હિંદુ ધર્મમાં મુખ્ય ત્રણેય દેવોને ઉચ્ચ સ્થાન મળ્યું છે અને આ ત્રણ દેવ એટલે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ. આ ત્રણેય દેવતાના આશીર્વાદથી અને ત્રણેય દેવના અંશથી ભગવાન દત્તાત્રેયનું રૂપ તૈયાર થયું છે. ભગવાન દત્તાત્રેયને અનેક વિશેષ નામ જેમ કે, પરબ્રહ્મમૂર્તિ, સદગુરુ દત્તાત્રેય, ગુરુ દેવદત્ત તથા ગુરુ દત્તાત્રેય અને દત્તા આવાં નામથી આ ભગવાન ઓળખાય છે. કહેવાય છે કે ભગવાન દત્તાત્રેયની પૂજા-આરાધના કરવાથી ત્રણેય દેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશની ઉપાસના થઈ જાય છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં ભગવાન દત્તાત્રેયની પૂજા આરાધના વિશેષ રૂપથી થાય છે.
ભગવાન ગુરુ દત્તાત્રેયનો જન્મ માગશર માસની પૂનમે (આ વર્ષે 7 ડિસેમ્બર) થયો છે. ભગવાન દત્તાત્રેય એ સપ્ત ઋષિઓ તથા સતિ અનસૂયાના પુત્ર છે. ભગવાન દત્તાત્રેય આ પૃથ્વી ઉપર શા માટે આવ્યા તેનો ઇતિહાસ આ પ્રમાણે છે.
માતા અનસૂયા એક પતિવ્રતા નારી હતાં. તેમની ઈચ્છા એવી હતી કે તેમના ખોળે ત્રણેય દેવો બ્રહ્મા-વિષ્ણુ અને મહેશની સમાન તેજોમય બળવાન, બુદ્ધિવાન પુત્ર જન્મ લે. માતા અનસૂયાએ ખૂબ આકરી ને કઠોર તપસ્યા કરી. માતા અનસૂયાની કઠોર તપસ્યાની પ્રશંસા ત્રણેય દેવો કરતા હતા. આથી ત્રણેય દેવોની પત્નીને ઈર્ષ્યા આવી. ત્રણેય દેવીઓએ પોતાના પતિને સતિ અનસૂયાની પરીક્ષા કરવાનો આદેશ કર્યો.
ત્રણેય દેવો, દેવીઓની ઇચ્છાથી રૂપ બદલીને માતા અનસૂયાના આશ્રમે પહોંચ્યાં. આશ્રમે જઈને ત્રણેય દેવોએ, બદલેલા રૂપમાં અનસૂયા પાસે ભોજનની ઈચ્છા વ્યક્ત કરી. માતાએ ભોજન પીરસવાની હા પાડી. આ સમયે રૂપ બદલીને આવેલા ત્રણેય દેવોએ માતા પાસે શરત મૂકી કે, તમે નિર્વસ્ત્ર થઈને શુદ્ધ ભાવે અમને ભોજન પીરસો તો જ અમે ભોજન ગ્રહણ કરીએ. આ શરતથી માતા અનસૂયા તો અવાક્ બની ગયાં. થોડી વારમાં જ માતા અનસૂયાએ પોતાના તપના બળથી ત્રણેય દેવોને નાના બાળક સ્વરૂપમાં દીધા. ત્યારબાદ પોતે નિર્વસ્ત્ર થઈને ત્રણેય બાળકને સ્તનપાન કરાવ્યું.
આ સમયે અત્રિ ઋષિ આશ્રમમાં આવ્યા. મા અનસૂયાએ સઘળી હકીકત જણાવી. અત્રિ ઋષિ તો આ તમામ વૃત્તાંત જાણતા હતા. તેઓ આ ત્રણેય બાળકોને ઓળખી ગયા કે, આ ત્રણેય બાળકો એ બીજું કોઈ નહીં, પરંતુ ત્રણેય મહાન દેવો છે. અત્રિ ઋષિએ પોતાના મંત્રોના બળથી ત્રણેય બાળકોને એક જ રૂપમાં પરિવર્તિત કરી દીધાં ને એક એવું બાળક સ્વરૂપ બનાવી દીધું. જેને ત્રણ મુખ અને છ હાથ હતા.
ત્રણેય દેવીઓએ આ રૂપ જોઈને માતા અનસૂયા અને અત્રિ ઋષિ પાસે ખૂબ માફી માગી અને કસોટીની સઘળી હકીક્ત જણાવી. ત્રણેય દેવીઓએ પોતપોતાના પતિ અસલ રૂપમાં માંગ્યા. ત્રણેય દેવીઓની પ્રાર્થનાથી અત્રિ ઋષિએ ત્રણે દેવોને અસલ રૂપમાં સોંપ્યાં. ત્રણેય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજીની અસીમ કૃપાથી ત્રણેય દેવીએ અપ્રતીમ બાળક માતા અનસૂયા અને અત્રિને અર્પણ કર્યું. આ બાળકનું સ્વરૂપ મનોરમ અને અતિ સુંદર હતું. બાળકને ત્રણ મુખ અને છ હાથ હતાં. ત્રણેય દેવોની શક્તિ, બળ, બુદ્ધિ આ બાળકમાં દિવ્યમાન હતાં. માતા અનસૂયાના આકરા તપના પ્રતાપે ઈચ્છીત બાળકની પ્રાપ્તિ થઈ. એ બાળક એટલે ભગવાન દત્તાત્રેય.
