વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંતપંચમીએ પ્રકૃતિનું રમણીય સ્વરૂપ જોવા મળે છે. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ સૌને આકર્ષે છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવનાં વધામણાં આપતો દિવસ એટલે વસંતપંચમી. તેથી નિસર્ગ સાથે સંકળાયેલું માનવજીવન આ ઉત્સવથી અલિપ્ત કેમ રહી શકે! પ્રકૃતિની સાથે મનુષ્ય પણ વસંતપંચમીનો ઉત્સવ ઉલ્લાસ અને ઉમંગથી ઊજવે છે. વસંત એ સૃષ્ટિનું યૌવન છે અને યૌવન એ જીવનની વસંત છે. વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ. વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર.
વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું આમ્રકુંજોની માદક સુવાસથી મહેકી ઊઠેલું અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગનું વાતાવરણ અને તેમાંય કોયલનું મધુર કુંજન પણ મનને આનંદવિભોર બનાવે છે. વનસ્પતિની જેમ માનવજીવનમાં પણ પાનખર આવે જ છે. ત્યારે ઈશ્વર પર શ્રદ્ધા રાખી પોતાના પુરુષાર્થમાં મક્કમતાથી લાગ્યા રહીશું તો પ્રભુ આપણું જીવન જરૂર ખીલવશે, એવો આશાદીપ સતત પ્રજ્વલિત રાખવાનું સૂચન વસંત કરે છે.
વસંતપંચમીનું ધાર્મિક માહાત્મ્ય
ભારતીય પંચાંગ મુજબ મહા સુદ પાંચમની તિથિ (આ વર્ષે બીજી ફેબ્રુઆરી)એ સમગ્ર દેશમાં જ્ઞાન-વિદ્યાની દેવી, ‘મા સરસ્વતી’ના અવતરણ દિન તરીકે પણ ઊજવવામાં આવે છે, જે જ્ઞાન અને બુદ્ધિનાં પણ ગંગોત્રીસમાન ગણાયાં છે. વસંતપંચમીના દિને, સરસ્વતી દેવીની ઉપાસનાનો મોટો મહિમા છે. જેની પાછળ કેટલીક ધાર્મિક કથાઓ સમાયેલી છે. બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની આજ્ઞાથી સૃષ્ટિનું સર્જન કર્યું હતું, પરંતુ તે રચના બાદ બ્રહ્માજી આ સર્જનથી ખુશ ન હતા. તેમને પોતાના આ આવિષ્કારમાં કંઈક ખામી રહી ગયેલી લાગી. એટલે તેઓ વિષ્ણુ પાસે ગયા. તેમની ઈચ્છા જાણી બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પૃથ્વી પર જળનો છંટકાવ કર્યો. એ જળના ધરતીના સંપર્કથી જ એક ચર્તુભુજા એટલે કે ચાર હાથવાળી સ્ત્રીનું પ્રાગટય થયું. જેના એક હાથમાં વીણા, બીજા હાથમાં ગ્રંથ, ત્રીજા હાથમાં માળા હતી અને ચોથો હાથ વરમુદ્રામાં હતો. બ્રહ્માજીએ આ સ્ત્રીને વીણા વગાડવાનું કહ્યું. વીણા વાદ્યના સૂર છેડાતા જ તેના મધુર નાદથી સંસારમાંના સમસ્ત જીવ-જંતુઓને સ્વર પ્રાપ્ત થયો. જેનાથી તેઓ વાણી ઉચ્ચારી શક્યાં. જેમના અવાજથી નદીઓ-ઝરણાં ખળખળ વહેવાં લાગ્યાં. પવન લહેરાવા લાગ્યો. બ્રહ્માજીએ આ દેવીનો ધરતી પર પ્રભાવ જોઈને તેમને વાણીનાં દેવી સરસ્વતીનું નામ આપ્યું. સરસ્વતી દેવીને ભગવતી શારદા, વાણીવાહિની, વીણાવાદિની અને વાગ્દેવી જેવાં અનેક નામોથી તેમને વંદન કરાય છે. માનવીના હૃદયમાં સંગીતના સર્જનની પ્રેરણા મા સરસ્વતીની કૃપાથી જ થાય છે. એટલે દેવીને સંગીતના ‘સ્વરસજની’નાં ઉપનામથી પણ ઓળખવામાં આવે છે.
નદીનું એક સ્વરૂપ સરસ્વતી દેવી
સરસ્વતી દેવીનું એક સ્વરૂપ નદી છે. સરસ્વતી નદીને શ્રી હરિવિષ્ણુનું વરદાન મળેલું કે તે ભારત વર્ષમાં નદીરૂપે પણ વહેશે. જે પ્રમાણે સાચું-શુદ્ધ જ્ઞાન દેખાડા કરતું નથી પણ ગુપ્ત રૂપે પોતાનો પ્રભાવ બતાવે છે. એ સરસ્વતી નદી ધરતીની ભીતર વહેતી રહી અને ભૂગર્ભનાં તળને ભીની રાખીને જમીનને લીલીછમ્મ બનાવે છે, એટલે તો કેટલાક વિદ્વાનોએ તેમને ‘લુપ્ત નદી’નું ઉપનામ આપેલું છે
વસંત એટલે ઋતુઓની રાણી
આપણાં દેશની મુખ્ય ત્રણ ઋતુ છેઃ શિયાળો, ઉનાળો તથા ચોમાસુ. દરેક ઋતુઓનું પોતાનું આગવું અને અનોખું મહત્ત્વ છે. શિશિર ઋતુની નરમ નરમ ઠંડી પડયા પછી વસંત ઋતુની શરૂઆત થવા માંડે છે અને આપણને વાતાવરણમાં થોડી ગરમીનો અહેસાસ થવા લાગે છે. વસંતને ઋતુઓની રાણી પણ કહેવામાં આવે છે. વસંત ઋતુમાં વાતાવરણ આહલાદક લાગે છે. પાનખરમાં ખરી ગયેલાં વૃક્ષોનાં પાનને નવી કૂંપળો ફૂટે છે અને નવાં પર્ણોથી વૃક્ષો નવપલ્લિત થાય છે. કહેવાય છે કે વસંત ઋતુમાં ધરતી પણ સાડી બદલે છે. વસંતમાં આંબા પર મોર બેસે છે અને આંબા પર નાની નાની કાચી કેરી લાગવાની શરૂઆત થાય છે.
હિંદુ સમાજમાં વસંતપંચમીનું મહત્ત્વ અનેરું છે, કારણ કે વસંતપંચમી વસંત ઋતુનાં વધામણાં લઈને આવે છે અને વસંત ઋતુનું સ્વાગત કરે છે. આ દિવસે લોકો કોઈપણ પ્રકારનું શુભ મૂરત જોયા વિના લગ્નોની શરૂઆત કરે છે. વસંતપંચમીના દિવસે લગ્ન કરવું એ સારા શુકનની નિશાની છે. વસંતપંચમીના દિવસે ઢગલાબંધ લગ્નો યોજાય છે. આપણા હિંદી તથા ગુજરાતી સાહિત્યકારોએ વસંતનો મહિમા બહુ સારી રીતે વર્ણવેલો છે. તો હિંદી ફિલ્મોના ગીતકારોએ પણ વસંત ઋતુઓ ઉપર ઘણાં જ ગીતોની રચના કરેલી છે.
સરસ્વતી પૂજનનું અનેરું મહત્ત્વ
જ્ઞાનનાં અધિષ્ઠાત્રી મા સરસ્વતીનો જન્મ વસંતપંચમીના દિવસે થયો હોઇ આ દિવસે સરસ્વતી પૂજનનું અનેરું મહત્ત્વ છે. સરસ્વતી દેવી વાણી, શબ્દ, વિચાર, કલા, સાહિત્ય, સંસ્કૃતિ સર્જનનાં દેવી છે. જ્ઞાન અને સમજણનાં અધિષ્ઠાત્રી છે. આજના સમયમાં સૌથી વધુ જરૂર હોય તો જ્ઞાન અને સમજણની.
પ્રાચીનકાળમાં વસંતપંચમીનું પર્વ મદનોત્સવ અને વસંતોત્સવ તરીકે મનાવાતું હતું. આ દિવસે સ્ત્રીઓ પોતાના પતિની પૂજા કામદેવના રૂપમાં કરતી હતી. વસંતપંચમીના દિવસે જ કામદેવ અને રતિએ પહેલી વાર મનુષ્ય હૃદયમાં પ્રેમ તથા આકર્ષણનો સંચાર કર્યો હતો. ત્યારથી આ દિવસ મદનોત્સવ તરીકે મનાવાયો.
અન્ન તથા ધનધાન્યની પ્રાપ્તિ માટે ખેતી કરનાર તથા અન્ય કાર્ય કરનાર ગૃહસ્થોએ વસંતપંચમીના દિવસે નવા અન્નમાં ગોળ- ઘી મેળવીને અગ્નિ તથા પિતૃને તર્પણ કરવું. ત્યારપછી કેસરયુક્ત મીઠા ભાત ઘરે બનાવીને તેનું સેવન અવશ્ય કરવું. શાસ્ત્રોમાં વિધાન છે કે વસંતપંચમીએ વિષ્ણુપૂજનનું પણ મહત્ત્વ છે. કળશની સ્થાપના કરીને ગણેશ, સૂર્ય, વિષ્ણુ તથા મહાદેવની પૂજા પણ કરી શકાય. ત્યારપછી વીણાવાદિની મા સરસ્વતીની પૂજા અવશ્ય કરવી જોઈએ.