આપણા ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોમાં માગશર સુદ 11 (આ વર્ષે 11 ડિસેમ્બર)નો શુભ દિવસ ‘ગીતાજયંતી’નો છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણનું વચન છે ‘માસાનામ્ માર્ગશીર્ષોડહમ્’ અર્થાત્ ‘મહિનાઓમાં હું શ્રેષ્ઠ મહિનો માર્ગશીર્ષ છું. આ આ મહિનામાં મોક્ષદા એકાદશીને દિવસે ગીતા માતાનું સ્મરણ થવું સ્વાભાવિક છે. ગીતા જ્યારે પ્રથમ ગવાઈ ત્યારે વર્ષની શરૂઆત - પ્રાચીન કાળમાં - માગશર મહિનાથી થતી હતી. આ દિવસે ગીતા પાઠ સાથે શ્રીકૃષ્ણની વિભૂતિ વિશે પણ વિવેચન થાય.
કુરુક્ષેત્રની રણભૂમિ પર પાંડવો તથા કૌરવોનાં બન્ને સૈન્યો લડવા સજ્જ થયા છે. પાંડવપક્ષના વીર અર્જુનને શંકા જાગી કે ‘લડવામાં પુણ્ય છે કે પાપ? સગાં-વ્હાલાંને મારીને રાજ્ય કરવું એ યોગ્ય છે કે રાજ્યનો ત્યાગ કરી સન્યાસ લઈએ એ યોગ્ય છે?’ શ્રીકૃષ્ણ ભગવાન પોતે અર્જુનના સારથિ તરીકે રથમાં બેઠા હતા, અર્જુન તેમના શરણે ગયો. જેના પર આખી લડાઈનો મદાર હતો તે જ છેલ્લી ઘડીએ ગાત્રો ઢીલાં કરે અને શસ્ત્રો મૂકીને ન લડવાનું કહે એવા અર્જુનને શ્રીકૃષ્ણે ધર્મનું રહસ્ય સમજાવ્યું. એ સંવાદ મહાભારતમાં 18 અધ્યાયમાં અને 700 શ્લોકમાં વર્ણવેલો છે. હિંદુ ધર્મનાં બધા તત્વો તેમાં આવી જાય છે.
‘ભગવદ્ ગીતા’ હિંદુ ધર્મનો અજોડ ધર્મગ્રંથ ગણાય છે. વેદવ્યાસે કૃષ્ણ-અર્જુનનો સંવાદ મનુષ્યમાત્રના હૃદયમાં વાસનારૂપી પ્રબળ શત્રુ સામે જે સનાતન યુદ્ધ ચાલે છે, તેમાં માણસે નિરહંકાર થઈ કેવી રીતે લડવું તે ધર્મરહસ્ય બતાવેલું છે. ધર્મસંકટમાં મનુષ્યનું કર્તવ્ય શું છે? કયો રસ્તો લેવો, શું કરવાથી મનુષ્ય કર્મ કરવા છતાં નિરાળો રહી શકે તેની ચર્ચા કરેલી છે. વ્યક્તિ અને સમાજજીવનનું રહસ્ય આધ્યાત્મિક દૃષ્ટિએ કરેલ છે.
આપણા શાસ્ત્રોમાં ગીતાને ઉપનિષદોનું શ્રીકૃષ્ણે દોહેલું દૂધ કહેલું છે. કર્મ, જ્ઞાન અને ભક્તિ તથા સાંખ્ય અને યોગ વગેરે બધા માર્ગોનાં મૂળ તત્વોની ચર્ચા કરી અર્જુન જેવા ક્ષત્રિયનું કર્તવ્ય શું છે તેને શ્રીકૃષ્ણે બતાવ્યું છે. તે સિવાય શ્રીકૃષ્ણે પોતાનું કાળસ્વરૂપ અને વિશ્વસ્વરૂપ અર્જુન આગળ પ્રગટ કરીને ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળની એકત્ર કરેલ ઈતિહાસની મૂર્તિ, જેને આપણે ભાવિ કે અદૃષ્ટ કહીએ છીએ તે ઈશ્વરની દૃષ્ટિએ વર્તમાન અને જ્ઞાત છે એમ અર્જુનને બતાવી દીધું. તેમ છતાં ‘તારી ઈચ્છા હોય તો યુદ્ધ કર...’ એમ કહી તેના સ્વાતંત્ર્યનું ભાન કરાવ્યું. તેની સંશયવૃત્તિનો છેદ કરીને શ્રદ્ધા જન્માવે છે.
ભગવદ્ ગીતા રણભૂમિમાં અપાયેલો તત્વબોધ છે. ધનુષ્ય ટંકારો અને રણવાદ્યોના ગંભીર ધ્વનિમાં એક દિવ્ય-ગીત ગવાયું. ‘ધર્મવીર’ જય-પરાજય, સુખ-દુઃખથી દબાઈ ન જાય, ઈંદ્રિયોની લાલચમાં ફસાય નહીં, આસક્ત ન બને, લાભ-હાનિથી લલચાય નહીં, મનમાં દ્વેષભાવ ન હોય, પાપ - અનાચાર - અત્યાચાર - દુરાચાર - વાસનારૂપી શત્રુઓનો અસહકારથી છેદ કરીને અવિચળ પદ પ્રાપ્ત કરે, આ યુદ્ધની દીક્ષા લેનાર ધર્મયુદ્ધનો ઈન્કાર ન કરે. ઈન્કાર કરવાથી સ્વધર્મ અને કીર્તિ બંનેનો નાશ થાય છે.
ધર્મયુદ્ધમાં ગુમાવવાપણું કશું જ નથી. જીત્યા તો ય ધર્મનો વિજય છે અને હણાયા તો ય ધર્મનો જ વિજય છે. અને એમ કરતાં મૃત્યુ આવે તોયે શું! એક જન્મ પછી બીજો જન્મ આવવાનો જ છે. આ ભવમાં સારું કાર્ય કર્યું હોય અને વીરનું મરણ મેળવ્યું હોય તો નવો જન્મ કંઈક સારો હશે જ. ઈશ્વરનું સ્મરણ કાયમ રાખીને લડવાનું છે. આપણે એના હાથમાં નિમિત્તમાત્ર રમકડાં છીએ. લોકોનું જીવન-મરણ, કલ્યાણ-અકલ્યાણ પરમાત્માના હાથમાં છે.
ગીતાકારે રણભૂમિ પર બંધુત્વના સિદ્ધાંતો, નિર્વેર વૃત્તિનો, પોતાનું અને પારકું ભૂલી જવાનો, પ્રાણીમાત્ર પ્રત્યે આત્મીયતાનો સંબંધ સ્થાપિત કરવાનો ઉપદેશ વીર અર્જુનને આપ્યો.
‘યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત,
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્’
અર્થાત્ - ‘હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય અને અધર્મનું અભ્યુત્થાન થાય ત્યારે ભગવાન પોતે અવતાર ધારણ કરે છે.’
આજે વિશ્વમાં જ્યાં જ્યાં હિંસાની હોળી સળગે છે, અને પરસ્પર દ્વૈષ જીવનને કલુષિત કરે છે, ત્યાં ત્યાં ગીતાનો આ ગૂઢ સંદેશ માનવતાની રક્ષા અને ઉત્કર્ષણનો સંજીવન મંત્ર છે. (મોકલનારઃ ચંદ્રકલાબહેન નારણભાઇ પટેલ, હેરો)