હિન્દુ પૌરાણિક ગ્રંથો મહાભારત, ભાગવત, હરિવંશ અને વિષ્ણુ પુરાણમાં શ્રીકૃષ્ણ કથા કેન્દ્રસ્થાને છે. શ્રીકૃષ્ણ એ વિષ્ણુનો આઠમો અવતાર છે, પરંતુ એકેશ્વરવાદમાં માનનારા માટે તે જ એક પરમ તત્ત્વ છે. ભાગવત પુરાણનો ચોથો ભાગ માત્ર ને માત્ર કૃષ્ણકથા, કૃષ્ણદર્શન અને કૃષ્ણ તત્ત્વ-જ્ઞાનને સમર્પિત છે. વિષ્ણુ સહસ્ત્રનામ પાઠમાં કૃષ્ણ નામ ૫૭મા સ્થાને આવે છે.
પૌરાણિક વિગતો અને જ્યોતિષીય ગણતરીને આધારે વિદ્વાનોએ શ્રીકૃષ્ણની જન્મતારીખ ૧૯ જુલાઈ ૩૨૨૮ ઈસ્વી સન પૂર્વે નિર્ધારિત કરી છે. તેમનો નિર્વાણ દિન ૧૭/૧૮ ફેબ્રુઆરી ૩૧૦૨ ઈસ્વી સન પૂર્વે મનાય છે. કુલ ૧૦૬ વર્ષના ઝંઝાવાતી જીવનકાળ દરમિયાન શ્રીકૃષ્ણ ૧૬,૧૦૮ પત્નીઓના સ્વામી બન્યા.
એક દેવતા તરીકે શ્રીકૃષ્ણની પૂજાનો પ્રારંભ ઇસુ ખ્રિસ્તના જન્મપૂર્વે ચોથી સદીમાં થયો તેવું મનાય છે. વાસુદેવ, બાળ કૃષ્ણ અર્થાત્ ગોપાલ તરીકે તેમની પૂજા શરૂ થઈ. ઇસવી સંવતની દસમી શતાબ્દીથી સંગીત, નૃત્ય અને નાટય જેવી રંગમંચીય કળાઓમાં શ્રીકૃષ્ણનો એક સર્વપ્રિય વિષય તરીકે આરંભ થયો. કૃષ્ણનાં વિવિધ રૂપોની ભક્તિની શરૂઆત પ્રાદેશિક ધોરણે શરૂ થઈ. આંધ્ર પ્રદેશમાં શ્રી વેંકટેશ્વર સ્વરૂપે, ઓડિસામાં શ્રી જગન્નાથ સ્વરૂપે, મહારાષ્ટ્રમાં શ્રી વિઠોબા તરીકે અને રાજસ્થાનમાં શ્રીનાથજી સ્વરૂપે શ્રીકૃષ્ણ ભગવાન તરીકે પૂજાવા લાગ્યા. મણિપુર તરફના વૈષ્ણવો માત્ર શ્રીકૃષ્ણને નહીં, પરંતુ રાધા-કૃષ્ણને ભજે છે.
શ્રીકૃષ્ણવાદ અથવા ગૌડીય વૈષ્ણવવાદ ૧૬મી સદીમાં શરૂ થયો. ભક્તિ ચળવળના ભાગરૂપે શ્રીકૃષ્ણની સ્વયંપરમાત્મા સ્વરૂપે ભક્તિનો પ્રારંભ મધ્ય યુગમાં શરૂ થયો. ઈસ્વી સન ૧૯૬૦થી કૃષ્ણભક્તિનો પ્રચાર-પ્રસાર આખા વિશ્વમાં થયો જે માટે ઇસ્કોન (ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ) દ્વારા કરાયેલા પ્રયાસો મુખ્ય છે.
ઋગ્વેદમાં કૃષ્ણ શબ્દ સ્ત્રીલિંગ તરીકે રાત્રી, કાલિમા, અંધકારના અર્થમાં પ્રયોજાયો છે (૪.૧૬.૧૩). એક કવિના નામ તરીકે પણ ઋગ્વેદમાં કૃષ્ણનો ઉલ્લેખ છે (૮.૮૫.૩). ઈસ્વી સન પૂર્વે ૯૦૦થી ૭૦૦ની વચ્ચે જેની રચના થઈ હોવાનું મનાય છે તે છાંદોગ્ય ઉપનિષદમાં વાસુદેવ કૃષ્ણનો ઉલ્લેખ દેવકીના પુત્ર તરીકે અને ઋષિ અગ્નિરસના શિષ્ય તરીકે થયો છે. અગ્નિરસે છાંદોગ્ય ઉપનિષદની રચના કરી હતી તેમ કહેવાય છે. ઈસ્વી સન પૂર્વે છઠ્ઠી સદીમાં નિરૂક્ત નામના શબ્દોની વ્યૂત્પત્તિ દર્શાવતા શબ્દકોશમાં અક્રૂરજીની પાસે સ્યમંતક મણિ હોવાનો ઉલ્લેખ છે. જ્યારે શતપથ બ્રાહ્મણ ગ્રંથો અને ઐત્રેય આરણ્યક ગ્રંથોમાં કૃષ્ણનું વૃષ્ણિ વંશ સાથેનું જોડાણ વર્ણવાયેલું છે. શ્રીકૃષ્ણ વાર્ષ્ણેય પણ કહેવાય છે.
ઈસ્વી સન પૂર્વે પાંચમી કે છઠ્ઠી સદીમાં થઈ ગયેલા પ્રસિદ્ધ વ્યાકરણશાસ્ત્રી અને અષ્ટાધ્યાયી ગ્રંથના રચયિતા પાણિની વસુદેવના પુત્ર વાસુદેવ તેમ જ કૌરવો અને અર્જુનનો ઉલ્લેખ કરે છે.
ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં સેલ્યુકસના પ્રતિનિધિ તરીકે રહેલા ગ્રીક રાજદૂત પ્રસિદ્ધ ઇતિહાસકાર મેગેસ્થનીઝ (ઈસ્વી સન પૂર્વે ૩૫૦-૨૯૦) ભારત વિશેના પોતાના પુસ્તક ‘ઇન્ડિકા’ (એટલે કે ઇન્ડિયા)માં હેરાક્લેસ (હરિકૃષ્ણ)નો ઉલ્લેખ કરે છે. અરિયન, ડિયોડોરસ અને સ્ટ્રેબો જેવા વિદ્વાનો કહે છે કે, મેગેસ્થનીઝે શૌરસેન નામની ભારતીય જનજાતિ વિશે લખ્યું છે જેના લોકો હેરાક્લેસની પૂજા પોતાની ભૂમિમાં કરતા હતા અને આ હેરાક્લેસ એટલે જ હરિકૃષ્ણ. તેમની ભૂમિનાં બે સ્થાનો ‘મેથોરા’ (મથુરા) અને કિલસોબોરા (કૃષ્ણપુરી) તથા જોબારસ (જમુના) નદીના ઉલ્લેખો પણ મેગેસ્થનીઝે કર્યા છે. યદુવંશમાં શ્રીકૃષ્ણ શૌરસેની હતા તે તો સર્વવિદિત છે.
ક્વિન્ટ્સ કિર્ટયસે પણ નોંધ્યું છે કે, જ્યારે સિકંદર અને પોરસ યુદ્ધના મેદાનમાં આમને-સામને થયા ત્યારે તેમનાં બખ્તર અને ઢાલ ઉપર હેરાક્લેસ (હરિકૃષ્ણ)ની પ્રતિકૃતિ અંકિત થયેલી હતી. બૌદ્ધ ગ્રંથોમાં કૃષ્ણ શબ્દનો ‘કાન્હા’ તરીકે અપભ્રંશીય ઉલ્લેખ મળે છે. જૈન પરંપરામાં તો દ્વારાવતી (દ્વારકા)ના વાસુદેવ અને બળદેવને પ્રાચીન દેવો તરીકે ગણાવાયા છે. શ્રીકૃષ્ણ વાસુદેવને જૈન પરંપરામાં નવમા કાળા વાસુદેવ ગણાવાયા છે અને સૃષ્ટિના હવે પછીના કાળમાં તેઓ બારમા તીર્થંકર બનશે તેમ કહેવાયું છે.
દેવકી, રોહિણી, બળદેવ તથા જવકુમારો સહિત તેમનું કુટુંબ પણ તે જ પરમ પદ પ્રાપ્ત કરશે. શ્રીકૃષ્ણ જૈનોના ૨૨મા તીર્થંકર નેમિનાથજીના પિતરાઈ છે. પ્રત્યેક જૈન કાળચક્રમાં શ્રીકૃષ્ણ ગુરુબંધુ બળદેવ સાથે જન્મ લે છે. બળદેવ જૈન સિદ્ધાંતો મુજબ અહિંસાને અનુસરે છે, પરંતુ શ્રીકૃષ્ણ ખલનાયક ‘પ્રતિવાસુદેવ’ અર્થાત્ જરાસંઘને હણવા માટે અહિંસાનો ત્યાગ કરે છે.
કૌટિલ્ય (ઈસા પૂર્વે ચોથી સદી)ના અર્થશાસ્ત્ર અનુસાર એક માત્ર ઈશ્વર સ્વરૂપે શ્રીકૃષ્ણ વાસુદેવની એક પરમ દેવ તરીકે પૂજા થતી હતી. પતંજલિ (ઈસુના જન્મના ૧૫૦ વર્ષ પહેલાં) તેમના મહાભાષ્યના શ્લોકોમાં શ્રીકૃષ્ણનો ઉલ્લેખ કરે છે અને કંસ વધનું નાટયાત્મક તેમ જ ચિત્રાત્મક વર્ણન કરે છે.
ઈસ્વી સન પૂર્વે પહેલી સદીમાં જે પાંચ વૃષ્ણિ દેવોની પૂજાનાં પ્રમાણ મળે છે તે દેવો છે બળરામ, કૃષ્ણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સામ્બ, મથુરા પાસે મોરા ગામેથી બ્રાહ્મી લિપિમાં મળેલા આ અંગેના અવશેષો હાલ મથુરાના મ્યુઝિયમમાં છે.
મહાભારતકાર તો શ્રીકૃષ્ણને વિષ્ણુનો અવતાર ગણે જ છે. તેના છઠ્ઠા પ્રકરણ ભીષ્મ પર્વના અઢાર અધ્યાયોમાં યુદ્ધભૂમિ ઉપર શ્રીકૃષ્ણે અર્જુનને શિખામણરૂપે કહેલી ભગવદ્ ગીતા આપણા આધ્યાત્મિક અને સામાજિક જીવનનું મહત્ત્વનું અંગ છે.