશ થઇને પુત્રકામના સાથે તપ કરતા અત્રિ મુનિના ઘરે અત્રિ અને અનસૂયાના પુત્ર તરીકે જન્મ લે છે એમ વર્ણવેલ છે.
શ્રીમદ્ ભાગવતપુરાણ પ્રમાણે અત્રિ ઋષિને બ્રહ્મદેવના અંશથી સોમ, વિષ્ણુના અંશથી યોગશાસ્ત્રમાં નિપુણ દત્ત અને શંકરના અંશથી દુર્વાસા, આમ ત્રણ પુત્ર થયા. શ્રી દત્તાત્રેયના અત્રિ અને અનસૂયાના પુત્ર તરીકેની જન્મસંબંધી કથાઓ વિવિધ પુરાણોમાં છે. જેમ કે, વાયુ, બ્રહ્માંડ, કૂર્મ, વિષ્ણુ, માર્કંડેય, પદ્મ, ભવિષ્ય ઇત્યાદિ. જેમાં શ્રી દત્તને મહાન સંત, યોગી, વરદાન આપનાર ને વિષ્ણુના અવતાર માન્યા છે. શ્રી દત્તે સહસ્ત્રાર્જુનને ઉપદેશ કર્યાના ઉલ્લેખો મહાભારતમાં વનપર્વ, શાંતિપર્વ અને અનુશાસનપર્વમાં જોવા મળે છે. શ્વેતકેતુ, ઋભુ, જડભરત, આરુણિ જેવા પરમહંસો અને નારાયણ, બ્રહ્મા, અથર્વા, યાજ્ઞવલ્કય, નારદ, શાંડિલ્ય, અત્રિ જેવી મહાન હસ્તીઓ સાથે શ્રી દત્તાત્રેયનો ઉલ્લેખ અથર્વવેદના કેટલાક ગૌણ ઉપનિષદોમાં જોવા મળે છે. પુનશ્ચ શ્રીદત્તના શિષ્યોમાં ઐલપુત્ર આયુ, અલર્ક, પ્રહલાદ, યદૂ, સહસ્ત્રાર્જુન, ભાર્ગવપરશુરામ વગેરેના ઉલ્લેખ જ શ્રી દત્તાવતારની પ્રાચીનતા સિદ્ધ કરે છે.
શ્રી દત્તાત્રેય વિવિધ ગ્રંથોમાં અલગ અલગ નામથી ઓળખાય છે. જેમ કે, અવધૂત, દિગંબર, મહાયોગી, બાલ, ઉન્મત્તઆનંદદાયક, મુનિ, ચિરંજીવી, વિશ્વરૂપધર, જ્ઞાનસાગર, જ્ઞાનયોગનિશ્ચિ, આત્મમાયારત, મહાજ્ઞાનપ્રદ, સત્યાનંદચિદાત્મક, સિદ્ધસેવિત, યોગીજનપ્રિય વગેરે શાંડિલ્ય ઉપનિષદમાં શ્રી દત્તાત્રેયને વિશ્વગુરુની પદવી આપેલ છે. તેમના માટે ઉચ્ચારેલા અસંખ્ય ભક્તોદ્ધારક નામ જેવાં કે સ્મરણમાત્રસંતુષ્ટ, ભક્તાનુકંપી, સાક્ષી, મહાભયનિવાર, ભવબન્ધમોચક, સર્વમનઃક્ષોભક, સર્વકામફલપ્રદ, સકલવિભૂતિ આપનાર વગેરે જોતાં જ સ્પષ્ટ થાય છે કે શ્રી દત્તાવતાર ગરીબ, શ્રદ્ધાળુ ભાવિક પ્રજાના કલ્યાણ માટે થયો હતો. શ્રી દત્ત પૂરક ગ્રંથોમાં વર્ણવેલા અસંખ્ય પ્રસંગોમાં ભક્તોનાં કષ્ટનું નિવારણ કરી તેમના રક્ષણ માટે તત્પર ભગવાનને જોતાં જ દત્તાવતારનો મુખ્ય ધ્યેય સામે આવે છે.
શ્રી દત્તાત્રેયના નામે અવધૂતગીતા, ત્રિપુરા રહસ્ય, જીવન્મુક્તગીતા વગેરે ગ્રંથો છે. વિવિધ ભાષામાં લખાયેલા કેટલાક ગ્રંથો પરથી તેમની યશ અને પ્રસિદ્ધિ જોવા મળે છે. જેમ કે, શ્રી ગંગાધર સરસ્વતીનું શ્રી ગુરુચરિત્ર, વિઠ્ઠલ ઉર્ફે કાવડી બુવાનુંદત્તપ્રબોધ, પ.પૂ. શ્રી વાસુદેવાનંદ સરસ્વતી ઉર્ફે શ્રી ટેમ્બે સ્વામી મહારાજના દ્વિસાહસ્ત્રો ગુરુચરિત્ર, ત્રિશતી કાવ્ય, દત્તપુરાણ વગેરે અને પ.પૂ. રંગઅવધૂત સ્વામી મહારાજના રંગહૃદયમ્, દત્તયાગ પદ્ધતિ, શ્રી ગુરુલીલામૃત વગેરે. ત્રિમૂર્તિ સ્વરૂપ એટલે કે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સામૂહિક પૂજાનો અવતાર એટલે શ્રી દત્તાવતાર.
દત્તાવતારના હેતુને અનુલક્ષીને ઉપાસના-પદ્ધતિનો વિકાસ થયેલો જોવા મળે છે. સર્વસ્વનો ત્યાગ કરી સાક્ષાત્કાર માટે એકાગ્ર થવું એ નિષ્કામ ઉપાસના અને મનમાં કોઈ ઇચ્છા કે કામના સહિત કાર્ય કરવું એ સકામ ઉપાસના. દત્ત સંપ્રદાયમાં બન્ને ઉપાસનામાં વૈવિધ્ય છે.
શ્રી દત્ત સ્વરૂપમાં એકમુખી દત્ત અને ત્રિમૂર્તિ દત્ત આમ બે સ્વરૂપ પ્રચલિત છે. મહાભારત, પુરાણ તથા અર્વાચીન ઉપનિષદોમાં દત્તાત્રેય મહદંશે એકમુખી મનાય છે. જ્યારે ઉત્તરકામીકાગમ, રુપાવતાર, રુપમંડન, શિલ્પરત્ન વગેરે ગ્રંથોમાં ત્રિમૂર્તિ દત્તનું વર્ણન જોવા મળે છે. એમાં કેટલીક મૂર્તિઓ શિવપ્રધાન, વિષ્ણુપ્રધાન અથવા બ્રહ્મપ્રધાન જોવા મળે છે. ત્રિમૂર્તિદત્ત ષડ્ભુજ હોઈ શંખ, ચક્ર, ત્રિશૂલ વગેરે ધારણ કરેલા જોવા મળે છે. આમ દત્તાવતાર બીજા અવતારોની જેમ દુષ્ટોનો નાશ કરી સમાપ્ત થનારો નથી. ઉપદેશ આપીને જગતનો ઉદ્ધાર કરી ચિરંજીવ રહેલા અવતારોમાં, શ્રી દત્તાવતાર પ્રસિદ્ધ અવતાર છે. આ જ્ઞાનના અવતાર શ્રી અવધૂત દત્ત છે.
ભારતભરમાં આવેલાં મુખ્ય દત્ત સ્થાનકો
ભારત વર્ષમાં પ્રમુખ દત્ત સ્થાનોમાં કુરવપુર, નૃસિંહવાડો, ઔદુંબર, અક્કલકોટ, કારંજા, માહુર, માણિકનગર વગેરે પ્રસિદ્ધ છે. તો ગુજરાતમાં ગિરનાર પરની દત્તપાદુકા, નારેશ્વર, ગરુડેશ્વર, અનસૂયાતીર્થ વગેરે પાવન દત્તક્ષેત્રો છે. વડોદરામાં એકમુખી તથા ત્રિમૂર્તિ દત્તનાં મંદિરો સુપ્રસિદ્ધ છે. જેમ કે, વાડી-દત્તમંદિર, સ્વામી સમર્થ સંસ્થાન-ડાંડિયા બજાર, તારકેશ્વર સ્થાન, નીલકંઠેશ્વર-ડાંડિયા બજાર, કુબેરેશ્વર-કાલા ઘોડા, ગેંડીગેટ દત્તમંદિર, દત્તમંદિર-ખત્રીપોળ, દત્તમંદિર-સયાજીગંજ વગેરે.
ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા દત્ત ભગવાન
ગુરુ દત્તાત્રેયની તપોભૂમિ ગિરનાર ક્ષેત્રમાં જ રહી હોવાથી તેઓ ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા પણ ગણાય છે. ગિરનાર પર્વતના પાંચમા શિખર ગુરુ દત્તાત્રેય ઉપર દત્ત ભગવાનનાં પગલાં છે અને આજની તારીખેય ગિરનાર ક્ષેત્રમાં ગુરુ દત્તાત્રેયનો વાસ હોવાનું મનાય છે. ગિરનાર તળેટીસ્થિત ગિરનાર સાધના આશ્રમમાં પુનિતાચાર્યજીએ દત્ત ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હોવાનું પણ ઘણા સાધકોનું માનવું છે. દત્ત જયંતીના દિવસે ગિરનાર પર્વત ઉપર ગુરુ દત્તાત્રેયના શિખર ઉપર મોટો યજ્ઞ થાય છે, જેનો હજારો ભાવિકો લાભ લે છે. એમ કહેવાય છે કે દત્ત ભગવાનની ઉપાસના બાદ કોઈ પણ સાધકને ગુરુની જરૂર રહેતી નથી કારણ કે ખુદ દત્ત ભગવાન પોતે જ ગુરુઓના ગુરુ ગણાય છે. આથી જ સાધુ-સંતોના અખાડાઓના ઈષ્ટદેવ પણ ગુરુ દત્તાત્રેય હોય છે. ભવનાથ તળેટી ખાતે દર વર્ષે યોજાતા મહાશિવરાત્રિના મેળાના છેલ્લા દિવસે નાગા બાવાઓની રવાડી (સરઘસ) પહેલાં સૌપ્રથમ દત્ત ભગવાનની ચરણપાદુકાની પૂજા થાય છે અને સૌથી આગળ દત્ત ભગવાનની પાલખી નીકળ્યા બાદ જ સરઘસની શરૂઆત થાય છે. આ સરઘસમાં દત્ત ભગવાન તેમજ મહાભારતના અમરયોદ્ધા અશ્વત્થામા કોઈને કોઈ સ્વરૂપે અચૂક જોડાતા હોવાની લોકવાયકા છે. દર વર્ષે યોજાતી ગિરનારની પરિક્રમા પણ દત્ત ભગવાનની ઉપાસનાનો જ એક પ્રકાર છે.