પરમ મંગલમયી અને દિવ્યતાપૂર્ણ મહાશિવરાત્રિ પર્વ

Wednesday 19th February 2025 06:17 EST
 
 

શિવજીને જેમ બાર મહિનામાંથી શ્રાવણ પ્રિય છે તેમ તમામ તિથિઓમાં મહા વદ ચૌદશ (આ વર્ષે 26 ફેબ્રુઆરી) એટલે કે મહાશિવરાત્રિ પ્રિય છે. મહાશિવરાત્રિના દિવસ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. દરેક માસના વદ પક્ષમાં શિવરાત્રિ આવે છે, પરંતુ મહાશિવરાત્રિનું મહત્ત્વ સવિશેષ છે. મહાશિવરાત્રિના પાવન પર્વે ભોળાનાથના ભક્તો તેમની ભક્તિમાં લાગી જાય છે. શિવાલયોમાં વહેલી સવારથી લઈને આખી રાત પૂજન-અર્ચન, વિવિધ પ્રકારના અભિષેક થાય છે અને સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે.
મહાશિવરાત્રિના દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટે ભાંગ અને ધતૂરો ચઢાવાય છે. આ દિવસે માટીના વાસણમાં પાણી ભરીને શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ તથા બીલીપત્ર, આકડા-ધતૂરાનું ફૂલ, ચોખા વગેરે શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. જો નજીકમાં ક્યાંય શિવાલય ન હોય તો માટીનું શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવાનું વિધાન છે. મહાશિવરાત્રિના દિવસે રાત્રિના સમયે શિવપુરાણ સાંભળવું જોઈએ.
ભગવાન શંકરને પ્રલયના દેવતા માનવામાં આવે છે, પરંતુ તેઓ ખૂબ જ ભોળા છે. તેઓ થોડી ભક્તિથી પણ ખુશ થઈ જાય છે અને એટલે જ શિવજી સંસારના દરેક પ્રાણી માટે પૂજ્ય છે. શિવનો અર્થ છે કલ્યાણ. શિવજી સૌનું કલ્યાણ કરનારા છે. મહાશિવરાત્રિ શિવજીની પ્રિય તિથિ છે. શિવરાત્રિ શિવ અને શક્તિના મિલનનું મહાપર્વ છે. ત્રણે ભુવનની અપાર સુંદરી માતા ગૌરીને અર્ધાંગિની બનાવનાર શિવ હંમેશાં પ્રેતો અને પિશાચોથી ઘેરાયેલા રહે છે. તેમનું સ્વરૂપ ખૂબ જ ભયાનક લાગે તેવું છે. તેમણે શરીર પર સ્મશાનની ભસ્મ લગાવેલી છે. ગળામાં સાપનો હાર છે, કંઠમાં વિષ ધારણ કર્યું છે. જટાઓમાં જગતતારિણી પાવન ગંગા અને ચંદ્રને ધારણ કર્યાં છે. તેઓ અર્ધનારીશ્વર હોવા છતાં કામજિત છે. ગૃહસ્થ હોવા છતાં પણ સ્મશાનવાસી અને વૈરાગી છે. સૌમ્ય હોવા છતાં પણ ભયંકર રુદ્ર છે.
વ્રત મહિમા
• સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, ‘હે દેવી, જે પણ ભક્ત શિવરાત્રિના દિવસે ઉપવાસ કરે છે, તેનો ક્યારેય ક્ષય થતો નથી અને હું તેને મારો દિવ્ય ગણ બનાવું છું. તે બધા જ મહાભોગો ભોગવીને છેલ્લે મોક્ષ પામે છે.’
• ઈશાન સંહિતા અનુસાર મહાશિવરાત્રિ અને દરેક શિવરાત્રિનું વ્રત તમામ પ્રકારનાં પાપોનું શમન કરે છે. તે મનુષ્યનાં બારથી ચોવીસ વર્ષોનાં પાપોનો નાશ કરે છે. આ વ્રત મનુષ્યોને ભક્તિ-મુક્તિ આપનારું છે. જે પણ વ્યક્તિ મહાશિવરાત્રિના દિવસે અખંડિત વ્રત કરે છે, તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તથા તે શિવની સાથે આનંદ કરે છે. જે પુરુષ વ્રત ન કરવા છતાં પણ કોઈ વિશેષ ઉદ્દેશથી શિવરાત્રિના દિવસે જાગરણ કરે છે તેને વ્રત કર્યાનું જ ફળ મળે છે.
• તમામ શાસ્ત્રોમાં મહાશિવરાત્રિ અને શિવરાત્રિના વ્રતને સૌથી ઉત્તમ જણાવાયું છે. એવું કહેવામાં આવ્યું છે કે આ વ્રત પરમ મંગલમયી અને દિવ્યતાપૂર્ણ છે. તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં મહાશિવરાત્રિનું વ્રત ‘વ્રતરાજ’ના નામથી વિખ્યાત છે અને ચારેય પુરુષાર્થો આપનારું કહેવાયું છે.
શક્ય હોય તો આ વ્રત જીવનપર્યંત કરવું જોઈએ અથવા 14 વર્ષ સુધી કર્યા પછી સંપૂર્ણ વિધિ-વિધાનપૂર્વક તેનું ઉદ્યાપન કરવું જોઈએ.

•••

હે મહાદેવ
(રાગ: યમન કલ્યાણ)
- શશિકાન્ત દવે, ટૂટિંગ લંડન

હે દેવાધિ હે મહાદેવ, જય શિવ શંકર ભોલેનાથ
જય શિવ શંકર ભોલેનાથ
પાર વિનાનો મહિમા તારો,
નહીં જન્મ જરા નહીં મરવાવાળો
હે જગ રક્ષક, પ્રલય પ્રણેતા હે ત્રિલોચન નાથ
હે દેવાધિ હે મહાદેવ, જય શિવ શંકર ભોલેનાથ
દુ:ખ પડે ત્યાં શક્તિ દેજો, સુખ સાથે સદ્બુદ્ધિ દેજો
રાગ દ્વેષ ઈર્ષાને કાપો, નિલકંઠ મહાદેવ
હે દેવાધિ હે મહાદેવ, જય શિવ શંકર ભોલે નાથ
કર જોડીને ‘શશિ’ કહે છે, હે ગંગાધર ગંગા છોડો
પાપી જગનાં પાપ ધોઈને, પાવન સહુને કરો
હે દેવાધિ હે મહાદેવ, જય શિવ શંકર ભોલેનાથ
જય શિવ શંકર ભોલેનાથ...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter