રક્ષાબંધન એ ભાઈ-બહેનના પ્રેમનું, એકબીજા પ્રત્યેના સમર્પણ, સ્નેહ અને લાગણીઓનું પ્રતીક છે, રક્ષાબંધન (આ વર્ષે ૨૬ ઓગસ્ટ)ની પરંપરા શરૂ થવા કે ઊજવવા પાછળ અનેક કથાઓ જોડાયેલી છે. પૌરાણિક કાળથી લઈને આજના સમયમાં ભજવાતા રક્ષાબંધનનો હેતુ રક્ષાનો રહ્યો છે. રક્ષાબંધનને બળેવ અને નાળિયેરી પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે. દરિયાકાંઠે માછીમારો આ દિવસને દરિયાદેવને નાળિયેર અર્પણ કરીને દરિયો ખેડવાનો પ્રારંભ કરે છે.
રક્ષાબંધન દરેક ભાઈ-બહેન ઊજવે છે, પરંતુ તે શા માટે ઊજવવામાં આવે છે? તેની સાથે શું પરંપરાઓ જોડાયેલી છે? અને રક્ષાબંધન ઊજવણીની વિધિ શું છે તે જાણવું પણ જરૂરી છે. રાખડી એ ભાઈ-બહેનની રક્ષાનું કવચ હોય છે. બહેનની રાખડીરૂપી આશીર્વાદ હંમેશા ભાઈને સંકટમાં સલામત રાખે છે. જ્યારે બહેન પર સંકટના વાદળ ઘેરાય ત્યારે યથાસંભવ ભાઈ પણ તેની રક્ષા કરશે.
મહાભારત કાળમાં જ્યારે શ્રીકૃષ્ણ શિશુપાલનો સુદર્શન ચક્રથી વધ કરે છે ત્યારે તેમના હાથમાંથી લોહી નીકળે છે. આ સમયે એક પણ ક્ષણની રાહ જોયા વિના દ્રૌપદી પોતાની સાડીનો છેડો ફાડીને તેને શ્રીકૃષ્ણની આંગળીએ બાંધે છે. આ દિવસ શ્રાવણી પૂનમનો હતો. દ્રૌપદીનું આ ઋણ શ્રીકૃષ્ણે ચીરહરણ વેળા ચીર પૂરીને, તેની લાજ બચાવીને ઉતાર્યું હતું. આમ, રક્ષાબંધનમાં પરસ્પર એકબીજાની રક્ષા અને સહયોગની ભાવના પણ સંકળાયેલી છે.
જરાક ઈતિહાસ ફંફોસીએ તો જાણવા મળે છે કે ચિત્તોડનાં રાજમાતા કર્માવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલીને ભાઈ બનાવ્યો હતો અને જ્યારે બહાદુરશાહે ચિત્તોડ પર હુમલો કર્યો ત્યારે હુમાયુએ બહેન કર્માવતી અને ચિત્તોડનું રક્ષણ કર્યું હતું. બીજી એક કથા પ્રમાણે સિકંદરની પત્નીએ તેના પતિ હિન્દુ શત્રુ પુરુવાસને રાખડી બાંધીને તેના પતિને ન મારવાનું વચન લીધું હતું અને પુરુવાસે બહેને બાંધેલા રક્ષાસૂત્રનું સન્માન કરતાં સિકંદરને જીવતદાન આપ્યું હતું, તેથી જ ભાઈ-બહેનનું આ પવિત્ર પર્વ ભારતભરમાં વિવિધ ધર્મના લોકો ઊજવે છે.
રક્ષાબંધનની પૌરાણિક કથા
વામન સ્કંધ અને પદ્મપુરાણમાં વર્ણિત એક કથા પ્રમાણે રક્ષાબંધનનું પર્વ લક્ષ્મીજીના દાનવરાજ બલિને રાખડી બાંધવા સાથે જોડાયેલું છે. એક વાર દાનવોના રાજા બલિએ એકસો યજ્ઞ પુરા કર્યા પછી સ્વર્ગપ્રાપ્તિની ઈચ્છા રાખી. રાજા બલિની આ મહેચ્છા જાણીને ઈન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું. તેથી ગભરાઈને ઈન્દ્ર ભગવાન વિષ્ણુની શરણમાં ગયા. ઈન્દ્રની પ્રાર્થના અને બલિના વધતા પ્રભાવનું શમન કરવા માટે વિષ્ણુ ભગવાન વામન અવતાર ધારણ કરીને જ્યાં બલિનો યજ્ઞ ચાલતો હતો ત્યાં ભિક્ષા માગવા માટે પહોંચી જાય છે.
બ્રાહ્મણ બનેલા વિષ્ણુ ભગવાનને બલિ પોતાના ગુરુ શુક્રાચાર્યની અવગણના કરીને ત્રણ ડગલા માગેલી ભૂમિનું દાન આપવા તૈયાર થઈ જાય છે. વામન રૂપમાં ભગવાન એક ડગમાં સ્વર્ગ, બીજામાં પૃથ્વી આવરી લીધી, તેથી બલિ માટે સંકટ ઊભું થયું. આ સ્થિતિમાંય બલિ પોતાનું વચન ન નિભાવે તો અધર્મ થશે તેમ વિચારીને વામન ભગવાન આગળ પોતાનું શીશ ધરી દે છે. ભગવાને ત્રીજો પગ રાજા બલિના માથા પર મૂક્યો અને તરત જ તે પાતાળલોકમાં પહોંચી ગયો.
