વર્ષભરના પાપ-પુણ્યનું સરવૈયું કાઢવાનો પાવન અવસર, તન-મનની મલિનતા દૂર કરી ધનનો સદુપયોગ કરવાનો સમય, આત્માને નિર્મળ બનાવતા પર્વાધિરાજ પર્યુષણના આગમનથી દેશ-વિદેશના વસતા સર્વે જૈન ભાઈ બહેનોના હૈયા હરખાય એ સ્વાભાવિક છે. પર્યુષણ પર્વનો પ્રભાવ જ અનેરો છે કે એના આગમનથી આખું વર્ષ ધર્મ વિમુખ રહેનાર પણ સૌ કોઈ હરખભેર ગાય છે, ‘પર્યુષણ આવ્યા રે...’
વ્યક્તિ અને વિશ્વના સૌ કોઈ જીવના હિત તેમજ કલ્યાણની ભાવનાથી ભરપૂર પર્યુષણ પર્વ સમસ્ત સંસાર સાથે મૈત્રીભર્યા સંબંધો સ્થાપિત કરવાનો શ્રેષ્ઠ સંદેશ આપે છે.
સંસ્કૃત સાહિત્યમાં ‘પર્વ’નો અર્થ ‘ગાંઠ’ પણ થાય છે. શેરડીના સાંઠામાં અંતરે-અંતરે આવતી ગાંઠને પર્વ કહેવાય છે. આ ગાંઠને કારણે શેરડીના રસ-કસ જળવાઈ રહે છે.
એના મીઠા રસના સેવથી થતા મીઠાશના અનુભવ જેવું જ પર્વનું છે. પર્વના આગમનથી વ્યક્તિમાં ચેતન પ્રસરી જાય છે. રોમેરોમમાં ખુશીનો અહેસાસ થાય છે. આપણા જીવનમાં સમયાંતરે આવતા પર્વનું આગમન ન થાય તો જીવન નિરસ - શુષ્ક બની જાય. ધર્મથી - સંસ્કારથી વિમુખ થઈ જવાય.
પ્રતિવર્ષ પર્યુષણ પર્વના આગમનથી આઠ દિવસ લૌકિક ભાગદોડમાંથી મુક્તિ મળે છે. અંતરમન જાગૃત થાય છે. પૂજા-સેવા-તપ-ભક્તિ આરાધનમાં મન પરોવતા જીવન નવપલ્લવિત થાય છે.
ક્રોધ, માન, મોહ-માયા, રાગદ્વૈષ, લોભ આદિ દુર્ગુણોથી મુક્તિ અપનાવનાર પર્યુષણ પર્વમાં મન-વચન અને કાયાની શુદ્ધિ થાય છે.
પ્રભુ મહાવીરની વાણીને આત્મસાત્ કરવાનું આ પુનિત પર્વ છે. પર્યુષણ પર્વનો પ્રાણ છે ‘ક્ષમાપના’
ક્ષમાની સાધનાનો સચોટ - સર્વોત્તમ ઉપાય છેઃ
‘સામો થાય આગ તો, તું થજે પાણી,
એવી છે પ્રભુ મહાવીરની વાણી...’
ખરા હૃદયથી માફી માંગવી અને માફી આપવી એ વીરનું લક્ષણ છે. એટલે જ ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ કહેવાયું છે.
‘ખામેમિ સવ્વ જીવ્વે,
સવ્વે જીવ્વા ખમંતુમે,
મિત્તિમે ભૂએસ્સુ,
વેરં મજ્ઝં ન કેણઈ.’
કેવી સરસ ભાવના છે આ આ પંક્તિઓમાં પૃથ્વી પરના બધા જીવો મને માફ કરો. બધા જ જીવોને હું ખમાવું છું. મારે ત્રણેય લોકમાં કોઈની સાથે વેર નથી. જૈન દર્શનમાં અહિંસા પરમો ધર્મ કહ્યો છે. આ અહિંસા માત્ર માનવી કે પશુ-પંખી પૂરતી સીમિત નથી. પરંતુ પૃથ્વી - પાણી - વનસ્પતિ બધાયમાં જીવત્વનો સ્વીકાર કરી એના બચાવ અર્થે બગાડ ન કરવાનો સંદેશ છે. મન - વચન કે વિચારમાં ય હિંસા ન કરવાનો આદેશ છે.
વાણી, માનવને મળેલ શ્રેષ્ઠ ઈશ્વરીય બક્ષિસ છે. વાણી કાતર બને તો ભંગાણ કરે ને સોય બને તો સંધાન સર્જે. વાણી જો અસત્યથી દૂષિત હોય તો જાતનો ને જગતનો વિનાશ કરે છે ને જો શુદ્ધ વિશુદ્ધ બને તો સ્વ અને સર્વનો વિકાસ કરે છે. માટે જ વાણી મધુર હોવી જોઈએ. આ પર્વમાં અહિંસાની આરાધના, સત્યની સાધના, અચૌર્ય (ચોરીનો ત્યાગ)ની ઉપાસના, શીલની સાધના ને અપરિગ્રહની આરાધના કરી આત્માને નિર્મળ બનાવવા તરફ આગેકૂચ કરીએ તો જ સાચા અર્થમાં પર્વની ઊજવણી કરી કહેવાય.
અપરિગ્રહ (સંગ્રહખોરીનો ત્યાગ) અને અનેકાંતવાદ એ જૈન જગતની બે મૂલ્યવાન ભેટ છે. અંતમાં સૌના સુખની કામના કરીએ.
સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચારો,
રાગ-દ્વૈષથી મુક્ત થઈને મોક્ષ-સુખ સૌ જીવ વરો...
સૌને મિચ્છામિ દુક્કડમ્ જય જિનેન્દ્ર