‘તમે કેટલાં ભાઈ-બહેન?’ એક સમયમાં આવો સવાલ પુછાતો હતો. હવેની પેઢીને આ વાત વિચિત્ર લાગે છે. હવે સવાલ કદાચ આમ જ હોય, ‘તારે ભાઈ છે કે બહેન છે?’ બે સંતાનના આજના જમાનામાં કાં બહેન હોય કાં ભાઈ હોય એવું બનવું સ્વાભાવિક છે. એથીયે આગળ, સિંગલ ચાઈલ્ડ પ્રિફર કરતાં કુટુંબમાં બાળકને પોતાનાં ભાઈ કે બહેનના પ્રેમની વિભાવના સમજાવી જ મુશ્કેલ. આજે અવનવા દિવસો ઊજવવાની પ્રથા ફૂલતીફાલતી જાય છે ત્યારે રક્ષાબંધનનો દિવસ એ ભારતીય સંસ્કૃતિનું સાવ અનોખું નજરાણું છે. બહેન ભાઈના હાથે રાખડી બાંધીને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે અને સામા પક્ષે ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે. આવી પરંપરાનો વિશ્વમાં જોટો જડવો મુશ્કેલ છે. બહેન ભાઈના હાથે એક સાદો સુતરનો દોરો બાંધે કે પછી સોના-ચાંદી-હીરાની રાખડી બાંધે એવી જ રીતે ભાઈ બહેનને ભેટમાં નાનકડી કોઈ ચીજ આપે કે પછી કિંમતી ઝવેરાત. આ બધો તો આચાર છે. મૂળમાં ભાઈ-બહેનની એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરવાની અને મંગલકામના કરવાની ભાવનાનું જ મહત્ત્વ છે.
રક્ષાબંધનના દિવસે વહેલી સવારથી રેડિયો પર ‘ભૈયા મેરે, રાખી કે બંધન કો નિભાના, ભૈયા મેરે, છોટી બહેન કો ના ભુલાના...’ જેવા ભાઈ-બહેનના સ્નેહના ગીતો ગુંજતા હોય અને ઘરમાં ઉત્સવનું વાતાવરણ સર્જાતું હોય એ એક સમય હતો. ગીતો હજુયે વાગે છે, પણ હવે આ ઉત્સવના વાતાવરણમાં થોડી ઓછપ અનુભવાય છે. જેમ લગ્નમાં કોઈને વિધિનું હાર્દ સમજવામાં રસ નથી હોતો - બધું યાંત્રિક થતું જાય છે એમ રક્ષાબંધનમાં પણ ક્યાંક આ તત્ત્વ પ્રવેશતું જાય છે.
બહેન સાસરે હોય અને એને કંઈ મુસીબત હોય ત્યારે ભાઈનું હૃદય બહેનની વહારે ધાવા ખળભળી ઊઠતું. આ સામાજિક સ્થિતિ અમુક અંશે બદલાઈ છે. ભણેલીગણેલી, પગભર બહેનો પોતાની મુસીબતનો હલ જાતે લાવતી હોય છે. સ્ત્રીઓ અમુક અંશે સ્વનિર્ભર થઈ છે ખરું, પણ તોય માણસ માત્રને હૂંફની જરૂર સદાયે રહે છે અને ક્યારેક પતિને જાણ ન કરી શકાય એવી અકળામણ ભાઈ પાસે ઠાલવી શકાય છે. પોતાનું લોહી હંમેશાં સાદ પાડે જ છે. આમ બહેનના જીવનમાં ભાઈનું મહત્ત્વ હંમેશાં અનોખું જ હોય છે.
નવી પેઢી ‘દાપુ’ શબ્દથી અજાણ હોય. દાપું એટલે ભેટ. બહેન પરણે ત્યારથી માંડીને જીવે ત્યાં સુધી ભાઈ પાસેથી લેવાનો એનો હક્ક રહેતો અને તમામ સારા-માઠા પ્રસંગોએ બહેનને કંઈક આપવાની ભાઈની ફરજ હતી. આ પરંપરા હજીયે સલામત છે, પણ બહેનને આપવું એટલે પૈસા ખર્ચીને સંતોષ માની લેવો એવું નહીં, પણ બહેનને ખુશ રાખવી અને એની ખુશી માટે સદાયે જાગૃત રહેવું એ ભાવના આ પ્રથા પાછળ છે. પહેલાં પિતાના વારસામાં દીકરીનો ભાગ નહોતો એટલે આડકતરી રીતે પણ પિતાના ઘરેથી દીકરીને કંઈક મળ્યા જ કરે એવી વ્યવસ્થા સમાજમાં હતી. કેટલી સમજણ છે આ પ્રથા પાછળ! દીકરીને પરણાવે ત્યારે આણું આપવાથી માંડીને એના ઘરે સારો પ્રસંગ હોય કે માઠા દિવસ હોય એ હંમેશાં કંઈક મેળવવાનો હક ધરાવતી. આપણા રિવાજો પાછળ આપણા કૌટુંબિક સંબંધોને મજબૂત કરવાની દષ્ટિ છે!
બાળકોને સમજાવો આ પર્વનો મહિમા
પોતપોતાના વ્યવસાયમાં વ્યસ્ત રહેતાં મમ્મી-પપ્પાઓએ થોડોક સમય ફાળવીને પોતાના નાનકડા દીકરાને જરૂર સમજાવવું જોઈએ કે ટચૂકડી બહેન એને રાખડી શા માટે બાંધે છે? સંતાનોને ભાવનાત્મક રીતે જોડતાં અને ભાવનાને વધુ મજબૂત બનાવતા આવા તહેવારોનો સાચો મહિમા એમને સમજાવવો જોઈએ.