પ્રાચીન ભારતીય ગણરાજ્યોના આધાર પર ભારતીય બંધારણ આકાર પામ્યું છે

Tuesday 26th January 2016 05:38 EST
 
 

સન ૧૯૨૬ના ડિસેમ્બર માસનો કોઈ એક દિવસ, સ્થળઃ લાહોર શહેરનો રાવિ નદીનો કાંઠો. ખુલ્લા મેદાનમાં ફૂંકાઈ રહેલા ઠંડાગાર પવનથી તાપણાંની જ્વાળાઓ ઓર ભભૂકતી હતી. અને તાપણાં ફરતા જુવાનિયાઓ મુક્તમને નાચી રહ્યા હતા. ઉન્માદે ચડેલા એ ટોળાની આગેવાની લીધેલી જવાહરલાલ નેહરુએ...! અને પ્રસંગ હતો કોંગ્રેસના લાહોર અધિવેશનનો...! એ દિવસે નેહરુની અધ્યક્ષતા હેઠળ પહેલી જ વાર કોંગ્રેસ પક્ષે બ્રિટિશ સરકારને સ્પષ્ટ ચીમકી આપેલી.
અધિવેશનમાં નેહરુની આગેવાની હેઠળના જૂથોએ પૂર્ણ સ્વરાજની માગણીનો ઠરાવ પસાર કરાવેલો અને બ્રિટશ સરકારને હિંદ છોડવા માટે મુદત અપાયેલી ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦...! અલબત્ત, જાડી ચામડીના અંગ્રેજોએ એ મુદત સુધીમાં પૂર્ણ સ્વરાજ તો ઠીક, સ્વરાજનું ચોથિયું પણ ન આપ્યું. પરંતુ એ પછી ઉગ્ર પ્રજાકીય આંદોલનના માર્ગે વળેલી કોંગ્રેસે પ્રતિવર્ષ ૨૬ જાન્યુઆરીને ‘સ્વાતંત્ર્ય દિન’ તરીકે ઉજવવાનું શરૂ કર્યું.
જ્યારે ખરેખર આઝાદી આપવાનો સમય આવ્યો ત્યારે પહેલેથી જ માઉન્ટ બેટન ‘૧૫ ઓગસ્ટ’ને મનમાં રાખીને આવેલા. બર્મા વિજયને લીધે ‘માઉન્ટ બેટન ઓફ બર્મા’ તરીકે ઓળખાતા બ્રિટિશ શાહી પરિવાર સાથે જોડાયેલા લોર્ડ માટે આ દિવસનું અદકેરું મહત્ત્વ હતું. પરિણામે માઉન્ટ બેટનના આગ્રહ અને પાંચ મહિનાના ગાળાને લીધે આઝાદ દિન તરીકે ૨૬ જાન્યુઆરીનો હક જતો કરાયેલો.
એ પછી આઝાદ ભારતની બંધારણ સભાએ તૈયાર કરેલા બંધારણને કાયદેસર સ્વીકૃતિ આપવા માટે ૧૬ ડિસેમ્બર, ૧૯૪૯નું સૂચન કરેલું. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં ભારે શ્રદ્ધા ધરાવતા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદને આ દિવસોમાં ‘કમુરતા’નો ભય લાગ્યો એટલે તેમણે ૧૪ જાન્યુઆરી, ૧૯૫૦નું સૂચન કર્યું. પરંતુ ૨૪ વર્ષ પહેલા રાવિ નદીના તટ ઉપર અનુભવેલો ઉન્માદ પંડિત નેહરુ ભૂલ્યા ન હતા. આથી બંધારણની સ્વીકૃતિ માટે તેમણે દિવસ પસંદ કર્યો ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦...! અને એ દિવસે ભારત ‘પ્રજાસત્તાક સાર્વભૌમ’ રાષ્ટ્ર જાહેર થયું.
બંધારણની રચના માટે બંધારણ સભાએ વિશ્વના દરેક રાષ્ટ્રોના બંધારણનો ગહન અભ્યાસ કરેલો. એ માટે વિશ્વભરના ચિંતકો-વિચારકોની ફિલસૂફી ધ્યાનમાં લેવાયેલી, પરંતુ સ્વપ્નશીલ પંડિત નેહરુ પ્રાચીન ભારતીય સભ્યતાથી ભારે પ્રભાવિત હતા અને તેમના આગ્રહને લીધે જ પ્રાચીન ભારતીય ગણરાજ્યોના આદર્શોના આધાર પર ભારતીય બંધારણ આકાર પામ્યું અને સમગ્ર વિશ્વમાં વિશિષ્ટ બન્યું.
ઈ.સ. પૂર્વે ૬૦૦થી ઈ.સ. ૪૦૦ સુધીનો એક હજાર વર્ષનો સમય પ્રાચીન ગણરાજ્યોના સુવર્ણ દિવસોનો હતો. ગુપ્ત અને મૌર્યવંશ પછી પ્રાચીન ભારતમાં માલવ, આર્જુનાયન, યૌધેય, શુદ્રક, કઠ, વૈશાલી અને લિચ્છવી રાજ્યો ગણતંત્રીય રાજ્યવ્યવસ્થાના પુરસ્કર્તા હતા. આ સમયગાળા દરમિયાન શૈવમત ઉપર જૈન અને બૌદ્ધ વિચારધારાનું અતિક્રમણ વ્યાપક બનેલું. પરિણામે ગણરાજ્યોની રચના પર જૈન અને બૌદ્ધ સંપ્રદાયની પ્રભાવક અસર હતી.
જૈનગ્રંથ આચારાંગ સૂત્રમાં દારજ્જાણિ એટલે કે બે રાજાઓનું શાસન અને ગણરાયાણિ એટલે કે સામૂહિક પ્રતિનિધિત્વનું શાસન એવા ઉલ્લેખો મળે છે. જ્યારે બૌદ્ધ સંપ્રદાયમાં ભિક્ષુઓની ગણતરી ‘શલાકા’ દ્વારા નિશ્ચિત થતી અને ભિક્ષુકોનો દરેક ગણ પોતાના પ્રતિનિધિની પસંદગી કરતો. આવા ગણવાહકોનું ગણમંડલ વ્યવસ્થાપનની જવાબદારી વહન કરતું હતું. આ અસર હેઠળ આર્જુનાયન, શુદ્રક અને લિચ્છવી જેવા રાજ્યોએ પોતાની વ્યવસ્થા ગોઠવેલી. આ રાજ્યોએ વસ્તી, પરિવાર અથવા ઘરોની સંખ્યાના આધારે મંડલની રચના કરેલી. મંડલમાં વ્યવસ્થા નિપૂર્ણ લોકોને સ્થાન મળતું. આ લોકો મંડલની સામૂહિક જવાબદારીઓ સંભાળતા હતા. આવા મંડલોનો સમૂહ ગણમંડલ અને શાસનમંડલ તરીકે ઓળખાતો અને છેલ્લે સંઘરાજ્યની રચના થતી.
કાર્ય અને વ્યવસ્થાનું આવું બેનમૂન વિભાજન આજથી બે-અઢી હજાર વરસ પૂર્વે વિદ્યમાન હતું. આ વ્યવસ્થાના આધાર પર જ આજે તાલુકા, જિલ્લા, રાજ્ય અને કેન્દ્રના સ્વરૂપે વહીવટી આયોજન જોવા મળે છે. આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્રના સંબંધો પણ ભાતીય બંધારણને વિશિષ્ઠતા બક્ષે છે. સમવાયતંત્રની આ અપૂર્વ વ્યવસ્થા માટે કંઈક અંશે કૌટિલ્યકૃત ‘અર્થશાસ્ત્ર’ અને પાણિની રચિત ‘અષ્ટાધ્યાયી’નો પણ આધાર લેવાયો છે. સંઘોદ્ધો ગણપ્રશંસયો (અષ્ટાધ્યાયી ૩,૩,૮૬) અર્થાત્ સંઘશક્તિમાં જ ગણની પ્રશંસા રહેલી છે એવા આદર્શને ભાષા-સંસ્કાર અને જીવનની દૃષ્ટિએ બહુરંગી ભારતે ચરિતાર્થ કરી બતાવી છે.
પ્રદેશિસ્તાર, જનસંખ્યા, ભાષા, ધર્મ, જીવનપદ્ધતિ વગેરે અનેક દૃષ્ટિએ પુષ્કળ વિવિધતા ધરાવતા ભારતમાં લોકશાહી ટકી રહેશે એવી વિશ્વભરમાં કોઈને પણ આશા નહોતી. ભારતે પ્રત્યે ભારોભાર તિરસ્કાર ધરાવતા બ્રિટિશ રાજનિતજ્ઞ વિન્સ્ટન ચર્ચિલે તો ત્યાં સુધી કહેલું કે ‘અભણ અને ગમાર લોકોનો આ દેશ સ્વતંત્રપણે શાસન કરવાનું શીખ્યો જ નથી. પોતાના ભારથી જ એ ટુકડાઓમાં વિખેરાઈ જશે.’ સદ્નસીબે ચર્ચિલની આ કાળવાણી સદંતર ખોટી પડી છે. વ્યક્તિ માટે અડસઠ વર્ષનો સમયગાળો આયુષ્યનો ઉત્તરાર્ધ કહેવાય પણ રાષ્ટ્રના જીવનકાળ માટે આટલાં વર્ષો કિશારાવસ્થા ગણી શકાય. આટલાં વર્ષો કિશોરાવસ્થા ગણી શકાય.
આટલાં વર્ષોમાં પ્રજાસત્તાક ભારતે શું મેળવ્યું એ સૂચિ ખરેખ ખૂબ લાંબી બની શકે છે. સાથોસાથ લોકશાહી વ્યવસ્થા પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ બહાર આવતી રહે છે. સામૂહિક શિસ્ત અને જવાબદારીનો અભાવ, બેફામ વસ્તીવધારો અને રાષ્ટ્રગૌરવની સભાનતાની ગેરહાજરી ઊડીને આંખે વળગે છે. આવી અનેક મર્યાદાઓ નિષ્ફળતા છતાં ભારતમાં લોકશાહીની કુંપળ અત્યંત સુચારુ ઢબે પાંગરી ચૂકી છે અને તેનો ઓજસ્વી ચમકાર સર્વત્ર દેખાય છે. અવકાશી ઉપગ્રહના તેજલીસોટામાં ભારત ચમકે છે. તો કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સ્ક્રીન પર પણ ભારત ઝળકે છે.

આમુખ

ભારતના બંધારણની શરૂઆત ‘આમુખ’થી થાય છે, જે નીચે પ્રમાણે છેઃ
‘અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ બિનસાંપ્રદાયિક સમાજવાદી લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર-વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમ જ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દૃઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ.’

બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર

સ્વતંત્ર ભારતના રાજ્યબંધારણના ઘડવૈયા અને પ્રથમ પંક્તિના દલિતોદ્ધારક ડો. ભીમરાવ આંબેડકરે ધારાસભા-લોકસભા અને રાજ્યસભા ત્રણેયમાં પોતાની આગવી પ્રતિભા વિકસાવી હતી.
૧૯૩૦-૩૨ દરમિયાન લંડનમાં ભરાયેલી ‘ગોળમેજી પરિષદ’માં તેમણે હાજરી આપી હતી. ઈ.સ. ૧૯૪૯માં તેમણે નૂતન ભારતનું રાજ્યબંધારણ ઘડવામાં જે કુનેહ અને કૌશલ્ય દાખવેલાં એ તો ભૂલ્યાં ભુલાય એમ નથી.
ડો. આંબેડકરનો જન્મ ઈ.સ. ૧૮૯૩ની ૧૪મી એપ્રિલે, અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિના, લશ્કરી સિપાઈ રામજી માલોજીને ત્યાં, ઇંદોર પાસેના મહુ ગામમાં થયેલો. ઈ.સ. ૧૯૦૮માં મુંબઈની એલ્ફિન્સ્ટન હાઇસ્કૂલમાંથી મેટ્રિક અને ૧૯૧૨માં એલ્ફિન્સ્ટન કોલેજમાંથી બી.એ. થઈ ગાયકવાડ સરકારની સહાયથી અમેરિકા ગયા. ત્યાં અર્થશાસ્ત્રે અને સમાજશાસ્ત્રમાં કોલંબિયા યુનિવર્સિટીના એમ.એ. તથા પીએચ.ડી. થઈ વડોદરા રાજ્યની નોકરીમાં જોડાયા. ૧૯૧૭માં મુંબઈની સિડનહામ કોમર્સ કોલેજમાં પ્રોફેસરની જગ્યા મેળવી. ત્રીજે વર્ષે ઇંગ્લેન્ડ જઈ તેમણે અર્થશાસ્ત્ર અને વાણિજ્યના વિષયોમાં ડી.એસ.સી.ની ડિગ્રી મેળવી. ૧૯૨૩માં બેરિસ્ટર બન્યા બાદ મુંબઈની હાઈ કોર્ટમાં વકાલાત શરૂ કરી. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં તેઓ કાયદાપ્રધાન બનેલા. તેઓ આજીવન કાર્યરત
રહ્યા હતા.
ડો. આંબેડકરનું સવિશેષ પ્રદાન તો ભારતના નવા રાજ્યબંધારણના એક અગ્રણી ઘડવૈયા તરીકે અજોડ ને અમર છે. સ્વાતંત્ર્ય પૂર્વે મુંબઈ ધારાસભામાં અને સ્વાતંત્ર્ય બાદ લોકસભામાં અને રાજ્યસભામાં ચૂંટાઈને તેમણે ભારતના અસ્પૃશ્ય-દલિતો-પીડિતોના ઉદ્ધારાર્થે જે વૈચારિક ક્રાન્તિના બીજ વાવ્યાં તેનું સુફળ આજે ભારતની આદિવાસી અને પછાત જાતિઓ આનંદથી ભોગવી રહી છે.
ભારતમાં અંગ્રેજ શાસનકાળ દરમિયાન ‘દલિતવર્ગસંઘ’ની સ્થાપના કરીને પછાત વર્ગની ઉન્નતિના સુવ્યવસ્થિત પ્રયાસો આદરનાર તેઓ પ્રથમ દલિત નેતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter