ભારતીય સંસ્કૃતિ પ્રાચીન હોવાની સાથે શ્રેષ્ઠ પણ છે. આપણું સામાજિક માળખું, ઉત્સવો, પરંપરાઓ, તહેવારો વગેરે સામાજિક અને ધાર્મિક રીતે વિશિષ્ટ પ્રભાવ પાડનારાં હોય છે. આપણે ત્યાં ઉજવાતાં પર્વોમાં નવરાત્રિનું અનેરું મહત્ત્વ છે. આખા વર્ષમાં બે નવરાત્રિ આવે છે. એક ચૈત્ર મહિનામાં અને બીજી આસો મહિનામાં. ચૈત્રી નવરાત્રિ ઉપાસનાની દૃષ્ટિએ વધુ મહત્ત્વ ધરાવે છે, જ્યારે આસો નવરાત્રિ વર્તમાન સમયમાં એક ઉત્સવ તરીકે વધારે વધુ પ્રચલિત બની છે.
નવરાત્રિ એ માતા શક્તિની શક્તિઓને જગાડવાનું આહ્વાન છે. તેનાથી આપણા ઉપર દૈવીશક્તિની કૃપા ઊતરે છે અને આપણે બધાં જ સંકટો, રોગ, દુશ્મનો, પ્રાકૃતિક આફતો જેવાં કષ્ટોથી બચી શકીએ છીએ. નવરાત્રિમાં દેવીપૂજનથી શારીરિક તેજમાં વૃદ્ધિ, મન નિર્મળ તથા આત્મિક શક્તિઓમાં વધારો થાય છે. નવરાત્રિમાં મા ભગવતી જગતજનનીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. ઘરઘરમાં ઘટસ્થાપન કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિમાં અનુષ્ઠાન, હવન, સાધના થાય છે જ્યારે આસો નવરાત્રિમાં ગરબીને ફરતા ગરબા રમાય છે.
નવરાત્રિ ઊજવવા પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. મહિષાસુર નામનો એક રાક્ષસ દેવો અને મનુષ્યોને ખૂબ જ કષ્ટ આપતો હતો. તેણે પોતાના સામર્થ્યના જોરે દેવતાનું બધું જ છીનવી લીધું હતું. દેવતાઓ આવી સ્થિતિમાં નિઃસહાય અને ભયભીત બની ગયા હતા. દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાસે ગયા અને તેમની વાત જાણીને તેઓ મહિષાસુર પર કોપાયમાન થયા અને તેમના પુણ્યપ્રકોપમાંથી એક દૈવીશક્તિનું નિર્માણ કર્યું. સૌ દેવતાઓએ પોતાની શક્તિઓ અને શસ્ત્રો તે દેવીને આપ્યાં. આમ, આ દેવી મહાશક્તિ બની ગયાં. તેમણે નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને તેને હણી નાખ્યો. આ રીતે આસુરી વૃત્તિઓને ડામીને દૈવીશક્તિનો મહિમા પ્રસ્થાપિત કરવામાં આવ્યો ત્યારબાદ દેવો નિર્ભય બન્યા.
એવું પણ કહેવાય છે કે શ્રીરામે રાવણ સામે યુદ્ધ કરતાં પહેલાં શક્તિની આરાધના કરી હતી અને આસુરી શક્તિ સામે વિજય મેળવ્યો હતો.
નવ દુર્ગાનાં સ્વરૂપોની સાધના
માર્કંડેય પુરાણમાં દુર્ગા સપ્તશતીમાં શક્તિનાં ત્રણ સ્વરૂપો દર્શાવવામાં આવ્યાં છે. જેમાં પ્રથમ ચરિત્રમાં મહાકાળી છે જે શક્તિનું રૌદ્ર સ્વરૂપ છે. તેમનો રંગ શ્યામ છે અને તમો ગુણની અધિષ્ઠાત્રી છે. બીજામાં મહાલક્ષ્મી છે જે ઇચ્છાશક્તિ અને રાજસી શક્તિ તથા રજોગુણની અધિષ્ઠાત્રી છે. ત્રીજામાં મહાસરસ્વતીનો ઉલ્લેખ જોવા મળે છે, જે શ્વેત રંગનાં અને સૌમ્યસ્વરૂપા છે. જ્ઞાનશક્તિ છે અને સત્ત્વ ગુણની અધિષ્ઠાત્રી છે.
નવરાત્રિના નવ દિવસ નવદુર્ગાનાં નવ રૂપની પૂજા-અર્ચનાનું ઘણું મહત્ત્વ છે. તે શક્તિની આરાધનાનું પર્વ છે. ધર્મશાસ્ત્રો મુજબ અષ્ટસિદ્ધિ અને નવનિધિની પ્રાપ્તિ માટે નવરાત્રિથી બીજું કોઈ શ્રેષ્ઠ પર્વ નથી. નવ દિવસ નવ દેવીની આરાધના કરીને કુંડલીને પણ જાગૃત કરી શકાય છે. નવદુર્ગાના પૂજન-અર્ચન, જપ-તપ, વ્રત-અનુષ્ઠાન જ ઉત્તમ ઉપાય છે.
ઋષિ વિશ્વામિત્રે પણ શક્તિ મેળવવા માટે તપ કર્યું હતું અને ઇન્દ્રએ જેના સ્વર્ગ પ્રવેશનો ઇનકાર કર્યો હતો તેવા રાજા ત્રિશંકુ માટે નવા સ્વર્ગની રચના કરવા માટેની શક્તિ પ્રાપ્ત કરી હતી. આપણા ઋષિમુનિઓ પણ સતત તપમાં લીન રહેતા હતા. દેવાધિદેવ મહાદેવ પણ હંમેશાં તપમાં મગ્ન રહેતા હતા. વાસ્તવમાં આ બધા દૈવીશક્તિ પ્રાપ્ત કરવા માટે જ શક્તિની આરાધના કરતા હતા.
માનતાના ગરબા
ગરબો કે ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ કે ગરબદીપ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ગોળાકાર માટલું જેમાં છિદ્રો હોય છે. કોઈની માનતા કે બાધા પૂરી થાય ત્યારે ગરબો કાઢવામાં આવતો. સામાન્ય રીતે પહેલાં આવી માનતા દીકરાના જન્મની રખાતી હતી, પરંતુ આજે ઇચ્છિત કાર્ય પાર પડે તેની પણ માનતા માનીને ગરબો કાઢવામાં આવે છે. ગરબા માટીના, તાંબાના કે ચાંદીના હોય છે. જેમાં દીવો મૂકવામાં આવે છે અને સ્ત્રીઓ દ્વારા માથે ઉપાડીને માતાજીને ગોળ ફરતાં-ફરતાં ગરબા રમવામાં આવે છે. કેટલીક જગ્યાએ ફૂલના ગરબા પણ નીકળે છે. તે સ્ત્રી અને પુરુષ બંને માથે લઈને ફરતાં હોય છે.
અમદાવાદ નજીકના કેટલાંક ગામ એવાં છે કે જ્યાં નવરાત્રિમાં નહીં, પરંતુ દિવાળીના દિવસથી લઈને લાભપાંચમ સુધી ગરબા થાય છે. તેને સામાન્ય રીતે માંડવી કહેવામાં આવે છે. માંડવી એટલે માતાજીનું એક પ્રકારનું મંદિર જેની ગોળ ફરતે ગરબા રમવામાં આવે છે.
ગરબાના પ્રકાર
નવરાત્રિમાં ગરબા રમવા માટેના ઘણાં પ્રકાર છે. કેટલાંક પ્રકાર પ્રાચીન છે, તો કેટલાંક અર્વાચીન. આ ગરબામાં એક તાળી, બે તાળી, ત્રણ તાળી, દોઢિયું, પોપટિયું, હીંચ-હૂડો, ટિપ્પણી, સાદી પાંચ, સાદી સાત વગેરેનો સમાવેશ થાય છે. ગરબાની સાથે દાંડિયા પણ ખૂબ રમાય છે. જોકે, આધુનિક ગરબાના સ્વરૂપમાં આ બધું જ વિસરાતું જાય છે અને ઘોંઘાટિયા સંગીતની ધૂનમાં કોઈ પણ પ્રકાર વિનાના ગરબા ગાવાનું ચલણ વધતું જાય છે.
નવરાત્રિ અને અંક 9
ભારતીય સંસ્કૃતિમાં અંક નવ છેલ્લો હોવાથી તે પૂર્ણ ગણાય છે, સાથે આ અંક નિર્ગુણનું પ્રતીક પણ છે. આપણા બ્રહ્માંડનું સંચાલન કરનારા ગ્રહો પણ નવ છે. પ્રજાને ઉત્પન્ન કરનાર નવ મનુઓ, નવ દીપો, નવ નિધિઓ, નવ રત્નો, નવ નાગ, મનુષ્યદેહમાં રહેલી નવ નાડીઓ અને જીવનના નવ રસ, આ બધાંમાં નવના આંકનું મહત્ત્વ છે, જેથી નવની સંખ્યાને પૂર્ણાંક અથવા મૂળ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આવાં જ કારણોથી હિન્દુ પરંપરામાં નવરાત્રિમાં આદ્યશક્તિની ઉપાસનાનો નવ રાત સુધી મહિમા ગવાયો છે.
દુર્ગાપૂજાઃ શક્તિ, ન્યાય અને અધર્મનો પ્રતિકાર
બંગાળમાં પણ ગુજરાતની જેમ જ શક્તિપૂજાનું વિશેષ મહત્ત્વ છે. અહીં એક મોટો પંડાલ બનાવવામાં આવે છે અને તેમાં દુર્ગામાતાની વિશાળ મૂર્તિ મૂકવામાં આવે છે અને દરરોજ તેની પૂજા કરવામાં આવે છે. બંગાળમાં શક્તિપૂજાનું પ્રચલન આદિકાળથી ચાલતું આવે છે. શક્તિપૂજાના પ્રતીક દેવી પોતાના ખડગશસ્ત્રથી મહિષાસુરનો સંહાર કરીને મહિષાસુર મર્દિની કહેવાઈ. દેવી દુર્ગા શક્તિની અધિષ્ઠાત્રી છે. તેમની સાથે પદ્મહસ્તા લક્ષ્મી, દેવી સરસ્વતી, ગણેશ અને કાર્તિકેય બિરાજમાન હોય છે.
દુર્ગાના સાંનિધ્યમાં આસન ગ્રહણ કરતી દેવી લક્ષ્મી ધન અને સરસ્વતી વિદ્યાની પ્રતીક છે. ગણેશજી હંમેશાં વિઘ્નનો વિનાશ કરનારા શુભ દેવતા છે, જ્યારે કાર્તિકેય જીવનમાં વિનયના પ્રતીક છે. આ જેટલી પણ મૂર્તિઓ છે તે આપણા જ્ઞાાનની પ્રતીક છે. જો મહિષાસુર અન્યાય, અત્યાચાર અને અધર્મનો પ્રતીક છે, તો દુર્ગા શક્તિ, ન્યાય અને અધર્મનો પ્રતિકાર કરે છે.
દુર્ગાપૂજાના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો જાણવા મળે છે કે બંગાળમાં તેના પ્રારંભ અંગે વિદ્વાનોમાં જુદા-જુદા મત પ્રવર્તે છે. એક મત મુજબ 1790ની સાલમાં પહેલી વાર કલકત્તાની પાસે હુગલીના 12 બ્રાહ્મણોએ દુર્ગાપૂજાના સામૂહિક અનુષ્ઠાનની શરૂઆત કરી હતી. ઇતિહાસકારોનું માનવું છે કે બંગાળમાં દુર્ગોત્સવ માટે મૂર્તિનિર્માણની પરંપરાની શરૂઆત 11મી શતાબ્દીમાં થઈ હતી.
આજે બંગાળ સહિત સમગ્ર દેશમાં સાંસ્કૃતિક વૈભવના આ પર્વને જનજીવનમાં વ્યાપ્ત કરવાનું શ્રેય 1583ની સાલમાં તાહિરપુરના મહારાજા કંસનારાયણને આપવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે તે દુર્ગાપૂજાના ઇતિહાસની પ્રથમ વિશાળ પૂજા હતી.