દેવોને કંઈ પણ સર્જન કરવાનું થતું ત્યારે તેઓ સૌપ્રથમ વિશ્વકર્મા પ્રભુ પાસે જતા અને જરૂરી માર્ગદર્શન મેળવતાં, માટે એમ કહેવાય છે કે વિશ્વકર્મા એટલે દેવોના એન્જિનિયર. વાસ્તુશાસ્ત્રના પ્રથમ પ્રખર પ્રણેતા વિશ્વકર્મા હતા. વિશ્વકર્મા દેવોના શિલ્પી હોવાથી ઇન્દ્ર માટે ઈન્દ્રપ્રસ્થનગરી, શેષનાગ માટે સુતલ નામનું તળાવલોક, ભગવાન શ્રીકૃષ્ણ માટે દ્વારિકાનગરી અને વૃંદાવન, રાજા રાવણ માટે સોનાની લંકાનગરી અને પાંડવો માટે હસ્તિનાપુરનું નિર્માણ કર્યું હતું. દુર્લભનગરના નિર્માણમાં ભગવાન વિશ્વકર્માનો અમૂલ્ય ફાળો રહેલો છે. તેમના પુત્રી રન્નાદે (રાંદલમા) છે અને જમાઈ સૂર્યનારાયણ છે.
સ્કંદપુરાણમાં કહેવાયું છે કે શ્રી વિશ્વકર્મા પ્રભુની શક્તિથી મુખની જ્વાલા (અગ્નિ) દ્વારા મહેશ એટલે કે શિવજી ઉત્પન્ન થયા, બાહુમાંથી વિષ્ણુ અને ઉદરમાંથી બ્રહ્મદેવ. એમ ત્રણે દેવોની ઉત્પત્તિ થઈ. એ મહાન વિશ્વકર્માના ચરણથી ઇન્દ્ર ઉત્પન્ન થયા. મનથી ચંદ્રમા, નેત્રથી સૂર્ય અને પ્રાણથી વાયુ. તદુપરાંત એમની નાભિમાંથી આકાશ, મસ્તકમાંથી દેવલોક, પગમાંથી પૃથ્વી અને કાનમાંથી દિશાઓ એમ વિશ્વ સર્જાયું.
વિશ્વનો પ્રારંભ કરનાર, વિશ્વની રચના કરનાર વિશ્વકર્મા જગતના ગુરુ છે. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઈશ્વર અને સદાશિવ એ પોતે જ છે, વિશ્વકર્મા મહામૂર્તિ છે અને પ્રાણી માત્ર દયા દર્શાવનારા છે. અખિલ બ્રહ્માંડના સર્જનહાર શ્રી વિશ્વકર્મા પ્રભુનો જન્મદિવસ ત્રિલોકમાં ઉજવાય છે. વિશ્વભરમાં જ્યાં પણ સનાતની હિન્દુઓ વસે છે ત્યાં મહા સુદ તેરસ (આ વર્ષે ત્રીજી ફેબ્રુઆરી)ના રોજ વિશ્વકર્મા જયંતી ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વકર્માના વંશજો પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને વિશ્વકર્મા પ્રભુની પૂજા-આરતી અને યજ્ઞ કરે છે. અમાવાસ્યા એ વિશ્વકર્મા પરિવાર માટે પવિત્ર દિવસ મનાય છે.
વિશ્વકર્મા પ્રભુએ તેમના સંતાનો મનુ (લુહાર), મય (સુથાર), ત્વષ્ટા (કંસારા), શિલ્પી (કડિયા) અને દેવજ્ઞ (સોની)ને સૃષ્ટિના સર્જન બાદ સમાજરચના માટે કાર્ય સોંપ્યું હતું. પૃથ્વી, સ્વર્ગ સહિત ત્રિલોકમાં કલા-કારીગરી અને વિકાસમાં વિશ્વકર્મા પ્રભુનું અનોખું પ્રદાન છે.
પૃથ્વી પર કલા-કારીગરીને જીવંત રાખવા પ્રભુએ તેમનાં સંતાનોને કામગીરીની વિવિધ ચીજોની ભેટ ધરી છે. વિશ્વકર્મા પ્રભુની કૃપાથી તેમનાં સંતાનોને પ્રાપ્ત થયેલાં ઓજારોની ઉત્પત્તિની પણ એક અનોખી કથા છે. વિશ્વકર્મા પુરાણમાં શ્રી વિશ્વકર્માનાં સંતાનોને આપેલા વરદાનની કથામાં એનો ઉલ્લેખ છે.
પ્રભુ વિશ્વકર્મા બદરિકાશ્રમમાં રહીને તપ કરી રહ્યા હતા, ત્યારની આ વાત છે. તે દરમિયાન લવાક્ષ નામના એક દૈત્યએ પ્રભુની ખૂબ જ સેવા કરી હતી. તેથી પ્રભુ પ્રસન્ન થયા. વિશ્વકર્મા જ્યારે બદરિકાશ્રમ છોડીને ઈલાચલ પર્વત પર જવાના હતા, ત્યારે લવાક્ષે પણ પ્રભુની સેવાનો નિરંતર લાભ મળે તે હેતુથી પ્રભુ સમક્ષ પ્રાર્થના કરી કે હે દેવ, મને પણ ઈલાચલ પર્વત પર આવવાની અનુમતિ આપો.
વિશ્વકર્માએ કહ્યું કે ઈલાચલ પર્વત પર તારી જરૂર પડશે તો હું જરૂર તને ત્યાં બોલાવીશ, પરંતુ ત્યાં સુધી તું બદરિકાશ્રમની સંભાળ રાખ અને અહીં રહીને તપ કરજે. ભગવાન વિશ્વકર્માએ પોતાના પુત્રો-પરિવારોને નેત્રવિદ્યા ને અન્ય વિદ્યાનું દાન આપ્યું ત્યારે તેમણે આ કાર્યો માટે પ્રભુ પાસે જરૂરી ઉપકરણો અને ઓજારોની માગણી કરી હતી.
વિશ્વકર્માએ વાસુદેવને આજ્ઞા કરી કે બદરિકાશ્રમ જઈને લવાક્ષને બોલાવી આવો. જેથી તેઓ લવાક્ષને લઈને આવ્યા. વિશ્વકર્માએ લવાક્ષને આજ્ઞા કરી કે મેં તને જે ઉત્તમ વિદ્યા આપી છે તેનો ઉપયોગ કરવાનો સમય આવ્યો છે. હવે તું મારાં સંતાનોને તેમની કલા-કારીગરીમાં ઉપયોગ થાય તેવાં ઓજારો બનાવી આપ.
લવાક્ષે તો પ્રભુની આજ્ઞા માથે ચઢાવીને હિમાલય ભણી પ્રયાણ કર્યું. બદરિકાશ્રમ પાસે જ તેણે ધાતુની વિશાળ ભઠ્ઠી બનાવી હતી. લવાક્ષ વિવિધ ધાતુઓ લઈને હિમાલય પર્વત પર ચાલ્યો અને ધાતુઓમાંથી તેમણે અવનવાં ઓજારો બનાવ્યાં હતાં.
લવાક્ષે પ્રથમ કાષ્ઠકારને ઉપયોગી ઓજારોનું ઘડતર કર્યું. તેણે વાંસલો ને વીંધણું, કાટખૂણા ને કરવત, ફરશી ને આરી, ટાંકણું ને નાથણું, હથોડી ને કુહાડી, ટંચન ને શારત વગેરે ઓજારો ઘડી કાઢ્યાં. વિશ્વકર્મા પ્રભુએ તે ઓજારો પોતાના પાંચ પુત્રોને સમાજના ઉત્થાન કાર્ય માટે સોપ્યાં. આ ઓજારોનો ઉપયોગ કરનારા કાષ્ઠકાર તરીકે ઓળખાવા લાગ્યા.
વિરાટ વિશ્વકર્માનો અવતાર
પદ્મપુરાણ ભૂખંડમાં જણાવ્યા પ્રમાણે ભગવાન વિશ્વકર્માને પાંચ મસ્તક અને દસ ભુજાઓ છે. બધા દેવતા, ઋષિ, મુનિ અને મનુષ્યો તેમની આરાધના કરે છે.ભગવાન વિશ્વકર્માનું સ્વરૂપ વેદોમાં પંચમુખી માનેલું છે. એમનું સ્વરૂપ દિવ્ય કાવ્યમય, દિવ્ય અલંકારોથી સુશોભિત, પાંચ મસ્તક પર મુગટ અને કળાકૌશલ્યનાં સાધનો ધારણ કરેલાં છે. તેમની આસપાસ પાંચ મહર્ષિઓ (સાનગ, સનાતન, અહભૂન, પ્રત્ન અને સુપર્ણ) છે.
પંચાલ બ્રાહ્મણોની ઉત્પત્તિ
લૈંગે શિવાગમ્ મુજબ ભગવાન વિશ્વકર્માનાં પાંચ મુખથી લોકોના હિતાર્થે પોતાના પાંચ શિલ્પકર્મો સહિત પાંચ મહર્ષિઓ (પંચાલ બ્રાહ્મણો) ઉત્પન્ન થયા. તે મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞ એ પાંચ બ્રાહ્મણો છે.
આ પાંચેના સામુદાયિક નામની સ્મૃતિ માટે પાંચ બ્રહ્મર્ષિઓની સંતતિનું નામ પંચાલ પડ્યું. પંચાલનો અર્થ એ કે પાંચથી બન્યા. આજે એમના વંશજો પંચાલ બ્રાહ્મણના નામથી ઓળખાય છે. સૃષ્ટિ સર્જન સૌથી પહેલા વિશ્વના કર્તા એવા વિશ્વકર્મા પ્રભુએ પોતાનાં પાંચ મુખ થકી પ્રથમ સદ્યોજાત (પૂર્વ) મુખથી ‘ૐ’ ઓમ પેદા કર્યો. ઓમમાંથી નાદ, સ્વર, લય થકી પાંચ વેદ - ઉપવેદ પેદા થયા.
સાથોસાથ પંચ મહાભૂત તત્ત્વ જેવાં કે પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિ પેદા કર્યાં. આ પંચ મહાભૂત તત્ત્વોનો આધાર કરી દેવ સૃષ્ટિના કારણ વડે પાંચ દેવોને ઉત્પન્ન કર્યા. અનુક્રમે સધોજાત (પૂર્વ) મુખેથી શિવ, વામદેવ (દક્ષિણ) મુખથી વિષ્ણુ, પશ્ચિમ મુખથી બ્રહ્મા, ઉત્તર મુખથી ઈન્દ્ર અને ઉર્ધ્વ (ઈશાન) મુખથી સૂર્યદેવતા પેદા થયા. આ પછી પાંચ પુત્રો ઉત્પન્ન કર્યા. અને પ્રથમ બ્રહ્મ થકી સપ્તઋષિઓ સાથે નારદ, શારદ, દક્ષ પ્રજાપતિ અને દેવ-દેવીઓ ઉત્પન્ન કરી દેવસૃષ્ટિ નિર્માણ કરી. તેના સંચાલન માટે પ્રભુએ ત્રણ દેવ-દેવી શિવ-શક્તિ ઉમા, વિષ્ણુ-લક્ષ્મી, બ્રહ્મા-સાવિત્રી વગેરેને પ્રથમ સ્થાન આપીને સૃષ્ટિરૂપી જગત યંત્રનો ભાર સોંપી સૂંપર્ણ અધિકારી બનાવ્યાં.
પંચદેવ પૂજનમાં પ્રથમેશ વાચસ્પતિનું પૂજન પછી બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને શક્તિનું પૂજન અગ્રિમસ્થાને મૂક્યું. વિશ્વકર્માએ અનેક રૂપે દેવતાઓને પ્રગટ કર્યા અને દરેકને જુદાં જુદાં કામો સોંપ્યાં. 14 બ્રહ્માંડની રચના કરી આપી. આ તમામ લોક વાયુમંડળ કૈલાસ, વૈકુંઠ, બ્રહ્મપુરી, ઈન્દ્રપુરી, સ્વર્ગ, પૃથ્વી અને પાતાળના નાગલોક વગેરેનું સર્જન કર્યું.
આ પછી વિશ્વકર્મા પ્રભુએ સમાધિમાં લીન થવાનો નિર્ણય કર્યો, ત્યારે દરેક દેવતાઓએ તેમને વિનંતી કરી કે તમારા વિના અમારો આધાર કોણ? તે વખતે વિશ્વકર્માએ કહ્યું કે મારા પંચાલ પુત્રો હવેથી દેવી-દેવતાઓ તથા લોક-પરલોકનાં કલ્યાણકારી કામો કરશે.