ભગવાન દત્તાત્રેયની શિક્ષા અને દીક્ષા
ભગવાન દત્તાત્રેયે પોતાના જીવનમાં ઘણા લોકો પાસેથી શિક્ષા ગ્રહણ કરી. તેમણે પશુઓમાંથી અને કાર્યકલાપો પાસેથી પણ શિક્ષણ ગ્રહણ કર્યું. ભગવાન દત્તાત્રેય કહે છે કે, જેની પાસેથી મને શિક્ષણ મળ્યું છે તે તમામ તત્ત્વને મારા ગુરુ માનું છું. ભગવાન દત્તાત્રેયના કુલ 24 ગુરુ છે. ભગવાન દત્તાત્રેયના મુખ્ય ત્રણ શિષ્યોમાં ત્રણેય રાજા હતા. ભગવાન પરશુરામજી પણ તેમના શિષ્ય હતા. ત્રણેય સંપ્રદાય (વૈષ્ણવ - શિવ અને શક્તિ)ના સંગમસ્થળ ત્રિપુરા રાજ્યમાં બધાને શિક્ષા અને દીક્ષા આપી હતી. પરશુરામજીને શ્રીવિદ્યા, શિવપુત્ર કાર્તિકેયને અનેક વિદ્યા અને ભક્ત પ્રહલાદને અનાસક્તિ યોગનો ઉપદેશ આપેલો હતો. ઉપરાંત મુનિ સાંકૃતિને અવધૂત માર્ગ, કાર્તવીર્યાર્જુનને તંત્રવિદ્યા, નાગાર્જુનને રસાયણવિદ્યા અર્પણ કરી હતી.
ગુરુપાઠ તથા જપ
ભગવાન દત્તાત્રેયના મુખ્ય બે ગ્રંથ - ‘અવતાર ચરિત્ર’ અને ‘ગુરુ ચરિત્ર’ વેદતુલ્ય માનવામાં આવે છે. તેમની ઉપાસના માટે દત્તબાવની ખૂબ પ્રચલિત છે. ખાસ કરીને ૐ દ્રાં દત્તાત્રેયાય નમ: અને ૐ દિગંબરાય વિદ્મયે યોગીશ્વરાય ધિમહી તન્નો દત્ત: પ્રચોદયાત્ મંત્રના જાપ અતિ ઉત્તમ ફળદાયક છે.
ગુરુ દત્તાત્રેયને પારદથી વ્યોમયાન ઉડ્ડયનની શક્તિની જાણકારી મળી હતી અને ચિકિત્સા શાસ્ત્રમાં ક્રાંતિકારી શોધખોળ પણ કરી હતી. દત્તાત્રેયજીને વિદ્યા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે. માટે સારી વિદ્યા પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીએ નિયમિત રીતે દત્ત બાવની તથા દત્ત મંત્રના જાપ કરવા જોઈએ.
દત્તપાદુકા
માન્યતા પ્રમાણે દત્ત ભગવાન નિત્ય કાશી-ગંગાજીમાં સ્નાન કરવા માટે પધારતાં હતા તેથી કાશી-મણિકર્ણિકા ઘાટ પર દત્ત ભગવાનની ચરણ પાદુકાનાં દર્શન-પૂજા થાય છે. ઉપરાંત પાદુકા દર્શન કર્ણાટકના બેલગામમાં પણ થાય છે.
કળિયુગમાં ધર્મની સ્થાપના
ઈશ્વર અને ગુરુના સાક્ષાત્ અવતાર ભગવાન દત્તાત્રેયને નાથ સંપ્રદાયની નવનાથ પરંપરાના અગ્રજ માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેય દ્વારા વેદ અને તંત્ર માર્ગના સમન્વયથી સંપ્રદાયની રચના કરવામાં આવી હતી. શ્રીમદ્ ભાગવદ મહાપુરાણના અગિયારમા સ્કંધ અનુસાર ઋષભદેવજીના 100 પુત્ર હતા. તેમાંથી 9 પુત્ર જ્ઞાનમાર્ગી બની ગયા. આ ઋષિઓએ કળિયુગમાં જન્મ લઈને નાથ સંપ્રદાયની સ્થાપના કરી.
(1) શ્રી ગુરુ ગોરખનાથજી (શિવ સ્વરૂપ)
(2) શ્રી ગુરુ મત્સ્યેન્દ્રનાથજી (માયા સ્વરૂપ)
(3) શ્રી ગુરુ આદિનાથજી (જ્યોતિ સ્વરૂપ)
(4) શ્રી ગુરુ સંતોષનાથજી (વિષ્ણુ સ્વરૂપ)
(5) શ્રી ગુરુ સત્યનાથજી (બ્રહ્મા સ્વરૂપ)
(6) શ્રી ગુરુ ઉદયનાથજી (પાર્વતી સ્વરૂપ)
(7) શ્રી ગુરુ ચૌરંગીનાથજી (ચંદ્રમા સ્વરૂપ)
(8) શ્રી ગુરુ અચલ અરમભેનાથ (શેષનાગ સ્વરૂપ)
(9) શ્રી ગુરુ ગજ કન્થડનાથ (ગણેશ સ્વરૂપ)
આમ ગુરુ દત્તાત્રેયે કળિયુગમાં નાથ સંપ્રદાયની સ્થાપના કરી.