ચૈત્ર સુદ નોમના દિવસે બપોરે બાર વાગ્યે અયોધ્યાના રાજા દશરથના ઘરે કૌશલ્યા માતાની કૂખે ભગવાન શ્રીરામે જન્મ લીધો હતો. આ પર્વને આપણે સહુ રામનવમી (આ વર્ષે ૨૮ માર્ચ) તરીકે ઉજવીએ છીએ. રામ અવતારની કથા તો સહુ કોઇ જાણે છે, પરંતુ શ્રી રામના જન્મના મહાન ઉદ્દેશને સાચા અર્થમાં કેટલા લોકો સમજે છે કે જીવનમાં અનુસરે છે? બહુ ઓછા. ભગવાન પૃથ્વી પર મનુષ્યદેહે અવતાર લે છે ત્યારે તેમની દરેક લીલા જગતને એક સંદેશ આપનારી હોય છે. ભગવાન શ્રીરામનો જન્મ પણ અનેક મહાન ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે થયો હતો.
દરેક ઈશ્વરીય અવતાર પૃથ્વી પર મનુષ્યદેહે અવતાર લઈને મનુષ્ય જાતિને તેમના જીવન આચરણથી જીવન જીવવાનું સુંદર માર્ગદર્શન આપી જાય છે. શ્રીરામ ભગવાનનો અવતાર પણ આ ઉદ્દેશ્યને પાર પાડવા માટે થયો હતો. આસુરી શક્તિનો વિનાશ કરીને એક ક્ષત્રિયનો ધર્મ નિભાવવાની સાથે તેમણે આજ્ઞાકારી પુત્ર, શ્રેષ્ઠ ભ્રાતા, પતિ અને આદર્શ રાજાનું કર્તવ્ય નિભાવીને જગતના પુત્રને, ભાઈને, શાસકને આચરણ દ્વારા તેમના કર્તવ્યનું સુંદર રીતે ભાન કરાવ્યું છે. તેમના અવતરણના દિવસે સહુ કોઇએ આ ગુણોને આત્મસાત્ કરવાની જરૂર છે.
શ્રીરામ ભગવાને તેમના પુત્રથી માંડીને રાજા સુધીના દરેક કર્તવ્યને એ રીતે નિભાવ્યું છે કે દરેક પુત્ર, ભાઈ, રાજાને પણ તેમના જેવા બનવાની પ્રેરણા મળતી રહે. પરિવારમાં સંપત્તિ અને સત્તા માટે ઘણી વાર ભાઈઓ વચ્ચે કંકાશ થતો હોય છે. પ્રભુએ ૧૪ વર્ષનો વનવાસ સ્વીકારીને આજ્ઞાકારી પુત્ર બનવાની સાથે આદર્શ ભ્રાતા બનીને રાજપાટ, વૈભવ બધું જ ત્યજી માત્ર વલ્કલ ધારણ કરી લીધાં. જો દરેક ભાઈ પણ રામ જેવું વિશાળ હૃદય રાખે અને તેમના ભાઈ માટે ત્યાગની ભાવના રાખે તો આદર્શ પરિવારનું નિર્માણ થઈ શકે છે. ભગવાન શ્રીરામે ક્ષત્રિય ધર્મને પણ બખૂબી નિભાવ્યો છે. તેમના જન્મનો મૂળ ઉદ્દેશ જ આસુરી શક્તિનો વિનાશ કરવાનો હતો. આ ઉદ્દેશને પાર પાડવા તેમણે ધનુષ્યવિદ્યામાં કુશળતા મેળવી અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને પૃથ્વીને આસુરી શક્તિના આતંકથી મુક્ત કરી ચોમેર શાંતિ અને સદભાવનાની સ્થાપના કરી હતી. આપણે પણ શ્રીરામ ભગવાનના આ ગુણને ગ્રહણ કરીને, જીવનના અંતિમ શ્વાસ સુધી માનવહિતનાં કાર્ય કરીને સત્કર્મની કમાણી કરીએ તો શ્રીરામ ભગવાનના ચરિત્રને ખરા અર્થમાં સમજ્યા ગણાય.
રામરાજ્યને આદર્શ રાજ્ય માનવામાં આવે છે. ભગવાન શ્રીરામની રાજનીતિ એવી હતી કે જેમાં છેવાડાના મનુષ્યને પણ રાજ્યના પ્રથમ નાગરિક જેટલું જ મહત્ત્વ અપાતું હતું. તેમના રાજ્યમાં એક પણ માણસ દુઃખી, નિસહાય અને લાચાર ન હતો. રાજા રામે રાજવહીવટ કરતા એવો આદર્શ પૂરો પાડયો હતો કે રાજા પ્રજા માટે છે, પ્રજા રાજા માટે નથી. જો દરેક દેશના શાસક પ્રજા થકી અને પ્રજા માટે શાસન કરતા થાય તો રામરાજ્યની કલ્પના આજે પણ ફરી પરિપૂર્ણ થઈ શકે તેમ છે.
આપણે દર વર્ષે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જન્મતિથિને ઉપવાસ કરીને, વિધિવત્ પૂજન કરીને મનાવીએ છીએ, પરંતુ આની સાથોસાથ જો તેમના ગુણોને પણ ગ્રહણ કરવામાં આવે તો પરિવારથી માંડીને રાષ્ટ્ર સુધીની દરેક સમસ્યાનો સરળતાથી ઉકેલ આવી જાય.