માતા અન્નપૂર્ણાઃ વિશ્વનું ભરણપોષણ કરનાર અન્ન-આહાર આપનારાં દેવી

અન્નપૂર્ણા વ્રત (7 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર)

Wednesday 27th November 2024 07:11 EST
 
 

ઘરમાં ધનધાન્ય ભર્યાં રહે એ માટે હિન્દુ ધર્મ પરંપરામાં દેવી અન્નપૂર્ણાની પૂજા કરાય છે. સમગ્ર વિશ્વનું ભરણપોષણ કરનાર અને અન્નજળ દ્વારા દુનિયાને જિવાડનાર દેવી અન્નપૂર્ણા છે. એમની ઉદારતા ત્રણેય ભુવનમાં અજોડ છે. ઉપનિષદોમાં પણ કહ્યું છે કે, ‘અન્ન ખલુ બ્રહ્મ’ અન્નનો તિરસ્કાર કરવાથી કેવું દુષ્પરિણામ આવે તે ‘ભવિષ્યોત્તર પુરાણ’માં દેવી અન્નપૂર્ણાના વ્રતની કથા ઋષિ અગસ્ત્ય દંડકવનમાં રામ-લક્ષ્મણને સંભળાવે છે.

શિવપુરાણમાં શિવના અનેક અવતારોની કથાઓ છે. એક વાર ભિક્ષુકનો અવતાર લઈ તેઓ અન્નપૂર્ણા સામે ‘ભિક્ષાં દૈહિ...’ કહીને ઊભા રહ્યા, અને ભગવતીએ તેમને પોતાના અક્ષયપાત્રમાંથી ભીક્ષા આપી. ભિક્ષુક શિવજી તો દેવી અન્નપૂર્ણાની પ્રેરણાથી દિવસ દરમિયાન મળેલી બધી ભિક્ષા દરિદ્રનારાયણોને વહેંચી દેતા. સદાશિવ ભિક્ષા માગી જીવન વ્યતીત કરી રહ્યા હતા. તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઇને ઉમાદેવી અન્નપૂર્ણા બન્યાં તે સમયથી શિવજીએ ભિક્ષા માગવાનું બંધ કરી દીધું. જે કોઇ ભાવિક નર-નારી અન્નપૂર્ણા દેવીની આરાધના-ઉપાસના કરે છે, સ્તવન કરે છે, તેમનું વ્રત કરે છે, સ્તોત્રગાન કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
મા અન્નપૂર્ણાનું પ્રાગટ્ય
અન્નપૂર્ણાનો સરળ અર્થ છે - જે અન્ન પૂરું પાડે તે અન્નપૂર્ણા. પૃથ્વી પરના ભૂખ્યા લોકોનાં પેટ ઠારવાં તથા તેમને સુખ-શાંતિ, અભ્યુદય અને ઐશ્વર્ય આપવા જગતજનની મા પાર્વતીજીએ જ અન્નપૂર્ણાનું સ્વરૂપ ધારણ કર્યું છે.
પૌરાણિક-પ્રાચીન કથા અનુસાર દેવર્ષિ નારદ ભ્રમણ કરતાં કરતાં પૃથ્વીલોક પર આવી ચડ્યા. તેમણે જોયું તો વિનાશક દુષ્કાળને કારણે પૃથ્વીવાસીઓ ભૂખમરાનો ભોગ બન્યા છે. આ દુઃખ જોઇ નારદજીએ પૃથ્વીને સલાહ આપી કે, તમે મહાદેવજીને પ્રાર્થના કરો તો આ આપત્તિમાંથી સૌને અવશ્ય મુક્ત કરશે. ત્યારપછીની કથાનો સારાંશ જોઇએ તોઃ ગાયનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વીદેવી મહાદેવજી પાસે ગયાં અને ભીષણ દુષ્કાળનું દુઃખ માનવજાત અને પશુ-પંખીઓ કેવી રીતે વેઠી રહ્યાં છે તેનું શબ્દશઃ વર્ણન કર્યું. કરૂણાસાગર મહાદેવજીએ જીવમાત્ર માટેના દયાભાવ અને સહાનુભૂતિથી અનાજના થોડા કણ પૃથ્વી પર ફેંક્યા અને આશીર્વાદ ઉચ્ચાર્યા કે, હવે પૃથ્વી પર ધાન્યની અછત રહેશે નહીં. પછી થોડા જ સમયમાં પૃથ્વી હરીભરી થઇ ગઇ.
માતા પાર્વતીજીના આશીર્વાદથી અને શિવ-પાર્વતીજીની લીલા થકી ઘમંડને પામેલો નંદી બળદનો અવતાર ધારણ કરી પૃથ્વી પર આવ્યો હતો. તેની મહેનતથી અનાજ પાકવા લાગ્યું. પશુ-પંખીઓને તો પેટ ભરવાની ચિંતા જ મટી ગઇ. છતાં હજુ પણ મહેનત કરવા છતાં અસંખ્ય માણસો ધાન્યના અભાવમાં પોતાનાં સંતાનોનું પેટ ભરી શકતાં નહોતા. આ લોકો પાસે ખેતર કે વાડી પણ નહોતાં કે તેઓ અનાજ ઉગાડી શકે. ઉદાસ પૃથ્વીદેવીએ ફરીથી શિવ-પાર્વતીની પ્રાર્થના કરી અને લાખો, કરોડો દુ:ખી લોકોની યાતના રજૂ કરી.
આ સાંભળી મહાદેવજીએ ફરી પાર્વતીજીને કહ્યું, ‘તમે જગતજનની માતા છો. જીવમાત્રનાં દુઃખ દૂર કરવાની ક્ષમતા તમારામાં છે. હું ભિક્ષાપાત્ર લઇ આપને વિનંતી કરું છું કે તમે પૃથ્વીવાસી માણસોના કારમા દુઃખ એવી ‘ભૂખ’નો ઇલાજ કરો.’
શિવજીની વિનંતીથી પરદુઃખભંજની મા પાર્વતીજી બોલ્યાં કે, ‘હું અન્નપૂર્ણા રૂપે પૃથ્વી પર પ્રગટ થઇશ. જે શ્રદ્ધાથી મારું ધ્યાન કરશે, પૂજન કરશે, આરાધના કરશે, મારું શરણ ગ્રહણ કરશે તેનાં દુઃખ હું મિટાવીશ.’

માગશર સુદ છઠ (આ વર્ષે 7 ડિસેમ્બર)ના દિવસે મા અન્નપૂર્ણા પ્રગટ થયાં, એટલે અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ પણ તે જ દિવસથી થાય છે. જે મનુષ્ય ભક્તિ-શ્રદ્ધા અને નિષ્ઠા સાથે આ વ્રત કરે છે તેના પર અને તેના પરિવાર પર માની કૃપા વરસે છે અને તેનું જીવન ધન્ય બની જાય છે. અન્નપૂર્ણાનું વ્રત માગશર સુદ છઠ્ઠથી વદ અગિયારસ (આ વર્ષે 7થી 27 ડિસેમ્બર) સુધી 21 દિવસનું એકટાણું કરીને કરાય છે.

અન્નપૂર્ણે, સદાપૂર્ણે, શંકરપ્રાણવલ્લભે
મા અન્નપૂર્ણાનું ઔદાર્ય ત્રણેય લોકમાં અનેરું, અનોખું અને અજોડ છે. વિશ્વનું ભરણપોષણ કરનાર અન્ન-આહાર આપનારાં દેવી એટલે અન્નપૂર્ણા, તે વિશ્વના સર્વ જીવ પ્રાણીમાત્રનું ભરણપોષણ કરનારી ભુવનેશ્વરી શક્તિ છે. દુનિયાને અન્ન-જળ આપી જિવાડનાર દેવી અન્નપૂર્ણા છે.
પાર્વતીજી એ જ ઉમા, શિવા, શક્તિ, ભવાની, ભુવનેશ્વરી તથા અન્નપૂર્ણા કહેવાય છે. એ જ કીડીને કણ અને હાથીને મણ આપનારી, પૂર્ણ પોષણ આપનારી દેવી છે. દેવી અન્નપૂર્ણાની આરાધના કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ અભરે ભરાય છે.
અન્નપૂર્ણા માતાજી ચિંતાપૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. પાર્વતી જગદંબા એ પણ અન્નપૂર્ણા જ છે. પ્રાચીન સમયથી ભારતમાં શક્તિપૂજા ખૂબ જ વ્યાપક બની છે. શક્તિપૂજા સર્વ જાતિઓમાં અને સંપ્રદાયોમાં ફેલાઇ ગઇ છે. દેશભરમાં ઘણાં સ્થાનોમાં દેવી અન્નપૂર્ણા માતાજી તરીકે પૂજાય છે.

પાર્વતીજીનું એક સ્વરૂપ
પુરાણકાળમાં શિવપત્ની પાર્વતીજી એક સ્વરૂપ અન્નપૂર્ણા રૂપે પૂજાવા લાગ્યાં. શિવપુરાણ પ્રમાણે મોક્ષપુરી કાશીમાં મહાદેવજી પોતાની પ્રાણેશ્વરી દેવી અન્નપૂર્ણા સાથે જ્યોતિર્લિંગ રૂપે પ્રતિષ્ઠિત થયા છે. પહેલાં તે શ્વસુરગૃહે હિમાલયના કૈલાસમાં રહેતા હતા, પરંતુ દેવી અન્નપૂર્ણા (પાર્વતી)ના આગ્રહથી કાશીમાં આવીને વિશ્વનાથ રૂપે રહેવા લાગ્યા. કાશીના વિશ્વનાથ મંદિરની પડખે જ આજે પણ ચાંદીના કલાત્મક સિંહાસન ઉપર વિરાજમાન છે.

જગદ્ગુરુ આદિ શંકરાચાર્ય ભ્રમણ કરતાં કરતાં કાશીમાં ગયા. ત્યાં અન્નપૂર્ણા મંદિરની સમક્ષ ઊભા રહીને દેવી અન્નપૂર્ણાના સ્વરૂપ-મહિમાનું વર્ણન કરતો ‘અન્નપૂર્ણાષ્ટક સ્તોત્ર’ રચ્યો. સ્તુતિનો એક શ્લોક જોઈએ.

ભારતમાં માતા અન્નપૂર્ણાનું સૌથી મોટું ભવ્ય મંદિર ‘કાશીવિશ્વનાથ મંદિર’ તરીકે ઓળખાય છે. ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લામાં અંબાસણ ગામમાં પણ માનું ભવ્ય મંદિર આવેલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter