ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નોમ (આ વર્ષે ૨૫ માર્ચ)ના દિવસે મધ્યાહ્ન સમયે અયોધ્યાના રાજા દશરથના ઘરે કૌશલ્યા માતાની કૂખે થયો હતો. શ્રીરામ ભગવાનનો જન્મ મધ્યાહ્ન સમયે થયો હોવા પાછળ એક પ્રતીકાત્મક સંદેશ છે. બપોરના સમયે સૂર્ય એકદમ આકાશની વચ્ચોવચ આવીને સખત તપતો હોય છે. આ જ રીતે રામજન્મ સમયે પૃથ્વી પર આસુરી શક્તિઓએ માઝા મૂકી હતી. જ્યારે અત્યાચાર અને આસુરી શક્તિનો ત્રાસ ચરમસીમાએ પહોંચે છે તેવા જ મધ્યાહ્ન સમયે આસુરી શક્તિને ડામવા અને પૃથ્વી પર શાંતિનું વાતાવરણ સર્જવા માટે શક્તિનું અવતરણ થાય છે. શ્રીરામના મધ્યાહ્ન સમયે થયેલા જન્મ પાછળ આ જ અર્થ રહેલો છે.
ભગવાન જ્યારે પૃથ્વી પર મનુષ્યદેહે અવતાર લે છે ત્યારે તેમની દરેક લીલા જગતને એક સંદેશ આપનારી હોય છે. શ્રીરામનો જન્મ પણ અનેક મહાન ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે થયો હતો. રામ અવતારની કથા તો આપણે સારી રીતે જાણીએ જ છીએ. શ્રીરામનો જન્મ વિશેષ ઉદ્દેશ્યને પાર પાડવા માટે થયો હતો. આસુરી શક્તિનો વિનાશ કરીને એક ક્ષત્રિય ધર્મને નિભાવવાની સાથે તેમણે આજ્ઞાકારી પુત્ર, શ્રેષ્ઠ ભ્રાતા, પતિ અને આદર્શ રાજાનું કર્તવ્ય પૂર્ણ કરીને જગતના દરેક પુત્ર, ભાઈ, પિતા, પતિને તેમના કર્તવ્યનું સુંદર રીતે ભાન કરાવ્યું છે.
શ્રીરામ ભગવાને પુત્રથી માંડીને રાજા સુધીના દરેક કર્તવ્યને સારી રીતે નિભાવ્યાં છે. પરિવારમાં સંપત્તિ અને સત્તા માટે ભાઈઓ વચ્ચે કંકાશ થતો હોય છે. પ્રભુએ ચૌદ વર્ષનો વનવાસ સ્વીકારીને આજ્ઞાાકારી પુત્ર બનવાની સાથે આદર્શ ભ્રાતા બનીને રાજપાટ, વૈભવ બધું જ ત્યજી દીધું.
શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ હતા. પોતે સાક્ષાત્ ભગવાન હોવા છતાં પણ એક સાધારણ મનુષ્યની જેમ સુખ-દુઃખ ભોગવ્યાં હતાં. પિતાનું વચન પાળવા આજ્ઞાથી ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો. વનમાં રહ્યા તે દરમિયાન અસુરરાજ રાવણ પત્ની સીતાનું હરણ કરી ગયો. સીતાજીને શોધવા નીકળેલા રામ-લક્ષ્મણને હનુમાનજી, સુગ્રીવ, જાંબવાન, નલ-નીલની મદદ મળી. સમુદ્ર પર સેતુ બાંધીને તેઓ લંકા સુધી પહોંચ્યા. રાવણને છેલ્લી વાર સમજાવવા માટે દૂત પણ મોકલ્યા, છેવટે રામ-રાવણનું યુદ્ધ થયું. વિભિષણની વિશેષ મદદથી શ્રીરામ યુદ્ધ જીત્યા. રાવણ મૃત્યુ પામ્યો. ચૌદ વર્ષનો વનવાસ પૂરો થતાં શ્રીરામ અને સીતામાતા સહિત સૌ અયોધ્યા પહોંચ્યા.
આ વનવાસ દરમિયાન તેમણે અનેક અસુરોનો સંહાર કર્યો. તેઓ કોઈ પણ કાર્ય કરવા માટે મર્યાદા નહોતા ચૂક્યા. શ્રીરામ પ્રજાવત્સલ રાજા હતા. પ્રજામાંથી જ કોઈના કહેવાથી તેમણે માતા સીતાનો ત્યાગ કર્યો હતો. પોતાનાં બાળકો લવ-કુશથી દૂર રહેવું પડયું. અંતમાં માતા સીતા ધરતીમાં સમાઈ ગયાં. આટલાં દુઃખ કોઈ સામાન્ય મનુષ્ય સહન ન કરી શકે, પરંતુ મર્યાદા પુરુષોત્તમે મર્યાદાનો ત્યાગ કર્યા વગર આ બધું સહન કર્યું હતું.
રામનવમીના દિવસે ભક્તો મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જન્મજયંતીની ધૂમધામપૂર્વક ઉજવણી કરે છે. આ દિવસે ઉપવાસ રાખે છે અને વિધિવત્ શ્રીરામ અને સીતાજીનું પૂજન-અર્ચન કરવામાં આવે છે.
રામનામનો મહિમા
એવું કહેવાય છે કે બળવાનોમાં પણ સૌથી વધારે બળવાન શ્રીરામ છે. હનુમાનજી, લક્ષ્મણ, સુગ્રીવ, તુલસીદાસ, ગાંધીજી સહિતના ઘણાં સંતો-મહાત્માઓ શ્રીરામનું જ નામ સ્મરણ કરતા હતા. રામ શબ્દ જેટલો સુંદર છે તેનાથી પણ વધારે મહત્ત્વ રામ નામ સ્મરણનું છે. શ્રીરામ નામનું ઉચ્ચારણ કરતાંની સાથે જ શરીર અને મનમાં એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે જે આપણને આત્મિક શાંતિ આપે છે.
જ્યારે લંકા સુધી પહોંચવા માટે સમુદ્ર પર સેતુ બનાવવાનો વિચાર આવ્યો, પરંતુ બધાના મનમાં એક શંકા અને પ્રશ્ન હતો કે પથ્થર પાણીમાં તરી શકે? શું તરતા પથ્થરોથી સેતુ બની શકે? આ શંકાને દૂર કરવા માટે દરેક પથ્થર પર શ્રીરામ નામ લખવામાં આવ્યું અને પથ્થર પાણી પર તરવા લાગ્યા. આમ, રામના નામે પથ્થર પણ તરી ગયા. હનુમાનજી એક સમયે વિચારમાં પડી ગયા હતા કે સેતુ વગર હું લંકા પહોંચી શકું? પરંતુ જોતજોતામાં શ્રીરામનું નામ લઈને તેઓ માત્ર એક ફલાંગમાં જ સમુદ્રને પેલે પાર લંકામાં પહોંચી ગયા.
ભગવાન શ્રીરામના જન્મ પહેલાં આ નામનો ઉપયોગ ઈશ્વર માટે અર્થાત્ બ્રહ્મ, પરમેશ્વર, ઈશ્વર વગેરેની જગ્યાએ પહેલાં રામ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો, તેથી આ શબ્દનો મહિમા ઔર વધી જાય છે. આથી જ તો કહેવાય છે કે રામથી પણ બળવાન તેમનું નામ છે.
રામ શબ્દનો ધ્વનિ આપણા જીવનનાં બધાં જ દુઃખોને દૂર કરવાની શક્તિ ધરાવે છે એવું ધ્વનિ વિજ્ઞાન પર સંશોધન કરનારા વિજ્ઞાાનીઓ પણ જણાવે છે. તેઓ કહે છે કે રામનામનું ઉચ્ચારણ કરવાથી મન શાંત થઈ જાય છે.
કળિયુગમાં રામનામ જ એક એવું છે કે જે મનુષ્યને સમસ્ત પ્રકારનાં દુઃખોમાંથી ઉગારી શકે છે. તમામ પ્રકારના રોગની એક જ દવા છે રામનું નામ. વર્તમાનમાં ધ્યાન, તપ, સાધના અને અતૂટ ભક્તિ કરવાથી પણ વધારે શ્રેષ્ઠ છે ભગવાન શ્રીરામ નામનો જાપ.
સંત શિવાનંદ નિરંતર રામનું નામ જપતા રહેતા. એક દિવસ તેઓ વહાણ પર યાત્રા દરમિયાન રાત્રે ગાઢ નિદ્રામાં હતા. અડધી રાત્રે કેટલાંક લોકો ઊઠયા અને પરસ્પર ચર્ચા કરવા લાગ્યા કે રામનામનો જાપ કોણ જપી રહ્યું છે? લોકોએ વિરાટ છતાં શાંતિમય અવાજની શોધ શરૂ કરી કે તે ક્યાંથી આવે છે અને આ કરતાં તેઓ શિવાનંદ પાસે પહોંચી ગયા.
બધાં જ લોકોને તે જાણીને આશ્ચર્ય થયું કે શિવાનંદ તો ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યા છે તો તેમની અંદરથી આ અવાજ કેવી રીતે નીકળી રહ્યો છે? આશ્ચર્યમાં ડૂબેલા તમામ લોકોએ શિવાનંદજીને જ્યારે જગાડયા ત્યારે અચાનક જ તે અવાજ બંધ થઈ ગયો. પછી બધાએ તેમને પૂછયું કે, ‘જ્યારે તમે સૂઈ રહ્યા હતા ત્યારે તમારી અંદરથી રામનામનો અવાજ આવતો હતો. તેનું રહસ્ય શું છે?’
શિવાનંદે કહ્યું, ‘હું પણ તે અવાજને સાંભળતો રહું છું. પહેલાં મારે તે જપવું પડતું હતું, પરંતુ હવે નહીં...’ આ છે રામનામનો મહિમા... બોલો જય શ્રીરામ...