વિષ્ણુ સાથે સંકળાયેલી બન્ને એકાદશીઓ ‘દેવપોઢી’ અને ‘દેવઊઠી’નું મહાત્મ્ય સમજવા જેવું છે. ધરતીલોકના માનવનું જીવન નિદ્રા (શયન) અને જાગૃતિ (પ્રબોધિન), રાત અને દિવસ, અંધકાર અને પ્રકાશના શ્યામ-શ્વેત રંગોથી રંગાયું છે. દિવસે જાગ્રત અવસ્થામાં પુરુષાર્થ કર્યા પછી, રાતે નિદ્રાધીન પણ થવું પડે. માનવે ભગવાન ઉપર પણ આવી અવસ્થાઓનું આરોપણ કર્યું. શ્રીહરિ પણ શયન કરે છે અને પાછા જાગે છે, એવી માન્યતા પ્રવર્તીત થઇ. માથાભારે શંખાશુરને હણવાનું ભારે પરાક્રમ કરીને ભગવાન નારાયણ-વિષ્ણુ અષાઢના શુકલ પક્ષની ‘દેવપોઢી’ એકાદશીએ ક્ષીરસાગરના જળમાં શેષનાગની શય્યા પર શયન કરે છે, પોઢી જાય છે. ચાર માસ, (ચાતુર્માસ) દીર્ઘ નિદ્રાના અંતે પાછા કાર્તિકના શુકલ પક્ષની દેવઊઠી (દેવપ્રબોધિની) એકાદશીએ (આ વર્ષે ૧૧ નવેમ્બર) આળસ મરડીને જાગે છે. મોહનિદ્રાની સુષુપ્તિમાંથી ચેતનતાભરી જાગૃતિ ભણી જવાની જાણે યાત્રા છે.
'દેવઊઠી' એકાદશી તો 'ઊઠો, જાગો અને ધ્યેય સિદ્ધ કરો' એવો સંદેશ આપે છે, પુરુષાર્થના પંથે પ્રસ્થાન કરવાનો પ્રબોધ આપે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ચોમાસા (ચાતુર્માસ)માં સૂર્ય વાદળોથી ઘેરાઇ જતાં ઝાંખો દેખાય છે. સૂર્યસ્વરૂપ શ્રીવિષ્ણુની જાણે નિદ્રા છે. સમય મંગળકાર્યો માટે નિષિધ છે. ચાતુર્માસ પૂર્ણ થતાં સૂર્ય તેજસ્વી બનતાં તેનાં દર્શન થાય છે. આમાં, એટલે કે દેવઊઠી એકાદશીથી વિવાહાદિ મંગળકાર્યોનો આરંભ થાય છે. દેવઊઠી એકાદશીએ માનવો પ્રાત: કાળે ગીતો ગાઇને શ્રીહરિને જગાડે છે. પરમાત્માની કૃપાવર્ષાથી જે કંઇ ધાન્ય-અનાજ-ફળફૂલ પાક્યાં હોય, તે શ્રીવિષ્ણુ-ચરણે પ્રસન્નચિત્તે ભાવથી અર્પણ કરાય છે. શ્રીહરિની જાગૃતિનો મહોત્સવ દીપમાળાઓ પ્રગટાવીને ઊજવાય છે.
પદ્મપુરાણ વગેરેમાં દેવી તુલસીના જન્મ-જન્માંતરોની વિવાહકથાઓ મળે છે. મનુવંશના ધર્મરાજ અને તેની પત્ની માધવીનું કન્યારત્ન તે તુલસી. એનું બીજું નામ 'વૃંદા' છે. તેથી ઘનશ્યામ શ્રીકૃષ્ણની ભૂમિ વૃંદાવન તરીકે ઓળખાઇ. યૌવનકાળે તુલસીનું રૂપસૌંદર્ય ખીલી ઊઠ્યું. ભગવાન વિષ્ણુને સ્વામી તરીકે પામવા એણે બદરીવનમાં કઠોર તપશ્ચર્યા કરી.
પ્રસન્ન થયેલા બ્રહ્માજી પાસે વરદાન માગ્યુંઃ પૂર્વજન્મમાં હું વૃંદાવનમાં શ્રીકૃષ્ણની પ્રિયા ગોપી હતી અને શ્રીવિષ્ણુને પતિરૂપે મેળવવા ઝંખું છું.
બ્રહ્માએ વરદાન આપ્યું: તમે વૃક્ષોની અધિષ્ઠાત્રી દેવી બનીને ‘વિષ્ણુપ્રિયા’નું સ્થાન મેળવશો.
તે પછી એવું થયું કે બ્રહ્માના વરદાનથી શંખચૂડ નામના રાક્ષસે યોગીનું રૂપ લઇને, તુલસીને પોતાની પત્ની બનાવી દીધી. શંખચૂડે દેવોની સત્તા પણ છીનવી લીધી. દેવોએ શંખચૂડ ઉપર આક્રમણ કર્યું. તુલસીના પાતિવૃત્યના પ્રતાપે શંખચૂડ હણાતો નહોતો. છેવટે શ્રીહરિ શંખચૂડના સ્વરૂપે સીધા તુલસી પાસે પહોંચી ગયા. તુલસી એને પતિ માની બેઠી. શ્રીહરિએ એનો પતિવ્રતા-ધર્મ નષ્ટ કર્યો. આ કારણે શંખચૂડનો સંહાર થયો. શ્રીહરિ તુલસી સમક્ષ પોતાના અસલ સ્વરૂપે પ્રગટ થયા. પરંતુ તુલસીએ કહ્યું: ‘પ્રભુ! આપે કપટ કરીને મને ધર્મભ્રષ્ટ કરી છે. આપનું હૃદય તો પાષાણ જેવું છે. તેથી મારા શાપથી હવે તમે શાલિગ્રામ પથ્થર બનીને ધરતીલોક ઉપર રહો. વળી શ્રીહરિની ઇચ્છા પ્રમાણે તુલસીના કેશમાંથી તુલસીનો છોડ જન્મ્યો.
શ્રીહરિ શાલિગ્રામ બની ગયા. દેવઊઠી એકાદશીએ દેવી તુલસી અને શાલિગ્રામ સ્વરૂપ શ્રીવિષ્ણુના વિવાહ થયા. દેવી તુલસી ભગવાન વિષ્ણુના વક્ષ:સ્થળ ઉપર લક્ષ્મીજીની જેમ શોભવા લાગ્યાં. વિષ્ણુ-તુલસીના વિવાહ દર્શાવીને આપણા શાસ્ત્રકારોએ ઉત્તમ ઔષધિ તુલસીનું મહત્ત્વ બતાવ્યું છે. આમાંથી વનસ્પતિની જાળવણી અને સંવર્ધનની ભાવના ખીલવવાનો સંદેશ પણ મળે છે.
આજે પણ દેવપોઢી એકાદશીએ હિન્દુ ધર્મપ્રેમીઓ તુલસી વિવાહનો ઉત્સવ ધામધૂમથી ઊજવે છે. લગ્નની કંકોત્રીઓ લખાય છે, લગ્નમંડપ રચાય છે, શાલિગ્રામ-વિષ્ણુનો ભવ્ય વરઘોડો નીકળે છે, માંડવે શ્રીહરિનાં પોંખણાં થાય છે, તુલસીને માંયરામાં પધરાવાય છે, અગ્નિદેવની સાક્ષીએ વિષ્ણુ-તુલસીના મંગળફેરા થાય છે, લગ્નગીતો ગવાય છે. દેવઊઠી એકાદશીએ શ્રીવિષ્ણુ-તુલસીના વિવાહ થયા પછી જ, માનવોમાં વિવાહ-કાર્યનો આરંભ થાય છે.