ગણેશચતુર્થી (આ વર્ષે ૨૫ ઓગસ્ટ)ના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. દસ દિવસનો ગણેશોત્સવ આ વર્ષે ખાસ છે કેમ કે જાહેર ગણેશોત્સવનું આ ૧૨૫મું વર્ષ છે. ગણેશોત્સવ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ પૂણે તથા મુંબઇમાં આ પર્વ જેટલું ધામધૂમથી ઉજવવામાં આવે છે એટલું ભાગ્યે જ બીજે ક્યાંય ઉજવવામાં આવતું હશે. મોટાભાગના શેરી કે મહોલ્લાના લોકો મંડળની રચના કરીને ‘સાર્વજનિક ગણેશોત્સવ’ તરીકે એની ઉજવણી કરે છે. જેમાં વિવિધ પ્રકારના સામાજિક, રાજકીય કે ધાર્મિક મુદ્દાઓને વણીને જનજાગૃતિ આણવાનો પ્રયાસ કરવામાં આવે છે.
દસ દિવસ સુધી ઉજવવામાં આવતા ગણેશોત્સવમાં લોકો ગણેશચતુર્થીના દિવસે ‘ગણપતિ બાપ્પા મોરયા...’ના પોકાર સાથે દોઢ દિવસથી લઇને દસ દિવસ સુધી ગણપતિની મૂર્તિને પોતાના ઘરમાં કે પ્રાંગણમાં પધરાવે છે. આ પૈકી મોટાભાગના લોકો દસ દિવસ રાખીને અનંતચતુર્દશી (આ વર્ષે ૫ સપ્ટેમ્બર)ના રોજ ગણપતિ મૂર્તિનું વિસર્જન કરે છે. આ દિવસે મુંબઇ જેવું મહાનગર પણ થંભી જાય છે. શહેરના અનેક માર્ગો પર વાહનવ્યવહાર અટકાવી દેવામાં આવે છે અને લોકો સરઘસાકારે દરિયાકાંઠે જઇને પ્રતિમાનું વિસર્જન કરે છે.
પરંતુ આ જાહેર ગણેશોત્સવનો પ્રારંભ ક્યાંથી થયો હતો? પૂણેથી... ૧૮૯૩માં લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે પૂણેથી ગણેશોત્સવ પ્રત્યે જાગરુકતા લાવવાની શરૂઆત કરી હતી. આ જ ગણેશોત્સવે દેશના સ્વાતંત્ર્યસંગ્રામ વેળા લોકોને એકતાંતણે બાંધવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી. પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન આ વર્ષે ગણેશોત્સવની વિશેષ રૂપે ઉજવણી કરી રહ્યું છે. પૂણેના મેયર મુક્તા ટિળકે જણાવ્યું કે ચાલુ વર્ષે આયોજનને વિશેષ બનાવવા માટે ઇકોફ્રેન્ડલી ગણપતિ બનાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જવાથી માંડીને બાલેવાડીમાં પાંચ હજાર ઢોલ-તાશા વગાડવાનો પણ રેકોર્ડ, ફોટો એક્ઝિબિશનનું આયોજન વગેરે થશે. પૂણેના સૌથી પ્રસિદ્ધ ગણેશ મંડળ દગડુશેઠ પણ ચાલુ વર્ષે ૧૨૫ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે જાણીએ બાળ ગંગાધર ટિળકના કેસરીવાડા ગણપતિ મંડળ સહિત પૂણે અને મુંબઈના કેટલાક ખાસ ગણેશ મંડળોની ખાસ વાતો...
સૌથી લોકપ્રિય લાલબાગચા રાજા
દર મિનિટે ૧૨૦૦ શ્રદ્ધાળુ
મુંબઈનું લાલબાગચા રાજા સૌથી પ્રસિદ્ધ ગણેશ મંડળ છે. તેની શરૂઆત ૧૯૩૪માં થઈ હતી. મંડળના માનદ્ સચિવ સુધીર સાલ્વીએ જણાવ્યું કે અહીં સ્થાપિત મૂર્તિની ઊંચાઈ ૧૨ ફૂટ હશે. પંડાલ લગભગ સાડા પાંચસો ફૂટ લાંબો પહોળો હશે. પંડાલ પર બે થી ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. ગત વર્ષે ભક્તો દ્વારા લગભગ ૬ કરોડ રૂપિયાનો ચઢાવો આવ્યો હતો. તેમાં ૪૦ લાખ રૂપિયાની કિંમતવાળી સોનાની બે પાદુકાઓ સૌથી ખાસ હતી. ૪૦૦૦ કરતાં પણ વધુ મહિલા પુરુષ કાર્યકર્તા સેવાઓ આપશે. દર મિનિટે લગભગ ૧૦૦૦થી ૧૨૦૦ લોકો દર્શન કરશે તેવું આયોજકોનું અનુમાન છે. દર્શન કરનારાઓની લાઈન ૫-૬ કિલોમીટર લાંબી થઈ જાય છે. પૂણેનું શ્રીમંત દગડુ હલવાઈ જાહેર ગણપતિ ટ્રસ્ટ પણ લોકપ્રિય છે. અહીં બ્રાહ્મણસ્પતિ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. આ મંડળ ૧૮૯૩થી જાહેર ગણેશોત્સવ ઉજવી રહ્યું છે.
ઐતિહાસિક કેસરીવાડો
પર્યાવરણ પર ખાસ ભાર મૂક્યો
ટિળકે પૂણેમાં તેમના જાહેર ગણેશોત્સવની શરૂઆત ૧૮૯૪માં કરી હતી. એક વર્ષ અગાઉ ટિળક તેને જાહેર ચેતના લાવવાના માધ્ય બનાવી ચૂક્યા હતા. તે માટે તેમના અખબાર ‘કેસરી’માં લખવા લાગ્યા હતા. બાલ ગંગાધર ટિળકના પ્રપૌત્ર અને કેસરીવાડા ગણપતિ મંડળના અગ્રણી શૈલેશ ટિળક કહે છે કે કેસરીવાડા મંડળે પર્યાવરણ સંરક્ષણના સંદેશ આપવા પર વધારે ભાર મૂક્યો છે. અમારું ફોકસ દેશ અને રાજ્યના સાંસ્કૃતિક વારસા પર છે. અહીં પંડાલ ત્રણ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. વિસર્જન માટે માટીની મૂર્તિ લવાશે, જે અઢી ફૂટ હશે. ગણેશોત્સવ વેળા એક લાખ લોકો દર્શને આવે છે.
સૌથી ધનિક સેવા મંડળ
રૂ. ૨૬૫ કરોડનો વીમો
ગૌર સારસ્વત બ્રાહ્મણ સેવા મંડળની શરૂઆત ૧૯૫૧માં થઈ હતી. અહીં પંડાલ ૭૦ હજાર ચોરસ ફૂટનો છે. ગણેશજી કરોડો રૂપિયાના સોના, ચાંદી, હીરા તથા અન્ય કિમતી નંગના આભૂષણ ધારણ કરશે. આથી સુરક્ષા અને દેખરેખ માટે લગભગ ૭૭ સીસીટીવી કેમેરા લગાવાશે. આ ઉપરાંત ૪૫૦૦ સુરક્ષાકર્મી તથા મડંળના કાર્યકર્તા પણ વ્યવસ્થામાં તહેનાત રહેશે. જીએસબી જાહેર ગણેશોત્સવ સમિતિના આર. જી. ભટ્ટે કહ્યું કે મંડળના ગણેશજીની મૂર્તિની ઊંચાઈ ૧૪ ફૂટ હશે. જોકે ગણપતિ કરોડો રૂપિયાના આભૂષણ તથા ઘરેણાં ધારણ કરે છે એટલા માટે આ વખતે લગભગ ૨૬૫ કરોડ રૂપિયાનો વીમો ઉતરાવ્યો છે.
સૌથી જૂના શ્રીમંત ભાઉસાહેબ
સાદગીપૂર્ણ ઉજવણી
ભાઉસાહેબ રંગારીમાં વાડાની જ થીમ રાખવામાં આવે છે. ૩૦ બાય ૪૦નો પંડાલ હોય છે. મુંબઈ જેવા ખર્ચાળ આયોજન અહીં નથી કરાતા. કોઈની પાસેથી ફાળો નથી લેવાતોઅને ખર્ચ મર્યાદિત કરાય છે. કુલ ખર્ચ લગભગ ૬૦ હજારથી એક લાખ રૂપિયા વચ્ચે હોય છે. આ મંડળ શણગાર પર ખર્ચને નકામો ખર્ચ ગણે છે. ગત વર્ષે ૩થી ૪ લાખ રૂપિયા ખર્ચાયા હતા. એક લાખ રૂપિયાથી વધુનો ચઢાવો આવેલો. સૌથી વધુ કાર્યકર્તા ગણેશોત્સવ દરમિયાન કામ કરે છે. ટિળકે જ્યારે ગણેશોત્સવને જનચેતનાનું સ્વરૂપ આપવાની શરૂઆત કરી તેના એક વર્ષ અગાઉ જ આ શરૂ થઈ ચૂકી હતી.