મહાશિવરાત્રી એટલે ભગવાન શંકરના પૂજનનું આ સૌથી મોટું પર્વ. હિન્દુ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીને ભગવાન શંકરનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. શિવનો અર્થ છે કલ્યાણ કરવું. આમ તો શિવરાત્રી દરેક મહિનાની ચતુર્દશી તિથિએ હોય છે, પરંતુ મહા વદ ચૌદશ (આ વર્ષે ૧૭ ફેબ્રુઆરી)ને મહાશિવરાત્રી કહેવામાં આવી છે.
એવું મનાય છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરનું રુદ્ર રૂપમાં અવતરણ થયું હતું. આ સિવાય પણ કેટલીયે કથાઓ મહાશિવરાત્રી સાથે જોડાયેલી છે. અલબત્ત, કથા કોઈ પણ હોય, પરંતુ શિવજીને પ્રસન્ન કરવાનો શ્રાવણ માસ બાદ આ બીજો શ્રેષ્ઠ અવસર છે.
મહાશિવરાત્રીના ઉત્સવને ભગવાન શંકરના વિવાહ-ઉત્સવ તરીકે પણ મનાવવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે જ મહાદેવે પાર્વતીજી સાથે એક ધ્યેયપૂર્ણ વિવાહ કર્યા હતા. શિવજીના પાર્વતીજી સાથે વિવાહ દેવોના સેનાપતિ કુમાર કાર્તિકેયના જન્મ માટે થયા હતા કેમ કે તેમના હાથે જ તાડકાસુરનો વધ થવાનો હતો. તાડકાસુરના વધ માટે શિવજીના પુત્રનું સેનાપતિત્વ અનિવાર્ય હતું. આ માટે તપસ્યામાં લીન શિવજીના મનમાં પાર્વતી પ્રત્યે અનુરાગ ઉત્પન્ન કરવો જરૂરી હતો. તેથી કુમારના જન્મને શક્ય બનાવવા માટે દેવતાઓએ કામદેવને શિવજીના મનને હરવા માટે મોકલ્યા.
કામદેવે દૂર ઊભા રહીને શિવજી પર પોતાનાં કામબાણ ચલાવ્યાં. તેનાથી શિવજીનું ધ્યાન તો ભંગ થયું સાથે સાથે પાર્વતીજીની સેવાનું પણ જ્ઞાન થયું. પાર્વતી પર કૃપા, સ્નેહ અને અનુરાગ તો ઉત્પન્ન થયો, પરંતુ કામદેવ પર ક્રોધ પણ આવ્યો. ક્રોધવશ તેમણે પોતાનું ત્રીજું નેત્ર ખોલીને કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યા. ત્યારબાદ રતિ અને દેવતાઓની પ્રાર્થના સાંભળી કામદેવને ફરીથી પોતાનું અસલી રૂપ પાછું આપ્યું.
જોકે શિવજીના મનમાં પાર્વતી પ્રત્યે જે અનુરાગ ઉત્પન્ન થયો તે અશરીર જ રહ્યો. આ જ તો આપણો જીવન આદર્શ છે. આ વાતના સ્મરણ માટે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. વિવાહ એ માત્ર બે વ્યક્તિ કે પરિવારોનું જ મિલન નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત આસુરી શક્તિઓનો વિનાશ કરીને શુભ સંસ્કારોનું પોષણ કરવા માટે વિવાહ સંસ્કાર છે.
મહાશિવરાત્રીનું વ્રત-પૂજન સૌથી શ્રેષ્ઠ મનાય છે. મહાશિવરાત્રીને પોતાના આત્માને નિર્મળ બનાવવાનું મહાવ્રત માનવામાં આવે છે. આ વ્રત-પૂજન થકી સરળતાપૂર્વક કોઈ પણ મનુષ્ય ભોળાનાથ શંકરની કૃપા પ્રાપ્ત કરી લે છે. મહાશિવરાત્રીનું વ્રત કરવાથી મનુષ્યનાં સમસ્ત પાપોનો નાશ થાય છે. વ્યક્તિમાં દયા, કરુણા જેવા ભાવો પેદા થાય છે. ઈશાન સંહિતામાં મહાશિવરાત્રીનો ઉલ્લેખ આ પ્રમાણે છે -
શિવરાત્રી વ્રતમ્ નામ સર્વપાપ્ પ્રણાશનમ્ ।
આચાણ્ડાલ મનુષ્યાણમ્ ભુક્તિ મુક્તિ પ્રદાયકં ।।
અર્થાત્ શિવરાત્રી નામનું વ્રત સમસ્ત પાપોનું શમન કરનારું છે. આ દિવસે વ્રત કરવાથી દુષ્ટ મનુષ્યને પણ ભક્તિ અને મુક્તિ મળે છે.