નવરાત્રીઃ આદ્યશક્તિની આરાધનાનું પર્વ

નવલાં નોરતાં (આ વર્ષે 3 ઓક્ટોબર-થી-11 ઓક્ટોબર)

Tuesday 24th September 2024 09:29 EDT
 
 

ભારતીય સંસ્કૃતિ પ્રાચીન હોવાની સાથે શ્રેષ્ઠ પણ છે. આપણું સામાજિક માળખું, ઉત્સવો, પરંપરાઓ, તહેવારો વગેરે સામાજિક અને ધાર્મિક રીતે વિશિષ્ટ પ્રભાવ પાડનારા હોય છે. આપણે ત્યાં ઉજવાતાં પર્વોમાં નવરાત્રીનું અનેરું મહત્ત્વ છે. સમગ્ર વર્ષ દરમિયાન બે મુખ્ય નવરાત્રી આવે છે. એક ચૈત્ર મહિનામાં અને બીજી આસો મહિનામાં. ચૈત્રી નવરાત્રી ઉપાસનાની દૃષ્ટિએ વધુ મહત્ત્વ ધરાવે છે જ્યારે આસો નવરાત્રી (આ વર્ષે 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર) વર્તમાન સમયમાં એક ઉત્સવ તરીકે વધારે પ્રચલિત બની છે.
નવરાત્રી ઉજવવા પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. મહિષાસુર નામનો એક રાક્ષસ દેવો અને મનુષ્યોને ખૂબ જ કષ્ટ આપતો હતો. તેણે પોતાના સામર્થ્યના જોરે દેવતાનું બધું જ છીનવી લીધું હતું. દેવતાઓ આવી સ્થિતિમાં નિઃસહાય અને ભયભીત બની ગયા હતા. દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાસે ગયા અને તેમની વાત જાણીને તેઓ મહિષાસુર પર કોપાયમાન થયા અને તેમના પુણ્યપ્રકોપમાંથી એક દૈવી શક્તિનું નિર્માણ કર્યું. સૌ દેવતાઓએ પોતાની શક્તિઓ અને શસ્ત્રો તે દેવીને આપ્યાં. આમ આ દેવી મહાશક્તિ બની ગયાં. મહાશક્તિએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને તેને હણી નાખ્યો. આ રીતે આસુરી વૃત્તિઓને ડામીને દૈવી શક્તિનો મહિમા પ્રસ્થાપિત કરવામાં આવ્યો ત્યારબાદ દેવો નિર્ભય બન્યા. એવું પણ કહેવાય છે કે શ્રીરામે રાવણ સામે યુદ્ધ કરતાં પહેલાં શક્તિની આરાધના કરી હતી અને આસુરી શક્તિ સામે વિજય મેળવ્યો હતો. ત્યારથી આ તહેવાર ઉજવાય છે.
નવરાત્રિના નવ દિવસ નવદુર્ગાનાં નવ રૂપની પૂજા-અર્ચનાનું ઘણું મહત્ત્વ છે. ધર્મશાસ્ત્રો મુજબ અષ્ટસિદ્ધિ અને નવનિધીની પ્રાપ્તિ માટે નવરાત્રીથી બીજું કોઇ શ્રેષ્ઠ પર્વ નથી. નવ દિવસ નવ દેવીની આરાધના કરીને કુંડલીની પણ જાગૃત કરી શકાય. નવદુર્ગાનાં પૂજન-અર્ચન, જપ-તપ-વ્રત ઉત્તમ છે. આ નવ દેવીઓ આ મુજબ છેઃ
• શૈલપુત્રી: મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે, પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ થયો હોવાને લીધે તેમને શૈલ પુત્રી કહેવામાં આવે છે. તેમનું પૂજન કરવાથી ભક્ત ધનધાન્યના ભંડારો મેળવે છે.
• બ્રહ્મચારિણીઃ શક્તિનું બીજું સ્વરૂપ ઉપાસકને અનંત કોટિ ફળ આપનારું છે.
• ચંદ્રઘંટાઃ દેવીના આ ત્રીજા સ્વરૂપની પૂજા-ઉપાસના કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને વીરતાના ગુણોમાં વૃદ્ધિ થાય છે.
• કુષ્માંડાઃ નવરાત્રીના ચોથા દિવસે દેવી કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે તેમની આરાધનાથી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે તથા યશ તથા આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.
• સ્કંદમાતાઃ શક્તિના આ પાંચમા સ્વરૂપની પૂજા કરવાથી સમસ્ત ઇચ્છાઓની પૂર્તિ કરે છે અને શત્રુઓનું શમન થાય છે.
• કાત્યાયનીઃ આ દેવી સ્વરૂપની પૂજા છઠ્ઠા દિવસે કરવામાં આવે છે. તેમના પૂજનથી ભક્તમાં શક્તિનો સંચાર થાય છે અને દુશ્મનોનો સંહાર કરવા માટે તે સમર્થ બને છે.
• કાલરાત્રીઃ કાલરાત્રીની પૂજા કરવાથી ભવોભવનાં દુઃખ દૂર થાય છે. તેમની પૂજા-અર્ચના કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. તેજમાં વૃદ્ધિ થાય છે અને દુશ્મનોનો નાશ થાય છે.
• મહાગૌરીઃ નવરાત્રીમાં આઠમના દિવસે ગૌરી માતાની પૂજા કરવાનું વિધાન છે. ગૌરીની પૂજા સમસ્ત સંસાર કરે છે. તેમના પૂજનથી નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે.
• સિદ્ધિદાત્રીઃ નવમા નોરતે માતા સિદ્ધિદાત્રીની આરાધના કરાય છે. તેમની પૂજા-આરાધનાથી મનુષ્ય જેની હંમેશાં કામના કરે છે તેવી સમસ્ત સિદ્ધિઓ અને નિધિઓની પ્રાપ્તિ થાય છે. આદ્યશક્તિની પૂજા-આરાધના કરવા માટે જવારા વાવીને તેનું પૂજન કરવું જોઇએ. નવ દિવસ સુધી સાત ધાન્યના જવારા વાવી ષોડશોપચારોથી તેનું પૂજન કરવું જોઇએ. શક્ય હોય તો જપ-તપ-ઉપવાસ કરવાં જોઇએ.
આપણી એકાવન શક્તિપીઠોમાં અંબાજીનું વધારે મહત્ત્વ છે, કારણ કે તેમના હૃદયનો પાત જ્યાં થયો હતો ત્યાં અંબાજી શક્તિપીઠ છે. આ સ્થાન અરવલ્લીની પર્વતમાળામાં આવેલું છે. ત્યાં ગબ્બર પર ચઢી દેવીનાં દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. નવરાત્રીમાં ગબ્બરની પ્રતિકૃતિ બાળકો પોતાના મહોલ્લા કે સોસાયટીમાં બનાવે છે જેને મહોલ્લામાતા અથવા ગબ્બર તરીકે તેઓ ઓળખાવે છે.
નવરાત્રીનું આધુનિક અર્થઘટન
• નવરાત્રી એ ચોમાસા પછી આવતો તહેવાર છે. પ્રાચીન ખેતીપ્રધાન ભારતમાં આ સમયગાળા દરમિયાન ખેતરની ઉપજ પાકવાની તૈયારીમાં હોય ત્યારે સર્જન અને વિસર્જનના પ્રતીક તરીકે દેવીનું અનુષ્ઠાન કરીને તેનાં ચરણોમાં ખેતઉપજ ધરવાની પ્રથા હતી.
• માટીના ગરબાનો ગોળ આકાર, તેનાં છિદ્રો અને અંદર મૂકવામાં આવતો દીવડો એ જીવનું પ્રતીક છે. ગરબો એ માનવ ખોળિયાને મળેલી ઉપમા છે અને તેની અંદરનો ઉજાસ એ આત્મા છે.
• ગરબે ઘૂમવા માટે પણ ગોળાકાર જ પસંદ થાય છે તે પાછળ પણ ખગોળશાસ્ત્રીય કારણો છે. પૃથ્વી પોતાની ધરી પર ગોળ ફરે છે. સમગ્ર સૂર્યમાળા સૂર્યની ફરતે ગોળ ફરે છે. સૂર્ય અને સૂર્યમાળા સહિત સમગ્ર બ્રહ્માંડ ગોળ ઘૂમે છે. ગોળાકારમાં ગતિથી ચોક્કસ ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ ઉર્જાશક્તિ ગોળાકારની અંદર જ સંગ્રહાયેલી રહે છે. માટે જ નવરાત્રી પર્વ શક્તિની ભક્તિના પર્વ તરીકે ઓળખાય છે.
નવરાત્રી અને અંક 9
ભારતીય સંસ્કૃતિમાં અંક 9 છેલ્લો હોવાથી તે પૂર્ણ ગણાય છે સાથે આ અંક નિર્ગુણનું પ્રતીક છે. બ્રહ્માંડનું સંચાલન કરનારા ગ્રહો પણ 9 છે. પ્રજાને ઉત્પન્ન કરનાર 9 મનુઓ, 9 દીપો, 9 નિધિ, 9 રત્નો, 9 નાગ, માનવદેહમાં રહેલી 9 નાડીઓ અને જીવનના 9 રસ... બધાંમાં નવના આંકનું મહત્ત્વ છે, જેથી નવની સંખ્યાને પૂર્ણાંક કે મૂળ સંખ્યા તરીકે ઓળખાય છે. આવાં જ કારણોથી હિન્દુ પરંપરામાં નવરાત્રીમાં આદ્યશક્તિની ઉપાસનાનો નવ રાત સુધી મહિમા ગવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter