પુરુષોત્તમ માસઃ દાન, જપ તપ અને સ્નાનના મહિનાનું માહાત્મ્ય

પર્વ વિશેષ

Wednesday 17th June 2015 05:19 EDT
 
 

સૈકાઓ પૂર્વે આ મહિનો મળમાસ તરીકે ઓળખાતો, પણ બાદમાં ખુદ ભગવાન શ્રીકૃષ્ણે તેને સર્વશ્રેષ્ઠ માસની ઓળખ અપાવી છે. આ પવિત્ર મહિનો ૧૭ જૂનથી શરૂ થઇ રહ્યો છે ત્યારે પુરુષોત્તમ માસનું માહાત્મ્ય જાણીએ.

અધિક માસ પરાપૂર્વે મળરૂપ, દોષિત અને અસ્પૃશ્ય લેખાઈને નિંદાને પામ્યો હતો. આખરે મળમાસે ભગવાન વિષ્ણુ પાસે રક્ષણ માગ્યું ત્યારે વિષ્ણુએ કહ્યું, ‘હે સ્વામીથી રહિત પુત્ર! તું શોક ન કર, તું મારી સાથે મુનિવર્યોને પણ દુર્લભ એવા ગોલોકમાં ચાલ.’

‘હે પ્રભુ! ગોલોકમાં શા માટે?’

‘ત્યાં નિર્ગુણ અને નિત્ય શરીરવાળા ભગવાન શ્રીકૃષ્ણ તારું દુઃખ દૂર કરશે.’

ભગવાન વિષ્ણુ અધિક માસની સાથે રજોગુણથી રહિત ગોલોકમાં ગયા અને શ્રીકૃષ્ણને સૂર્યની સંક્રાંતિથી રહિત એવા આ અધિક માસની ઓળખાણ આપી અને કહ્યું કે, ‘તિરસ્કૃત થયેલા આ અધિક માસનું દુઃખ આપે દૂર કરવાનું છે. એનો જગતમાં અનાદર થાય છે, માટે આપ તેના અધિષ્ઠાતા દેવ બનવા અનુગ્રહ કરો.’

ભગવાન શ્રીકૃષ્ણ જગતમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ હતા. તેમણે કહ્યું, ‘વત્સ! હવેથી તું પવિત્ર પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે. વળી, આ પવિત્ર માસ બીજા મહિનાઓ કરતાં શ્રેષ્ઠ અને પરમ પવિત્ર માસ પણ ગણાશે. અધિક માસમાં કરેલાં ધર્મધ્યાન, જપ-તપ, દાન-પુણ્ય, ઉપવાસ, એકટાણાં અને વિધિપૂર્વકની પૂજા ભાવિકોને અતિ ઉત્તમ ફળ આપનારાં નીવડશે.’

ભગવાન શ્રીકૃષ્ણના આદેશથી ભાવિક ભક્તોમાં આ પવિત્ર પુરુષોત્તમ માસનો મહિમા ગવાવા લાગ્યો, આજે પણ ગવાય છે અને ભવિષ્યમાં પણ યુગયુગાંતર સુધી ગવાશે અને પુરુષોત્તમજી પધારતાં ધર્મપ્રેમી હરિભક્તોનાં હૈયાં હેલે ચડશે.

નિત્ય નૈમિત્તિક કાર્યો, ધાર્મિક કાર્યો, વ્રત, જપ, તપ, તીર્થ હરિર્કીતન, પૂજન, અર્ચન, ઉપવાસ, એકટાણાં ધારણા-પારણાં વગેરે શ્રદ્ધાપૂર્વક કરવાથી સેવકો, ઉપાસકો કે ભક્તોને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

શ્રીકૃષ્ણે પુરુષોત્તમ માસનું માહત્મ્ય કહી સંભળાવ્યુંઃ ‘આ પુરુષોત્તમ માસ સર્વ સાધનોથી શ્રેષ્ઠ અને સર્વકામનાઓની સિદ્ધિ આપનાર છે. તેનો હું સ્વામી છું અને મેં જે પ્રતિષ્ઠા કરીને મારું પુરુષોત્તમ નામ બક્ષ્યું છે, આથી હું મારા ભક્તોની સર્વ મનોકામનાઓ પરિપૂર્ણ કરીશ. જે મૂર્ખ માણસો આ અધિક માસને મળમાસ કહીને નિંદા કરશે અને જેઓ ધર્મનું આચરણ કરશે નહીં, તે સર્વ કુંભીપાક નર્કને પામશે.’

જે સદ્ભાગી અને ધર્મશીલ સ્ત્રીઓ સંતાનપાપ્તિ માટે અને અખંડ સૌભાગ્ય માટે અધિક માસમાં સ્નાન, દાન, ધ્યાન અને પૂજન કરશે તેમને હું સંતતિ, સંપત્તિ, સુખ અને સૌભાગ્ય આપીશ. જે સુવાસિની સ્ત્રીઓનો આ અધિક માસ એળે જશે, તેમને પતિનું સુખ પ્રાપ્ત નહીં થાય. આવી સ્ત્રીઓને પુત્ર, ભાઈ, બહેન વગેરેનું પારિવારિક સુખ દુર્લભ બનશે. આથી સૌ કોઈએ નિષ્ઠાપૂર્વક સ્નાન, પૂજન, જપ અને દાન કરવા.

આ પછી ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસ સાથે શ્રીકૃષ્ણને વંદન કરીને વૈકુંઠ પધાર્યા અને પાવક પુરુષોત્તમ માસનું માહાત્મ્ય અને મહિમા દિનપ્રતિદિન અભિવૃદ્ધિને પામ્યો.

કેવી રીતે બને છે અધિક માસ?

ત્રીસ દિવસે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે, પરંતુ સરેરાશ ૩૨ મહિના, ૧૬ દિવસ અને ૪ ઘડીને અંતરે એક એવો વિશેષ માસ આવે છે જ્યારે સૂર્ય બે માસ સુધી એ જ રાશિમાં રહે છે અને સંક્રમણ કરતો નથી. આ વિશેષ માસને જ આપણે મળમાસ, અધિક માસ કે પુરુષોત્તમ માસ તરીકે ઓળખીએ છીએ.

એક સૌર વર્ષમાં ૩૬૫ દિવસ તથા ૬ કલાક હોય છે અને એક ચંદ્ર માસમાં ૩૫૪ દિવસ તથા ૯ કલાક હોય છે. એવું બની શકે કે સૌર માસ તથા ચંદ્ર માસનો યોગ્ય મેળ બેસાડવા માટે જ અધિક માસની રચના કરવામાં આવી હશે. જો અધિક માસની પરિકલ્પના ન કરવામાં આવી હોત તો ચંદ્ર માસની ગણતરી જ બગડી ગઇ હોત.

વિદ્વાનોના મતે, એક અધિક માસથી બીજા અધિક માસની અવધિ ૨૮ માસથી લઈને ૩૬ માસ સુધીની હોઈ શકે છે. તેથી એવું કહી શકાય કે દર ત્રીજા વર્ષમાં એક અધિક માસ આવે છે.

દાન-મંત્રજાપ

જે દિવસે અધિક માસ શરૂ થઈ રહ્યો હોય તે દિવસે પ્રાતઃ કાળે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને ભગવાન સૂર્યનારાયણનું પુષ્પ, અક્ષત તથા લાલ ચંદનથી પૂજન કરો. પછી શુદ્ધ ઘી, ઘઉં અને ગોળના મિશ્રણથી ૩૩ માલપૂઆ બનાવો. માલપૂઆને કાંસાના વાસણમાં મૂકીને દરરોજ ફળ, વસ્ત્ર, મિષ્ટાન્ન અને દક્ષિણા સહિત દાન કરો. આ દાન તમે તમારા સામર્થ્ય અનુસાર જ કરો. દાન કરતી વખતે નીચેના મંત્રનો જાપ કરવો.

ૐ વિષ્ણુ રૂપઃ સહસ્ત્રાંશુ સર્વપાપ પ્રણાશનઃ ।

અપૂપાન્ન પ્રદોનેન મમ પાં વ્યપોહતુ ।।

ઉપરનો મંત્ર બોલ્યા પછી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરતા નીચેનો મંત્ર બોલવો.

યસ્ય હસ્તે ગદાચક્રે ગરુડોયસ્ય વાહનમ ।

શંખ કરતલે યસ્ય સ મે વિષ્ણુઃ પ્રસીદતુ ।।

અધિક માસમાં આટલું ન કરવું

અધિક માસ કે પુરુષોત્તમ માસમાં કેટલાંક નિત્ય કર્મ, કેટલાંક નૈમિત્તિક કર્મ અને કેટલાંક કામ્ય કર્મોનો નિષેધ માનવામાં આવે છે. જેમ કે, વિવાહ સંસ્કાર, મૂંડન સંસ્કાર, નવવધુનો ગૃહપ્રવેશ, યજ્ઞોપવિત સંસ્કાર, નવાં વસ્ત્રો ધારણ કરવાં વગેરે કાર્ય મળમાસ એટલે કે અધિક માસમાં ન કરવાં જોઈએ. આ સિવાય નવું વાહન ખરીદવું, બાળકનો નામકરણ સંસ્કાર, દેવ પ્રતિષ્ઠા કરવી એટલે કે મૂર્તિની સ્થાપના કરવી. કૂવા, તળાવ કે વાવ બનાવવી, બાગ-બગીચા બનાવવા વગેરે ન કરવું જોઈએ.