બલિ દ્વારા કપરી સ્થિતિમાં પણ વચનનું પાલન કરવા બદલ ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા, તેથી ભગવાને તેને વરદાન માગવા કહ્યું. બલિએ વરદાનમાં ભગવાન દિવસ-રાત તેમની સામે જ રહે તેવું વચન માગ્યુ. શ્રી વિષ્ણુ વરદાનના આ પાલન માટે રાજા બલિના દ્વારપાળ બની ગયા. ભગવાન વિષ્ણુ લાંબા સમય સુધી વૈકુંઠમાં પાછા ન ફરતાં લક્ષ્મીજી વિહ્વળ બની ગયાં ત્યારે નારદજીએ લક્ષ્મીજીને એક ઉપાય સૂચવ્યો. તે પ્રમાણે લક્ષ્મીજી રાજા બલિ પાસે ગયાં અને તેને રાખડી બાંધીને પોતાનો ભાઈ બનાવ્યો. બલિએ તેના બદલામાં ભેટ માગવાનું કહેતાં લક્ષ્મીજીએ દ્વારપાળ બનેલા ભગવાન વિષ્ણુને માગ્યા. આ રીતે લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને પાતાળલોકમાંથી છોડાવી લાવ્યાં. આ દિવસ શ્રાવણ માસની પૂર્ણિમા હતી, તેથી આ દિવસથી રક્ષાબંધનનું પર્વ ઊજવવાની પરંપરા શરૂ થઈ.
અન્ય એક કથાનું વર્ણન ભવિષ્ય પુરાણમાં છે. તે અનુસાર એક વાર દેવ-દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. દાનવોનું પલ્લું ભારે થવા લાગ્યું. આ જોઈને ઇન્દ્રદેવ ગભરાઈને દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયા. બૃહસ્પતિએ ઇન્દ્રાણીને રેશમનો દોરો મંત્રોની પવિત્ર શક્તિથી પવિત્ર કરીને પોતાના પતિના હાથ પર બાંધવા માટે કહ્યું. ઇન્દ્રાણીએ દેવરાજ ઇન્દ્ર સહિત દેવતાઓને આ રીતે રાખડી બાંધી. તેના પ્રતાપે દેવતાઓનો યુદ્ધમાં વિજય થયો. જે દિવસે આ કાર્ય થયું તે પવિત્ર શ્રાવણ પૂર્ણિમાનો દિવસ હતો. ત્યારથી રાખડી બાંધવાની પરંપરા ચાલુ થઈ હોવાનું પણ મનાય છે.
રાખડી બાંધવાની શાસ્ત્રોક્ત વિધિ
રક્ષાબંધનના દિવસે પ્રાતઃ કાળે સ્નાનાદિકાર્યથી નિવૃત્ત થઈને ભાઈ અને બહેને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવાં જોઈએ. ત્યારબાદ બહેને ઇષ્ટદેવની પૂજા કરવી અને રાખડીની પૂજા કરવી. પૂજન કરતી વખતે પિતૃઓને યાદ કરવા અને પોતાના વડીલોના આશીર્વાદ મેળવવા.
રાખડી સ્વરૂપે તમે કોઈ રંગીન સૂતરનો કે રેશમી દોરો પણ લઈ શકો છો. દોરામાં સુવર્ણ કે ધન, કેસર, ચંદન, અક્ષત અને દૂર્વા મૂકીને તેની પૂજા કરવી. સંપૂર્ણ ધ્યાન પૂજામાં જ રાખવું.
પૂજન કરી રહ્યા પછી રાખડીની થાળી સજાવવી. થાળીમાં રાખડીની સાથે કંકુ, હળદર, અક્ષત, દીવો, અગરબત્તી, મીઠાઈ અને થોડા પૈસા રાખવા. આટલું કર્યા પછી ભાઈને બેસવા માટે યોગ્ય સ્થાન આપવું. હવે ભાઈના કપાળે કંકુ-હળદરથી તિલક કરવું ત્યારબાદ અક્ષતથી તિલક કરવું અને થોડા માથા પર નાખવા. ભાઈની આરતી ઉતારવી અને જમણા હાથના કાંડા પર રાખડી બાંધવી. પોતાના હાથે મીઠાઈ ખવડાવવી અને થાળીમાં રાખેલ પૈસા ભાઈના માથા પરથી વાળીને ગરીબોને વહેંચી દેવા.
રાખડી બાંધતી વખતે બહેને નીચેનો મંત્ર બોલવો શુભ માનવામાં આવે છે. તેનાથી ભાઈના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.
યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલઃ ।
તેન ત્મામનુબધ્નામિ, રક્ષે મા ચલ મા ચલ ।।
અર્થાત્ જે રક્ષાના દોરાથી મહાન શક્તિશાળી દાનવોના રાજા બલિને બાંધવામાં આવ્યો હતો, તે જ રક્ષાબંધનથી હું તને આ દોરો બાંધું છું. જે તારી રક્ષા કરશે.
રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધ્યા પછી જ ભોજન કરે છે. ભારતના અન્ય તહેવારોની જેમ આ તહેવાર પર પણ ભેટ અને પકવાનોનું વિશેષ મહત્ત્વ છે. પકવાનોમાં ઘેવર, શક્કરપારા, હલવો, ખીર, પૂરી વગેરે હોય છે. રક્ષાબંધનના દિવસે પુરોહિત તથા આચાર્ય વહેલી સવારે પોતાના યજમાનોના ઘરે પહોંચીને તેમને રાખડી બાંધે છે અને બદલામાં ધન, વસ્ત્ર, દક્ષિણા સ્વીકારે છે.