ભારતીય ઋષિઓએ વૃક્ષોમાં દેવત્વ નિહાળ્યું અને વૃક્ષનારાયણની પૂજા-પ્રદક્ષિણા પ્રવર્તિત કરી. પુરાણકારોની નજરે વર (વડ) તો શિવસ્વરૂપ છે, અશ્વત્થ (પીપળો) વિષ્ણુરૂપ છે અને આમ્ર બ્રહ્મસ્વરૂપ છે. વૃક્ષોનું નિત્ય સંવર્ધન થયા કરે, એવા ઉમદા હેતુથી વૃક્ષ-વનસ્પતિઓને કેન્દ્રમાં રાખીને આપણા ધર્મશાસ્ત્રીઓએ અનેક વ્રત-પર્વોનું આયોજન કર્યું છે. જેમ કે - વટસાવિત્રી વ્રત, પીપળાની પૂજાનું સોમવતી-અમાસ વ્રત, આમલકી એકાદશી, કદલી વ્રત, ચંપાચતુર્દશી વ્રત, વૃક્ષનવમી, તુલસી વિવાહ, તિલ વ્રત ઇત્યાદિ.
વૈશાખ વદ તેરસ (આ વર્ષે 4 જૂન)થી શરૂ થતું અને વૈશાખી અમાસે (આ વર્ષે 6 જૂને) પૂર્ણ થતું આ વટસાવિત્રી વ્રત ત્રણ દિવસનું છે. (કેટલાક પ્રદેશમાં જેઠ માસની પૂર્ણિમાએ કે અમાસે સૌભાગ્ય કે પતિના દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ માટે સ્ત્રીઓ વટસાવિત્રીનું વ્રત કરે છે.) ત્રણેય દિવસ ઉપવાસ કરીને નદી-સરોવરે સ્નાન કરાય છે. આ વ્રતકથાનાં ત્રણેય પાત્રોને મંત્રોથી નમસ્કાર કરાય છે. ‘નમો વટાય’ (વડને નમસ્કાર), ‘નમો સાવિત્ર્યૈ’ (સાવિત્રીને નમસ્કાર) તેમજ ‘નમો વૈવસ્વતાય’ (સૂર્યપુત્ર યમરાજને નમસ્કાર). તે પછી કંકુ-ચોખા-દૂધ વગેરેથી વડની પૂજા-પ્રદક્ષિણા કરાય છે, વડના થડના ભાગે સૂતરની જનોઇ પહેરાવાય છે, વીંટવામાં આવે છે, ગ્રીષ્મ ઋતુ હોઇ વડને ખૂબ પાણી પીવડાવવામાં આવે છે. વટસાવિત્રીની કથા સાંભળવામાં આવે છે. ‘વૃક્ષો વાવો ને ઉછેરો, ભાવથી પૂજા કરો’ એવો સંદેશ આ વ્રતમાંથી મળે છે.
વ્રતકથામાં નારીગૌરવ
આપણા પુરાણકારોએ ‘વટસાવિત્રી વ્રત’નું આયોજન કરીને નારીશક્તિના ગૌરવ સાથે વટવૃક્ષનો મહિમા ગાયો છે, વૃક્ષપ્રીતિ કેળવીને વૃક્ષોનું સંવર્ધન કરવાનો સાંપ્રત સમયને અનુરૂપ પ્રેરક બોધ આપ્યો છે. મહાભારત પ્રમાણે વનવાસી દ્રૌપદીને ઋષિઓએ સાવિત્રીની કથા સંભળાવેલી. ભાગવત, સ્કન્દ વગેરે પુરાણોમાં ‘વટસાવિત્રી આખ્યાન’રૂપે આ કથા મળે છે. મદ્ર દેશના નિ:સંતાન પણ ધર્માત્મા રાજવી અશ્વપતિએ પુત્રરત્નની પ્રાપ્તિ માટે બ્રહ્માનાં પત્ની દેવી સાવિત્રીની ઉપાસના કરી.
કુળધર્મ સાચવવા તો પુત્રની જેમ પુત્રી પણ સક્ષમ હોય છે, એવું માનનારાં દેવી સાવિત્રીના વરદાનથી રાજાને ‘કન્યારત્ન’ની પ્રાપ્તિ થઇ. રાજપરિવારે બેટીના જન્મને હરખથી વધાવી લીધો. દેવી સાવિત્રીના આશીર્વાદથી જન્મેલી કન્યાનું નામ રખાયું ‘સાવિત્રી.’ લાડકોડથી એનો ઉછેર થયો. એનું યૌવન ગુણ-સૌંદર્યથી મહોરી ઊઠ્યું. એના પ્રતાપી વ્યક્તિત્વથી અંજાઇ જઇને ભલભલા રાજકુમારો એનો હાથ માગવાની હિંમત કરી શક્યા નહીં. અંતે, પોતાને અનુરૂપ વર શોધી લાવવા પિતાએ જ તેને અનુમતિ આપી અને જણાવ્યું: ‘કન્યા જાતે નર શોધે એ કાર્ય પણ ધર્મસંમત છે.’
પિતાના આ કથનમાં પ્રાચીન કાળની આપણી નારીસ્વાતંત્ર્યની ભાવના પ્રગટે છે. સાવિત્રી યોગ્ય વર શોધવા માટે મંત્રીઓ સાથે દેશ-દેશાન્તરો ઘૂમી વળી અને પોતાને લાયક વરની પસંદગી કરીને તે ઘેર આવી અને પિતાને જણાવ્યું: ‘શાલ્વ દેશના રાજભ્રષ્ટ થઇ વનવાસી બનેલ રાજા દ્યુમત્સેનના ગુણિયલ, સંસ્કારી અને શાસ્ત્રજ્ઞ પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું.’ ત્યાં આવેલા નારદજીએ ભવિષ્યવાણી ભાખી કે સત્યવાનનું આયુષ્ય હવે માત્ર એક જ વર્ષનું શેષ રહ્યું છે. આમ છતાં, સાવિત્રી પોતાના નિર્ણયમાં અડગ રહી. સત્યવાન અને સાવિત્રીના વિવાહ હરખભેર સંપન્ન થયા.
પતિગૃહે આવી સાવિત્રીએ સેવા-સદાચારનો નારીધર્મ અપનાવ્યો. સાસુ, સસરા અને પતિ સત્યવાનની તે દિલથી હરખથી સેવા કરતી. નારદની ભવિષ્યવાણી પ્રમાણે, દાંપત્યનું એક વર્ષ પૂર્ણ થવામાં કેવળ ચાર જ દિવસ બાકી રહ્યા. પતિવ્રતા સાવિત્રીએ આહાર-નિદ્રાનો ત્યાગ કરીને વડની પૂજા-પ્રદક્ષિણાનું ત્રણ દિવસનું વ્રત શરૂ કર્યું. ચોથા દિવસે યજ્ઞનાં લાકડાં કાપવા જંગલમાં જવા નીકળેલા સત્યવાન સાથે સાવિત્રી પણ ગઇ.
લાકડાં કાપતાં થાકી ગયેલ સત્યવાને સૂવાની ઇચ્છા વ્યક્ત કરતાં સાવિત્રીએ વડની નીચે બેસી પતિનું માથું ખોળામાં લીધું. આવી પહોંચેલા મૃત્યુના દેવ યમરાજે સત્યવાનના દેહમાંથી પ્રાણ ખેંચી લઇ, યમલોક તરફ ગમન કર્યું. યમરાજની પાછળ પાછળ જતી સાવિત્રીએ પતિને જીવિત કરવા યમ પાસે અનેક દલીલો કરી. છેવટે સાવિત્રીની પતિભક્તિ અને મક્કમતાથી પ્રસન્ન થયેલા યમરાજ પાસે સાવિત્રીએ ચાર વરદાન માંગ્યા: પોતાના અંધ સસરા દેખતા થાય, તેમને ગયેલું રાજ્ય પાછું મળે, પૃથ્વીપતિ પિતાને પુત્રોની પ્રાપ્તિ થાય અને પતિ સત્યવાન જીવતો થાય. યમરાજને આ ચારેય વરદાન આપવાં પડ્યાં. સતીના સત આગળ તો યમરાજ પણ હારી જાય!
પતિવ્રતા નારીની મક્કમતા અને ધીરતા તો અકલ્પ્ય પરિણામ લાવી શકે, મરેલામાં પણ તે પ્રાણ પૂરી શકે! નારીશક્તિની આ છે આધ્યાત્મિક મક્કમતા. વડ જેવાં વૃક્ષોની સંભાળ લઇએ તો ધરતી નંદનવન બની જાય, બધી મનોકામના સિદ્ધ થાય, અને સર્વત્ર ચેતના વ્યાપી જાય.