કામ્ય કર્મોની શરૂઆત પણ આ માસમાં ન કરવી જોઈએ. જમીન ખરીદવી, સોનું ખરીદવું, તુલા અથવા ગાય વગેરેનું દાન કરવું પણ વર્જીત માનવામાં આવે છે. અષ્ટકા શ્રાદ્ધનું સંપાદન પણ નિષેધ માનવામાં આવ્યું છે. બીજાનો દ્રોહ, પરસ્ત્રી સમાગમ અને તીર્થ વગર પરદેશમાં જવાનું ત્યજવું. પોતાની શક્તિ અનુસાર ચાંદ્રાયણ વ્રત કરવું. અધિક માસ દરમિયાન બ્રહ્મચર્ય વ્રત પાળવું. જમીન પર શયન કરવું અને ચોથા પહોરે ભોજન કરવું.

અધિક માસમાં શું કરવું?

જે કામ, કામ્ય કર્મ અધિક માસથી પહેલાં શરૂ થઈ ગયાં હોય તે આ માસમાં કરી શકાય છે. શુદ્ધ માસમાં મૃત વ્યક્તિનું પ્રથમ વાર્ષિક શ્રાદ્ધ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ વધારેપડતી બીમાર હોય અને રોગની નિવૃત્તિ માટે રુદ્ર જપ આદિ અનુષ્ઠાન કરી શકાય. કપિલ ષષ્ઠી જેવા દુર્લભ યોગોનો પ્રયોગ, પિતૃશ્રાદ્ધ, ગર્ભાધાન, પુંસવન સંસ્કાર તથા સીમંત સંસ્કાર વગેરે કરી શકાય છે. એ સંસ્કાર પણ કરી શકાય જે એક નિયત અવધિમાં સમાપ્ત કરી શકાય છે.

ભોજનમાં કાળજી

આ માસમાં પારકું અનાજ અને તામસિક ભોજનનો ત્યાગ કરવો જોઈએ. પુરુષોત્તમ માસમાં હવિષ્યાન ભોજન જમવું. મતલબ કે ચોખા, સાકર, મગ, તલ, આદું, લીલાં શાકભાજી, કંદમૂળમાં રતાળુ વગેરે, સિંધાલૂણ, ગાયનું દૂધ, ઘી, દહીં, માખણ, છાશ, ગોળ વગેરે. જે ભોજન તેલ વગેરેથી પકાવેલું ન હોય તેને હવિષ્ય કહે છે. મનુષ્યોએ હવિષ્ય જમવું, જે ઉપવાસ સમાન ગણાય છે.

મધ, અડદ, મગ, માંસ વગેરે, કઠોળ, રાઈ, નશો કરતા પદાર્થ, દાળ, તલનું તેલ વગેરે ત્યજવું. તદુપરાંત પારકા ઘરનું અન્ન ન ખાવું.

વ્રતનું મહત્ત્વ

જે વ્યક્તિ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આખો મહિનો વ્રતનું પાલન કરતી હોય તેણે આખો મહિનો ભૂમિ પર શયન કરવું જોઈએ. એક સમય માત્ર સાદું તથા સાત્ત્વિક ભોજન કરવું જોઈએ. પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન પુરુષોત્તમ અર્થાત્ વિષ્ણુનું શ્રદ્ધાપૂર્વક પૂજન તથા મંત્રજાપ કરવો. શ્રી પુરુષોત્તમ માહાત્મ્યની કથાનું પઠન અથવા શ્રવણ કરવું. રામાયણનો પાઠ અથવા રુદ્રાભિષેકનો પાઠ કરવો. સાથે શ્રીવિષ્ણુ સ્તોત્રનો પાઠ કરવો પણ શુભ રહે છે.

અધિક માસના આરંભના દિવસે શ્રદ્ધા-ભક્તિથી વ્રત તથા ઉપવાસ કરવો જોઈએ. આ દિવસે પૂજા-પાઠનું વધારે માહાત્મ્ય માનવામાં આવ્યું છે. આ દિવસે દાનાદિ શુભ કર્મ કરવાનું અનેકગણું વધારે ફળ મળે છે. જે વ્યક્તિ આ દિવસે વ્રત તથા પૂજા વગેરે કર્મ કરે છે તે સીધો ગોલોકમાં પહોંચે છે અને ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણોમાં સ્થાન મેળવે છે.

અધિક માસના સમાપન પર સ્નાન, દાન તથા જાપ વગેરેનું વધારે મહત્ત્વ રહેલું છે. આ માસની સમાપ્તિના દિવસે વ્રતનું ઉદ્યાપન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને દાન-દક્ષિણા આપવી જોઈએ. આ સિવાય અધિક માસના માહાત્મ્યની કથા સહિત અન્ય કથાઓનું શ્રદ્ધાપૂર્વક પઠણ કરવું જોઈએ.

પૂજનવિધિ

પુરુષોત્તમ માસના પ્રથમ દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી વ્રત-પૂજન કરવું જોઈએ. જો તે શક્ય ન હોય તો પ્રથમ દિવસે અને પછી યથાશક્તિ પૂજન કરવું.

પ્રાતઃકાળે સૂર્યોદયથી પહેલાં બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને નિત્યકર્મથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. પછી ઘરના પવિત્ર સ્થાન પર અક બાજઠ મૂકવો. બાજઠ પર સફેદ વસ્ત્ર પાથરવું. હવે તેના પર અક્ષત (ચોખા) વડે અષ્ટદલ બનાવો અને જળ ભરેલા કળશની સ્થાપના કરો. કળશ સ્થાપના કરીને તેના પર પીળું વસ્ત્ર પાથરવું અને રાધા-કૃષ્ણની પ્રતિમા કે તસવીરની સ્થાપના કરવી, પછી ભગવાન રાધા-કૃષ્ણની પ્રતિમાનું ષોડ્સ વિધિથી પૂજન કરવું. અખંડ દીવો પ્રગટાવવો, ધૂપ કરવો.

ૐ નમો ભગવતે વાસુદેવાય। આ બાર અક્ષરવાળા મહામંત્રનો જાપ હંમેશાં કરવો. શ્રી શાલિગ્રામની મૂર્તિની પૂજા બ્રાહ્મણ દ્વારા અથવા પોતે સંપૂર્ણ વિધિવિધાનથી કરવી. તુલસીનાં પાન પર 'ૐ' અથવા 'કૃષ્ણ' ચંદનથી લખીને પછી ભગવાન શાલિગ્રામ પર અર્પણ કરો.

સંધ્યા સમયે દીપદાન કરવું. માસને અંતે ધાતુ કે કાંસાના પાત્રમાં ૩૦ની સંખ્યામાં મિષ્ટાન્ન મૂકીને દાન કરવું. શ્રીમદ્ ભગવદ્ ગીતા કે અન્ય ધાર્મિક ગ્રંથોનું બ્રાહ્મણને દાન કરવું.

પુરુષોત્તમ માસમાં ભક્ત અનેક પ્રકારની વસ્તુઓનું દાન કરીને શુભ ફળ મેળવી શકે છે. મંદિરોમાં પુરાણોની કથાઓનું આયોજન પણ કરવામાં આવે છે. પુરુષોત્તમ માસમાં વ્રત, દાન, પૂજા, હવન, ધ્યાન કરવાથી પાપકર્મ સમાપ્ત થઈ જાય છે અને કરવામાં આવેલાં પુણ્યોનું ફળ અનેકગણું થઈને પાછું મળે છે. દેવી ભાગવત પુરાણ અનુસાર અધિક માસમાં કરવામાં આવેલા બધાં જ શુભ કર્મોનું અનંતગણું ફળ મળે છે.

અધિક માસમાં ભાગવત કથા શ્રવણ તથા ૩૨ અધ્યાયોવાળા પુરુષોત્તમ માસની કથા, કીર્તન અને જાગરણ કરવું જોઈએ. શ્રીમદ્ ભગવદ્ગીતાના ૧૫મા અધ્યાય જેને પુરુષોત્તમ પણ કહે છે, તેનો દરરોજ પાઠ કરવો. આ માસમાં તીર્થસ્થળો પર સ્નાન, દાન અને દર્શનનું ઘણું મહત્ત્વ છે. આ પ્રમાણે તમે એક માસનું વ્રત-પૂજન કરી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter