માનવજીવનમાં ધર્મ-નીતિનો ઉજાસ પાથરતી શિક્ષાપત્રી

Wednesday 10th February 2016 07:37 EST
 
 

૧૮મી સદીનો સમય ભારતવર્ષના ઇતિહાસમાં અંધકાર યુગ તરીકે ઓળખાય છે. એ સમયે મોગલ સામ્રાજ્યના પાયા હચમચી ગયા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માધ્યમથી અંગ્રેજી હકૂમત ભારતમાં પાયા મજબૂત કરી રહી હતી. રાજકીય અસમંજસતાને કારણે ડાકુ, ચોર, લૂંટારાઓ, ઠગ, પીંઢારાઓના ત્રાસ વધ્યો હતો. વહેમો, વ્યસનો, અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય વિસ્તર્યું હતું. સતીપ્રથા, બાળકીને દૂધપીતી કરવા સહિતના કુરિવાજોએ સ્ત્રીઓની સ્થિતિ દયનીય બનાવી હતી. અસ્પૃશ્યતાના કારણે સમાજનો અમુક વર્ગ કલંકિત બન્યો હતો. આમ સામાજિક, આર્થિક, નૈતિક, ધાર્મિક, રાજકીય - એમ સર્વત્ર અંધકાર વ્યાપેલો હતો. આવા અંધકારયુગમાં પ્રગટ થઈ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી રૂપી દીપક પ્રગટાવી સર્વ ક્ષેત્રોનું નવનિર્માણ કરી ધર્મ અને નીતિના અજવાળાં પ્રસરાવ્યાં.
સંવત ૧૮૮૨ (ઇસવી સન ૧૮૨૬)ની મહાસુદ પંચમીના (આ વર્ષે ૧૨ ફેબ્રુઆરીના) પરમ પવિત્ર દિને ભગવાન સ્વામિનારાયણે સર્વજીવહિતાવહ શિક્ષાપત્રી રચીને સમાજને મહામૂલી ભેટ ધરી. સાધુ વિવેકસાગરદાસ ‘સ્વામિનારાયણીય અસ્મિતા’માં શિક્ષાપત્રીની વિશેષતા નોંધતાં લખે છે કે, ‘૩૨૪ શાસ્ત્રો અને ૩,૯૪૯ સંદર્ભોને સમાવી લેતી શિક્ષાપત્રીએ જાણે ગાગરમાં સાગરને સમાવી લીધો છે.’ ૨૧૨ સંસ્કૃત શ્લોકોમાં રચાયેલી આ શિક્ષાપત્રી આચારસંહિતાનો સાર સૂચવે છે. સૂત્રોની શૈલીમાં રચાયેલું શિક્ષાપત્રીરૂપી આ પદ્ય અદ્ભુત ધર્મશાસ્ત્ર છે. શિક્ષાપત્રીમાં સાધુ, રાજા, ગૃહસ્થ, આચાર્ય, સધવા-વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મો સહિત સદાચાર, શિષ્ટાચાર, શૌચ, સ્વચ્છતા, સાંપ્રદાયિક નિત્ય-નૈમિત્તિક કર્મો, સિદ્ધાંતોની છણાવટ કરાઇ છે.
ભગવાન સ્વામિનારાયણ શ્રીમુખે શિક્ષાપત્રીનો મહિમા સમજાવતાં કહે છે કે, ‘આ શિક્ષાપત્રી સર્વ જીવનું હિત કરનારી, પરમ કલ્યાણકારી છે. સર્વે મનુષ્યમાત્રને મનવાંછિત ફળ દેનારી છે.’ (શિક્ષાપત્રી શ્લોક નં. ૭, ૨૧૧, ૨૧૪) પોતાના ભક્તોને ઉત્તમ અર્થ સિદ્ધ કરાવવા માટે આ શિક્ષાપત્રીની રચના કરાઇ હોવાથી ભગવાન સ્વામિનારાયણ અભય વર આપતાં કહે છે કે, ‘જે કોઈ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે.’
શિક્ષાપત્રીની એક વિશેષતા એ છે કે તેમાં વ્યક્તિગત નિયમોની સાથે સાથે સામુહિક આચારસંહિતાને પણ આવરી લેવામાં આવી છે. સર્વ શાસ્ત્રોના સારરૂપ આ ગ્રંથ ત્રિકાલાબાધિત છે. તેમાં લખાયેલા સિદ્ધાંતો આજે બસ્સો વર્ષ પછી પણ એટલા જ પ્રસ્તૂત છે.
શિક્ષાપત્રીના શ્લોક ૧૮મા ભગવાન સ્વામિનારાયણ લખે છે, ‘અને અમારા આશ્રિત જે પુરુષ અને સ્ત્રીઓ તેણે વ્યભિચાર ન કરવો, જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ગાંજો, ભાંગ, મફર, તમાકુ આદિ કેફ કરનારી વસ્તુ તે ખાવી નહીં ને પીવી પણ નહીં.’ ભગવાન સ્વામિનારાયણની આ એક જ આજ્ઞા માનવજીવનમાં કેવું અભેદ્ય સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે! આજના યુગમાં જ્યારે ટી.વી., ઇન્ટરનેટ, ફિલ્મો અને પાર્ટી કલ્ચર જાતીયતાને ઉશ્કેરી રહ્યા છે ત્યારે વ્યભિચાર અને વ્યસનને સહજ રીતે જ પ્રોત્સાહન મળ્યું છે. બસ્સો વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે આપેલી આ આજ્ઞા અનેક વ્યાધિ સામે રક્ષણ પૂરું પાડી ઉત્તમ ચારિત્ર્યના પાઠો શીખવી રહી છે.
૧૮મી સદીમાં અન્ય દૂષણ હતું - માંસાહારનું. ભગવાન સ્વામિનારાયણે માંસાહાર સામે લાલબત્તી ધરીને શિક્ષાપત્રીના શ્લોક ૧૫માં માંસાહાર ન કરવાનો આદેશ આપ્યો. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દેવતાને ધરાવેલું પ્રસાદીભૂત માંસ હોય તો પણ તે ખાવું નહીં. અરે! આ માંસાહાર ન કરવાના આદેશની ઊંચાઈ તો એ છે કે જે ઔષધની અંદર દારૂ તથા માંસ હોય તે ઔષધ પણ ન લેવું.
શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે લોક અને શાસ્ત્રનિષિદ્ધ કરેલાં સ્થળોમાં મળમૂત્ર ન કરવાં કે થૂંકવું પણ નહીં એવો આદેશ આપી જાહેર મિલકતોની સ્વચ્છતા અને જાહેર આરોગ્ય પ્રત્યે જાગૃતિ આણી છે. સ્વચ્છતા અંગેના આ આદેશોમાં પ્રસિદ્ધ ગાંધીવાદી ચિંતક અને લેખિક કિશોરલાલ મશરૂવાળાને ભારતવર્ષના રોગો ટાળવાના ઉપાયનું દર્શન થયું હતું. (શિક્ષાપત્રી શ્લોક ૩૦થી ૩૨, ૫૦)
માનવીના સાંસારિક જીવનનું ચાલક બળે છે - અર્થવ્યવસ્થા. વૈશ્વિક મંદી, ધંધામાં અણધારી ખોટ, ગંભીર માંદગી, અકસ્માત કે પછી દુષ્કાળ જેવા કુદરતી પ્રકોપના સંજોગોમાં ઘણી વખત પાયમાલ થઈ જવાનો વારો આવે છે. ભગવાન સ્વામિનારાયણે ગૃહસ્થોને આવી અણધારી આફતથી ઉગારવા જરૂરિયાત મુજબના અન્ન અને ધનનો પૂરતો સંગ્રહ કરવાનો આદેશ આપ્યો છે. (શ્લોક ૧૪૧-૧૪૨)
એક તરફ ભગવાન સ્વામિનારાયણ આર્થિક આયોજન અને સલામતી અંગેનું માર્ગદર્શન આપે છે તો બીજી તરફ ભગવાન સ્વામિનારાયણ આશ્રિતોને ગરીબોની સેવા અને અતિથિ સત્કાર, વિદ્યાદાન તથા સુપાત્રને દાન આપવાની આજ્ઞા કરે છે. (શિક્ષાપત્રી શ્લોક ઃ ૮૩, ૧૩૨, ૧૩૮, ૧૫૬)
વળી, તેઓ ગૃહસ્થોને પોતાની આવકનો દશમો અથવા વીસમો ભાગ ભગવાનને અર્પણ કરવાનો આદેશ આપે છે. (શ્લોક ૧૪૭) પરંતુ સત્કાર્યને માટે વપરાતી લક્ષ્ણી પણ પવિત્ર અને નીતિપૂર્વક મેળવેલી હોવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ધર્મકાર્ય માટે પણ ચોરી ન કરવી. કાષ્ઠ અથવા પુષ્પ જેવી સાવ નાનકડી વસ્તુઓ પણ તેના માલિકને પૂછ્યા વિના લેવી નહીં. (શ્લોક ૧૭) તેઓ કહે છે કે ઘણુ ફળ મળતું હોય તો પણ ધર્મરહિત કાર્ય ન જ કરવું. (શ્લોક ૭૩) વળી, ચોરી, જુગાર તેમજ લાંચ વગેરે અનીતિ દ્વારા ધન મેળવવાનો ભગવાન સ્વામિનારાયણ નિષેધ કરે છે. (શ્લોક ૧૭,૧૮,૨૬)
માનવીના દૈનિક જીવનની નાનામાં નાની ક્રિયાઓથી માંડીને તેના આર્થિક વ્યવહારો ઉપરાંત સુખી સાંસારિક જીવનની તમામકુંચી મુમુક્ષુને શિક્ષાપત્રીમાંથી પ્રાપ્ત થાય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનની ભક્તિ સર્વ મનુષ્યે કરવી, તે ભક્તિ કરતા વિશેષ બીજું કલ્યાણકારી સાધન બીજું કાંઈ નથી. (શ્લોક ૧૧૩) શિક્ષાપત્રીના હાર્દ સમા શ્લોકમાં ભક્તિની શ્રેષ્ઠ રીતે સમજાવતા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ થખી વિલક્ષણ એવા પોતાના જીવાત્માને બ્રહ્મસ્વરૂપની ભાવના કરીને પરબ્રહ્મની ભક્તિ સદા કરવી. (શ્લોક ૧૧૬)
(સૌજન્યઃ બીએપીએસ સ્વામિનારાયણ મહિલા પ્રવૃત્તિના સામયિક ‘પ્રેમવતી’માં પ્રકાશિત લેખના અંશો)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter