નવરાત્રિઃ દેવી-શક્તિની ઉપાસનાનું સૌથી મોટું પર્વ કેમ ઊજવાય છે?

Monday 09th October 2023 09:18 EDT
 
 

હિન્દુ ધર્મમાં મોટા ભાગના તહેવારોના કેન્દ્રસ્થાને દેવોનું માહાત્મ્ય હોય છે. નવરાત્રિ એ દેવી-શક્તિની ઉપાસનાનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસોમાં જપ, તપ, હવન દ્વારા નવચંડીની ઉપાસના કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં એક વરસમાં કુલ ચાર નવરાત્રિ ઊજવવામાં આવે છે. પહેલી નવરાત્રિ મહા સુદ એકમથી નોમ સુધી ચાલે છે. બીજી નવરાત્રિ અષાઢ સુદ એકમથી નોમ સુધી હોય છે. આ બન્ને નવરાત્રિઓ ઉજવવાનું ગુજરાતમાં ખાસ ચલણ નથી. ત્રીજી નવરાત્રિ ચૈત્ર સુદ એકમથી રામનવમી સુધી હોય છે. આ નવરાત્રિ દરમિયાન જપ, તપ અને ઉપાસનાનું વિશેષ મહત્ત્વ ગણાયું છે. ચોથી નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઊજવાય છે. એને શરદ નવરાત્રિ કહેવાય છે. અને આપણે આ વર્ષે 14 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર દરમિયાન તેની ઊજવણી કરશું. નવરાત્રિ કેમ ઊજવાય છે એ વિશેની ઘણી માન્યતાઓ પુરાણકાળમાં પ્રચલિત છે. એમાંથી મુખ્ય બે માન્યતાઓ જોઈએ.
• સ્કન્દપુરાણઃ મહિષાસુર પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરી રહ્યો હતો. અરુણાચલ પર્વત તરફ ફરતાં-ફરતાં તેણે પાર્વતીદેવીને જોયાં. તેઓ કમળની વચ્ચે બેસીને પૂજા કરી રહ્યાં હતાં. મહિષાસુરે દેવી પાસે જઈને હળવેકથી પૂછયું, ‘હે સુંદરી, તું આ શું કરી રહી છે?’
પાર્વતીદેવીએ અધખુલ્લી આંખે જ જવાબ આપ્યો, ‘હું સર્વેસર્વા પ્રભુને મેળવવા માટે તેમની આરાધના કરું છું.’
મહિષાસુરે ગુસ્સાથી કહ્યું, ‘હું તારા પ્રભુ કરતાં વધુ તાકતવર છું. મારી સાથે ચાલ અને મારી સાથે લગ્ન કર.’
પાર્વતીદેવીએ જવાબ આપ્યો, ‘તુચ્છ પ્રાણી, હું એકલી તારા કરતાં વધારે શક્તિશાળી છું. હું તને તારી સાચી જગ્યા બતાવીશ.’
પાર્વતીજી અને મહિષાસુર વચ્ચે એ પછીની નવ રાત્રિ સુધી યુદ્ધ ચાલ્યું અને પછી દસમા દિવસે રાક્ષસનો વધ કર્યો.
આ કથા ઓછી પ્રચલિત છે.
• માર્કન્ડેય પુરાણઃ મહિષાસુર નામનો રાક્ષસ ઋષિમુનિઓ અને પ્રજાજનોને ખૂબ રંજાડતો હતો. તેણે ઘણાં વર્ષો સુધી ખૂબ આકરી તપસ્યા કરીને ભગવાનને રીઝવ્યા. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને ભોળાનાથ શિવજીએ તેને વરદાન આપ્યું કે કોઈ માણસ કે કોઈ દેવ તને હરાવી નહિ શકે. એ પછી તો મહિષાસુરને છૂટ્ટો દોર મળી ગયો. તેને કોઈનો ડર ન રહ્યો. તેણે મનફાવે એમ લોકોને અને ઋષિઓને હેરાન કરવાનું શરૂ કર્યું. ચારે લોકમાં ભગવાન શિવના વરદાનને કારણે મહિષાસુરને કોઈ દેવ પડકારી શકે એમ નહોતો.
જોકે તેમના વરદાનમાં દેવીઓ વિશે કોઈ ઉલ્લેખ નહોતો. પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતી એમ ત્રણે દેવીએ ભેગા મળીને સાધના કરી. આ ત્રણેની શક્તિઓનું સંયોજન કરીને મહાશક્તિનું નિર્માણ થયું, જેને દેવી દુર્ગાના નામે આપણે ઓળખીએ છીએ. ત્રણ દેવી-શક્તિનું સંયોજન હોવાથી દુર્ગાને હથિયાર તરીકે ત્રિશૂળ આપવામાં આવ્યું.
દેવી દુર્ગાએ નવ રાત સુધી મહિષાસુર સાથે લડાઈ કરી અને દસમા દિવસે તેનો નાશ કર્યો. મહિષાસુરે સિંહ, માણસ, ભેંસ જેવાં વિવિધ રૂપો ધારણ કરીને દેવી દુર્ગાને ચકમો આપવાનો પ્રયત્ન કર્યો. દસમા દિવસે દેવી દુર્ગાએ આખરે રાક્ષસના પેટમાં ત્રિશૂળ ભોંકીને તેનો ખાતમો બોલાવી દીધો. ત્યારથી દર વર્ષે આ નવ રાતોમાં દેવી દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે.

