પ્રભુ શ્રી રામ ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ અને નિષ્ઠાકેન્દ્ર છે. એ જ રીતે શ્રી કૃષ્ણ પણ. આ બંને ભગવાન આજે પણ ભારતીયોનાં હૃદય ઉપર શાસન કરી રહ્યા છે. ઠેર ઠેર અને ચોતરફથી આવતો શ્રીરામ જયરામ જય જય રામની ધૂનનો અવાજ આ બાબતની સાક્ષી પૂરી રહ્યો છે.
આપદામ્ પહતર્ર દાતારમ્ સર્વ સંપદામ્।
લોકભિરામં શ્રીરામં ભૂયો ભૂયો નમામ્યહમ્।।
ભગવાન શ્રી હરિનાં (શ્રી વિષ્ણુ) મુખ્ય દશ અવતારો પૈકી શ્રીરામ અવતાર શ્રેષ્ઠ મનાય છે. પ્રભુ શ્રીરામનો જન્મ એ કારણ જન્મ છે. તેઓ સામાન્ય માણસની જેમ જીવ્યા અને લોકોને જીવન જીવવાની કળા બતાવી. સ્વભાવે ખૂબ જ નમ્ર અને સરળ, શાંત પ્રકૃતિના કારણે યુગો યુગોથી માનવ તેમની પૂજા કરતો આવ્યો છે. મહર્ષિ વાલ્મીકિ કહે છે ‘ચરિતં રઘુનાથસ્યં શતકોટી સવિસ્તરમ્’ અર્થાત્, પ્રભુ રામના ચરિત્રને કારણે ભારતના ખૂણે ખૂણે તેઓ વસ્યા. ભારતનો એક પણ ખૂણો એવો નહીં હોય કે જ્યાં રામમંદિર ન હોય કે જ્યાં રામધૂનનો અવાજ ન હોય? વાસ્તવમાં પ્રભુ શ્રી રામ જન્મ્યા અયોધ્યામાં, પરંતુ 14 વર્ષના વનવાસ દરમિયાન પૂરી ભારતયાત્રા કરી. એ સંદર્ભે સમગ્ર દેશમાં ગલીએ ગલીએ તેની ખ્યાતિ અજરઅમર છે.
સામાન્ય જનજીવનમાં વણાઈ જતા પ્રભુ શ્રી રામ
પ્રભુ શ્રી રામ આપણા સહુના જીવનમાં ઓતપ્રોત થઈ ગયા છે. આપણા દેશમાં ગ્રામ્યજીવનમાં કોઈ વ્યક્તિ એકબીજાને સામસામી મળે એટલે પરસ્પર હાથ મેળવીને ‘રામ-રામ’ બોલે. ‘રામ રાખે તેને કોણ ચાખે’ એ કહેવતમાં માનવને પ્રભુ તરફથી રક્ષણ શક્તિનો અહેસાસ બતાવે છે. ‘રામ રાખે તેમ રહીએ’ એ શબ્દોથી રામ પ્રત્યેની સમપર્ણ વૃત્તિનાં દર્શન થાય છે. પ્રભુના વિશ્વાસ ઉપર ચાલનાર ઘટના કે પ્રસંગને ‘રામભરોસે’ શબ્દથી બતાવીએ છીએ. પ્રભુની સર્વવ્યાપકતાનું દર્શન આપણને ‘ઘટઘટમાં બીરાજે રામ’ એ કહેવતમાં થાય છે. કોઈપણ સુવ્યવસ્થિત રાજ્ય કે પરિવાર માટે ‘રામ-રાજ્ય’ વાક્યપ્રયોગ પણ કરીએ છીએ. સત્યનિષ્ઠ અને પ્રામાણિક એવા મહામાનવ રામનામનો અંચળો ઓઢીને કોઈ દંભ કરે તો તેના પ્રત્યે આપણે સહજતાથી બોલી ઊઠીએ છીએ કે, ‘મુખ મેં રામ બગલ મે છુરી’ જીવનમાં આપણા સ્વાર્થ માટે રામનામને સાધન બનાવીએ તો કોઈકે સરસ મજાનો કટાક્ષ કર્યો છેઃ રામનામ જપના પરાયા માલ અપના જીવનમાં જ્યારે આપણું ભવિષ્ય ધૂંધળું હોય, આપણે અસહાય હોઈએ ત્યારે આપણા હૃદયમાંથી દુઃખભર્યા ઉદ્ગાર નીકળી ઊઠે કે ‘ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે.’ કોઈ નિષ્ફિકર માણસને આપણે ‘મસ્તરામ’ કહીને બોલાવીએ છીએ.
આ રીતે પ્રભુ શ્રી રામ આપણા રોજબરોજના જીવનમાં સહજ રીતે વણાઈ ચૂક્યા છે. જાણતાં -અજાણતાં પણ માનવમુખે પ્રભુ શ્રી રામ બિરાજી રહ્યા છે. હદ તો ત્યાં થાય છે કે જીવનના અંત સમયે જ્યારે કોઈ વ્યક્તિની અંતિમયાત્રા નીકળે ત્યારે પણ ‘રામબોલો ભાઈ રામ’ અથવા તો ‘શ્રી રામ... શ્રી રામ..’ બોલતાં બોલતાં સ્મશાન તરફ લઈ જઈએ છીએ. આવા પ્રેમાળ અને ધીરગંભીર પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ ઊજવવા સહુ કોઇ તત્પર છે.
હિંદુઓના મુખ્ય તહેવારમાં રામ જન્મોત્સવ - રામનવમી (આ વર્ષે 6 એપ્રિલ) ધાર્મિક તહેવાર છે. વસંતઋતુ કાળ, ચૈત્ર સુદ નવમી તિથિ, ગુરુવાર, પુનર્વસુ નક્ષત્ર સમયે અભિજિત મુહૂર્ત યાને કે મધ્યાહ્ન સમયે બપોરે 12 કલાકે ત્રેતાયુગમાં જન્મ થયો હતો. શ્રદ્ધાળુ અને લાગણીશીલ ભારતીય પ્રજા આ પવિત્ર સમયને રામનવમી તરીકે ઊજવે છે.
રામજન્મનો મુખ્ય ઉદ્દેશ રાવણનો સંહાર કરી, પૃથ્વીને અસુરોના ત્રાસથી મુક્ત કરી, પૃથ્વી ઉપર સુશાસનની સ્થાપના કરી, લોકોને પ્રભુના માર્ગે વાળી યોગ્ય અને આદર્શ જીવન જીવવાની કલા શીખવી અને માનવોનું કલ્યાણ કરવું એ જ મુખ્ય હેતુ હતો.
રઘુકુલભૂષણ ભગવાન શ્રીરામ જેવું મર્યાદારક્ષક આ જ સુધી બીજું કોઈ જ નથી અને ભવિષ્યમાં પણ થશે નહીં.’ એમ કહેવું તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. તેઓ સાક્ષાત્ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ હતા. તેઓ અવતરણ બાદ એક સદાચારી આદર્શ મનુષ્ય તરીકે જ રહ્યા. તેમના આદર્શો, લીલા ચરિત્રો વાંચવાં સાંભળવાં હરહંમેશ ગમે જ. તેમનું ચરિત્ર વાંચતાની સાથે જ મન મુગ્ધ બની જાય. તેમનું પ્રત્યેક કર્મ આજના મનુષ્યને જીવવા માટે આદર્શ પ્રેરણાસ્ત્રોત ગણાય છે.
પ્રભુ શ્રી રામ આદર્શ ગુણોનો સાગર
પ્રભુ શ્રીરામ સદ્ગુણોના સાગર હતા. સત્ય, સૌહાર્દ, દયા, ક્ષમા, મૃદુતા, ધીરતા, વીરતા, ગંભીરતા, શાસ્ત્રજ્ઞાન, શસ્ત્રજ્ઞાન, પરાક્રમ, નિર્ભયતા, વિનય, શાંતિ, તિતિક્ષા, સંયમ, નિઃસ્પૃહતા, નીતિજ્ઞતા, તેજ, વીર્ય, પ્રેમ, ત્યાગ, મર્યાદા સંરક્ષણ, એકપત્નીત્વ, પ્રજારંજકતા, બ્રાહ્મણભક્તિ, માતૃભક્તિ, પિતૃભક્તિ, ગુરુભક્તિ, ભાતૃપ્રેમ, મૈત્રી, શરણાગત વત્સલતા, સરળતા, વ્યવહારકુશળતા, પ્રતિજ્ઞા પાલન, સાધુરક્ષણ, દુષ્ટદલન, નિર્વેરતા, લોકપ્રિયતા, બહુજ્ઞાતા, ધર્મજ્ઞતા, ધર્મપરાયણતા, પવિત્રતા જેવા અનેક ગુણો પ્રભુ શ્રીરામમાં નિત્ય નિરંતર રહ્યા તેથી જ તેઓ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ તરીકે ઓળખાયા.
આવા તમામ ગુણોનું વર્ણન રામાયણ (વાલ્મીકિ રામાયણ)ના બાલકાંડ અને અયોધ્યાકાંડમાં સુગ્રથિત રીતે વર્ણવેલું છે. પ્રભુના આ એક એક ગુણ ઉપર એક એક વિશેષ લેખ તૈયાર થઈ શકે છે. રામકથાથી તો ભારતનું નાનામાં નાનું બાળક પણ પરિચિત છે જ.
રામનામનું માહાત્મ્ય સદાશિવના મુખે
આપણા હૃદયમાં નિવાસ કરનારા, દિવ્ય આત્મસ્વરૂપ પ્રભુ શ્રીરામનો અસલ પરિચય એક શ્રદ્ધાળુ તરીકે આપણે સદાશિવના મુખે મેળવી જોઈએ. એક વાર માતા પાર્વતીએ પ્રભુ શ્રી સદાશિવને પૂછયું કે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો સૂક્ષ્મ અને ટૂંકો માર્ગ કયો? તેના ઉત્તરમાં મહાદેવજીએ શ્રીવિષ્ણુ સહસ્ત્ર નામ જપ માટે આ મંત્ર બનાવ્યો.
શ્રી રામ રામ રમેતિ રમે રામે મનોરમે ।
સહસ્ત્ર નામ તત્તુલ્યં રામ નામ વરાનને ।।
આ શ્લોકનું માત્ર ત્રણ વાર સ્મરણ કરવાથી શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના એક પાઠના ફળ જેટલું પૂણ્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે વ્યક્તિના અંત સમયે, મૃત્યુ સમયે તે વ્યક્તિના કાનમાં આ મંત્રનો નાદ કરવાથી વ્યક્તિ સદ્ગતિ પામે છે.
કલિયુગમાં શ્રીરામ, તિરુપતિ બાલાજી સ્વરૂપે
વિષ્ણુમૂર્તિ પ્રભુ શ્રીરામ કલિયુગમાં તિરુમલ પર્વત ઉપર સ્થિર થઈને શ્રી તિરુપતિ બાલાજી સ્વરૂપે, શ્રી વેંકટેશજી સ્વરૂપે ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. આજે પણ નિત્ય પ્રભુને જગાડવા માટે તિરુપતિમાં આ સુપ્રભાતમ્ ગવાય છે.
કૌશલ્યા સુ પ્રજા રામ પૂર્વસંધ્યા પ્રવર્તતે
તો આવો, આ પ્રેરણામૂર્તિ સદ્ગુણ સાગર પ્રભુ શ્રી રામના એકાદ ગુણને અનુસરવાનો નમ્ર પ્રયાસ કરીએ તો મને લાગે છે કે રામજન્મ મહોત્સવ યથાર્થ ગણાશે.