ભારતભરમાં ભાઈ-બહેનની પ્રીતના પ્રતીકસમા મુખ્ય બે પર્વ ઊજવાય છે - એક છે રક્ષાબંધન અને બીજું છે ભાઇબીજ. શ્રાવણી પૂર્ણિમાએ આવતો રક્ષાબંધન (આ વર્ષે ૩ ઓગસ્ટ)નો તહેવાર અનેરું મહત્ત્વ ધરાવે છે. આ દિવસે બહેન ભાઇના હાથે રાખડી બાંધે છે. ભાઇ-બહેનની પ્રીતનું પવિત્ર મિલન એટલે પરાક્રમ, પ્રેમ તથા સાહસ અને સંયમનો સહયોગ.
ભારતીય સંસ્કૃતિ તેમજ તેના પ્રવર્તક ઋષિઓએ આ સંબંધની નિઃસ્પૃહતા અને પવિત્રતાનું મહિમાગાન કર્યું છે. ભારતીય સંસ્કૃતિ એટલે માનવજીવનની મહાનતાનાં દર્શન કરાવનારી સંસ્કૃતિ. સ્ત્રીને ભોગદાસી ન સમજતાં તેનું પૂજન કરનારી સંસ્કૃતિ! પોતાને સુધારકમાં ખપાવવાના નાદમાં સ્ત્રી સમાનતાની પોકળ ભાષા બોલનારાઓને નમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે ભારતની સંસ્કૃતિએ તો સ્ત્રીનું પૂજન કર્યું છે. ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ!’ જ્યાં સ્ત્રી પૂજાય છે, તેનું માન સચવાય છે ત્યાં દેવો રમે છે. ત્યાં દેવોનો વાસ હોય છે એવું ભગવાન મનુનું વચન છે. સ્ત્રી સમાજ તરફ ભોગની દૃષ્ટિથી ન જોતાં પવિત્ર દૃષ્ટિથી માન ભાવનાથી જોવાનો આદેશ આપનારી ભારતીય સંસ્કૃતિ છે.
ભાઇને રાખડી બાંધતાં પહેલાં બહેન તેના મસ્તક પર તિલક કરે છે. આ કેવળ ભાઇના મસ્તકની પૂજા નથી પણ ભાઈના વિચારો અને બુદ્ધિ પરના વિશ્વાસનું દર્શન છે. બહેન જ્યારે ભાઇના કપાળે કુમકુમ તિલક કરે છે ત્યારે સામાન્ય લાગતી એ ક્રિયામાં દૃષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયા સમાયેલી હોય છે. સામાન્ય દૃષ્ટિથી જગતને જોતી રહેતી બે આંખો ઉપરાંત ભોગને ભૂલીને ભાવદૃષ્ટિથી જગતને જોવા માટે જાણે કે ત્રીજી એક પવિત્ર આંખ આપીને બહેને પોતાના ભાઈને ત્રિલોચન બનાવ્યો હોય એવો સંકેત આ ક્રિયામાં દેખાય છે. ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડીને કામને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઇનું ત્રીજું નેત્ર - બુદ્ધિનું લોચન ખોલી તેને વિકાર - વાસના ઇત્યાદિને ભસ્મ કરવાનું સૂચવતી હોય છે.
બહેનની આંખો ભાઇ ઉપર હંમેશાં અમીવર્ષા વર્ષાવતી હોય છે. એની વાણી દિલમાં રહેલા કામનાના અંધકારને ઉલેચી ભાઇને કર્તવ્યની કડી એ આગળ વધતો કરી મૂકે છે. રક્ષાબંધનના દિવસે પ્રત્યેક બહેન હર્ષઘેલી બનીને ભાઇનું મુખ મીઠું કરાવે છે. ભાઇના હાથે રાખડી બાંધવી એ બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં બહેનના હૃદયનો નિર્વ્યાજ પ્રેમ ભરેલો હોય છે. રક્ષાનું બંધન જીવનમાં ઉપયોગી એવાં અનેક બંધનોની રક્ષા કરે છે. લોખંડની મજબૂત બેડીને તોડવા સમર્થ એવો ભાઇ બહેને બાંધેલી એ નાનકડી રક્ષાના બંધનને તોડી શકતો નથી તેમ જ એની મર્યાદાને ઉલંઘી શકતો નથી.
રક્ષા એ કેવળ સુતરનો દોરો નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમ જ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું પવિત્ર બંધન છે. ભાઇના હાથે રક્ષા બાંધીને બહેન તેની પાસેથી કેવળ પોતાનું રક્ષણ ઇચ્છે છે, એટલું જ નહીં પરંતુ સમસ્ત સ્ત્રી જાતને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ઇચ્છા રાખે છે. સાથે સાથે બાહ્ય-શત્રુઓ અને આંતર્વિકારો ઉપર પોતાનો ભાઇ વિજય મેળવે કાં તો તેમનાથી સુરક્ષિત રહે એ ભાવના પણ એમાં સમાયેલી છે.
વેદોમાં દેવાસુર સંગ્રામમાં દેવોના વિજય નિમિત્તે ઇન્દ્રાણીએ હિંમત હારી ગયેલા ઇન્દ્રના હાથમાં રક્ષા બાંધી હતી તેવો ઉલ્લેખ છે. અભિમન્યુની રક્ષા ઇચ્છતી કુંતા માતાએ તેને રાખડી બાંધી હતી. જ્યારે પોતાના રક્ષણ માટે રાણી કર્મવતીએ હુમાયુને રાખડી મોકલી હતી. આ રીતે રક્ષામાં ઉભયપક્ષના રક્ષણના ભાવના સમાયેલી છે.
પરંતુ આટલી જ તેની મર્યાદા નથી. રક્ષા-બંધન એ તો બંધન-રક્ષાનું સ્મારક છે. બંધન-રક્ષા એટલે ધ્યેય રક્ષા, જેણે જીવનમાં કંઈક બંધન માન્ય કર્યું છે. જે જીવનમાં કોઈક ધ્યેય સાથે બંધાઈ ગયો છે તે જ જીવન વિકાસ કરી શકે છે. રાખડી બાંધતી વખતે બહેન ભાઈને બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવાનું સૂચવે છે.
રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે ભાઇ બહેનને કહે છે, ‘તારી રક્ષા કાજે જરૂર પડે તો સર્વસ્વ આપવાની મારી તૈયારી છે.’ અને તે સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતીકરૂપે બહેનને રૂપિયો આપે છે. પરંતુ આજે તેમાંનો ભાવ ખોવાઈ ગયો છે અને માત્ર વ્યવહાર રહ્યો છે. વાસ્તવમાં રક્ષાબંધન એ ભાઈ-બહેન પ્રત્યે નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતીક છે. બહેને સેવેલી શુભેચ્છાઓ ભાઇને તેના જીવનપથ ઉપર આગળ વધવામાં પ્રેરક અને પોષક બને છે. જરૂર તો છે સમાજમાં સ્ત્રી તરફ જોનારી વિકારી દૃષ્ટિ બદલવાની. મારી સગી બહેન મને રક્ષા બાંધે તેના કરતાં મારી સમવયસ્ક બીજી કોઈ પણ બહેન મને રક્ષા બાંધે એમાં તો શીલબુદ્ધિની પરાકાષ્ઠા છે.
ટૂંકમાં, રક્ષાબંધન એટલે ભાઇએ લીધેલી બહેનના રક્ષણની જવાબદારી. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનની પ્રીતનું પવિત્ર મિલન. રક્ષાબંધન એટલે સ્ત્રી તરફ જોવાની દૃષ્ટિ બદલાવવી. ભાઇ અને બહેન પરસ્પર પ્રેરક, પોષક અને પૂરક છે - એ સંદેશો આપનાર આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય દેન છે.