ત્રણ દેવીઓનું સંયોજન
નવરાત્રિની માર્કન્ડેય પુરાણવાળી કથા બહોળા પાયે પ્રચલિત છે એટલે જ નવરાત્રિના નવ દિવસ દરમિયાન પહેલા ત્રણ દિવસ દેવી દુર્ગાની, વચલા ત્રણ દિવસ દેવી લક્ષ્મીની અને છેલ્લા ત્રણ દિવસ દેવી સરસ્વતીની ઉપાસના કરવામાં આવે છે.
દુર્ગા સંસ્કૃત શબ્દ છે. એનો મતલબ અજેય છે. એની ભક્તિપૂર્વક ઉપાસના કરવાથી શક્તિ અને હિંમત વધે છે. લક્ષ્મી ધનસંપત્તિ અને આરામની દેવી છે, જ્યારે સરસ્વતી ડહાપણ અને બુદ્ધિની દેવી છે.

કળશસ્થાપન
આ તહેવારની ઉજવણીની શરૂઆત ઘરમાં કુંભની સ્થાપનાથી થાય છે. તાંબા કે માટીના કુંભમાં માટી, ગાયનું ગોબર અને પાણી મિક્સ કરીને એને એક બાજોઠ પર મૂકવામાં આવે છે. એમાં જવના દાણા વાવવામાં આવે છે. કુંભની આસપાસ બાજોઠ પર પણ માટી, ગાયનું ગોબર અને પાણી મિક્સ કરીને એના પર જવારા વાવવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે આ કુંભની સ્થાપના સારું મુહૂર્ત જોઈને કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કુંભમાં ૩૩ કરોડ દેવતાનો વાસ હોય છે.

પાંચ હજાર વર્ષ પુરાણી પરંપરા
ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ગરબા ગવાય છે. આ લોકનૃત્ય સૌથી પુરાણા લોકનૃત્યોમાંનું ગણાય છે. પુરાતત્ત્વવિદોને હડપ્પા સંસ્કૃતિના અવશેષો દરમિયાન ગરબા વખતે વચ્ચે મુકાતો ગરબો અવશેષરૂપે મળી આવ્યો છે. એના પરથી એવું માનવામાં આવે છે કે ગરબાની આ પરંપરા પાંચ હજાર વર્ષ પુરાણી હશે. પરંપરાગત ગરબા હવે પશ્ચિમી નૃત્યમાં કન્વર્ટ થઈ રહ્યા છે, પરંતુ ગરબાની પૌરાણિક પરંપરા પાછળ પણ ઘણી ગહન વિચારધારા હોવાનું હિન્દુ ધર્મના ગ્રંથોમાં કહેવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter